Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠની બાઇક ચોરીને ભાગ્યો હતો કારીગર:ઉધના પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 28 વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો, 3 દિવસ સુધી ચાલ્યું ગુપ્ત ઓપરેશન

    23 hours ago

    ક્રાઇમ બ્રાંચ 1998થી એટલે કે છેલ્લા 28 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી લાલસીંગ તુલારામ નીસાદ (ઉં.વ. 43) ને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં હીરો હોન્ડા મોટરસાયકલની ચોરી કરવાનો કેસ નોંધાયો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 28 વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં પોતાની ઓળખ છુપાવીને દિલ્હીમાં આશરો લઈ રહ્યો હતો, જેને ક્રાઈમ બ્રાંચની આર્મ્સ સ્કોડે બાતમીના આધારે દિલ્હીમાં 3 દિવસનું અત્યંત ગુપ્ત ઓપરેશન હાથ ધરીને દબોચી લીધો છે. ચોરીની 28 વર્ષ જૂની ઘટના અને પોલીસની સતર્કતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત શહેર ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો સતત કાર્યરત છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાંચના આર્મ્સ સ્કોડના પોલીસ અધિકારીઓ અને જવાનોને એક અત્યંત મહત્વપૂર્ણ અને આધારભૂત બાતમી હકીકત મળી હતી કે વર્ષ 1998ની સાલમાં સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી/નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલ એક રીઢો આરોપી કાયદાના સિકંજાથી બચવા માટે દેશની રાજધાની દિલ્હી ખાતે છુપાઈને રહી રહ્યો છે અને ત્યાં નાની-મોટી મજૂરી કે અન્ય કામ કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યો છે. આ બાતમી મળતા જ પોલીસ તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું. દિલ્હીમાં 3 દિવસનું ગુપ્ત ઓપરેશન મળેલી સચોટ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાંચની એક ખાસ પ્રશિક્ષિત ટીમ તાત્કાલિક અસરે દિલ્હી જવા રવાના કરવામાં આવી હતી. દિલ્હી જેવા ગીચ અને વિશાળ મહાનગરમાં આરોપીને શોધવો એ એક મોટો પડકાર હતો. પરંતુ, પોલીસ ટીમે હિંમત હાર્યા વગર સ્થાનિક સ્તરે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીના ચોક્કસ રહેઠાણ અને અવરજવર વાળા વિસ્તારની ઓળખ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હીમાં સતત 3 દિવસ સુધી પોતાની ઓળખ છુપાવીને અત્યંત ગુપ્ત ઓપરેશન (Secret Operation) હાથ ધર્યું હતું. અંતે યોગ્ય તક મળતા જ વોન્ટેડ આરોપી લાલસીંગ તુલારામ નીસાદને કોર્ડન કરીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો હતો. કોણ છે આરોપી અને ક્યાંનો છે વતની? પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની પ્રાથમિક પૂછપરછ અને તપાસ કરતા જાણવા મળ્યું છે કે તેનું પૂરું નામ લાલસીંગ તુલારામ નીસાદ છે અને હાલ તેની ઉંમર આશરે 43 વર્ષની છે. તે મૂળ ઉત્તર પ્રદેશના ઔરૈયા (આરૈયા) જિલ્લાના જોરા ગામનો વતની છે. વર્ષ 1998માં જ્યારે તેણે આ ગુનાને અંજામ આપ્યો ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી. ગુનો કર્યા બાદ તે સુરત છોડીને ભાગી ગયો હતો અને પોતાના વતન જવાના બદલે દિલ્હીમાં જઈને વસી ગયો હતો જેથી પોલીસ ક્યારેય તેના સુધી પહોંચી ન શકે. તે દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ભાડાના મકાનો બદલીને રહેતો હતો જેથી કોઈને તેના ગુનાહિત ભૂતકાળની ખબર ન પડે. કેવી રીતે આચરી હતી ચોરી? સમગ્ર કેસની વિગત આ ગુનાની વિગતવાર હકીકત તપાસતા માલૂમ પડે છે કે આરોપી લાલસીંગ નીસાદ સુરતમાં લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. આ કેસના ફરિયાદી ઓમનારાયણ ઉમાશંકર તિવારીના લૂમ્સ બનાવવાના મશીન પર આરોપી છેલ્લા 4 વર્ષથી અત્યંત વિશ્વાસુ બનીને મજૂરી કામ કરતો હતો. પરંતુ સને-1998ની સાલમાં આરોપીની દાનત બગડી હતી અને તેણે ફરિયાદીના કબ્જા ભોગવટાની કિંમતી હીરો હોન્ડા મોટરસાયકલની ચોરી કરી લીધી હતી. પોતાના જ શેઠનો ભરોસો તોડીને મોટરસાયકલ ચોરી આરોપી રાતોરાત સુરત શહેરથી નાસી છૂટ્યો હતો. આ અંગે ફરિયાદી ઓમનારાયણ તિવારીએ ઉધના પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. નામદાર કોર્ટ દ્વારા ઇશ્યુ કરાયું હતું કલમ-70 મુજબનું વોરંટ વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં નોકર ચોરી અથવા વિશ્વાસઘાત પૂર્વક ચોરી મુજબ ગુનો નોંધાયા બાદ તત્કાલીન પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ પોલીસ તપાસ દરમિયાન આરોપી લાલસીંગ તુલારામ નીસાદ તેના રહેણાંક કે સંભવિત આશ્રયસ્થાનો પર મળી આવ્યો ન હતો. આરોપી સતત નાસતો-ફરતો રહેતો હોવાથી અને કાયદાની પ્રક્રિયામાં સહકાર ન આપતો હોવાથી, નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સી.આર.પી.સી. (CrPC) ની કલમ-70 મુજબનું પકડવોરંટ (નૉન-બેલેબલ વોરંટ) ઇશ્યુ કરવામાં આવ્યું હતું, જે અત્યાર સુધી પેન્ડિંગ હતું. કાયદેસરની કાર્યવાહી અને ઉધના પોલીસને કબ્જો સોંપવાની તજવીજ છેલ્લા 28 વર્ષથી પોલીસને હાથતાળી આપીને ફરતા આ આરોપીને દિલ્હીથી સુરત લાવવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી વિરૂદ્ધ કાયદેસરની અટકાયતી પગલાં લઈને આગળની તપાસ અને કોર્ટ પ્રોસિજર માટે તેનો કબ્જો મૂળ ગુનાની તપાસ કરતી ઉધના પોલીસ સ્ટેશનની ટીમને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની આ પ્રશંસનીય કામગીરીને પગલે 28 વર્ષ જૂના અનસોલ્વ્ડ કેસના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ પણ તપાસશે કે આ 28 વર્ષ દરમિયાન આરોપીએ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેનની સ્કૂલ વાન સાથે ટક્કર:3ના મોત, અનેક ગંભીર રીતે ઘાયલ, સારવાર હેઠળ; મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખના વળતરની રેલવેની જાહેરાત
    Next Article
    સુરેન્દ્રનગરમાં 147થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર:ચુડાની કેજીબી વિદ્યાલયમાં ઝેરી ભોજનની અસર થતાં તંત્રમાં દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment