Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’, સચિવાલય-મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ:36 SO, 81 DySO અને 27 ડેપ્યુટી કલેક્ટરથી મામલતદાર સુધીની બદલી, 9ને પ્રમોશન

    3 days ago

    ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી સ્તરે ખૂબ જ મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટાપાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ વહીવટી ફેરબદલ અંતર્ગત રાજ્યભરમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓની બદલી અને 9 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સાથે જ સચિવાલય કેડરના વહીવટી માળખામાં પણ મોટો ફેરફાર કરતા 36 સેક્શન અધિકારીઓ (SO)ની બદલી અને 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)ને સેક્શન અધિકારી તરીકે પ્રમોશન આપી નવી નિમણૂકો સોંપવામાં આવી છે. તારીખ 27 મે, 2026ના રોજ મોડીસાંજે જાહેર થયેલા આ આદેશોથી સચિવાલય અને જિલ્લા કક્ષાના સરકારી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. નોંધનિય છે કે, ગાંધીનગર સચિવાલયમાં ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’ શરૂ થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મહત્વના વહીવટી નિર્ણયો અને અધિકારીઓની બદલી-બઢતીના આદેશો ઓફિસ સમય બાદ એટલે કે મોડીરાત્રે જાહેર થઈ રહ્યાં છે. મહેસૂલ વિભાગમાં વર્ગ-1ના અધિકારીઓની બદલી-બઢતી રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી જારી કરાયેલી માહિતી અનુસાર, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિવિધ જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ સહિત કુલ 27 વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓ બદલાઈ છે. આ ઉપરાંત, વહીવટી માળખાને મજબૂત કરવા માટે મામલતદાર વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રિક્સ લેવલ-8)ના 9 અધિકારીઓને સિનિયોરિટી અને 'ડીમ્ડ ડેટ'ના આધારે હંગામી ધોરણે ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 (પે મેટ્રિક્સ લેવલ-10)માં બઢતી આપીને નાયબ કલેક્ટર કે સમાન કક્ષાની જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે. બઢતી મેળવનારા આ અધિકારીઓને વાસ્તવિક હાજર તારીખ સુધીના નાણાકીય લાભો નોશનલ ગણવાના રહેશે. GAD દ્વારા સચિવાલય સ્તરે મોટો ફેરબદલ બીજી તરફ, સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા પણ સચિવાલયના આંતરિક વહીવટને વેગ આપવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ વિભાગોમાં લાંબા સમયથી ફરજ બજાવતા અને મહત્વના ટેબલ સંભાળતા 36 સેક્શન અધિકારીઓ (SO)ની એકસાથે બદલી કરી દેવામાં આવી છે. આ શિફ્ટિંગની સાથે જ સચિવાલયના નીચલા સ્તરે કામગીરીનો અનુભવ ધરાવતા 81 નાયબ સેક્શન અધિકારીઓ (DYSO)ને લાંબા સમયની રાહ જોયા બાદ સેક્શન અધિકારી (SO) તરીકે ઉચ્ચ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામ પ્રમોટેડ અધિકારીઓને સચિવાલયના અલગ-અલગ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’ ગુજરાત સચિવાલયમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર મોડીરાત્રે જાહેર થવાની પરંપરા શરૂ છે. ખાસ કરીને 31 ડિસેમ્બર, 2025ની મધરાતે મોટા પાયે IAS અધિકારીઓના ટ્રાન્સફર-પ્રમોશન ઓર્ડર થયા બાદ હવે લગભગ દરેક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય ઓફિસ સમય બાદ જાહેર થતો હોવાની ચર્ચા છે. તાજેતરમાં પણ અન્ડર સેક્રેટરીમાંથી ડેપ્યુટી સેક્રેટરી તરીકે પ્રમોશન તેમજ સેક્શન ઓફિસરમાંથી અન્ડર સેક્રેટરી તરીકે બઢતીના ઓર્ડર મોડીરાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. ગઈકાલે (27 મે) પણ સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓના ઓર્ડર મધરાત્રે થયા. આ દરમિયાન રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પણ ગઈકાલે મોડીરાત્રે ગુજરાત વહીવટી સેવામાં મોટાપાયે બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી સાથે 9 જગ્યાએ પ્રમોશન આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ આદેશોથી અનેક જિલ્લાઓના વહીવટી માળખામાં મહત્વના ફેરફારો થયા છે. ખાસ કરીને ડેપ્યુટી કલેક્ટરથી મામલતદાર સુધીના અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રમોશનથી જિલ્લા કક્ષાના વહીવટમાં નવી ગોઠવણો સર્જાઈ છે. સંબંધિત ઓર્ડર મધરાત બાદ બહાર પડતાં કર્મચારી વર્ગમાં ફરી ચર્ચા જાગી છે કે હવે સચિવાલયમાં “મિડનાઇટ ઓર્ડર કલ્ચર” સામાન્ય બનતું જાય છે. રાત્રિ બદલી પાછળ ગોપનીયતા સહિતના મુદ્દાઓ સચિવાલયના સૂત્રોનું કહેવું છે કે, આવા ઓર્ડર મોડીરાત્રે બહાર પાડવાના મુખ્ય કારણોમાં બીજા દિવસે આવતી જાહેર રજા, સપ્તાહાંત અથવા સંકળાયેલા અધિકારીઓની રજા જવાબદાર હોય છે. દિવસ દરમિયાન વિભાગીય મંજૂરી, ફાઈલ ક્લિયરન્સ અને નામોને લઈને અંતિમ ચર્ચા ચાલતી હોવાથી ઓર્ડર આખરી તબક્કે રાત્રે તૈયાર થાય છે. કેટલાક કિસ્સાઓમાં રાજકીય અને વહીવટી સ્તરે અંતિમ ક્ષણ સુધી ફેરફારો થતા હોવાથી પણ સ્ટાફને રાત્રે મોડા સુધી બેસીને ઓર્ડર બહાર પાડવા પડે છે. ખાસ કરીને ટ્રાન્સફર અને પ્રમોશન જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં ગોપનીયતા જાળવવા માટે પણ મોડીરાત્રે ઓર્ડર જાહેર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બદલી-બઢતીના મોટા ગંજીપા વચ્ચે કર્મચારીઓમાં અસંતોષની લાગણી બીજી તરફ સચિવાલયના નાયબ સેક્શન અધિકારીઓમાં પ્રમોશન મુદ્દે ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં 800થી વધુ નાયબ સેક્શન અધિકારીઓ એવા છે કે જેઓ 8થી 10 વર્ષનો અનુભવ ધરાવે છે અને આવતા વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે પણ પાત્ર બનશે, પરંતુ વર્તમાન રેશિયો અને મર્યાદિત ખાલી જગ્યાઓને કારણે તેમને પ્રમોશન મળવાની સંભાવના નહીવત્ માનવામાં આવી રહી છે. કર્મચારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે, જો સેક્શન અધિકારી, અન્ડર સેક્રેટરી અને ઉપરની કેડરમાં પ્રમોશનનો રેશિયો સુધારવામાં આવે તો લાંબા સમયથી રાહ જોતા અનેક અધિકારીઓને બઢતીનો માર્ગ ખુલ્લો થઈ શકે છે. પ્રમોશનમાં વિલંબને કારણે અનુભવી અધિકારીઓમાં નિરાશા વધી રહી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર માયા માવાણી સુરતના નવા મેયર:વડોદરામાં ચોકલેટની કેબિન ચલાવતા ગીતાબેનના શિરે તાજ, જુઓ રાજકોટ-વડોદરા સહિત તમામ 15 મનપાના પદાધિકારીઓની ફોટો સાથે યાદી
    Next Article
    ભારત વિકાસ પરિષદ દ્વારા પાલનપુરમાં ભાગવત કથા:અધિક માસ નિમિત્તે સાત દિવસીય ધાર્મિક આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment