Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના નલ સે જલના દાવાઓ પોકળ:રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં 28,277 ફ્લેટ ધારકો ટેન્કરના ભરોસે રહેવા મજબૂર, તાત્કાલિક નળ કનેક્શન આપવા લોકોની માંગ

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ખૂણે 'નલ સે જલ' યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ દાવાઓની પોકળતા છતી થઈ છે. સ્માર્ટ સિટી તરફ ગતિ કરી રહેલા રાજકોટમાં આજે પણ હજારો નાગરિકોએ પાણીના એક-એક ટીપા માટે ટેન્કરની પ્રતીક્ષા કરવી પડી રહી છે. તંત્ર દ્વારા ભલે આજી - ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવીને જળાશયો છલકાવવામાં આવ્યા હોય, પરંતુ વિતરણ વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓને કારણે છેવાડાના વિસ્તારોમાં રહેતા 28,277 થી વધુ ફ્લેટ ધારકો અત્યારે સંપૂર્ણપણે ટેન્કરના ભરોસે રહેવા મજબુર છે. આ સોસાયટીઓએ તાત્કાલિક નળ કનેક્શન આપવા માંગ ઉઠાવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં વેસ્ટ ઝોન તેમજ ઈસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં ભૂગર્ભ જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે, જેના કારણે વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે. જે વિસ્તારોમાં બોર કાર્યરત છે, ત્યાં પણ પ્રદૂષિત અને ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાઓમાં પણ જ્યારે 'નલ સે જલ' જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે નિયમિત વેરો ભરીએ છીએ છતાં પણ અમારે પાણી માટે ખાનગી કે સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે, જે અત્યંત શરમજનક બાબત છે. આંકડાકીય પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો, વેસ્ટ ઝોનના અંદાજે 16 જેટલા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં કુલ 28,277 ફ્લેટ ધારકોને દરરોજ અંદાજે 3,60,000 લીટર પાણી ટેન્કરથી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ આંકડો જ સૂચવે છે કે પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં મનપા તંત્ર નિષ્ફળ રહ્યું છે. વેસ્ટ ઝોનની અનેક સોસાયટીઓ જેવી કે સવન સ્ટેટસ, ગોકુલમ હાઉસિંગ, રંગોલીપાર્ક, શ્રી હાઉસિંગમાં દરરોજ પાણીના અનેક ફેરા કરવા પડે છે. જો ઉનાળાના પ્રારંભમાં આ સ્થિતિ હોય, તો મે અને જૂન મહિનાના આકરા તાપમાં લોકોની હાલત શું થશે તે વિચારીને જ ધ્રુજારી છૂટી જાય છે. સોસાયટી અને આવાસ યોજના દીઠ વિતરણની વ્યવસ્થા જોઈએ તો, રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકો માટે 5000 લીટરની ક્ષમતા ધરાવતા 35 ટેન્કરો મોકલવામાં આવે છે. તેવી જ રીતે, ગોકુલમ હાઉસિંગ સોસાયટીના 200 ફ્લેટ માટે 6 ટેન્કર, સવન સ્ટેટસ ફ્લેટ્સમાં 176 પરિવારો માટે 6 ટેન્કર અને શ્રી હાઉસિંગ સોસાયટીના 224 પરિવારો માટે 7 ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં. 11 ના વિવિધ 6 ફ્લેટ્સમાં રહેતા 266 પરિવારો માટે 9 ટેન્કર, એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ માટે 3 ટેન્કર અને હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ માટે 2 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. તમામ વિસ્તારોમાં લોકોની એક જ માંગ છે કે અમને ટેન્કરના ભરોસે રાખવાને બદલે કાયમી નળ કનેક્શન આપવામાં આવે. ઈસ્ટ ઝોનની સ્થિતિ તો વેસ્ટ ઝોન કરતા પણ વધુ બદતર જોવા મળી રહી છે. વોર્ડ નં. 18 જેવા વિસ્તારોમાં હજુ સુધી પાણીની મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે તો પીવાનું પાણી મેળવવું એ રોજિંદો જંગ બની ગયો છે. ડંકીઓ ડુકી જવાને કારણે મહિલાઓને માથે બેડા લઈને દૂર-દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કર માટેના ટેન્ડરો તો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ એજન્સીઓ દ્વારા સમયસર પાણી પહોંચાડવામાં આવતું નથી તેવી ફરિયાદો મંછાનગર અને આસપાસના વિસ્તારોમાંથી ઉઠી છે. અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને આંકડાકીય માયાજાળ રચે છે, પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત સ્ફોટક છે. રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલી રંગોલી પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનેલી આ સોસાયટીમાં હજુ સુધી 'નલ સે જલ' યોજનાનો લાભ પહોંચ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના પ્રમુખે દિવ્યભાસ્કર સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી અહીં રહીએ છીએ, છતાં અમને પાલિકા દ્વારા નળ કનેક્શન આપવામાં આવ્યા નથી. હાલમાં અમે સંપૂર્ણપણે બોરવેલના પાણી પર નિર્ભર છીએ. ઉનાળો આવતા જ પાણીના સ્તર નીચે જાય છે અને પરિસ્થિતિ વધુ વણસે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દર વર્ષે ઉનાળામાં પાણીની અછત સર્જાતા રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વોટર ટેન્કર મોકલવામાં આવે છે, પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નથી. રાજકોટના કોર્પોરેશન વિસ્તારમાં અને શહેરની મધ્યમાં હોવા છતાં આ સુવિધાથી વંચિત રાખવામાં આવતા રહીશોમાં અન્યાયની લાગણી પ્રસરી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેમને કાયમી ધોરણે નળ કનેક્શન આપી પાણીની સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન અને ઉનાળાની આયોજનલક્ષી બેઠકો યોજવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ ક્યાંય દેખાતું નથી. આજી - ન્યારી ડેમમાં પાણી હોવા છતાં છેવાડાના માનવી સુધી તે ન પહોંચે તે વહીવટી ઘોર નિષ્ફળતા છે. શહેરનાં ઝડપી વિસ્તરણ સામે મનપાનું એન્જિનિયરિંગ વિભાગ પામર સાબિત થયું હોય તેમ જણાય છે. અહીં બહુમાળી ભવનોને મંજૂરી આપી દેવામાં આવે છે, પરંતુ ત્યાં પાણી ક્યાંથી આવશે તેનું કોઈ નક્કર આયોજન હોતું નથી. પરિણામે, બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા બોર થોડા જ સમયમાં ડુકી જાય છે અને અંતે સામાન્ય નાગરિકોને હેરાન થવાનો વારો આવે છે. વધતા જતા ઉનાળાની સાથે ટેન્કરની માંગમાં હજુ 20% થી 30% સુધીનો વધારો થવાની શક્યતા છે. જો વરસાદ મોડો પડશે તો રાજકોટમાં જળ કટોકટી સર્જાશે તે નક્કી છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે મહાનગરપાલિકા દ્વારા માત્ર કાગળ પરની યોજનાઓ બતાવવાને બદલે દરેક સોસાયટી-ફ્લેટ સુધી પાઈપલાઈન પહોંચાડવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    'મુંબઈમાં ઘર નહોતું ત્યારે રાજપાલ યાદવે આશરો આપ્યો':'મામલા લીગલ હૈ' ફેમ દિબ્યેન્દુ ભટ્ટાચાર્યએ થિયેટર આર્ટિસ્ટથી ફિલ્મ સ્ટાર બનવાના સંઘર્ષને યાદ કર્યો
    Next Article
    રાજકોટ મનપાની ચૂંટણીને લઈને EVMની ફાળવણી:પોલીસ પ્રોટેકશન સાથે 1014 મતદાન મથકો પર મોકલાયા, 26 એપ્રિલે મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment