Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકાર્પણના 3 માસ બાદ પણ આધુનિક લાઈબ્રેરી બંધ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 લાખ પુસ્તકો, RFID સિસ્ટમ સાથેના ડિજિટલ ગ્રંથાલયના લાભથી વિદ્યાર્થીઓ વંચિત

    13 hours ago

    ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 24 કલાક ખૂલ્લી રહેનારી અદ્યતન લાયબ્રેરીનું 7.71 કરોડના ખર્ચે ગત 2 ઓગસ્ટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના ત્રણ માસ બાદ પણ હજુ આ આધુનિક લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી નથી. RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ સાથે 5 લાખ જેટલા પુસ્તકોનો ડિજિટલ રેકોર્ડ અને વાઈફાઇ રૂમ સાથેની સુવિધાસભર આ લાયબ્રેરી રીડિંગ માટે ખૂલ્લી ન મુકાતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોસ જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના કાળને લીધે આ બિલ્ડીંગનું બાંધકામ અટક્યું હતું તો બાદમાં TRP અગ્નિકાંડને પગલે 9 મીટરથી વધુ ઉંચાઈવાળા બિલ્ડીંગમાં ફાયર NOCનો નિયમ આવતા નવી લાયબ્રેરીનું લોકાર્પણ લાંબા સમયથી અટક્યું હતું. જોકે, હવે લોકાર્પણ બાદ પણ જૂની લાયબ્રેરીમાંથી પુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ નવી લાયબ્રેરીમાં શિફ્ટ કરવામાં, RFID લગાવવામાં તેમજ પીવાના પાણી વ્યવસ્થા કરવા સહિતમાં ભારે વિલંબ થતા વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાથી વંચિત રહ્યા છે. લાયબ્રેરીને સંપૂર્ણપણે ડિજિટાઇઝ્ડ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં તૈયાર કરવામાં આવેલી નવી અદ્યતન સેન્ટ્રલ લાયબ્રેરીનું કામ હવે આખરી તબક્કામાં છે અને દિવાળીના વેકેશન બાદ તેને વિદ્યાર્થીઓ માટે વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવશે. આ નવી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાયબ્રેરીને સંપૂર્ણપણે ડિજિટાઇઝ્ડ કરવામાં આવી છે અને ત્યાં વાઇ-ફાઇની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા અંતર્ગત આર.ઓ. (RO) પ્લાન્ટ, વોટર કૂલર અને ફ્રીજની સુવિધાઓનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં સુરક્ષાના ભાગરૂપે ફાયર સેફ્ટીની તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટવાઈઝ વિદ્યાર્થીઓની માહિતી એક જ ક્લિક પર મળી રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે અઢી લાખ કરતાં વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં રેફરન્સ બુક્સ અને ઇશ્યુ કરવાના પુસ્તકોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની સગવડતા માટે અગાઉની જૂની લાયબ્રેરી પણ ચાલુ જ રાખવામાં આવશે. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇનફ્લિબનેટ (INFLIBNET)ના સહયોગથી આર.એફ.આઈ.ડી. (RFID) સિસ્ટમ આધારિત ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યો છે. જેનાથી દરરોજ કેટલા વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવ્યા અને બહાર ગયા, કયા કલાકમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા તેમજ ડિપાર્ટમેન્ટવાઈઝ અને મેલ-ફીમેલની ચોક્કસ માહિતી એક જ ક્લિક પર મળી રહેશે. લાયબ્રેરીનું આર્કિટેક્ચર એવું છે કે તે તમામ બાજુથી ખુલ્લું, કાચના સ્ટ્રક્ચરવાળું અને ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને પૂરતી કુદરતી હવા અને પ્રકાશ મળી રહે. હાલમાં સેન્ટ્રલ એસીની જરૂરિયાત ન હોવા છતાં ભવિષ્યની જરૂરિયાત મુજબ તે અંગે વિચારી શકાશે. વર્ષ 2024ની શરૂઆતમાં બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2021ના અંતમાં અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ કોરોનાને લીધે 8 માસ સુધી મજૂરો ન આવતા કામ શરૂ થઈ શક્યું ન હતું. જોકે બાદમાં આ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું અને વર્ષ 2024ના શરૂઆતમાં બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી હતી. જોકે તે બાદ બિલ્ડીંગનું લોકાર્પણ થયા પછી પણ વિદ્યાર્થીઓને નવી લાયબ્રેરીમાં 24 કલાક વાંચન અને આધુનિક ફેસીલીટીનો લાભ ન મળ્યો. ઓટોમેથડ સિસ્ટમથી લાયબ્રેરી કાર્યરત રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રૂ. 7.71 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ ત્રણ માળની લાયબ્રેરીનું બિલ્ડીંગ કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી લાયબ્રેરી કાર્યરત રહેશે એટલે વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઇડી કાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. યુનિવર્સિટીની નવી લાયબ્રેરીમાં 5 લાખ પુસ્તકો હશે યુનિવર્સિટીની નવી લાયબ્રેરીમાં પાંચ લાખ જેટલા પુસ્તકો રહેશે. આ સાથે જ ઘણા બધા સંદર્ભ ગ્રંથો પણ છે. અમુક ઓરીજનલ સ્ક્રીપ્ટ છે. ઘણા પૌરાણિક સિક્કાઓ કે જે અત્યારે દુર્લભ છે તેનું પણ અહીં પ્રદર્શન રાખવામાં આવેલુ છે. આ ઉપરાંત 25 વિદ્યાર્થીઓ માટે વાઇફાઇ રૂમ બનાવવામાં આવ્યો છે. હાલની લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા માટે સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. જોકે નવી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ 24 કલાક વાંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને રીડિંગ માટે શાંત વાતાવરણ મળી રહે તે પ્રકારે લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડિજિટલ લાયબ્રેરીમાં સુવિધા આ નવી લાયબ્રેરીમાં પાઠ્યપુસ્તકો સહિતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ટ્રી અને એક્ઝિટ માટે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ રાખવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડીંગની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે પૂરતો સૂર્યપ્રકાશ અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મળે જેથી તેઓ પ્રાકૃતિક વાતાવરણમાં વાંચન કરી શકે અને પોઝિટિવિટી પણ આવે. લાયબ્રેરીનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાચનું છે. જેમાં ઇ-કન્ટેન્ટની સુવિધા પણ વિદ્યાર્થીઓને મળી રહેશે જેને આપણે ડિજિટલ લાયબ્રેરી કહીએ છીએ. આ ઉપરાંત વાઇફાઇની પણ સુવિધા રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઈ-બુક્સનો પણ ઉપયોગ કરી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાયબ્રેરીમાં હાલ 97 વિદ્યાર્થીઓ રીડિંગ કરી શકે તેવી વ્યવસ્થા આ ઉપરાંત વધુમાં જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાયબ્રેરીમાં હાલ 97 વિદ્યાર્થીઓ રીડિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે અને અહીં 2.58 લાખ જેટલા પુસ્તકો છે. જોકે હાલની લાયબ્રેરીમાં પિરિયોડિકલ સેક્શન એટલે કે અલગ-અલગ પ્રકારના અખબારો અને જર્નલ્સ રાખવામાં આવેલા છે તે બંધ છે કારણ કે, અહીં વરસાદને કારણે પાણી પડતું હોવાથી ત્યાં હાલ રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભારતના પ્રથમ ઇન્ફ્લૂએન્સર રોબોટનો અજબ-ગજબ ઇન્ટરવ્યૂ:ગુજરાતીઓના સ્વભાવથી માંડીને AIનું ભવિષ્યના આપ્યા જવાબ; રોબોટના લગ્ન, લાગણીઓ વિશે 'એલેક્સ'ના મજેદાર તર્ક
    Next Article
    5.5 કિમીના સાબરમતી કાંઠે નવું હેંગ આઉટ સ્પોટ, ડ્રોન VIDEO:શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ એક વર્ષમાં શરૂ થશે, નરોડા-ચાંદખેડા સહિતના વિસ્તારોના લોકોને જલસા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment