Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર કહે છે ‘સ્ટોક ફૂલ’, વેપારીઓએ કહ્યું ‘સિલિન્ડર ક્યાં છે?’:સુરતની 39 એજન્સીઓ પર પુરવઠા વિભાગના દરોડા, 5164 મેટ્રિક ટન જથ્થો હોવા છતાં અછત કેમ?

    11 hours ago

    મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. એકતરફ જિલ્લા પુરવઠા અધિકારી (DSO) દાવા કરી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે. તંત્ર અને જનતા વચ્ચેના આ ‘કોન્ટ્રાડિક્શન’ને કારણે હાલ સુરતનું અર્થતંત્ર ગરમાયું છે. 5164 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવો સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી. HPCL, BPCL અને IOCL જેવી મુખ્ય ઓઈલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન (MT) ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. DSOના જણાવ્યા અનુસાર, ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને ‘પેનિક બુકિંગ’ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે. હોટલોના મેન્યુમાં 80% નો ઘટાડો, વેપારીઓ લાકડાના ચૂલે વળગ્યા સરકારી આંકડાઓ ભલે ગુલાબી ચિત્ર રજૂ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સુરતના અડાજણ, વરાછા અને રિંગ રોડ વિસ્તારની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ગેસ ન હોવાને કારણે મેન્યુમાં 80% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. અનેક નાના વેપારીઓ હવે ગેસના અભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. કલાકો સુધી એજન્સીઓ પર ધક્કા ખાવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા સઘન ચેકિંગ ગેસની કથિત અછત અને કાળાબજારની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેરના ઝોન વિસ્તારમાં 19 મળી કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે જો કંપનીઓ પાસે જથ્થો છે, તો તે ગ્રાહકો સુધી કેમ નથી પહોંચતો? શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે? તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. DSO અને SOG પોલીસ દ્વારા સચિન GIDCમાં લાઈવ વેરિફિકેશન સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને SOGના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી. આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટ્સમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ત્યાં ગેસનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને મુશ્કેલી ક્યાં પડી રહી છે. મધ્યપૂર્વની સ્થિતિ અને રાજ્ય સરકારનું સતત મોનિટરિંગ આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં ઉભી થયેલી અસ્થિરતાને કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય અને સંબંધિત વિભાગો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સીધા સંપર્કમાં છે. સુરતમાં પણ તંત્ર દ્વારા સુચારૂ આયોજનના ભાગરૂપે ઓઈલ કંપનીઓ સાથે સમન્વય સાધવામાં આવ્યો છે, જેથી ઘરેલું અને કોમર્શિયલ ગેસનો સપ્લાય જળવાઈ રહે. ‘ધંધા બંધ કરવા જેવી નોબત આવી છે’ કોમર્શિયલ ગેસના બાટલા ન મળવાને કારણે સુરતના લારી-ગલ્લા અને નાના ખાણી-પીણીના વેપારીઓની હાલત કફોડી બની છે. એક વેપારીએ જણાવ્યું કે, જો એક-બે દિવસમાં ગેસ નહીં મળે તો અમારે ધંધા બંધ કરવા પડશે. ગેસ એજન્સીઓ કહે છે કે પાછળથી માલ નથી આવતો, અને સરકાર કહે છે કે સ્ટોક ફૂલ છે. આમાં સાચું કોણ? આ અસમંજસને કારણે બજારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી DSO દર્શન શાહે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કોઈ એજન્સી કે વચેટિયાઓ દ્વારા ગેસના જથ્થાનો સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઊભી કરવામાં આવશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા હેલ્પલાઇન અને સતત પેટ્રોલિંગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગેસ સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના 1.82 લાખથી વધુ ખેડૂતોને PM કિસાન સહાય મળી:જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં "PM કિસાન ઉત્સવ દિવસ" ઉજવાયો
    Next Article
    શ્રમિક પરિવારની દીકરી સાથે ચોંકાવનારી ઘટના:14 વર્ષની સગીરાને પાંચ માસ સુધી ગર્ભનિરોધક ગોળી ખવડાવી ચાર સંતાનના પિતા એવા કાકાએ દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment