Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની દેહ વેપાર અને પતિમાંથી કોઇને છોડવા તૈયાર નહોતી:સગાના ઘરે જવાનું કહી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, 34 વર્ષથી બિંદાસ્ત જીવતા કાતિલને પોલીસે દબોચ્યો

    2 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે એક અધૂરી બાતમી મળ્યાં બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવાના કુતુબનગરમાં તપાસ શરૂ કરી હતી. 10 નંબરના મકાનમાં ખોદકામ કરાવતા તેમાંથી માનવ અવશેષો મળ્યાં હતા. હવે આગળ વાંચો.... આ અવશેષો કોના હતા તે શોધવાનું હતું. પોલીસે ખૂબ મહેનત કરી તો જાણવા મળ્યું કે એક એવો પરિવાર છે જેમાં વર્ષો અગાઉ કોઇ વ્યક્તિએ હત્યા કર્યાની ચર્ચા ચાલતી હતી. બાતમીદારને આ બાતમી ત્યાંથી મળી હતી. જેથી પોલીસે તે પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારે ઘરની એક વ્યક્તિ બિલાલ (નામ બદલ્યું છે) આ હત્યા સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું. જેની લાશ મળી તેની હત્યા થતાં બિલાલે પોતાની આંખે જોઇ હતી. એટલે આ કેસમાં બિલાલ પોલીસ માટે મહત્વનો સાક્ષી હતો. પોલીસે તેની પૂછપરછ કરી. ઘટના વર્ષ 1992માં બની હતી. જેને 34 વર્ષ વીતી ગયા હતા. બિલાલે પોલીસને કહ્યું કે જે મકાનમાંથી લાશના અવશેષો મળ્યાં તે મકાન મારા સાસુ સાલિયાબીબીનું હતું. 4 લોકોએ ભેગા મળીને એક યુવતીની હત્યા કરી હતી. પોલીસે સાલીયાબીબી વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું સાલિયાબીબીનું તો વર્ષો અગાઉ મૃત્યુ થઇ ગયું હતું. તે સમયે સાલિયાબીબી સાથે અબ્દુલ કરીમ, ઇકબાલ ખેડાવાલા અને સમશુદ્દીન ખેડાવાલા સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અબ્દુલ કરીમ વિશે તપાસ કરી તો ખૂલ્યું કે તેનું પણ વર્ષો અગાઉ મૃત્યુ થઇ ગયું હતું. હવે આ કેસમાં બે આરોપીઓ ઇકબાલ અને સમશુદ્દીન જીવતા છે કે નહીં તેના પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું. સમશુદ્દીન જમાલપુરમાં ઘંટી ચલાવતો હતો અને પત્ની તથા બાળકો સાથે રહેતો હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તે ચોંકી ગયો કેમ કે 34 વર્ષ જૂના કેસમાં અચાનક આ રીતે પકડાઇ જશે તેવું તો તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે બધા રહસ્ય ખોલી દીધા. 1992માં તેણે હત્યા કરી હોવાનું સ્વીકારી લીધું. જેની હત્યા કરી તે તેની પત્ની ફરઝાના હતી. ફરઝાના ધોળકાના કોઇ ગામની રહેવાસી હતી. ફરઝાના તેની પત્ની હતી તે કેવી રીતે સાબિત કરવું એ પોલીસ માટે મોટી ચેલેન્જ હતી. પોલીસની એક ટીમ તાત્કાલિક ધોળકાના એ ગામે પહોંચી. પોલીસને ત્યાં આવી કોઇ યુવતીનું ઠેકાણું મળ્યું નહીં એટલે શિક્ષણ વિભાગમાં તપાસ કરાવી. જેમાં ફરઝાના નામની 4 અલગ અલગ યુવતીઓના નામ-એડ્રેસ મળ્યાં. પોલીસની ટીમ 4 એડ્રેસમાંથી પહેલા એડ્રેસ પર પહોંચી. જ્યાં ફરઝાના નામની યુવતી હયાત મળી. હવે પોલીસ બીજા નંબરના એડ્રેસ પર પહોંચી. જેમાં મૃતકની ભાળ મળી ગઇ. મૃતક ફરઝાના આ પરિવારની હોવાનું જાણવા મળ્યું. પોલીસે કુતુબનગરમાંથી મળેલા અવશેષો અંગે તેના ભાઇને જાણ કરી અને તેના બ્લડ સેમ્પલ લઇને DNA માટે મોકલી આપ્યા. પોલીસે સમશુદ્દીનની વધુ પૂછપરછ કરી તો તેણે ઘટસ્ફોટ કર્યો કે 1991માં તેનો સંપર્ક ફરઝાના સાથે થયો હતો. ફરઝાનાના નિકાહ અગાઉ સુરત થયા હતા પરંતુ પતિ સાથે મનમેળ ના આવતા છૂટાછેડા લઇને પિયરમાં આવી હતી. પિયરમાં પણ તેને કોઇ બોલાવતું નહોતું એટલે તે અમદાવાદ આવી ગઇ હતી. અમદાવાદમાં તે એકલી રહેતી હતી અને કોઇ કામ ધંધો ન હોવાથી ગુજરાન ચલાવવા માટે દેહ વેપાર શરૂ કર્યો હતો. આ દરમિયાન જ તેનો સંપર્ક સમશુદ્દીન સાથે થયો હતો. સમશુદ્દીને ફરઝાનાને નિયમિત મળવાનું શરૂ કર્યું હતું. બન્ને વચ્ચે લાંબા સમયની મુલાકાતો બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. એક દિવસ સમશુદ્દીને ફરઝાનાને નિકાહની ઓફર કરી હતી. ફરઝાના દેહ વેપાર કરતી હતી એટલે સમશુદ્દીને દેહ વેપાર છોડવાની શરત મૂકી હતી. ફરઝાના દેહ વેપાર છોડવા તૈયાર થઇ જતાં વર્ષ 1992માં બન્નેએ નિકાહ કરી લીધા હતા. તેમનું જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું પણ આ ખુશી તેમના જીવનમાં લાંબો સમય ન ટકી. ફરઝાના ફરીથી દેહ વેપારના રસ્તે ચઢી ગઇ. તેણે સમશુદ્દીનની જાણ બહાર દેહ વેપાર શરૂ કર્યો. થોડા સમય બાદ સમશુદ્દીનને આ વાતની ખબર પડતાં તેણે ફરઝાના સાથે ઝઘડો કર્યો અને તેનાથી દૂર રહેવાનું શરૂ કર્યું. એક દિવસ સમશુદ્દીને ફરઝાનાને તલાક માટે કહ્યું પણ તે સમશુદ્દીનને છોડવા નહોતી માંગતી એટલે તેણે દેહ વેપાર છોડી દેવાની ખાતરી આપી. જેથી બન્ને ફરીથી સારી રીતે સાથે રહેવા લાગ્યા હતા. હકીકતમાં ફરઝાનાએ દેહ વેપાર છોડી દેવાની ફક્ત ખાતરી આપી હતી પણ છોડ્યો નહોતો. તે સમશુદ્દીન અને દેહ વેપાર એમ બન્નેને છોડવા નહોતી માગતી. હવે સમશુદ્દીને ફરઝાનાને છોડવાનું મન બનાવી લીધું હતું. સમશુદ્દીન સાથે તેનો ભાઇ ઇકબાલ રહેતો હતો. ઇકબાલને આ ઝઘડાની જાણ હતી. એક દિવસ સમશુદ્દીનને તેનો મિત્ર કરીમ મળ્યો હતો. આ સમયે તેની સાથે ઇકબાલ હાજર હતો. તેમની વચ્ચે વાતચીત થઇ તેમાં ફરઝાનાની વાત નીકળી. સમશુદ્દીને કરીમને કહ્યું કે મારે ફરઝાનાથી છૂટકારો મેળવવો છે. ત્રણેયે ભેગા મળીને નક્કી કર્યું કે ફરઝાના જ ન રહે તો આ સમસ્યા જ નહીં રહે અને સમશુદ્દીન નવી જિંદગી શરૂ કરી શકશે એટલે તેમણે સાથે મળીને ફરઝાનાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો સમશુદ્દીન ઘરે જ ફરઝાનાની હત્યા કરે તો આસપાસના લોકોને જાણ થઇ જાય તેમ હતું. કરીમે હત્યા માટે જગ્યા શોધવાનું નક્કી કર્યું. આ સમયે તેને સાલિયાબીબી યાદ આવ્યા. ભૂતકાળમાં કરીમે સાલિયાબીબીને ખૂબ મદદ કરી હતી જેથી તે કરીમના ઋણ નીચે દબાયેલી હતી. કરીમે સાલિયાબીબીને ફરઝાનાની હત્યાના પ્લાન અંગે જાણ કરી. સાલિયાબીબી કરીમનું ઋણ ઉતારવા માગતી હતી એટલે તેણે કુતુબનગરમાં આવેલા પોતાના મકાનમાં હત્યા કરવાની હા પાડી દીધી. કરીમ ખુશ થઇ ગયો. તેણે સમશુદ્દીનને હત્યા માટે જગ્યા મળી ગયાની વાત કરી હતી. જેના પછી સમશુદ્દીન, કરીમ અને ઇકબાલ સાલિયાબીબીના ઘરે ગયા અને જગ્યા જોઇ લીધી. તેમણે ફરઝાનાને સાલિયાબીબીના ઘરે કેવી રીતે લાવવી તેનો પ્લાન બનાવ્યો. એક દિવસ સમશુદ્દીને ફરઝાનાને એક સંબંધીના ઘરે લઇ જવાનું કહ્યું. સવારથી સમશુદ્દીન સારી રીતે વાત કરતો હોવાથી ફરઝાના ખુશ હતી. જેમ સમશુદ્દીન કહેતો તેમ ફરઝાના કરતી હતી. સાંજના સમયે સમશુદ્દીન ફરઝાનાને સાલિયાબીબીના ઘરે લઇ ગયો. ત્યાં પહોંચીને બધા સાથે જમ્યા હતા પછી થોડો સમય એકબીજા સાથે વાતચીત કરી. વાતચીત કરતાં-કરતાં જ બન્ને સૂઇ ગયા હતા. રાતના ઇકબાલ અને કરીમ સાલિયાબીબીના ઘરે આવી ગયા હતા. હવે બધા લોકો ફરઝાનાની ગાઢ ઊંઘની રાહ જોઇ રહ્યાં હતા. ફરઝાના ગાઢ ઊંઘમાં હતી ત્યારે સમશુદ્દીને ઇશારો કરતાં સાલિયાબીબી, ઇકબાલ અને કરીમ આવી ગયા. સાલિયાબીબીએ એક હાથ, ઇકબાલે બીજો હાથ પકડી લીધો. કરીમે તેના બન્ને પગ પકડી લીધા. જેથી ફરઝાના ઊંઘમાંથી જાગી ગઇ. તે બચવા માટે બૂમ પાડે ત્યાં સુધીમાં તો સમશુદ્દીને તેની ઉપર ચડી બેઠો. તેણે જેટલું જોર હતું એટલું ભેગું કરીને ક્રૂરતાપૂર્વક ફરઝાનાનું ગળું દબાવી દીધું. તે બચવા માટે તરફડિયાં મારતી રહી. થોડી વારમાં તેનું મોત થઇ ગયું. રાતનો સમય હોવાથી લાશનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન હતો. અંતે આ ચારેયે નક્કી કર્યું કે ઘરમાં જે ખાળકૂવો બનાવાયો છે તેમાં જ લાશ દાટીને તેના ઉપર માટી નાખી દઇશું. આ માટે જ્યારે બધા લાશ લઇ જઇ રહ્યાં હતા ત્યારે સાલિયાબીબીનો જમાઇ બિલાલ ત્યાં પહોંચી ગયો. બિલાલે બધું પોતાની નજરે જોઇ લીધું. હજુ તે કંઇ બોલે તે પહેલાં તો આ ચારેયે તેને ધમકી આપી કે જો તુ કોઇને કહીશ તો તારી પણ આવી હાલત કરીશું. જેથી ડરી ગયેલો બિલાલ ચૂપચાપ બેસી ગયો અને ચારેયે ભેગા મળીને ખાળકૂવામાં લાશ દાટી દીધી. આ ઘટના પછી તમામ લોકો પોતપોતાના ઘરે જતાં રહ્યાં અને જાણે કંઇ થયું ન હોય તે રીતે બિંદાસ્ત બનીને જીવવા લાગ્યા હતા. ફરઝાનાએ ઘર છોડી દીધું હતું એટલે તેની ચિંતા કરનારૂં કોઇ નહોતું. જેથી તે લાંબા સમય સુધી ગાયબ રહી પરંતુ કોઇએ તસ્દી લીધી નહોતી. સમય જતાં સમશુદ્દીને બીજા નિકાહ કરી લીધા. તેની પત્નીને જાણ નહોતી કે તેને અગાઉ નિકાહ કર્યા છે અને હત્યા કરી છે. વર્ષો બાદ કેસના રહસ્ય ખૂલતાં પોલીસે સમશુદ્દીન અને તેના ભાઇ ઇકબાલની ધરપકડ કરી હતી. બીજીતરફ ફરઝાનાના DNA પણ મેચ થઇ ગયા હતા. PI જેબલિયાની કામગીરી પોલીસ કમિશનર સુધીના અધિકારીઓએ વખાણી હતી. આ કેસ PI જેબલિયાના જીવનનો યાદગાર કિસ્સો બની રહેશે. આ પણ વાંચો પત્ની પતિ અને દેહ વેપારમાંથી કોઇને છોડવા તૈયાર નહોતી, 3 દાયકા સુધી જમીનમાં ધરબાયેલું રહ્યું રહસ્ય, એક ફોન ને 15 દિવસ સુધી પોલીસે આકાશ પાતાળ એક કર્યા, પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈની નવી ગેંગ સક્રિય, ગાંધીનગરમાં FIR:સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિતની હોટેલની ફેક વેબસાઇટો બનાવી; આ રીતે ખેલ પાડતાં
    Next Article
    કાર ભાડે આપતા પહેલા સાવધાન:આજવા રોડ પર રહેતા યુવકે રેન્ટ પર આપેલી થારનું એન્જિન બદલાઈ ગયું, છેતરપિંડી આચરતા 3 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment