Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં વીજસંકટ!:સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી લોડશેડિંગથી ઉદ્યોગકારો લાલઘૂમ, ચેમ્બરે કહ્યું- '26 વર્ષમાં આવો એકતરફી નિર્ણય ક્યારેય નથી જોયો'

    9 hours ago

    દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તહેવારોની મોસમમાં જ વીજકાપનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCL દ્વારા અચાનક ઔદ્યોગિક ફીડરો પર સાંજના સમયે 8 કલાકના વીજકાપની જાહેરાત કરવામાં આવતાં ઉદ્યોગ જગતમાં ભારે રોષ ફેલાયો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલાએ આ આદેશને ઉદ્યોગો પર સીધો વજ્રઘાત ગણાવતાં આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, અત્યારે સામે દિવાળી છે, વેપારીઓએ ઓર્ડર પૂર્ણ કરવાના છે અને માર્કેટમાંથી પેમેન્ટ મેળવવાના છે, ત્યારે આવી અણધારી જાહેરાત કરીને MSME ઉદ્યોગોનું ગળું ટૂંપવાનું અને દિવાળી બગાડવાનું કામ થઈ રહ્યું છે. છેલ્લા 26 વર્ષમાં ક્યારેય પણ ઉદ્યોગો પર એક ઝાટકે આ પ્રકારે કાપ લાદવામાં આવ્યો નથી. કોલસાની અછત અને DGVCL દ્વારા 8 કલાકનું લોડશેડિંગ સુપર અલ નીનોની વૈશ્વિક અસર અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાની અછત સર્જાઈ છે. બીજી તરફ સ્થાનિક સ્તરે વીજળીની માંગમાં અણધાર્યો ઉછાળો આવતાં ઉપલબ્ધ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માંગનું સંતુલન ખોરવાઈ ગયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે DGVCL દ્વારા જરૂરિયાત મુજબ નિયત ઔદ્યોગિક ફીડરો પર તેમના નિયત સ્ટેગર ડે મુજબ સાંજે 4:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી એટલે કે 8 કલાક વીજ પુરવઠો બંધ રાખવાની નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ સિસ્ટમ લાગુ રાખવાની જાહેરાત કરાઈ છે. એક પગ ઘરમાં અને એક બહાર: બંને પાળી ખોરવાઈ જવાની ભીતિ DGVCL દ્વારા નક્કી કરાયેલા સમયપત્રક સામે ઉદ્યોગકારોએ સૌથી મોટો વિરોધ નોંધાવ્યો છે. અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે વીજતંત્રએ સાંજે 4થી રાત્રે 12 સુધીનો જે સમય પસંદ કર્યો છે તેનાથી દિવસ અને રાત બંને શિફ્ટનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આ તો એક પગ ઘરમાં અને એક પગ ઉંબરા બહાર રાખવા જેવી સ્થિતિ થઈ છે. ઉદ્યોગોમાં સાંજ સુધી પાર્સલ પેકિંગ, પ્રોડક્શન અને ડિસ્પેચિંગ ચાલતું હોય છે. વીજળી કંપનીએ પાવર બચાવવો જ હોય તો રાત્રે 7:00થી સવારે 7:00 વાગ્યા સુધીનો કાપ રાખવો જોઈએ, જેથી દિવસનું નિયમિત ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન સચવાઈ રહે. 26 વર્ષમાં પહેલીવાર આવો નિર્ણય, કમિટી સાથે ચર્ચા જ ન થઈ ચેમ્બર પ્રમુખે વીજ કંપનીઓની નીતિ સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, જે પાવર ઉત્પાદક કંપનીઓએ સરકાર પાસેથી વર્ષો સુધી અધધ નફો કમાયો છે, તેઓ હવે અચાનક ઉત્પાદન ઘટાડી દે અને તેના લીધે ચાલતા ઉદ્યોગોને ભોગવવું પડે તે કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી. વધુમાં તેમણે રોષ વ્યક્ત કર્યો કે, હું પોતે કાયદેસર ગુજરાત રેગ્યુલેટરી કમિટીનો સભ્ય છું, તેમ છતાં આટલો મોટો નિર્ણય લેતા પહેલાં ચેમ્બર ઓફ કોમર્સ કે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે કોઈ આગોતરી ચર્ચા જ કરવામાં આવી નથી. એકતરફી રીતે 8 કલાકનો સદંતર પાવર કટ લાદી દેવો તે તદ્દન ગેરવાજબી છે. દેશના નંબર વન MSME હબ સુરત પર સીધો ફટકો સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત એ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગ્રોઇંગ ઇકોનોમી અને MSME સેક્ટરનું સૌથી મોટું હબ ગણાય છે. દેશભરમાં કાપડ અને હીરા ઉદ્યોગ સહિતના હજારો નાના-મોટા એકમો અહીં ધમધમે છે. દિવાળી પહેલાંનો સમય એ સમગ્ર વર્ષનો સૌથી વ્યસ્ત વેપારી સમયગાળો હોય છે, જેમાં કરોડો રૂપિયાના ઓર્ડર સમયસર પૂરા કરવાના હોય છે. આવા નાજુક સમયે જો દિવસના મહત્ત્વના કલાકોમાં જ વીજળી ગાયબ થઈ જશે, તો સમગ્ર સપ્લાય ચેઈન તૂટી પડશે અને સુરતના ઔદ્યોગિક વિકાસને જબરદસ્ત બ્રેક વાગી જશે. કરોડો રૂપિયાનું નુકસાન અને 25 લાખ શ્રમિકોની રોજીરોટી જોખમમાં આ આકસ્મિક લોડશેડિંગના આર્થિક નુકસાન અંગે વાત કરતાં અશોક જીરાવાલાએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આ નિર્ણયથી થનાર નુકસાનનો ચોક્કસ આંકડો આપવો અસંભવ છે, કારણ કે આ આંકડો હજારો કરોડ રૂપિયાને પાર કરી જશે. આ સમગ્ર પટ્ટામાં અંદાજે 25 લાખથી વધુ શ્રમિકો કામ કરી રહ્યા છે. કારખાનાઓમાં પ્રોડક્શન સાયકલ અટકી જવાથી કામદારોની રોજીરોટી છીનવાઈ જશે અને ઉદ્યોગકારો સમયસર માલ નહીં મોકલી શકતા તેમના પેમેન્ટ અટવાઈ જશે. જેને કારણે સમગ્ર બજારમાં લિક્વિડિટીની ગંભીર કટોકટી ઊભી થશે. ચેમ્બર કરશે સરકારમાં રજૂઆત: રોડમેપ સાથે ક્વોલિટી પાવરની માગ આ ગંભીર કટોકટીમાંથી ઉદ્યોગોને ઉગારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાકીદે લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે. ચેમ્બરે માંગ કરી છે કે વીજકાપનું સમયપત્રક તાત્કાલિક બદલીને રાત્રિપાળીમાં કરવામાં આવે જેથી વીજ બચત પણ થાય અને ઉદ્યોગો પણ બચી જાય. આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયા અને વૈશ્વિક સ્તરે ડિફેક્ટલેસ ક્વોલિટી એક્સપોર્ટ કરવાનું જે વિઝન છે, તે ત્યારે જ શક્ય બનશે જ્યારે ઉદ્યોગોને સ્પષ્ટ રોડમેપ સાથે અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:મકાન માલિક સહિત 7 જુગારીઓ 7.85 લાખ રોકડ સાથે પકડાયા
    Next Article
    છોટા ઉદેપુરમાં ખેતરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો:SOGએ નસવાડીના પાલામાંથી 81 છોડ સાથે ખેતર માલિકને પકડ્યો, બજારકિંમત ₹50.42 લાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment