Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 ઇંચ વરસાદ ખાબકતા સુરત જળબંબાકાર:ત્રણ મહિના પહેલા ત્રણ કરોડમાં બનેલો 400 મીટરનો રોડ બેસી ગયો, પૂરાણ કરવા આવેલી ટ્રક જ ખૂંપી ગઈ

    एक दिन पहले

    સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી જ વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ અને સવારે 6:00 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ મળી કુલ 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ તોફાની વરસાદમાં સૌથી વધુ નુકસાન ભારે પવને કર્યું છે, જેના કારણે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર આજે એક ચોંકાવનારી અને તંત્રની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. અહીં થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ લાઇન નાખ્યા બાદ રોડના રિપેરીંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીને કારણે આજે 3 મહિના પહેલાં 3 કરોડમાં બનેલો 400 મીટરનો રસ્તો બેસી ગયો હતો. રસ્તા પર એક-બે નહીં પરંતુ આખેઆખી કાર સમાઈ જાય એવડા મોટા 4 થી 5 ભયાનક ભુવાઓ પડી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના દરમિયાન એક ચાલુ કાર અને ત્યારબાદ ભુવો પૂરવા માટે મટીરીયલ લઈને આવેલી પાલિકાની ટ્રક જ આ ભુવામાં ફસાઈ જતાં તંત્રની ભ્રષ્ટ અને લોલમલોલ કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. ચાલતી કાર રસ્તામાં ખૂંપી ગઈ મળતી વિગતો અનુસાર, રોજની જેમ મોટા વરાછા હેવન રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર ચાલુ હતી. આ દરમિયાન એક પરિવાર પોતાની કાર લઈને આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. કાર હજુ રસ્તા પરથી પસાર થઈ જ રહી હતી કે અચાનક એક સાથે રસ્તો બેસી જતા કારના આગળના બંને ટાયર રસ્તામાં ખૂંપી ગયા હતા. કાર ચાલકે સમયસૂચકતા વાપરીને બ્રેક મારી દીધી હતી અને કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર કૂદી ગયા હતા. જેના કારણે જાનહાનિ ટળી હતી. જો કારની સ્પીડ વધારે હોત અથવા કોઈ ટૂ-વ્હીલર ચાલક સાર થઈ રહ્યો હોત તો જીવલેણ અકસ્માત સર્જાઈ શક્યો હોત. 3 મહિના પહેલાં 3 કરોડમાં બનેલો રોડ બેસી ગયો કાર ફસાયા બાદ જ્યારે સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર માત્ર એક જ જગ્યાએ નહી, અઢીથી ત્રણ મહિના પહેલાં જ અંદાજે 3 કરોડના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ લાઇનસર આખેઆખો 400 મીટરનો રોડ સંપૂર્ણપણે નીચે બેસી ગયો છે. આ આખા પટ્ટામાં નાના-મોટા 4 થી 5 ભુવાઓ પડી ગયા હતા. રસ્તાની નીચેથી માટી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હોવાનું અને માત્ર ઉપરના ડામરના પાતળા સ્તર પર જ આખો રોડ ટકેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ભુવો પૂરવા આવેલી ટ્રક જ ભુવામાં ખાબકી! આ ઘટનાની જાણ વાયુવેગે આખા શહેરમાં ફેલાઈ જતાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. ભીનું સંકેલવા અને રસ્તાનું સમારકામ કરવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કપચી અને મટીરીયલ ભરેલી એક મોટી ટ્રક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીની હદ તો ત્યારે થઈ જ્યારે આ ભુવો પૂરવા માટે આવેલી ટ્રક જેવી રસ્તા પર આગળ વધી, કે નબળા રોડના કારણે વધુ એક મોટો ભુવો પડ્યો અને આખી ટ્રક પાછળના ભાગેથી એ ભુવામાં ધસી પડી. ભુવો પૂરવા આવેલું સરકારી વાહન જ ભ્રષ્ટાચારના એ જ ભુવામાં ફસાઈ જતાં પાલિકાની કામગીરી હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તંત્રની આ ફજેતીનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, જે સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાએ યુદ્ધના ધોરણે રસ્તો બંધ કરી જેસીબી મોકલ્યા લોકોનો આક્રોશ જોતાં સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ સહિતના ઉચ્ચ એન્જિનિયરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ 400 મીટરના આખા જોખમી રસ્તાને વહેલી તકે બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ (ડાયવર્ટ) કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ પોલીસ અને પાલિકાના માણસો તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ, ભુવામાં ફસાયેલી કાર અને ટ્રકને બહાર કાઢવા તેમજ રસ્તાના તાત્કાલિક સમારકામ માટે ક્રેન અને જેસીબી (JCB) સહિતની ભારે મશીનરીઓ ઘટનાસ્થળે મોકલીને યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સુરત પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓના લીરેલીરા ઉડાડી દીધા છે. ચોમાસું હજુ બરાબર જામ્યું પણ નથી ત્યાં જો સ્માર્ટ સિટીના પોશ ગણાતા મોટા વરાછા વિસ્તારના રસ્તાઓની આ હાલત થતી હોય, તો ભારે વરસાદમાં સુરતની જનતાનું શું થશે? પહેલો વરસાદ પડ્યો ત્યારે સુરતમાં બે બીઆરટીએસ બસ ફસાઈ હતી અને સુરતના મેરે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને 48 કલાકમાં રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું ત્યારે આજે આખો રોડ બેસી ગયો ત્યારે હવે મેયર કેવા પ્રકારના પગલાં લેશે? આપ નેતા મહેશભાઈ અણઘણે જણાવ્યું કે, અઢીથી ત્રણ મહિના પહેલાં જ અંદાજે 3 કરોડના ખર્ચે આ આખો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, જેની નીચે સ્ટ્રોમ વોટર નેટવર્ક પણ નાખવામાં આવ્યું છે. જોકે, સ્ટ્રોમ નેટવર્કની કામગીરી દરમિયાન લાઈન નાખ્યા બાદ જે જરૂરી વોટરિંગ (પાણી છાંટવાની પ્રક્રિયા) થવી જોઈએ તે કરી નહોતી અને વોટરિંગ કર્યા વિના જ તેનું સર્ટિફિકેટ આપી દેવાયું હતું. ત્યારબાદ રોડ કોન્ટ્રાક્ટરે પણ યોગ્ય ચકાસણી વિના ઉપર રોડ બનાવવાનું કામ પૂરું કરી દીધું. સ્ટ્રોમ નેટવર્ક અને રોડ કોન્ટ્રાક્ટર બંનેની ગંભીર બેદરકારીના કારણે માત્ર ટૂંકા સમયમાં જ આશરે 500 મીટર જેટલો રોડ બેસી ગયો અને પ્રજાના ટેક્સના ₹3 કરોડ રૂપિયા વેડફાઈ ગયા છે. ભારે પવન આફત બન્યો, 10થી વધુ વૃક્ષો જમીનદોસ્ત, વાહનો દબાયા વરસાદની સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં 10થી વધુ મોટા અને વર્ષો જૂના વૃક્ષો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વિશાળકાય વૃક્ષો ચાલુ રસ્તા પર પડતા રોડ બ્લોક થઈ ગયા હતા, તો વળી કેટલીક જગ્યાએ રસ્તા કિનારે પાર્ક કરેલી કાર અને બાઈક પર વૃક્ષો પડતાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વહેલી સવારે વ્યસ્ત રસ્તાઓ પર જ વૃક્ષો પડવાના કારણે ટ્રાફિક જામની વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. ફાયર બ્રિગેડ કટર અને ક્રેન સાથે ટીમો સતત દોડતી રહી શહેરમાં એકસાથે ૧૦થી વધુ સ્થળોએ વૃક્ષો પડવાના કોલ મળતા જ સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો અને ફાયર જવાનોની અલગ-અલગ ટીમો રાતથી જ સતત દોડતી રહી હતી. રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકી ન પડે તે માટે ફાયર વિભાગના જવાનોએ ધોધમાર વરસાદમાં પણ કટર મશીન વડે વૃક્ષોની ડાળીઓ કાપીને રસ્તા સાફ કર્યા હતા. જ્યાં મોટા વૃક્ષો હતા ત્યાં ક્રેનની મદદ લેવામાં આવી હતી. વેસુ અને પર્વત ગામ: કેમ્પસમાં પાણી ભરાયા, સ્કૂલના બાળકો ઘૂંટણસમા પાણીમાંથી જવા મજબૂર ભારે વરસાદના કારણે સુરતના શૈક્ષણિક કાર્ય પર પણ માઠી અસર પડી છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસના વર્ગખંડો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, પર્વત ગામ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલયની આજુબાજુ પણ ભારે પાણી ભરાઈ ગયા છે. દર વર્ષે ચોમાસામાં બાજુમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી બેક મારવાના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન કરાતાં આજે શાળાએ જતાં માસૂમ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. કોઈ જાનહાનિ નહીં, તંત્ર એલર્ટ ફાયર વિભાગની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે રસ્તાઓ પરથી કાટમાળ ઝડપથી હટાવી લેવાયો હતો. સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હજુ પણ વરસાદી માહોલને જોતા ફાયર બ્રિગેડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભાસ્કર સવાલ: મેયર સાહેબ, 48 કલાકનો રિપોર્ટ ક્યાં ગયો? હવે કોની સામે પગલાં લેવાશે? અગાઉ પહેલા જ વરસાદમાં બે બીઆરટીએસ બસ ફસાઈ હતી ત્યારે સુરતના મેરે તાત્કાલિક બેઠક બોલાવીને 48 કલાકમાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. હવે જ્યારે કરોડોના ખર્ચે બનેલો આખો 400 મીટરનો રોડ જમીનમાં ગરકાવ થઈ ગયો છે અને જનતાના જીવ જોખમમાં મુકાયા છે, ત્યારે પાલિકાના શાસકો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરશે કે પછી રાબેતા મુજબ માત્ર કાગળ પર જ તપાસ સમિતિઓ બેસાડીને સંતોષ માની લેશે?
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો:રાજસ્થાન ટુરિઝમમાં ચેરમેન બનાવવાના નામે લીધેલા પૈસા પાછા આપવા ના પડે એટલે છરી મારી કારમાં તોડફોડ કરી હતી
    Next Article
    અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજની ચેમ્બર બહાર વકીલોના ધરણા:જજે વકીલો સાથે તોછડા વર્તન કર્યાનો આક્ષેપ, અગાઉ ઉચ્ચ જજીસને પત્ર લખવામાં આવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment