Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ગિરનારની 36 કિમીની દૂધધારા પરિક્રમા:સારા વરસાદની આસ્થા સાથે 72 વર્ષ જૂની પરંપરા મુજબ તમામ શિવાલયોમાં દૂધાભિષેક, 100 લિટરથી વધુ દૂધ માલધારીઓ વિનામૂલ્યે આપે

    1 day ago

    જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગિરિકંદરા(પર્વતની ગુફા)ઓમાં વર્ષમાં એકવાર યોજાતી અને અનોખી આસ્થા ધરાવતી દૂધધારા પરિક્રમાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. સામાન્ય રીતે ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા વિશે તો સૌ કોઈ જાણતા હોય છે, પરંતુ ગિરનાર પર્વતના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં વર્ષમાં એકવાર યોજાતી આ અતિ મહત્વની દૂધધારા પરિક્રમા વિશે માત્ર અમુક લોકો જ માહિતગાર હોય છે. દર વર્ષે જેઠ વદ અગિયારસના પવિત્ર દિવસે છેલ્લા 72 વર્ષથી આ પરંપરાગત પરિક્રમા સારા વરસાદની કામના અને આસ્થા સાથે કરવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને માલધારી સમાજના લોકો આ પવિત્ર યાત્રાનો પ્રારંભ કરીને જંગલ તરફ રવાના થયા હતા. લીલી પરિક્રમા 5 દિવસ, દૂધધારા પરિક્રમા એક દિવસની ગિરનાર પર્વત વિશે એવી લોકવાયકા છે કે અહીં સ્વયં ગુરુ દત્તાત્રય, માતા અંબા, બાવન વીર, ચોસઠ જોગણી અને ચોર્યાસી સિદ્ધ પુરુષોની પાવન ભૂમિ આવેલી છે. આ પવિત્ર ભૂમિ પર દર વર્ષે યોજાતી પાંચ દિવસની લીલી પરિક્રમા અને દૂધધારા પરિક્રમા બંને એકબીજાથી તદ્દન અલગ છે. લીલી પરિક્રમા લાંબી અને પાંચ દિવસ સુધી ચાલે છે. જ્યારે આ દૂધધારા પરિક્રમા માત્ર એક જ દિવસમાં પૂર્ણ થાય છે. દૂધધારા પરિક્રમાનો તળેટીમાં કરમણભગતની જગ્યાથી પ્રારંભ દૂધધારા પરિક્રમા એટલે કે દૂધની અખંડ ધાર ઉપર કરવામાં આવતી પરિક્રમા. ભવનાથ તળેટીમાં કરમણ ભગતની જગ્યાએથી આ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય છે, જેમાં ભવનાથના નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકો વર્ષોથી વિનામૂલ્યે દૂધ અર્પણ કરીને આ સેવામાં જોડાય છે. તમામ મુખ્ય શિવાલયો પર દૂધની ધાર વરસાવી દૂધાભિષેક ​આ પરિક્રમાના ભવ્ય પ્રારંભ સમયે સાધુ-સંતો, જૂનાગઢના સ્થાનિક ધારાસભ્ય, ડેપ્યુટી મેયર તેમજ સામાજિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિક્રમા માટે આશરે 100 લીટર જેટલું શુદ્ધ દૂધ લઈને યાત્રા શરૂ કરવામાં આવે છે. જેમાં પ્રથમ ગિરનારની પવિત્ર સીડીઓ અને બાદમાં ભવનાથ મહાદેવ મંદિર સહિતના આસપાસના તમામ મુખ્ય શિવાલયો પર દૂધની ધાર વરસાવીને જલાભિષેક અને દૂધાભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ ઇટવા ગેટ પરિક્રમાના રૂટ પરથી આ યાત્રા આગળ વધે છે અને રસ્તામાં આવતા જીણાબાવાની મઢી, માળવેલા, સરકડીયા હનુમાન, નળ પાણીની ઘોડી થઈને છેલ્લે બોરદેવી મંદિરે આ પરિક્રમા પૂર્ણ થતી હોય છે. આ સમગ્ર રૂટ પર આવતા તમામ નાના-મોટા શિવાલયો પર શ્રદ્ધાભેર દૂધની ધારા વરસાવવામાં આવે છે. વરસાદ ઓછો થયો, ભગવતસિંહ બાપુના પ્રસ્તાવ પર પરિક્રમા ગિરનારની આ પરંપરાના ઇતિહાસ અને વ્યવસ્થા અંગે સંત કરમણ ભગતે જણાવ્યું હતું કે, આજે આ પરિક્રમાના સફળતાપૂર્વક 72 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષો પહેલા જ્યારે ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરે લક્ષ્મણગીરી બાપુ હતા ત્યારે વન વિભાગમાં ભગવતસિંહ બાપુ ફરજ બજાવતા હતા. તે વર્ષે વરસાદ બહુ ઓછો હતો અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ભગવતસિંહ બાપુએ બાપુ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો, કે જો આપણે ભગવાનની પરિક્રમા કરીએ તો કદાચ સારો વરસાદ થાય. ત્યારથી ભવનાથના રબારી સમાજે દૂધની વ્યવસ્થા કરી અને તળેટીના વેપારીઓએ આર્થિક સહયોગ આપીને દૂધધારા પરિક્રમા શરૂ કરાવી હતી. પરિક્રમા પૂર્ણ થતાં જ વરસાદ વરસ્યો હતો અને ત્યારથી આ પરંપરા અવિરત ચાલી આવે છે. ​પરિક્રમા મર્યાદિત સંખ્યામાં જ પૂર્ણ કરવાની હોય છે કરમણ ભગતે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ પરિક્રમા વિશે સામાન્ય લોકોને બહુ ખબર નહોતી કારણ કે તે ભવનાથ પૂરતી મર્યાદિત હતી અને દર વર્ષે સાધુ સમાજ અને વેપારીઓ મળીને માત્ર 150થી 200 લોકો જ આ પરિક્રમા કરતા હતા. ગિરનાર જંગલ વિસ્તાર અભયારણ્ય બન્યા પછી વન વિભાગના નિયમોને કારણે આ પરિક્રમા મર્યાદિત સંખ્યામાં જ પૂર્ણ કરવાની હોય છે અને આ કોઈ જાહેર કાર્યક્રમ નથી. જંગલના નિયમોનું પાલન કરીને માત્ર રસ્તા પર જ ચાલવાનું આ પરિક્રમા દરમિયાન ગિરનારેશ્વર મહાદેવ, ત્રિગુણેશ્વર મહાદેવ, લંબે હનુમાન, ભવનાથ મંદિર અને દૂધેશ્વર મહાદેવ ખાતે દૂધનો અભિષેક કરવામાં આવે છે અને સાંજે 6 વાગ્યા સુધીમાં આ આકરી યાત્રા પૂર્ણ થાય છે. ચોમાસાની શરૂઆત હોવાથી રસ્તામાં ભારે કીચડ અને ગારો હોય છે, વળી ગાડીમાં જવાને બદલે પગપાળા ચાલવાનું હોવાથી આ ખૂબ કઠિન ધાર્મિક યાત્રા છે. જંગલમાં હિંસક પ્રાણીઓ હોવાથી કરમણ ભગતે તમામ શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક ન લાવવા અને જંગલના નિયમોનું પાલન કરીને માત્ર રસ્તા પર જ ચાલવા અને ભગવાનનું નામ લેવા અપીલ કરી છે. ભવનાથ તળેટીના નેશડાના માલધારીઓ આ યાત્રા માટે 100 લીટર દૂધ વિનામૂલ્યે ઉપાડીને નિઃસ્વાર્થ સેવા આપે છે. 100 લિટરથી વધુ દૂધ માલધારીઓ વિનામૂલ્યે આપે ​આ પરિક્રમાના પ્રારંભ અંગે માલધારી અગ્રણી ભીખાભાઈ કરમટાએ જણાવ્યું હતું કે, આ ધાર્મિક કાર્યમાં અંબિકા લોજવાળા, પરસોત્તમભાઈ, બચ્ચુભાઈ, જીવાભાઈ, રાણાભાઈ તેમજ રબારી સમાજના વડીલો ઉગાબાપા, ગીગનબાપા અને રામભાઈ જેવા અનેક લોકો વર્ષોથી મોટો સાથ-સહકાર આપી રહ્યા છે. હાલના સમયમાં આ પરિક્રમા દરમિયાન પવિત્ર સ્થાનો પર અભિષેક કરવા 100 લીટર કરતાં પણ વધુ દૂધની જરૂરિયાત રહે છે અને માલધારીઓ આ દૂધ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરું પાડે છે. વન્યજીવો વસવાટના કારણે ચુસ્ત સુરક્ષા ​ભીખાભાઈ કરમટાએ જૂના સમયના સાધુ-સંતોને યાદ કરતા જણાવ્યું હતું કે, આ પરંપરા શરૂ કરવામાં અને તેને જીવંત રાખવામાં લક્ષ્મણગીરી બાપુ, ઉત્તમદાસ બાપુ, મંગળનાથ બાપુ, રવિગીરી બાપુ અને ગંગાગીરી બાપુ જેવા સમર્થ સાધુ-સંતોનો મોટો આશીર્વાદ રહ્યો છે. ગિરનાર સેન્ચુરીના ગાઢ અને પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં સિંહ, દીપડા જેવા હિંસક અને દુર્લભ વન્યજીવો વસવાટ કરતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત ચુસ્ત રાખવામાં આવી છે. વન વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા, પર્યાવરણની જાળવણી અને વન્ય પ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે ખાસ મંજૂરી આપીને સમગ્ર પરિક્રમા રૂટ પર પોતાનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. વર્ષોથી આ પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓની દ્રઢ માન્યતા છે કે જ્યારે જ્યારે આ દૂધધારા પરિક્રમા યોજાય છે ત્યારે ત્યારે ગિરનારમાં મેઘરાજા ચોક્કસપણે મન મૂકીને વરસે છે અને આ જ અખંડ આસ્થા સાથે આજે પણ સેંકડો હરિભક્તો ગિરનારી મહારાજના નાદ સાથે જંગલ ભણી રવાના થયા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ કૉલેજમાં 70 વિદ્યાર્થિનીઓને કિચન ગાર્ડનિંગની તાલીમ:બાગાયત વિભાગ અને SSIP 2.0 દ્વારા પ્રાકૃતિક ખેતી, ખાદ્ય ચીજોના કૌશલ્યો શીખવાડાયા
    Next Article
    વેરાવળ જુગારધામ દરોડામાં 33 આરોપીઓ ઝડપાયા:SMCના દરોડા દરમિયાન ફાયરિંગ, પોલીસ પર હુમલા કેસમાં કાર્યવાહી તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment