Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મિસ્ટર નટવરલાલ’ સ્ટાઇલમાં ઠગાઈ કરતો શાતિર ઝડપાયો:બેંક કર્મચારીનો સ્વાંગ રચી રિક્ષા-ટેમ્પો ચાલકોને બનાવતો નિશાન, 31 શહેરોમાં 82 છેતરપિંડીની કબૂલાત

    8 hours ago

    ગુજરાતના નાના-મોટા શહેરોમાં રિક્ષા, ટેમ્પો અને અન્ય ભાડાના વાહનચાલકોને વિશ્વાસમાં લઇ નાની-નાની રકમની છેતરપિંડી આચરતા એક શાતિર ઠગને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના દાવા મુજબ આરોપીએ ગુજરાતના 31 જેટલા શહેરોમાં આવી જ રીતે આશરે 82 છેતરપિંડી આચર્યાની કબૂલાત કરી છે. આરોપીની અનોખી મોડસ ઓપરેન્ડીને પગલે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ તેની ચાલાકીની સરખામણી ‘મિસ્ટર નટવરલાલ’ સાથે કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ અમરેલીના શકકરગઢ રોડ, ગજેરા સંકુલ નજીક રહેતા 40 વર્ષીય જયકુમાર મનુભાઈ દુધાત તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316(2) અને 318(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. SBI કર્મચારી હોવાનું કહી રિક્ષા ભાડે કરી પોલીસ ફરિયાદ મુજબ ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નયન દિનેશભાઈ ચૌહાણની રિક્ષા આરોપીએ જુનાગઢ જવા માટે ભાડે કરી હતી. આરોપીએ પોતે SBI બેંકમાં નોકરી કરતો હોવાનું જણાવી રિક્ષાચાલકનો વિશ્વાસ જીત્યો હતો. જુનાગઢ પહોંચ્યા બાદ તેણે પોતાનો મોબાઇલ અને બેંક સર્વર ડાઉન હોવાનું બહાનું કાઢી રિક્ષાચાલક પાસેથી રૂ.6,000 લીધા હતા. બેંકના મેનેજર પાસેથી રૂપિયા લાવવાનું કહી ફરાર આરોપીએ રિક્ષાચાલકને જણાવ્યું હતું કે કાળવા ચોકની બેંક બ્રાન્ચના મેનેજર પાસેથી રૂપિયા લઇ ભાડાની રકમ સહિત તમામ પૈસા પરત આપી દેશે. રિક્ષાચાલકને ત્યાં જ ઉભો રાખીને આરોપી મોબાઇલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ રિક્ષાચાલકને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઇંગ્લિશ પુસ્તકો અને અખબારોથી બનાવતો શિક્ષિત હોવાનો દેખાવ પોલીસ તપાસમાં આરોપીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હોવાનું સામે આવ્યું છે. આરોપી પોતે શિક્ષિત અને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલો હોય તેવો દેખાવ કરતો હતો. તે પોતાની સાથે ઇંગ્લિશ પુસ્તકો, અખબારો અને અન્ય સાહિત્ય રાખતો હતો. આ સમગ્ર દેખાવથી તે રિક્ષા તથા ટેમ્પો ચાલકોમાં વિશ્વાસ ઊભો કરતો અને ત્યારબાદ પોતાની છેતરપિંડીની રમત શરૂ કરતો હતો. ‘સર્વર ડાઉન’નું બહાનું બનાવી રૂ.2થી 7 હજાર પડાવતો આરોપી પહેલા વાહન ભાડે કરાવતો અને ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ મોબાઇલ કે બેંક સર્વર ડાઉન હોવાનું બહાનું બનાવતો હતો. ત્યારબાદ વાહનચાલક પાસેથી સામાન્ય રીતે રૂ.2,000થી રૂ.7,000 સુધીની રકમ મેળવી લેતો હતો. કેટલાક કિસ્સામાં દુકાનદારો અથવા રાહદારીઓના QR સ્કેનર મારફતે ઓનલાઈન પેમેન્ટ કરાવી બાદમાં રોકડ રકમ મેળવી લેતો હોવાનો પણ પોલીસનો દાવો છે. નાની રકમ હોવાથી ફરિયાદ નહીં થાય તેનો લાભ લેતો આરોપી નાની રકમની છેતરપિંડી કરતો હોવાથી મોટાભાગના લોકો પોલીસ ફરિયાદ કરવા નહીં જાય તેવો લાભ લેતો હોવાનું પોલીસ માની રહી છે. અલગ-અલગ મોબાઇલ નંબર અને WhatsApp કોલનો ઉપયોગ કરીને તે પોતાની ઓળખ છુપાવવાનો તથા પોલીસની ટેકનિકલ તપાસથી બચવાનો પ્રયાસ કરતો હતો. CCTV અને ટેકનિકલ એનાલિસિસથી આરોપી ઝડપાયો વેરાવળ સિટી પોલીસની સર્વેલન્સ ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. લગભગ એક અઠવાડિયાની સતત મહેનત બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી. રૂ.37,700નો મુદ્દામાલ કબજે, ગુજરાતના અનેક શહેરોમાં છેતરપિંડીની કબૂલાત પોલીસે આરોપીના કબજામાંથી રૂ.7,500 રોકડા, ચાર મોબાઇલ ફોન, એક ડાયરી, 140 પાનાનો ચોપડો અને કાળા રંગની બેગ સહિત કુલ રૂ.37,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સામગ્રીના આધારે પોલીસે અન્ય છેતરપિંડીના બનાવોની પણ તપાસ શરૂ કરી છે. પોલીસના દાવા મુજબ આરોપીએ વેરાવળ, જુનાગઢ, કેશોદ, રાજકોટ, સુરત, અમદાવાદ, મોરબી, જામનગર, બોટાદ, વડોદરા, પોરબંદર, કોડીનાર અને તાલાલા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આ જ પ્રકારની છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે. આરોપીએ કુલ 31 જેટલા શહેરોમાં આશરે 82 બનાવોની કબૂલાત કરી હોવાનો પોલીસનો દાવો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ અમદાવાદના નવરંગપુરા, સેટેલાઇટ અને બાપુનગર તેમજ સુરતના અઠવાલાઇન્સ અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. હવે અન્ય શહેરોમાં નોંધાયેલા બનાવો સાથે આરોપીની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય જિલ્લાની પોલીસને પણ જાણ કરાઈ વેરાવળ સિટી PI જે.એન. ગઢવીએ જણાવ્યું કે આરોપીએ કબૂલ કરેલા અન્ય બનાવોની હકીકત ચકાસવા માટે ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓની પોલીસને જાણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડીનો ભોગ બની હોય તો વેરાવળ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વિગતો આપવી.
    Click here to Read More
    Previous Article
    કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરી વિવાદમાં:ગિરીશ કોલ્ડ્રીંક્સ પાસે રોંગ સાઇડમાં મોંઘીદાટ કાર હંકારીને કારચાલક સાથે માર મારીને ધમકી આપી, પોલીસે અટકાયત કરી
    Next Article
    ગર્લ્સ મેસમાં ઇયળ બાદ હવે બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યો વાંદો:સતત બીજા દિવસે ભોજનમાંથી જીવાત નીકળતાં હોબાળો, ABVP સાથે વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment