Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજકોટની 'વાઇબ્રન્ટ પ્રગતિ':પ્રથમ વખત 30 દેશોમાંથી જવેલર્સ સેલર-બાયર ભાગ લેશે, વિદેશી ડેલીગેટ 18 જગ્યાઓની મુલાકાત લઈ જવેલરીનું કાસ્ટિંગ ડિઝાઈન-હેન્ડ જવેલરી નિહાળશે

    3 days ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહેસાણા બાદ હવે રાજકોટમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના MSME ઉદ્યોગો તેમજ પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરો પાડશે. આ કોન્ફરન્સમાં 30 દેશોના જ્વેલર્સ અને 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ ભાગ લેવાના છે, જે અંતર્ગત પ્રથમ વખત વિદેશી સેલર્સ અને બાયર્સ રાજકોટની અલગ અલગ 18 ફેક્ટરીઓની મુલાકાત લઈ જ્વેલરીનું કાસ્ટિંગ ડિઝાઈન-હેન્ડ જ્વેલરી નિહાળશે. જેનાથી રાજકોટના ઘરેણાંને વૈશ્વિક ઓળખ પણ મળશે. આઝાદી પૂર્વે લેથ મશીન અને ખીલીના ઉત્પાદનથી શરૂ થયેલી રાજકોટની ઔદ્યોગિક સફર આજે લક્ઝુરિયસ કારના પાર્ટ્સથી લઈને ફાઇટર પ્લેન અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ સુધી પહોંચી છે, ત્યારે આ સમિટ દ્વારા આગામી સમયમાં એરો સ્પેસ, ઓટોમોબાઈલ અને કાસ્ટિંગ ક્ષેત્રે કરોડોના રોકાણ અને લાખો નવી રોજગારીની તકો સર્જાશે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. રાજકોટમાં લક્ઝુરિયસ કારથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ્સનું ઉત્પાદન આઝાદી પૂર્વેથી ઔદ્યોગિક પાર્ટ્સથી લઈને મશીન્સના ઉત્પાદનમાં રાજકોટની પ્રગતિ ‘વાઇબ્રન્ટ’ રહી છે. એક સમયે રાજકોટ ખીલીના મશીનનું ઉત્પાદન અને નિકાસ કરતું હતું. આજે એ જ રાજકોટમાં મોંઘીદાટ લક્ઝુરિયસ કારથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ્સનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. 1941-42માં રાજકોટમાં પ્રથમ ‘લંડન લેથ મશીન’ હંસરાજભાઈ વાલંભિયાએ વસાવ્યું હતું. આ પહેલા એક ફૂટ ઓપરેટેડ નાનો લેથ સાંગણવા ચોકમાં હતો, જેમાં સોઈંગ મશીનના પાર્ટનું રિપેરિંગ થતું હતું. ત્યારબાદ 1946માં નેશનલ વાયર પ્રોડક્ટ કંપની રવિભાઈ વાંકાણી દ્વારા સ્થાપવામાં આવી અને આ કંપનીએ ખીલી બનાવવાના મશીનો જાતે બનાવ્યા અને તેની વિદેશમાં નિકાસ પણ શરૂ કરી હતી. આજે પણ આ કંપનીના વિવિધ મશીનની નિકાસ અન્ય દેશોમાં થઇ રહી છે. આ પણ વાંચો: 11મીએ મોદી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદઘાટન કરશે, 55 એકરમાં 6 એક્ઝિબિશન સહિત 7 હોલ તૈયાર વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્રના MSME સેકટરને ખુબ મોટો ફાયદો થશે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્રના MSME સેકટરને ખુબ મોટો ફાયદો થશે એ વાત નિશ્ચિત છે. રાજકોટ એ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં, ઇલેક્ટ્રિકલ વાહન પાર્ટ્સ બનાવવામાં, મોટર ઇલેક્ટ્રિક પાર્ટ્સમાં, તમામ પ્રકારના પમ્પ બનાવવામાં આગળ વધી રહ્યું છે. આપણી બેરિંગ ઇન્ડસ્ટ્રી દુનિયા આખીને હંફાવી રહી છે, એ જ રીતે એન્જિન વાલ્વ, એન્જિનના મોટા ભાગના પાર્ટ્સ તેમજ ફોર્જિંગ ફાઉન્ડરી આખી દુનિયામાં વિખ્યાત બની ચૂકી છે. આખા ભારતમાં ઓટોમોટિવ એક્સેલ માટે એક કંપની કાર્યરત છે અને હવે બીજી કંપની રાજકોટમાં બનવા જઈ રહી છે. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખની સરકાર સમક્ષ 3 માગ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ મૂકી છે. જેમાં એક છે સરકાર લેવલે પોલિસીમાં બદલાવ કરી સારી અને સુદ્રઢ બનાવવા માગ છે, જેની અંદર MSME સાથે જોડાયેલા નાના ઉદ્યોગને દર મહિને સબસીડી આપવામાં આવે તો તેનો ફાયદો ચોક્કસ થઇ શકે. બીજું ટ્રેડ ડેવલોપમેન્ટ માટે સહાય આપવામાં આવે છે તે દર વર્ષે આપવામાં આવે એવી માગ છે. અને ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકના દિવસોમાં વહેલી તકે શરૂ કરવા અમારી મુખ્ય માગ છે. એન્જિનિયરિંગ, સીરામીક અને બ્રાસ પાર્ટ્સ માટે સેમિનાર થશે MSME વિભાગના કમિશનર એમ.જે.લાડાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના બિઝનેસને બુસ્ટ આપવાનો અને વિશ્વ લેવલે શોકેસ કરવા માટે વાઇબ્રન્ટ રિજનલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વના ઇન્વેસ્ટરો અહીં આવી ઈન્વેસ્ટ કરે અને આપણી પ્રોડક્ટ વિશે માહિતી મેળવી તેને નિહાળે અને વધુમાં વધુ લોકોને રોજગારી મળે એ આ વાઇબ્રન્ટ સમિટનો મુખ્ય ઉદેશ્ય છે. 50 કરતા વધુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટનું એન્જિનિયરિંગ, મોરબી સીરામીક અને જામનગર બ્રાસ પાર્ટ્સ માટે સેમિનાર થવાના છે. રાજકોટમાં એન્જિનિયરિંગ મેજર સેક્ટર છે, ત્યારબાદ જેમ્સ એન્ડ જ્વેલરીમાં સૌથી વધુ રોજગારી આપતું સેક્ટર છે. 4 લાખ જેટલા લોકોને ડાયરેક્ટ, ઈન્ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ આપવાનું આ સેન્ટર કામ કરી રહ્યું છે. 'ડાયમંડ જ્વેલરી પણ રાજકોટમાં ધીમે ધીમે બનવાની શરૂ થઇ ચુકી' જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના COA મેમ્બર વિનિત વસાએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, વિદેશી બાયર્સ પોતે રાજકોટ આવીને અહીંના ઉત્પાદકો સાથે સીધી બિઝનેસ માટે ચર્ચા કરશે. જે રાજકોટ માટે નવી ઓળખ અને નવી તક સમાન છે. રાજકોટના મેન્યુફેક્ચરર એની પ્રોડક્ટ અને ક્વોલિટી તેમજ ક્ષમતા વિશાળ છે. રિવર્સ બાયર્સ સેલર મીટ ખૂબ ઉપયોગી થવાની છે. 14 દેશના 30 બાયર્સ રાજકોટ આવવાના છે અને તેઓ 18 અલગ અલગ ફેક્ટરીની મુલાકાત લેશે. રાજકોટની પ્લેન ગોલ્ડ જ્વેલરી, ટેક્નોલોજી બેઝ જ્વેલરી, એન્ટિક જ્વેલરી અને સિલ્વર જ્વેલરી વખણાય છે, હવે ડાયમંડ જ્વેલરી પણ રાજકોટમાં ધીમે ધીમે બનવાની શરૂ થઇ ચુકી છે. ગુજરાત સરકારની પાયાની સુવિધાઓ ઉદ્યોગોના વિકાસમાં પ્રેરક બની ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ મેન્યુફેક્ચરર એસોસિએશન (IICMA)ના ઉપપ્રમુખ ચંદ્રેશ સંખારવાએ જણાવ્યું હતું કે, ઓટોમેશનના કારણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું એક્સપોર્ટ 20%થી વધીને 60% પહોંચ્યું છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે 95% ઉત્પાદન રાજકોટમાં થાય છે. આ ઉદ્યોગ ડિફેન્સ, ઓટોમોટિવ, રેલવે, તેલ–ગેસ, મરીન, ફાયર સેફ્ટી અને જનરલ એન્જિનિયરિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી પાયાની સુવિધાઓ ઉદ્યોગોના વિકાસમાં પ્રેરક બની છે. એન્જિનિયરિંગ સેક્ટરમાં બેથી ચાર ગણી વૃદ્ધિ કરવાની ક્ષમતા સુપર એન્જીટેકના ચેરમેન વિમલ ટાઢાણીએ જણાવ્યું હતું કે, '1982માં સ્થપાયેલી અમારી કંપનીમાં વર્ષ 2014-15માં અમે સંપૂર્ણ ઓટોમેશન આધારિત ટેકનોલોજી અપનાવી. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિઓના કારણે આજે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની છે. ટેકનોલોજી, ગુણવત્તા અને સિસ્ટમ આધારિત કામ દ્વારા અમે ગ્લોબલ OEMની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ.' રાજ્ય સરકારની ‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ નીતિ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ મેનપાવર અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે રાજકોટમાં એન્જિનિયરિંગ સેક્ટર આગામી સમયમાં બેથી ચાર ગણી વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. 8 મેગાવોટ ક્ષમતાના 2 સોલાર પ્લાન્ટ્સ અંતિમ તબક્કામાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને સુપર એન્જિટેક દ્વારા ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે. જે અન્વયે જામનગર અને રાજકોટ નજીક પવન ઊર્જા પ્રોજેક્ટ્સ દ્વારા કરોડો યુનિટ વીજ ઉત્પાદન થાય છે. સાથે જ 8 મેગાવોટ ક્ષમતાના 2 સોલાર પ્લાન્ટ્સ અંતિમ તબક્કામાં છે. કંપનીની માસિક ઉત્પાદન ક્ષમતા આશરે 5000 મેટ્રિક ટન છે જે ગુજરાત સરકારની સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીની નીતિને વધુ મજબૂત બનાવે છે. નાગલપરમાં 446 કરોડના ખર્ચે નવો મેડિકલ ડિવાઈસ પાર્ક બનશે રાજકોટ જિલ્લામાં અત્યારે કુલ 14 જેટલી GIDCનો સમાવેશ થાય છે. જયારે નાગલપરમાં રૂ.446 કરોડના રોકાણ સાથે નવો મેડિકલ ડિવાઈસ પાર્ક પણ બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ખીરસરા-2 GIDC રૂ. 131 કરોડના રોકાણ અને પીપરડીમાં રૂ. 95 કરોડના રોકાણ સાથે નવી GIDC બનાવવામાં આવશે જેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેમજ ગોંડલ પાસે 200 કરોડના ખર્ચે ટેક્નોલોજી હબ બનાવવામાં આવશે અને રાજકોટ જિલ્લાના ગઢકા ગામમાં રૂ. 500 કરોડના ખર્ચે અમૂલ ડેરીનો પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ-ધંધા ઉડાન ભરશે તેવો ઉદ્યોગકારોને વિશ્વાસ રાજકોટ જિલ્લામાં 2,38,069 સૂક્ષ્મ (માઇક્રો) ઉદ્યોગો, 7771 લઘુ (સ્મોલ સ્કેલ) ઉદ્યોગો અને 870 મધ્યમ (મીડિયમ સ્કેલ) ઉદ્યોગો મળીને કુલ 2,46,710 MSMEનો સમાવેશ થાય છે. આ બધા ઉદ્યોગોમાં આશરે 11 લાખથી પણ વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળતી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટની વિવિધ GIDCમાં આવેલા કારખાનાઓમાં સામાન્ય સ્ક્રૂથી લઈને વિવિધ ઓટોપાર્ટ્સ, મશીન ટુલ્સ, વૈભવી કારના લાઇનર્સ, ફાઇટર પ્લેન, ગન્સ વગેરે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગ-ધંધાને આસમાની ઉડાન આપશે, તેવો વિશ્વાસ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સંકલ્પ:સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉ. કચ્છ બોર્ડરે સરદાર પટેલની પ્રતિમાનું સ્થાપન કરશે
    Next Article
    બ્રાઝિલની ફીરકીએ મચાવી ધૂમ, પતંગ ચગાવવા પાર્ટનરની જરૂર નહીં:યંગસ્ટર્સમાં જેન-પ્રો ફીરકીનો ટ્રેન્ડ, અમદાવાદમાં 4000 રૂપિયાની કિંમતના પતંગનો પણ ક્રેઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment