Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓપરેશન ગંગાજળ'ની વચ્ચે તકેદારી આયોગની કવાયત:ગુજરાતમાં 3,839 કેસ પડતર, એક વર્ષ જૂના કેસોના નિકાલ માટે ત્રણ મહિનાની ઝુંબેશ, નિવૃત્તિના મહિને જ 66 અધિકારીઓના કેસ રજૂ કરાયા

    6 hours ago

    ગુજરાતમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિ અંગે ફરિયાદો નોંધાયા બાદ તેની તપાસ અને કાર્યવાહી કેટલી ઝડપથી થાય છે તે અંગે રાજ્ય તકેદારી આયોગના 2026ના અહેવાલમાં મહત્ત્વની વિગતો સામે આવી છે. આયોગ દ્વારા સોંપવામાં આવેલા તકેદારી સંબંધિત કેસોમાં 31 જુલાઈ, 2026ની સ્થિતિએ કુલ 3,839 કેસ પડતર હતા. ખાસ કરીને એક વર્ષથી વધુ સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ કરવા માટે રાજ્ય સરકારે 10 સપ્ટેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 સુધી ત્રણ મહિનાની ખાસ નિવારાત્મક તકેદારી ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ દરમિયાન જૂના કેસોનો નિકાલ કરવા ઉપરાંત દરેક વિભાગને પોતાની હેઠળના કેસોની સમીક્ષા કરી જવાબદારી નક્કી કરવાની સૂચના આપવામાં આવી છે. એક વર્ષથી જૂના કેસોનો નિકાલ કરવાનો લક્ષ્યાંક તકેદારી આયોગના અહેવાલ મુજબ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલા કેસોમાં લાંબા સમયથી કાર્યવાહી બાકી રહેતી હોવાને કારણે ત્રણ મહિનાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ખાસ કરીને એક વર્ષથી વધુ સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. કેસનો નિકાલ થયા બાદ તેની વિગતો પણ આયોગને નિર્ધારિત ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત દરેક વિભાગે પોતાના હસ્તકના પડતર તકેદારી કેસોની સ્વતંત્ર સમીક્ષા કરવાની અને એક વર્ષથી વધુ સમયથી કેસ પડતર રહેતો હોય તો તેના માટે જવાબદારી નક્કી કરવાનું પણ આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 2026ના અહેવાલમાં દર્શાવાયેલા 3,839 પડતર તકેદારી કેસોમાં તપાસ દરમિયાન અધિકારીઓ સામેના આક્ષેપો પુરવાર થાય તો તેમની સામે હળવીથી લઈને મોટી શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સિવિલ સર્વિસિસના નિયમો હેઠળ પગારવધારો કે બઢતી અટકાવવા, સરકારી નુકસાનની રકમ વસૂલવા, હોદ્દો કે પગારધોરણ ઘટાડવા ઉપરાંત ગંભીર કિસ્સામાં બરતરફી, સેવામુક્તિ અથવા ફરજિયાત નિવૃત્તિ સુધીનાં પગલાં લેવામાં આવી શકે છે. ભ્રષ્ટાચારના ગુનાના પુરાવા મળે તો ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉના તકેદારી આયોગના અહેવાલમાં પણ મોટી શિક્ષા, પેન્શન કાપ અને ફોજદારી કાર્યવાહી માટે ભલામણો કરવામાં આવી હતી. જોકે, હાલના 3,839 કેસમાં આ પ્રકારની કેટલી કાર્યવાહી થશે તે તપાસ અને અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે. ફરિયાદ મોકલ્યા પછી શું થયું તેની માહિતી પણ અધૂરી અહેવાલમાં એક મહત્ત્વની વહીવટી ખામી તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. આયોગ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે વિભાગોને મોકલવામાં આવતી ફરિયાદો અંગે વિભાગો પાસેથી માહિતી મેળવવામાં આવતી હતી, પરંતુ ફરિયાદની આખરી સ્થિતિ એટલે કે તેનો નિકાલ થયો કે હજુ પડતર છે તેની વિગતો પૂરતી રીતે ઉપલબ્ધ થતી નહોતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આયોગે 30 ઑક્ટોબર, 2026ના રોજ પરિપત્ર બહાર પાડીને પત્રક-1.1માં સુધારો કર્યો હતો. હવે વિભાગોએ ફરિયાદ પર થયેલી આખરી કાર્યવાહી, તપાસનો નિર્ણય, ફરિયાદ દફતરે કરવામાં આવી હોય તો તેની વિગતો અને પડતર અરજીઓની સ્થિતિ પણ દર્શાવવાની રહેશે. જેથી ફરિયાદીને પણ તેની ફરિયાદ અંગેની કાર્યવાહી વિશે જાણ કરી શકાય અને વિભાગ કક્ષાએ યોગ્ય મોનિટરિંગ થઈ શકે. નિવૃત્તિના મહિને 66 અધિકારીઓના કેસ રજૂ થયા તકેદારી આયોગે નિવૃત્તિના મહિને અધિકારીઓ સામે તપાસના કેસ રજૂ કરવાની બાબતને પણ ગંભીરતાથી લીધી છે. અહેવાલના આંકડા મુજબ 2021માં આવા 66, 2022માં 56, 2023માં 44, 2024માં 40 અને 2025માં ફરી 66 કેસ અધિકારીઓની નિવૃત્તિના મહિને આયોગ સમક્ષ રજૂ થયા હતા. આયોગે સ્પષ્ટ કર્યું છે કે, અધિકારી નિવૃત્ત થાય તેના ઓછામાં ઓછા ત્રણ મહિના અગાઉ તેની સામેના તપાસના કેસ રજૂ થવા જોઈએ, જેથી તપાસની ગુણવત્તાયુક્ત ચકાસણી અને આગળની કાર્યવાહી માટે પૂરતો સમય મળી રહે. આ માટે 8 જુલાઈ, 2026ના પત્રથી તમામ વિભાગોને સૂચના પણ આપવામાં આવી હતી. 2025માં 53 સમીક્ષા બેઠકો યોજાઈ તકેદારી સંબંધિત કેસોની સમીક્ષા માટે આયોગે છેલ્લા પાંચ વર્ષમાં વિભાગો, ખાતાના વડાઓ તથા બોર્ડ-નિગમો સાથે બેઠકો યોજી હતી. વર્ષ 2021માં 25, 2022માં 27, 2023માં 31, 2024માં 43 અને 2025માં 53 સમીક્ષા બેઠકો યોજાઈ હતી. જ્યારે જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા લાંચ-રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની વર્ષ 2024માં 113 અને વર્ષ 2025માં 118 બેઠકો મળી હતી. 2025માં 8,163 ફરિયાદો, નેટ ફરિયાદો 6,351 અહેવાલ મુજબ વર્ષ 2025 દરમિયાન તકેદારી આયોગને કુલ 8,163 ફરિયાદો મળી હતી. જોકે, તેમાં અગાઉ મળેલી અને જૂના કાગળો સાથે જોડવાની 1,812 ફરિયાદોનો સમાવેશ થતો હોવાથી નેટ ફરિયાદોની સંખ્યા 6,351 રહી હતી. વિભાગવાર જોતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે સૌથી વધુ 1,275 ફરિયાદો મળી હતી. મહેસૂલ વિભાગ સામે 920, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સામે 813 તથા ગૃહ વિભાગ સામે પણ 813 ફરિયાદો નોંધાઈ હતી. આયોગે આ ચારેય વિભાગોમાં ફરિયાદ નિવારણની પદ્ધતિ અને ફરિયાદો પર થતી કાર્યવાહીની પ્રક્રિયા વધુ મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવી છે. કાયદા-નિયમોના અમલમાં અનિયમિતતાની ફરિયાદો વધુ ફરિયાદોના પ્રકારનું વિશ્લેષણ કરતાં કાયદા, નિયમો અને કાર્યપદ્ધતિના અમલીકરણમાં અનિયમિતતા તથા વહીવટી અનિયમિતતા અંગેની ફરિયાદો સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ સરકારી કામો, ટેન્ડર અને ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ તથા નાણાકીય અનિયમિતતા અંગેની ફરિયાદોનો ક્રમ આવે છે. આ ઉપરાંત અનપેક્ષિત નાણાકીય માંગણી અને આવક કરતાં વધુ મિલકત ધરાવવાના આક્ષેપો અંગે પણ ફરિયાદો મળી હતી. આયોગના અહેવાલમાં ભ્રષ્ટાચાર સામે માત્ર ફરિયાદ આવ્યા બાદ કાર્યવાહી કરવાને બદલે ગેરરીતિ થાય તે પહેલાં જ તેને અટકાવવા માટે નિવારાત્મક તકેદારી, ડિજિટલ મોનિટરિંગ, AI આધારિત એલર્ટ સિસ્ટમ, પારદર્શક પ્રક્રિયા અને સતત ઓડિટ પર ભાર મૂકવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:સુરતના પરિવાર સહિત 18ને ઇજા, 6 ગંભીર; ઈજાગ્રસ્ત જય શાહે કહ્યું- મારા બાળકોને પણ ઇજા થઈ
    Next Article
    સાત શખસે કાર રોકી તોડફોડ કરી:જામનગરના ખોડિયાર કોલોનીમાં બે યુવકો પર પાઇપથી હુમલો, મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ; ચાર નામજોગ આરોપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment