Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનામતની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા સરકારની કવાયત:350 અધિકારીઓને અપાયું માર્ગદર્શન, દિવ્યાંગો સહિત અનામતના લાભાર્થી વર્ગોને ન્યાય મળે તે માટે ભરતી પ્રક્રિયા પર ભાર

    8 hours ago

    ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગો સહિત અનામતના લાભાર્થી વર્ગોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા અને ભરતી પ્રક્રિયામાં અનામતના નિયમોનું ચોકસાઈપૂર્વક પાલન થાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. ગાંધીનગરમાં યોજાયેલા આ વર્કશોપમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે 350 અધિકારીઓએ ભાગ લીધો હતો. વર્કશોપમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ‘રોસ્ટર એ અનામત વ્યવસ્થાનું હૃદય છે.’ તેમણે સરકારી ભરતીમાં અનામતની બંધારણીય જોગવાઈઓનું યોગ્ય પાલન કરવા, રોસ્ટર રજિસ્ટરની ચોકસાઈપૂર્વક જાળવણી કરવા અને પાત્ર ઉમેદવારોને ન્યાયસંગત તક આપવા પર ભાર મૂક્યો હતો. દિવ્યાંગોની ખાલી જગ્યાઓ ભરવા સૂચના વર્કશોપમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016 હેઠળ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવ્યાંગતાની વિવિધ કેટેગરી પ્રમાણે પાત્ર ઉમેદવારોની ભરતી, પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ અંગે અધિકારીઓને સમજ આપવામાં આવી હતી. દિવ્યાંગો માટે અનામત જગ્યાઓ ભરવી એ માત્ર વહીવટી કામગીરી નહીં, પરંતુ સામાજિક ન્યાય અને સમાન તક સુનિશ્ચિત કરવાની નૈતિક જવાબદારી પણ છે. આથી બાકી રહેલી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. SC, ST, OBC અને EWS અનામત અંગે સમજ અપાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત જાહેર સેવા આયોગના અધિકારીઓએ ભરતી માટે માંગણાપત્રક મોકલતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અનામત જગ્યાઓની યોગ્ય ઓળખ અને ભરતીની દરખાસ્ત તૈયાર કરવાની પ્રક્રિયા સમજાવી હતી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ટિકલ અને હોરિઝોન્ટલ અનામત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS), દિવ્યાંગો, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટેની અનામત જોગવાઈઓનો સમાવેશ થયો હતો. રોસ્ટર અને ભરતી પ્રક્રિયા ડિજિટલ બનશે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગોની ભરતી અને રોસ્ટર વ્યવસ્થા ભરતી પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. દિવ્યાંગોની ભરતી કાયદાકીય તેમજ નૈતિક ફરજ હોવાથી તમામ અધિકારીઓએ આ કામગીરીમાં અંગત રસ લઈને ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. સામાન્ય વહીવટ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ પણ વર્કશોપની ઉપયોગિતા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રોસ્ટર નીતિ અને ભરતીનાં માંગણાપત્રક જેવી મહત્ત્વપૂર્ણ કામગીરીને ઓનલાઇન કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે. આ વ્યવસ્થાના ડિજિટલાઇઝેશનથી ભવિષ્યમાં ભરતી અને બઢતીની પ્રક્રિયા વધુ સરળ અને કાર્યક્ષમ બનવાની આશા છે. અધિકારીઓએ પ્રશ્નોત્તરી દ્વારા નિયમો સમજ્યા વર્કશોપ દરમિયાન અધિકારીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા વિવિધ નિયમો અંગે સ્પષ્ટતા મેળવી હતી. તેનો હેતુ સરકારી વિભાગોમાં ભરતીના નિયમોનું એકસમાન અમલીકરણ અને વિભાગો વચ્ચે સંકલન વધારવાનો હતો. કાર્યક્રમમાં અમદાવાદના મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ દીકરીઓએ તાલબદ્ધ સંગીત સાથે પ્રાર્થના રજૂ કરી હતી. દીકરીઓએ UPSC પરીક્ષા પાસ કરવાની અને અંગ્રેજી વિષયનાં પ્રાધ્યાપક બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. તેમની રજૂઆતને ઉપસ્થિત અધિકારીઓએ વધાવી હતી. અનામત વર્ગોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય, પાત્ર ઉમેદવારોને તેમના અધિકારો મળે અને ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક તથા વ્યવસ્થિત બને તેવા હેતુ સાથે યોજાયેલા વર્કશોપનું સમાપન સામાજિક ન્યાયના સંકલ્પ અને રાષ્ટ્રગાન સાથે થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ન્યૂજર્સીમાં મા અંબાના ગરબે ઘુમ્યા ભારતીય:મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાની ધરતી પર નવલા નોરતાનો ધબકાર
    Next Article
    મોરબી LCB એ સ્પેશ્યલ ડ્રાઇવમાં બે નાસતા ફરતા આરોપી પકડ્યા:ભુજના ગુનામાં વડોદરાનો યુવક અને પ્રોહિબિશન કેસમાં ચોટીલાની મહિલા ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment