Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના વૃદ્ધને 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને 1.47 કરોડ પડાવ્યા:નકલી CBI ઓફિસર બનીને ડરાવ્યા, અમદાવાદના ગોતામાંથી એકની ધરપકડ; બેંક ખાતામાં 2.84 કરોડના ટ્રાન્ઝેક્શન

    6 hours ago

    સુરતના એક 72 વર્ષીય સિનિયર સિટીઝનને નિશાન બનાવીને 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ. 1.47 કરોડથી વધુની રકમ પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે આ મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદથી મુખ્ય આરોપી ઉર્જિત કવિની ધરપકડ કરી છે. આરોપીએ વૃદ્ધને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી 28 દિવસ સુધી માનસિક દબાણમાં રાખી આખી ઘટનાને અંજામ આપ્યો હતો. મની લોન્ડરિંગના નામે 'ડિજિટલ એરેસ્ટ'ની નવી મોડસ ઓપરેન્ડી આ ગુનામાં સાયબર માફિયાઓએ પીડિતને ડરાવવા માટે પ્રી-પ્લાન્ડ સ્ક્રિપ્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઈમ અને CBI ઓફિસર હોવાની ઓળખ આપી હતી. આરોપીએ વૃદ્ધને એવું કહીને ડરાવ્યા હતા કે,'તમારા આધાર નંબર પરથી એક સીમકાર્ડ લેવામાં આવ્યું છે, જેનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે.' એટલું જ નહીં, આ સીમકાર્ડથી દેશવિરોધી મેસેજ પણ મોકલવામાં આવ્યા હોવાનું કહીને તેમને સતત વીડિયો કોલ પર નજર હેઠળ રાખીને'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતાં. 28 દિવસ સુધી કેદ રાખી RBI વેરીફિકેશનના નામે 1.47 કરોડ પડાવ્યા સુરત DCP બિશાખા જૈને જણાવ્યું કે, આરોપીઓએ ફરિયાદીને 28 દિવસ સુધી ડિજિટલ નજરકેદમાં રાખ્યા હતા. આ દરમિયાન ફરિયાદીના વોટ્સએપ પર મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાંચના બનાવટી લેટર્સ મોકલવામાં આવ્યા હતાં. આરોપીઓએ જણાવ્યું હતું કે જો તમારે ધરપકડથી બચવું હોય તો તમારા તમામ બેંક એકાઉન્ટ્સ અને પોર્ટફોલિયો લિક્વિડેટ કરી RBIમાં એન્ટ્રી વેરીફાઈ કરાવવી પડશે. ડરના માર્યા વૃદ્ધે રૂ. 1,47,88,100 ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં બેંક દ્વારા શંકાસ્પદ વ્યવહારની જાણ થતા આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદના ગોતાથી 'બેકાર' માસ્ટરમાઇન્ડ ઝડપાયો સુરત સાયબર ક્રાઈમની ટીમે બેંક ટ્રાન્ઝેક્શન અને લોકેશન ટ્રેસ કરીને અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા 'સેવી સ્વરાજ-1' ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 37 વર્ષીય ઉર્જિત સચ્ચિત આનંદ કવિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઉર્જિત હાલ બેકાર છે પરંતુ તેના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે થતો હતો. ફરિયાદીના રૂ. 1.47 કરોડમાંથી રૂ. 39 લાખ સીધા જ ઉર્જિતના અમદાવાદના ICICI બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આરોપીના ખાતામાં રૂ. 2.84 કરોડના શંકાસ્પદ વ્યવહાર પોલીસ તપાસમાં આરોપી ઉર્જિત કવિના ICICI બેંક ખાતાની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 2,84,93,628ના ટ્રાન્ઝેક્શનો થયા છે. આ રકમ દેશભરના અલગ-અલગ લોકો પાસેથી છેતરીને મેળવવામાં આવી હોવાની શંકા છે. સાયબર સેલે NCCRP (National Cyber Crime Reporting Portal) પર તપાસ કરતા માલૂમ પડ્યું કે આ એક જ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલ આરોપી ઉર્જિત કવિ માત્ર સુરત જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોની પોલીસ માટે પણ વોન્ટેડ હતો. તેની સામે નોંધાયેલા ગુનાઓની યાદી નીચે મુજબ છે: • દિલ્હી: સ્પેશિયલ સેલ દિલ્હીમાં છેતરપિંડીનો ગુનો. • રાજસ્થાન: કોટા સીટી સાયબર ક્રાઈમમાં IT એક્ટ મુજબ ગુનો. • અમદાવાદ: ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી. • ગાંધીનગર: ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. • વડોદરા: 2018માં છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બનાવટી દસ્તાવેજોનો ગુનો. કોઈ સરકારી એજન્સી વીડિયો કોલ પર ધરપકડ નથી કરતી સુરત સાયબર ક્રાઈમ સેલે નાગરિકોને અપીલ કરી છે કે CBI, ED કે પોલીસ જેવી કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ દ્વારા કોઈની ધરપકડ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. જો કોઈ અજાણ્યો શખ્સ પોલીસના નામે વીડિયો કોલ કરી તમને ડરાવે અથવા ડિજિટલ એરેસ્ટની ધમકી આપે, તો તુરંત જ 1930 હેલ્પલાઈન પર અથવા નજીકના સાયબર ક્રાઈમ સ્ટેશનમાં સંપર્ક કરવો જોઈએ. આંતરરાજ્ય ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ હાલમાં સુરત પોલીસે ઉર્જિત કવિની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં CBI ઓફિસર બનીને વાત કરનાર મહિલા અને સતીષ નિકમ તેમજ આકાશ કુલહરીના નામે ઓળખ આપનાર અન્ય આરોપીઓ કોણ છે તેની શોધખોળ ચાલુ છે. પોલીસને આશંકા છે કે આ એક આંતરરાજ્ય ગેંગ છે જે સુરત જેવા મોટા શહેરોના ધનિક અને વૃદ્ધ નાગરિકોને ડેટા ચોરી કરીને નિશાન બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    'દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં':સોમનાથમાં મોદી: સોમરસથી આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ
    Next Article
    હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટથી ભાઈ-બહેન ખેડૂતોના મોત:ટ્રેક્ટરને નીચા તાર અડકતા દુર્ઘટના, બેનો બચાવ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment