Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત:ગળતેશ્વરના મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી 3 ઝડપાયા; MPથી હથિયારો લાવી ભાવનગર સપ્લાય કરવા જતાં હતા

    1 day ago

    ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા હેઠળના અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ પર આવેલ મહરાજના મુવાડા નવી પોલીસ ચેક પોસ્ટ પાસેથી સેવાલીયા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હથિયારો મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી મેળવીને ભાવનગરના નામીચા શખ્સને પહોંચાડવાના હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી 4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર, 2 મેગેઝીન, 40 નંગ જીવતા કારતૂસ, 3 મોબાઇલ ફોન અને સ્વીફ્ટ ગાડી મળીને કુલ 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેવાલીયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મહરાજના મુવાડા ખાતે આવેલી નવી પોલીસ ચેક પોસ્ટ પર ફરજ પર હાજર હતા તે દરમિયાન પોલીસ અધિકારીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોધરા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી એક સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ગાડી નંબર GJ 03 PR 5063 માં ત્રણ શખ્સો ગેરકાયદેસર હથિયારો લઈને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોના માણસોને બોલાવીને ચેક પોસ્ટ પર ગોધરા તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન બાતમી મુજબની વર્ણનવાળી સ્વીફ્ટ ગાડી આવતા જ પોલીસે લાકડીના ઇશારે ગાડીને રોડની સાઇડમાં ઉભી રખાવી હતી. પોલીસે તુરંત જ ગાડીને કોર્ડન કરી લીધી હતી અને તેમાં સવાર ત્રણેય ઇસમોને નીચે ઉતારી પોલીસ જાપ્તામાં લીધા હતા. ગાડી ચલાવી રહેલા શખ્સની પૂછપરછ કરતા તેનું નામ આશિષકુમાર ગગજીભાઈ પાટડીયા અને તે જૂનાગઢના જોષીપુરા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તેની બાજુની સીટ પર બેઠેલા શખ્સે પોતાનું નામ શશાંકસિંહ અરૂનસિંહ રાજપુત જણાવ્યું હતું, જે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને હાલ જૂનાગઢમાં રહે છે. ગાડીની પાછળની સીટ પર બેઠેલા ત્રીજા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રવિણભાઈ ગીગાભાઈ વાળા જણાવ્યું હતું, જે હાલ રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહે છે. પોલીસે પંચોની હાજરીમાં સ્વીફ્ટ ગાડીની સઘન જડતી લેતા ડ્રાઇવર સીટની બાજુની ખાલી સીટ નીચેથી એક ઘાટા વાદળી કલરનું પેન્ટ મળી આવ્યું હતું. આ પેન્ટને બહાર કાઢીને જોતા તેના બંને પગોના ભાગે ગાંઠો મારેલી હતી અને તેમાં કોઈ વજનદાર વસ્તુઓ છુપાવેલી હોવાનું જણાયું હતું. પોલીસે આ ગાંઠો છોડીને તપાસ કરતા તેમાંથી ભારતીય હાથ બનાવટની મેગેઝીનવાળી દેશી પિસ્ટલ નંગ 4, સોનેરી કલરની એક રિવોલ્વર, કાળા કલરના લોખંડના 2 ખાલી મેગેઝીન તેમજ એક પ્લાસ્ટિકની થેલીમાંથી 40 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. હથિયારોના આ જથ્થા સંદર્ભે પોલીસે સક્ષમ અધિકારીનું પરવાનો કે લાયસન્સ માંગતા આરોપીઓ પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. પકડાયેલા હથિયારોની વિગતો જોતા, 25,000 રૂપિયાની કિંમતની 16 સેન્ટીમીટર બેરલ લંબાઈ ધરાવતી એક કાળા કલરની પિસ્ટલ, 25,000 રૂપિયાની કિંમતની 17 સેન્ટીમીટર બેરલ લંબાઈ ધરાવતી બીજી પિસ્ટલ, કોફી કલરની પટ્ટીઓ ધરાવતી 14 સેન્ટીમીટર લંબાઈની ત્રીજી પિસ્ટલ અને 13 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી ચોથી પિસ્ટલ મળી આવી હતી. આ ઉપરાંત 25,000 રૂપિયાની કિંમતની ગોલ્ડન કલરની એક રિવોલ્વર પણ જપ્ત કરાઈ હતી. જપ્ત કરાયેલા 40 જીવતા કારતૂસ પૈકી 30 કારતૂસ પર અંગ્રેજીમાં KF 765 લખેલું હતું, જ્યારે બાકીના 10 કારતૂસ લખાણ વગરના હતા. પોલીસે આરોપીઓની અંગજડતીમાંથી 15,000 રૂપિયાની કિંમતનો આઇફોન, 10,000 રૂપિયાની કિંમતનો સેમસંગ ગેલેક્સી અને 5,000 રૂપિયાની કિંમતનો ઓપો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી શશાંકસિંહ રાજપુતે પંચો સમક્ષ કબૂલાત કરી હતી કે આ તમામ ગેરકાયદેસર હથિયારો અને કારતૂસનો જથ્થો ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતા સિકંદર ઉર્ફે સિક્કો અવેશભાઈ કટિયા મિયાણા નામના શખ્સે મંગાવ્યો હતો. આ હથિયારો તેઓ મધ્યપ્રદેશના છોટુભાઈ નામના વ્યક્તિ પાસેથી ખરીદીને લાવ્યા હતા અને તેને ભાવનગર સપ્લાય કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન જ સેવાલીયા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી 5,00,000 રૂપિયાની સ્વીફ્ટ ગાડી સહિત તમામ મુદ્દામાલ કાયદેસર સીલ કરીને કબ્જે કરી ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સીવીએમ યુનિવર્સિટી અને હરારે ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે બેઠક:વૈશ્વિક શૈક્ષણિક સહયોગ મજબૂત કરવા ચર્ચા
    Next Article
    વલસાડમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:નિચાણવાળા વિસ્તારો સહિત અંડરબ્રિજમાં પાણી ભરાયા; દિલ્હીથી આવતી ફ્લાઈટ દમણ લેન્ડિંગ ન થઈ શકતાં અમદાવાદ તરફ ડાયવર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment