Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ખાદ્ય સુરક્ષાના કડક પગલા:જીજે-3 ઢોસા કોર્નરનાં સાંભારમાં કેમિકલ અને જય દ્વારકાધીશ હોટલની ચટણીમાં પ્રતિબંધિત કલર મળ્યો, સંચાલકોને જેલની સજા અને રૂ. 2.50 લાખનો દંડ

    7 hours ago

    રાજકોટ મહાપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા બે જાણીતી ખાણીપીણીની પેઢીઓના સંચાલકોને જેલની સજા અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ 2019 અને 2021માં લેવામાં આવેલા નમૂનાઓમાં જોખમી અને પ્રતિબંધિત કલરની હાજરી મળી આવતા કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. જીજે-3 ઢોસા કોર્નરના સંચાલકને જેલ અને દંડ પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયાએ તા. 12-12-2019ના રોજ નાના મવા રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપમાં કાર્યરત "G.J-3 ઢોસા કોર્નર" પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સાક્ષીઓની હાજરીમાં ત્યાંથી "સાંભાર (લુઝ)" નો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાને પૃથ્થકરણ માટે વડોદરા ખાતેની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના રિપોર્ટમાં આઘાતજનક વિગતો સામે આવી હતી. જેમાં સાંભારના નમૂનામાં કાયદાકીય રીતે સદંતર પ્રતિબંધિત એવા 'પિંક કલર નોન-પરમિટેડ - ઓઈલ સોલ્યુબલ' કલરની હાજરી મળી આવી હતી. આ કલર માનવ શરીર માટે અત્યંત જોખમી હોવાથી ફૂડ એનાલિસ્ટ દ્વારા આ નમૂનાને "અનસેફ ફૂડ" (અસુરક્ષિત ખોરાક) જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાર્યવાહી કરીને મ્યુનિસિપલ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કમલેશકુમાર આર. ગાગનાણીએ તમામ દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી ચુકાદો આપ્યો હતો. કોર્ટે પેઢીના માલિક રવિભાઈ મેઘાણીને કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી 6 માસની સખત કેદની સજા અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ 2 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જય દ્વારકાધીશ હોટલમાં કલરની ભેળસેળ બદલ મોટી સજા બીજા એક કિસ્સામાં, યુનિવર્સિટી રોડ પર આવેલી "જય દ્વારકાધીશ હોટલ" સામે પણ કોર્ટે કડક પગલાં લીધા છે. ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી. વાઘેલા દ્વારા તારીખ 23-11-2021ના રોજ આ હોટલમાંથી "લસણ મરચાંની ચટણી (લુઝ)" નો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં આ ચટણીમાં એક નહીં પણ બે પ્રતિબંધિત કલર - પિંક અને ઓરેન્જ નોન-પરમિટેડ ઓઈલ સોલ્યુબલ ડાઈની હાજરી જોવા મળી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કમલેશકુમાર આર. ગાગનાણીએ કડક વલણ દાખવ્યું હતું. પેઢીના માલિક કનુભાઈ નાગજીભાઈ બાંભવાને 6 માસની સખત કેદ અને રૂ. 2,00,000 જેટલો માતબર દંડ ભરવા આદેશ કર્યો છે. દંડ ન ભરે તો વધુ 6 માસની જેલની સજાનો હુકમ કરાયો છે. આમ, બંને કેસ મળીને કુલ રૂ. 2,50,000નો દંડ અને જેલની સજાના આદેશો કરવામાં આવ્યા છે. 31 ધંધાર્થીઓની તપાસ અને 4 ને નોટિસ કોર્ટના ચુકાદાની સાથે સાથે રાજકોટ મહાપાલિકાનો ફૂડ વિભાગ મેદાનમાં ઉતર્યો છે. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા શહેરના અમીન માર્ગ અને રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 31 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાઇસન્સ બાબતે ગેરરીતિ જણાતા 4 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 1. શિવ એન્ટરપ્રાઇઝ, 2. ફૂડ અડ્ડા, 3. જયશ્રી જામનગરી ઘૂઘરા (લાઇસન્સ મેળવવા બાબતે સૂચના) અને 4. 9834 FRUIT TRUCK (લાઇસન્સ મેળવવા બાબતે સૂચના) આપવામાં આવી હતી. સ્થળ પર ચકાસણી અને નવા નમૂના આ સિવાય ફૂડ વિભાગ દ્વારા અન્ય 27 પેઢીઓમાં ખાદ્યચીજોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ન્યુ કૈલાશ ફરસાણ, જય જલારામ ફ્રૂટ, ચેતન સીઝન સ્ટોર, પાયલ પંજાબી ફૂડ, સ્વામિનારાયણ ફૂડ ઝોન, ગનીભાઈ મદ્રાસ કાફે, દિપક સેન્ડવિચ, અને સોનાલી રેસ્ટોરન્ટ જેવી પેઢીઓનો સમાવેશ થાય છે. નમુનાની કાર્યવાહી રાજભોગ આઇસ્ક્રીમ અને માવામલાઈ આઇસ્ક્રીમ: આવિષ્કાર આઇસક્રીમ, અંબિકા ટાઉનશીપ પાસેથી. કેસર કુલ્ફી અને કાજુ ગુલકંદ આઇસક્રીમ: કે.કે. ફૂડ પ્રોડક્ટસ, મોટા મવા વિસ્તાર રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. શહેરીજનોના આરોગ્યને જોખમમાં મૂકનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં. કોર્ટના આ ચુકાદાએ સાબિત કર્યું છે કે ભેળસેળના ગુનામાં માત્ર દંડ નહીં, પણ જેલની હવા પણ ખાવી પડી શકે છે. ગ્રાહકોને પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ ગુણવત્તાયુક્ત આહારનો આગ્રહ રાખે અને કોઈપણ શંકાસ્પદ ખાદ્યપદાર્થ બાબતે તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અડધી રાતે મંદિરો પર બુલડોઝર ફર્યા:ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમની તૈયારીઓ, નોકરીની દબાણમાં પિતાએ પુત્રને પતાવી દીધો; ભાવવધારા વચ્ચે ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના પાટિયા
    Next Article
    વલસાડમાં ચોમાસા પૂર્વે 92 કાસની સફાઈ શરૂ:પાલિકા રૂ. 70 લાખનો ખર્ચ કરશે, એજન્સીને જવાબદારી સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment