Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની 3400 અને ભારતની 4 કરોડ મહિલાઓનો અંગત ડેટા લીક:ફિમેલ સર્ચ એન્જિનમાં યુવતીનું નામ નાખો અને બધી જ ખાનગી વિગતો ₹400માં ખરીદો!

    22 hours ago

    શાલિની (બદલેલું નામ)ને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. કોલ કરનારે તેને કહ્યું કે તમારી એક ફ્રેન્ડ નેહા (બદલેલું નામ)એ મને તમારો નંબર આપ્યો છે. નેહાનો નંબર પણ તે વ્યક્તિએ કન્ફર્મ કર્યો. તેણે શાલિનીને કહ્યું કે આપણે એક જગ્યાએ મળવાનું છે અને તમારી ફ્રેન્ડ નેહા પણ આવી રહી છે. તે ક્યારની તમને કૉલ કરવાનો ટ્રાય કરી રહી છે, પણ લાગી નથી રહ્યો. એટલે તેણે તમારો આ ફોન નંબર અમને આપ્યો છે. તમે આ સમયે અને આ જગ્યાએ મળવા આવી જાઓ. કૉલ કરનારી વ્યક્તિએ શાલિનીની ફ્રેન્ડનું નામ અને નંબર સાચાં આપ્યાં હતાં એટલે અજાણ્યો કૉલ હોવા છતાં કશી શંકા કરવા જેવું શાલિનીને ન લાગ્યું. આ વાતને જેન્યુઇન માનીને તે મળવા ગઈ અને એ પછી તેની સાથે જે થયું તેનાથી તેની આખી જિંદગી બદલાઈ ગઈ. કૉલ કરનાર ફ્રોડ હતો અને તેણે અજાણી જગ્યાએ બોલાવીને શાલિની પર દુષ્કર્મ ગુજાર્યું. સાયબર ક્રાઇમથી શરૂ થયેલો આ ગુનો ભયાનક ફિઝિકલ ક્રાઇમમાં પરિણમ્યો. બીજી શૉકિંગ વાત એ હતી કે શાલિનીની ફ્રેન્ડ નેહાને આ વાતની કશી ખબર જ નહોતી. તેણે કોઇનેય શાલિનીનો નંબર આપ્યો જ નહોતો. તો પછી સવાલ એ છે કે તે કૉલ કરનાર વ્યક્તિ પાસે શાલિનીનો નંબર આવ્યો ક્યાંથી? *** શાલિની સાથે થયું તેવા કિસ્સા આપણા દેશમાં રોજના હિસાબે બનતા રહે છે. તેમાં વધારો થાય તેવા ચિંતાજનક સમાચાર જુલાઈ મહિનામાં આવેલા. બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોનો 1 ટેરાબાઇટ કરતાં પણ વધુ સંવેદનશીલ ડેટા લીક થઈ ગયેલો અને ડાર્ક વેબ પર મુકાઈ ગયેલો. તેમાં ગ્રાહકોના ફોટા, KYC ડિટેલ્સ, આધાર અને PAN કાર્ડની સ્કેન કોપીઓ અને લોનના દસ્તાવેજ સહિતનો ડેટા હતો! પરંતુ તે પછી હવે દિવ્ય ભાસ્કરને બીજી શૉકિંગ માહિતી હાથ લાગી છે. ડાર્ક વેબ પર ભારતની આશરે 4 કરોડ મહિલાઓનો અંગત ડેટા માત્ર 500થી 600 ડોલરમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે. જેમાં મહિલાઓનાં નામ, સરનામાં, ઇમેલ આઇડી અને ફોન નંબર જેવી અત્યંત સંવેદનશીલ વિગતો સામેલ છે. આ વિગતો દેશની એક જાણીતી ઇ-કોમર્સ ક્લોધિંગ બ્રાન્ડમાંથી લીક થઇ હોવાની શક્યતા છે. 16 જુલાઇથી ઓનલાઇન વેચાઇ રહેલા આ ડેટામાં વેચનારે સેમ્પલ પણ મૂકેલું છે. સેમ્પલમાં મોટાભાગનો ડેટા દિલ્હીની યુવતીઓનો છે. જ્યારે કેટલોક મધ્યપ્રદેશની મહિલાઓનો પણ છે. આ મુદ્દે દિવ્ય ભાસ્કરે વધુ તપાસ કરતાં ગુજરાતની 3366 અને દિલ્હીની 999 યુવતીઓનો ડેટા પણ મળ્યો હતો. જો આ ડેટા કોઇના હાથમાં આવે તો 4 કરોડ મહિલાઓ માટે મુસીબત બની શકે છે. આજની ‘સન્ડે બિગ સ્ટોરી’માં વાત આ ડેટા લીકની. *** એક્ઝેક્ટ્લી આ ડેટા કઈ રીતે લીક થયો અને તેનાથી કેવી ખાનાખરાબી સર્જાઈ શકે તે વિશે વધુ માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ભૌમિક મર્ચન્ટ સાથે વાત કરી. તેમણે પણ આવો ડેટા વેચાઇ રહ્યાની પુષ્ટિ કરી હતી. છેલ્લાં વીસ વર્ષથી સાયબર સિક્યોરિટી ક્ષેત્રે કાર્યરત એવા ભૌમિકભાઈએ ઉપર વર્ણવ્યો તે શાલિની જેવા અનેક શૉકિંગ કિસ્સા પણ શૅર કર્યા. તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટ, ક્રાઇમ બ્રાન્ચ અને ATS (એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ) જેવી વિવિધ એજન્સીઓ સાથે પણ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. ડાર્ક વેબ પર જે ડેટા વેચાઇ રહ્યો છે તે રાજ્ય પ્રમાણે છે. હેકર્સ આ ડેટાને લગભગ 500 થી 600 ડોલરમાં વેચી રહ્યા છે. ડેટા ખરેખર સાચો હોવા અંગે ભૌમિક મર્ચન્ટે કહ્યું કે અમે 28 રાજ્યોનો ડેટા મેપ કર્યો છે, જે અત્યારે ઓલરેડી ડાર્ક વેબ પર છે. તેમાંથી અમે 20 થી 25 ડોલરમાં એક રાજ્યનો ડેટા ખરીદીને વેલિડેટ કર્યો હતો. જેમાં પૂરી વિગતો અને વેલિડ નંબર્સ હતા. અમે ક્રોસ-વેરિફાય કર્યું છે અને અમારા રિસર્ચ પ્રમાણે આ સંપૂર્ણ વેલિડેટેડ અને અસલી ડેટા છે. ઇ-કોમર્સ ક્લોધિંગ બ્રાન્ડનો ડેટા લીક જે ડેટા લીક થયો છે તે કયા સેક્ટર સાથે જોડાયેલો હોઈ શકે છે તે અંગે તેમણે કહ્યું કે લીક થયેલો આ ડેટા ભારતની એક બહુ મોટી ઇ-કોમર્સ ક્લોધિંગ બ્રાન્ડનો છે. અમે કેટલાક ગ્રાહકો સાથે ક્રોસ-વેરિફાય કરીને આ વાત કન્ફર્મ પણ કરી છે. લીક ડેટા પરથી બને છે ‘ફિમેલ સર્ચ એન્જિન’! પરંતુ કોઈ આ ડેટાને ખરીદે તો પછી તેનું કરે શું? તે વિશે ભૌમિકભાઈ કહે છે, 'અમે એવી વસ્તુઓ જોઇ છે જ્યાં આ ડેટાને ફિમેલ સર્ચ એન્જિનની જેમ ઉપયોગ કરી શકાય છે. જેમ કે કોઇ મહિલાનું નામ ખબર હોય તો સર્ચ એન્જિન પર સર્ચ કરવાથી તેને રિલેટેડ જેટલા પણ નંબર હશે તે બતાવશે. તે મહિલાના નામથી સિમિલર નંબર અને એડ્રેસ પણ બતાવશે. એક જ નામની ઘણી મહિલાઓનો ડેટા દેખાય છે. જેમાંથી કોઇ એકનો ડેટા ખરીદવો હોય તો ડેટા દીઠ 4 કે 5 ડોલર (400થી 500 રૂપિયા)નો ચાર્જ હોય છે. આ રીતે તેનો દુરુપયોગ પણ થાય છે. કેટલાક લોકો આ ડેટા ખરીદીને વોટ્સએપ કે SMS મોકલીને મહિલાઓનું ઓનલાઇન હેરેસમેન્ટ પણ કરે છે.' ફેશન બ્રાન્ડ્સ, સ્પા, કોસ્મેટિક કંપનીઓ ખરીદે છે ડેટા જ્યારે પણ આવો કોઇ નવો ડેટા પહેલીવાર આવે છે ત્યારે તેની કિંમત વધારે હોય છે પણ જેવો એ જૂનો થાય છે તેની કિંમત ધીમે-ધીમે ઓછી થવા લાગે છે કારણ કે તેની ઘણી કોપીઓ માર્કેટમાં ફરતી થઇ જાય છે. કેટલાક સબ-બાયર્સ પણ હોય છે જે તેને વેચવા માટે રાખે છે. આ ડેટા ખરીદનારા લગભગ 90% ગ્રાહકો સાયબર સ્કેમર્સ હોય છે. સ્કેમર્સ મહિલાઓની પસંદગી મુજબ ફેક પ્રોમોશન મોકલે છે. જેમ કે-2000 રૂપિયાની કોસ્મેટિક પ્રોડક્ટ માત્ર રૂ.500માં મેળવો. મહિલાઓ તેનાથી આકર્ષાઇને લિંક પર ક્લિક કરે છે અને સ્કેમનો ભોગ બને છે. ફેશન બ્રાન્ડ્સ, સ્પા, સલૂન કે કોસ્મેટિક કંપનીઓ પણ આ ડેટા ખરીદે છે. જેથી તેઓ SMS કે ઇમેઇલથી માર્કેટિંગ કરી શકે. સ્ટેટ વાઇઝ આ ડેટાની કિંમત40 થી 80 ડોલર છે. જેમાં દિલ્હી અને મેટ્રો સિટીઝનો ડેટા સૌથી મોંઘો છે. બેંગલુરુ, કર્ણાટકનો ડેટા ગુજરાતની સરખામણીએ મોંઘો છે કારણ કે ત્યાં ટિયર-1 એટલે કે આર્થિક રીતે સંપન્ન પબ્લિક છે. કોઇપણ કંપની માટે ટિયર-1 સિટીની મહિલાઓને પોતાની પ્રોડક્ટ વેચવી ખૂબ સરળ બની રહે છે. મોટા ડિસ્ટ્રીબ્યુટરને ઊંચી કિંમતે વેચાણ સામાન્ય રીતે આવા કેસમાં હેકર્સ કોઇ બ્રાન્ડની વેબસાઇટ કે પોર્ટલને ટાર્ગેટ કરે છે. ઉદાહરણ તરીકે 90%થી વધુ મહિલા ગ્રાહકવાળી કોઇ ફિમેલ કોસ્મેટિક કે કપડાંની બ્રાન્ડ હોય તેને ટાર્ગેટ કરે છે. હેકર્સ તેના પોર્ટલને હેક કરીને ડેટા ચોરી લે છે અને ડાર્ક વેબ પર કોઇ મોટા ડિસ્ટ્રીબ્યુટરને 5 હજારથી 6 હજાર ડોલરમાં વેચે છે પછી ડિસ્ટ્રીબ્યુટર તેના નાના ભાગ કરીને અલગ-અલગ ખરીદદારોને 400 થી 500 ડોલરમાં વેચે છે. સ્કેમર્સની પોતાની SOP હોય છે. મહિલાઓને લગતા જે પણ સ્કેમ્સ છે તેની આખી ડિરેક્ટરી તેમની પાસે હોય છે. એ ડિરેક્ટરી મુજબ સ્કેમ કરે છે અને ડેટાનો ઉપયોગ કરે છે. જેમ કે સ્કેમર્સને ખબર છે કે મહિલાઓ કોસ્મેટિક ખરીદવામાં રસ ધરાવે છે તો તેઓ પ્રમોશન કરશે કે આ બ્રાન્ડનું ₹2000નું કોસ્મેટિક અમે તમને ₹500માં આપીએ છીએ. જેથી મહિલા તેમાં રસ લેશે. જ્યારે તે લિંક પર ક્લિક કરશે ત્યારે ખબર પડશે કે આ તો સ્કેમ હતું. સ્કેમર્સની મોડસ ઓપરેન્ડીની વાત કરતા ભૌમિકભાઈ કહે છે કે, અમારી પાસે ઘણા એવા કેસ આવે છે જેની હિસ્ટ્રી સ્કેમર્સને ખબર હોય છે. નામ, સરનામું, રસનો વિષય આ બધું સ્કેમર્સને ખબર હોય છે. જેના પછી તે કોલ કરીને પૂરી માહિતી વેરિફાય કરાવે છે. જેથી સામેવાળાને વિશ્વાસ બેસે કે હા આમને સાચે જ ખબર છે એટલે આ કોઇ વિશ્વાસપાત્ર કંપનીમાંથી જ કોલ કરી રહ્યા છે. આ ભરોસાના આધારે સામેવાળી વ્યક્તિ ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે છે અથવા તો પોતાની વધુ માહિતી શેર કરે છે, જેનો દુરુપયોગ થાય છે. મહિલા સાથે લવ અફેર અને છેતરપિંડી સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે અમારો ડેટા લીક થાય તો વધી વધીને શું નુકસાન થઈ શકે? પરંતુ રાજસ્થાનનો એક કિસ્સો આંખ ઉઘાડનારો છે. એક મહિલાનો મોબાઇલ નંબર લીક થયો હતો. જેના પરથી સ્કેમર્સે તેનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઇડી શોધી લીધું હતું. પછી ઇન્સ્ટાગ્રામ પર ફેક વેરિફાઇડ એકાઉન્ટથી રિક્વેસ્ટ મોકલી. એ રિક્વેસ્ટ પછી તેમણે ચેટ કરી. જે આગળ લવ અફેરમાં બદલાઇ. વાત આગળ વધતાં સ્કેમર્સે એ મહિલાને કહ્યું કે, ‘હું રશિયા રહું છું અને તમારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ મોકલી રહ્યો છું તો તમે પ્લીઝ તેને એક્સેપ્ટ કરજો.’ આ પછી એ મહિલાને કસ્ટમ વિભાગના નામે નકલી ફોન આવ્યો. કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપનારે કહ્યું કે તમારા માટે કોઇ વ્યક્તિએ રશિયાથી ગિફ્ટ મોકલી છે અને એની કસ્ટમ ડ્યુટી ₹4-5 લાખ છે, તો તમારે એ ડ્યુટી ભરવી પડશે. એ જ સમયે સ્કેમરે તેને મેસેજ કરીને કહ્યું કે મેં મોકલેલી ગિફ્ટની જે પણ કસ્ટમ ડ્યુટી હોય તે ભરી દો અને ગિફ્ટ લઇ લો. નકલી કસ્ટમને ₹5 લાખ આપ્યા તો નકલી રિઝર્વ બેંકનો ફોન આવ્યો! મહિલાને ભરોસો હતો કે આ બધું સાચું છે એટલે તેણે રૂપિયા ભરી દીધા પછી તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઇ છે. આથી તેણે ફરિયાદ કરી. આ પછી પણ તેની સાથે થઈ રહેલા ફ્રોડનો અંત ન આવ્યો. એ પછી તેના પર RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)ના અધિકારીના નામે નકલી ફોન આવ્યો અને ધમકાવી કે તમે આટલું મોટું ટ્રાન્ઝેક્શન કર્યું છે. જે તમારી આવક કરતાં વધુ છે તો હવે તમારા પર ઇન્કમ ટેક્સની રેડ પડશે. આનાથી બચવા માટે તમે RBIને અમૂક ફી આપો. જેથી ગભરાયેલી મહિલાએ એ રૂપિયા પણ ચૂકવી આપ્યા. આમ કુલ મળીને એ મહિલા સાથે કુલ 16 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હતી! મેરેથોનમાં ભાગ લેનારી મહિલાની છેડતી ડાર્ક વેબ પર ફિમેલ મેરેથોનની આખી ડેટા શીટ લીક થઇ હતી. તેને હેકર્સે ખરીદ્યો અને તેની પાસેથી સ્કેમર્સે ખરીદ્યો. સ્કેમર્સે એક મહિલાને કોલ કર્યો અને કહ્યું કે તમે જે મેરેથોનમાં ભાગ લીધો હતો તેમાં અમે પણ તમારી સાથે હતા એટલે મહિલાએ તેના પર ભરોસો કરી લીધો. સ્કેમર્સે તેને કહ્યું કે અમારી બીજી એક ઇવેન્ટ છે અને એનું પ્રિ-લોન્ચ છે, જેમાં મેરેથોનના બીજા લોકો આવવાના છે એટલે તમે પણ આવજો. મહિલા તે જગ્યાએ ગઇ ત્યારે ત્યાં કોઇ મહિલા મિત્રો નહોતી, પણ કેટલાક પુરુષો હાજર હતા. જેમણે આ મહિલાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સાતેક વર્ષ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ થઇ હતી. આ સમગ્ર ઘટના પછી મહિલા માનસિક રીતે એવી પડી ભાંગી હતી કે તેને રિહેબિલિટેશન સેન્ટરમાં જવું પડ્યું હતું અને ખાસ્સી લાંબી સારવાર પછી સ્વસ્થ થઇ હતી. આ બધા કિસ્સાઓ ડેટા લીક થવાથી બન્યા છે. ભૌમિક મર્ચન્ટે ડેટા લીકથી બચવાના જે ઉપાય બતાવ્યા તે નીચેના ગ્રાફિક્સની મદદથી સમજો. ખબર પડે કે ક્રાઇમ થઇ રહ્યો છે તો 1930 પર અને https://cybercrime.gov.in/ પર ફરિયાદ કરી શકાય છે. સ્કેમરનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું તે આ રીતે જાણો. તમારો કોઈ ડેટા લીક થયો કે નહીં એ https://haveibeenpwned.com/ નામની વેબ પર ઈમેલ આઈડી નાખીને તપાસી શકાય કે કેટલી જગ્યાએ લીક થયો છે. ડેટા લીક થયો છે કે નહીં તે જાણવા માટે સર્વિસ પણ અપાતી હોય છે. જે કેટલો ડેટા માર્કેટમાં છે તેની જાણકારી આપે છે. જેમ કે કોઇ ઇમેલ આઇડી શેર કર્યું હોય અને તે ડાર્ક વેબ પર વેચાવા માટે મુકાય તો તેનું એલર્ટ મળે છે. ભારત અને વિદેશમાં એક એલિટ ક્લાસ હોય છે. એ થ્રેટ ઇન્ટેલ સર્વિસ ખરીદે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકન ભૂરિયાને ખાખીમાં દ્વારકાધીશનો સાક્ષાત્કાર થયો!:પર્સ ખોવાતા હરે કૃષ્ણ હરે કૃષ્ણનો જાપ કરવા લાગ્યો, લાખ્ખોની મેદની વચ્ચે 60 મિનિટમાં કેવી રીતે પાછું મળ્યું?
    Next Article
    પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું:શ્રેષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment