Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજીરા પોર્ટ આગામી 4 મહિના સુધી બંધ:દરિયામાં ભારે કરંટના કારણે કોલસાના સ્ટીમરો સુરતને બદલે ભાવનગર ડાયવર્ટ કરાશે; ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, ટન દીઠ 2,500નો વધારો

    1 day ago

    દક્ષિણ ગુજરાતના સૌથી મોટા આર્થિક કરોડરજ્જુ સમાન સુરતના કાપડ ઉદ્યોગ પર વધુ એક મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલા સમીકરણો ના કારણે કોલસા ના ભાવ વધ્યા છે અને કુદરતી પરિસ્થિતિના કારણે સુરતનું હજીરા પોર્ટ આગામી 4 મહિના સુધી બંધ રહેવાની પરિસ્થિતિ સર્જાઈ છે. કાપડના પ્રોડક્શન અને પ્રોસેસિંગમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઇન્ડોનેશિયાના લિગ્નાઇટ કોલસાની સપ્લાય ચેઇન આ બંધના કારણે સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. ઇન્ડોનેશિયા દ્વારા વૈશ્વિક બજારમાં કોલસાની કૃત્રિમ શોર્ટેજ ઊભી કરી ભાવમાં બેફામ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક બજારમાં કોલસાની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આ ડબલ આંચકાના કારણે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આગામી દિવસોમાં કેવી રીતે સર્વાઇવ કરશે તે સૌથી મોટો પ્રશ્નાર્થ બની ગયો છે. દરિયામાં ભારે કરંટ, સુરત હજીરા પોર્ટ આગામી 4 મહિના બંધ સુરતના દરિયાઈ વિસ્તારમાં હાલના દિવસોમાં વાતાવરણના બદલાવ અને ચોમાસાની શરૂઆત પૂર્વેના સંજોગોને કારણે દરિયામાં કરંટનું પ્રમાણ અતિશય વધારે જોવા મળી રહ્યું છે. દરિયામાં ઉછળતા ઊંચા મોજા અને પ્રતિકૂળ હવામાનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરેથી માલસામાન લઈને આવતા મોટા જહાજો કે સ્ટીમરો સુરતના હજીરા પોર્ટ પર સુરક્ષિત રીતે ઊભા રહી શકે તેવી પરિસ્થિતિ બિલકુલ નથી. બંદર પ્રશાસન અને શિપિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને આગામી 4 મહિના સુધી હજીરા પોર્ટ પર સ્ટીમરોનું એન્કરિંગ (લાંગરવાનું) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોર્ટ બંધ રહેવાના કારણે કાપડ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સમયસર મેળવવો અશક્ય બની જશે, જેની સીધી નકારાત્મક અસર ફેક્ટરીઓના પ્રોડક્શન સાયકલ પર જોવા મળશે. ઇન્ડોનેશિયા દ્વારા કોલસાની કૃત્રિમ અછત, ભાવ 8,000ને પાર સુરતના પ્રોસેસિંગ હાઉસ અને મિલોમાં મોટાભાગે ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવતો ઉચ્ચ ગુણવત્તાયુક્ત લિગ્નાઇટ કોલસો વાપરવામાં આવે છે. જો કે, વૈશ્વિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ઇન્ડોનેશિયા દ્વારા કોલસાની સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે અને એક પ્રકારની કૃત્રિમ શોર્ટેજ ઊભી કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાએ પોતાના સ્થાનિક વપરાશ માટે શ્રેષ્ઠ ગુણવત્તાના કોલસાનો જથ્થો રિઝર્વ કરી દીધો છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માત્ર B ગ્રેડ કે C ગ્રેડનો હલકી ગુણવત્તાનો કોલસો મોકલી રહ્યું છે. આ ઓછી કેલરી વેલ્યુ ધરાવતા કોલસાની કિંમતોમાં પણ એટલો ધરખમ વધારો કરાયો છે કે, જે કોલસાનો ભાવ પહેલા ટન દીઠ સાડા પાંચ હજાર (રૂ. 5,500) ની આસપાસ હતો, તે અત્યારે વધીને સીધો 8,000 રૂપિયા પ્રતિ ટનની સપાટીએ પહોંચી ગયો છે. સુરતમાં કુલ 450 મિલો આવેલી છે અને દર રોજ 50 ટન કોલસા વાપરે છે. હવે સુરતનો કોલસો ભાવનગર પોર્ટ પર ખાલી કરાશે હજીરા પોર્ટ બંધ હોવાના કારણે અને દરિયામાં પ્રચંડ કરંટ હોવાના લીધે ઇન્ડોનેશિયાથી કોલસો ભરીને આવી રહેલી આંતરરાષ્ટ્રીય સ્ટીમરોને હવે સુરતના કિનારે ખાલી કરવી અશક્ય બની ગઈ છે. હવામાન વિભાગ અને લોજિસ્ટિક્સ ઓથોરિટી તરફથી ક્લીયરન્સ ન મળવાને કારણે, અત્યારે દરિયામાં આવી રહેલી સ્ટીમરોને ભાવનગર પોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ જહાજો હવે પોતાનો કોલસાનો જથ્થો ભાવનગર બંદર પર ખાલી કરશે. ભાવનગર પોર્ટ પર માલ ઉતર્યા બાદ ત્યાંથી સેંકડો ટ્રકો મારફતે રોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા આ કોલસો વાયા હાઇવે સુરત લાવવામાં આવશે. આ લાંબા રૂટના કારણે ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા જટિલ બનશે અને સમયનો મોટો બગાડ થશે. ટ્રાન્સપોર્ટેશનથી ટન દીઠ ભાવમાં વધુ રૂ. 1,000નો વધારો થશે ભાવનગરથી સુરત સુધી ટ્રકો દ્વારા કોલસો લાવવાના કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં અધધ કહી શકાય તેવો વધારો થવા જઈ રહ્યો છે. ઉદ્યોગકારોના ગણિત મુજબ, દરિયાઈ માર્ગે જે માલ સીધો સુરત ઉતરતો હતો, તેને હવે બાય રોડ લાવવા માટે પ્રતિ ટન વધારાનો મોટો ખર્ચ ચૂકવવો પડશે. આ આખી પ્રક્રિયાના કારણે કોલસાના ટન દીઠ ભાવમાં ફરી એકવાર 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાઈ જશે. એટલે કે જે કોલસો ઓલરેડી 8,000 રૂપિયા પર પહોંચી ગયો છે, તે સુરતની ફેક્ટરીઓ સુધી પહોંચતા-પહોંચતા 9,000 રૂપિયાની સપાટી વટાવી જાય તેવી પૂરી શક્યતા છે. આ વધારાના ખર્ચને કારણે પ્રોડક્શન કોસ્ટ એટલી હદે વધી જશે કે ટેક્સટાઇલ પ્રોસેસર્સ માટે ફેક્ટરી ચલાવવી આર્થિક રીતે અસહ્ય બની જશે. વૈશ્વિક યુદ્ધોની અસર, યાર્ન અને કેમિકલ માર્કેટમાં 30% સુધીનો ઉછાળો સ્થાનિક મુશ્કેલીઓની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પણ કાપડ ઉદ્યોગના પતનમાં બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી મધ્ય-પૂર્વ એશિયામાં ખાસ કરીને ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. આ ઇન્ટરનેશનલ ક્રાઇસિસના લીધે સ્ટીમરોના ભાડા, દરિયાઈ ઇન્સ્યોરન્સ અને વૈશ્વિક ટ્રાન્સપોર્ટેશન મટીરીયલના ભાવો કંટ્રોલ બહાર જતા રહ્યા છે. કાપડ ઉદ્યોગ માટે અત્યંત જરૂરી એવા યાર્નના ભાવમાં પણ 30 ટકા સુધીનો જંગી વધારો ઝીંકાઈ ગયો છે. આ ઉપરાંત કાપડના પ્રોસેસિંગમાં વપરાતા ડાઇઝ એન્ડ કેમિકલ્સના ભાવો પણ 30થી 35 ટકા સુધી વધી ગયા હોવાથી ઉદ્યોગ ચારેય તરફથી ભીંસમાં મુકાયો છે. કાપડ બજારમાં ભયંકર મંદી, આગામી દિવાળી સુધી તેજી આવવાના કોઈ સંકેત નથી એક તરફ પ્રોડક્શનનો ખર્ચ સતત વધી રહ્યો છે, તો બીજી તરફ ફિનિશ્ડ ગુડ્સ એટલે કે તૈયાર કાપડની બજારમાં માગ તળિયે બેસી ગઈ છે. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે બજારોમાં ખરીદી ન હોવાને કારણે સુરતના કાપડ ઉદ્યોગમાં હાલમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને ઉદ્યોગકારો સામાન્ય રીતે આગામી તહેવારોની સીઝનથી મોટી આશાઓ રાખતા હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા આગામી દિવાળી સુધી કાપડ ઉદ્યોગમાં કોઈપણ પ્રકારની તેજી કે સુધારાના સંકેતો દેખાઈ રહ્યા નથી. દિવાળી સુધી માર્કેટમાં આ જ પ્રકારની સુસ્તી રહેવાની સંભાવના હોવાથી કરોડો રૂપિયાનું રોકાણ કરીને બેઠેલા વેપારીઓ અને મીલ માલિકોમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે. 'ખોટ ખાઈને પણ ઉદ્યોગ ચલાવી રહ્યા છીએ' કાપડ ઉદ્યોગ આટલા મોટા આર્થિક ફટકા અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે લાંબો સમય કેવી રીતે સર્વાઇવ કરી શકશે (ટકી શકશે), તે હાલના સમયમાં સૌથી મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. બજારમાં માલ વેચાતો નથી અને પાછળથી મજૂરી, કોલસો અને કેમિકલ મોંઘા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં સુરતના મિલ માલિકો અને ઉદ્યોગકારો નફો કમાવવાની વાત તો દૂર, પોતાની ફેક્ટરીઓ અને મિલોને તાળા ન લાગી જાય તે માટે મોટું આર્થિક નુકસાન (ખોટ) સહન કરીને પણ પ્રોડક્શન ચાલુ રાખી રહ્યા છે. જો ઉદ્યોગ બંધ કરવામાં આવે તો લાખો મજૂરો બેરોજગાર થઈ જાય અને માર્કેટમાં ક્રેડિટ સાયકલ તૂટી જાય તેમ હોવાથી ઉદ્યોગકારો મજબૂરીમાં ખોટનો ધંધો કરી રહ્યા છે. 'B કે C ગ્રેડનો માલ મોકલે છે, તેમાં પણ ભાવ વધારો થયો' જીતુભાઈ વખારિયા (પ્રમુખ, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન - SGTPA)એ જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીથી જે રીતે ઇરાન અને ઇઝરાયેલની જે વૉર (યુદ્ધ) ચાલુ થઈ છે, તેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ વસ્તુના ભાવો કંટ્રોલમાં નથી. ઇન્ડોનેશિયાએ 3 મહિના પહેલા સારી ક્વોલિટીનો કોલસો પોતાના માટે રિઝર્વ કરી દીધો છે અને આપણને B કે C ગ્રેડનો મોકલે છે, તેમાં પણ ભાવ વધારો થયો છે. સ્ટીમર, ટ્રાન્સપોર્ટેશન અને મટીરીયલના ખર્ચ ખૂબ મોટા પાયે વધી રહ્યા છે. જે કોલસો પહેલા 4 થી 4.50 કે 5 હજારની વચ્ચે મળતો હતો, તે અત્યારે લગભગ 8,000 ની આસપાસ પહોંચી ગયો છે. હાલમાં જે 1 સ્ટીમર આવી રહી છે તે સુરત ખાલી થવાની જગ્યાએ ભાવનગર જશે, કારણ કે વાતાવરણ ક્લીયરન્સ આપતું નથી. ભાવનગરથી ટ્રક લોડમાં માલ સુરત આવશે, એટલે કોલસાના ભાવ સાથે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ પણ વધશે અને 8,000 ઉપરના ભાવમાં મોટો વધારો થવાની પૂરી શક્યતા છે. આ બાજુ ડાઇઝ એન્ડ કેમિકલ 30થી 35 ટકા વધી રહ્યા છે અને લેબરોની કોસ્ટ વધી છે. અમે અત્યારે આ કપરી પરિસ્થિતિમાં ઓછામાં ઓછા નુકસાનમાં ઉદ્યોગને કેમ ટકાવી રાખવો એનો જ પ્રયાસ કરીએ છીએ અને ઘણે અંશે સફળ થયા છીએ. જો આનાથી વધારે વિકટ સંજોગો આવશે, તો ઉદ્યોગોમાં શું થઈ શકે તે વિચારવું પણ બહુ ભયજનક છે.
    Click here to Read More
    Previous Article
    નીચે આગની જ્વાળાઓ, રસ્તો જામ, લોકો ચોથા માળેથી કૂદ્યા:એમ્બ્યુલન્સ મોડી પડી તો ઘાયલોને ખભા પર ઉઠાવીને લોકો દોડ્યા; દિલ્હી અગ્નિકાંડની 12 તસવીરો
    Next Article
    ધ્રાંગધ્રાના 'પેડલ પ્રવાસી' ગ્રુપે 70,000 KM સાયકલિંગ કર્યું:વિશ્વ સાયકલ દિવસે સ્વસ્થ રહેવા અન્યને પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment