Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીન સામે એકસાથે 27 માઈન્ડ ગેમ:ભારતે 1962ના યુદ્ધની જગ્યાનું નામ બદલ્યું, જિનપિંગને તેની જ ડર્ટી ટ્રીક મુબારક, બ્રિક્સ પહેલા ડ્રેગનની ઊંઘ થશે હરામ

    9 hours ago

    વિચારો, તમે ઓફિસેથી થાકીને ઘરે જાઓ અને જુઓ કે પાડોશીએ તમારા ઘરની બહાર પોતાના નામની નેમપ્લેટ લગાવી દીધી છે અને મ્યુનિસિપાલિટીમાં દસ્તાવેજ પણ રજૂ કરી દીધા છે. તમે શું કરશો? ખાલી કાગળ પર વિરોધ નોંધાવશો કે કોઈ કાનૂની એક્શન લેશો? આ માત્ર કાગળનો ખેલ નથી, ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં આને કાર્ટોગ્રાફિક એગ્રેશન એટલે કે નકશા-યુદ્ધ કહેવાય છે. આ વાત અત્યારે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ચીન બરાબર આ જ સાયકોલોજિકલ ગેમ ભારત સાથે રમી રહ્યું છે. ચાલો વિગતે વાત કરીએ અરુણાચલ પ્રદેશ મામલે ભારત અને ચીનના ડખાની. નમસ્કાર... તમને થશે કે હિમાલયના પહાડોના નામ બદલાય તેમાં મારે કે કોઈ સામાન્ય માણસને શું ફેર પડે? તો નવેમ્બર 2025ની એક ઘટના યાદ કરો. અરુણાચલ પ્રદેશના 35 વર્ષીય મહિલા પેમા વાંગજોમને ચીનના શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રખાયા. વાંક ખાલી એટલો હતો કે તેમના પાસપોર્ટ પર જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ લખેલું હતું. ચીને પેમાને દબાણ કર્યું કે તે માને કે અરુણાચલ ચીનનો હિસ્સો છે. છેલ્લે આખી વાત દુનિયા સામે આવી અને બહુ મોટો હોબાળો થયો. ચીન કાગળ પર રમાતી આ ગેમથી સીધો આપણા સામાન્ય નાગરિકોની ઓળખ પર પ્રહાર કરી રહ્યું છે. તે આપણા પાસપોર્ટને જ એક હથિયાર બનાવી રહ્યું છે. અને આવી એક નહીં કેટલીય ઘટનાઓ છે જે આપણે ગણાવી શકીએ છીએ. ચીનની સ્ટેપલ્ડ વિઝા ગેમ જુલાઈ 2023માં ચીને અરુણાચલના 3 ભારતીય વુશુ ખેલાડીઓના પાસપોર્ટ પર ઓરિજિનલ સ્ટેમ્પ મારવાને બદલે કાગળ જોડીને સ્ટેપલ્ડ વિઝા પકડાવી દીધા. આનો મતલબ એવો થાય કે પાસપોર્ટ પર સીધો સ્ટેમ્પ ન મારીને ચીન એ સાબિત કરવાની માઇન્ડ ગેમ રમે છે કે તે અરુણાચલ પ્રદેશને કાનૂની રીતે ભારતનો હિસ્સો માનતું નથી. ભારતના સત્તાવાર પાસપોર્ટને ગેરકાયદેસર ગણાવવો એ ગ્લોબલ એવિએશનના શિકાગો અને મોન્ટ્રીયલ કન્વેન્શનના કાયદાઓનું સીધું અને ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. જો કે ભારતના વિસ્તારોના નામ બદલાવીને પોતાનામાં ખપાવવાની ચીનની ટેક્ટિક બહુ જૂની છે. વેલ પ્લાન્ડ થ્રી વૉરફેર્સ થીયરી ચીનની આ ચાલ પાછળ એક ખૂબ જ વેલ પ્લાન્ડ થ્રી વૉરફેર્સ થીયરી કામ કરે છે... કાનૂની યુદ્ધ, મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનમત યુદ્ધ. આ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ સલામી સ્લાઇસિંગની નીતિ છે. એટલે કે ધીમે ધીમે કટકા કરીને બીજાની જમીનનો કોઈ મોટો ભાગ પડાવી લેવો. જ્યારે પણ ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂત દેખાય, સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારે કે આપણા વડાપ્રધાન સરહદની મુલાકાત લે, એટલે તરત જ ચીન પોતાની ભડાસ કાઢવા કાઉન્ટર-એટેક તરીકે નવા નામોની યાદી બહાર પાડે. તે આ સ્લો પ્રોસેસથી આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ, ગ્લોબલ મીડિયા રિપોર્ટ્સ અને નકશાઓમાં પોતાના ઉપજાવી કાઢેલા ઝાંગનાન નામોને કાયદેસર ગણાવવા માંગે છે. પણ 7 ઓગસ્ટ 2026ના રોજ ગેમ બદલાઈ ગઈ. ભારતે દાયકાઓ જૂનું ડિફેન્સિવ વલણ ફગાવી દીધું અને પ્રો-એક્ટિવ સ્ટ્રાઈક કરી. ભારતના સર્વે ઓફ ઇન્ડિયાએ ઓફિશિયલ નકશો જાહેર કરીને અરુણાચલ પ્રદેશની 27 જગ્યાઓને તેમના અસલી, પ્રમાણિત ભારતીય નામો સાથે દુનિયા સામે મૂકી દીધી. આ ખાલી કોઈ જેવું તેવું સરકારી કાગળિયું નહોતું. આ ભારતનું ઓફિશિયલ કાર્ટોગ્રાફિક હથિયાર છે. આ વિસ્તારોમાં માં 19 જમીની વિસ્તારો, 4 પર્વતીય પાસ, ગામ, તળાવ અને સ્મારકો સામેલ છે. ભારતે જે 27 નામ ઓફિશિયલ રીતે જાહેર કર્યા તે માત્ર કોઈ પહાડ કે જમીનના ટુકડા નથી... તે ભારતની સુરક્ષાની જીવાદોરી છે. આપણે તમામ 27ને નહીં પણ સૌથી મહત્વની 4 જગ્યાઓ જાણીએ.. ભારતે આ સ્થળોને પોતાના ઓફિશિયલ નકશામાં મૂકીને ચીનની ઊંઘ હરામ કરી દીધી છે. પણ એક સવાલ થાય કે સરકારને એવું તો શું સુજ્યું કે અત્યારે આ નામકરણ કર્યાં? તો તેનો જવાબ છે કે, આનાથી લોકલ લેવલે સરકારી રેકોર્ડમાં એકરૂપતા આવશે, ઈમરજન્સીમાં રાહત કામગીરી ઝડપી બનશે, અને ચીનના જુઠ્ઠાણાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સત્તાવાર કાનૂની બ્રેક વાગશે. ચીને તેને અમાન્ય ગણાવીને ફફડાટ વ્યક્ત કરી દીધો છે, જે સાબિત કરે છે કે ભારતનો તીર નિશાના પર વાગ્યો છે. અંતર સ્પષ્ટ છે... ચીનની ચાલ vs ભારતનો માસ્ટરસ્ટ્રોક કાગળ અને કાયદા પર તો ભારતે પોતાનો હક્ક મજબૂત કરી લીધો છે અને 1951માં આસામ રાઇફલ્સના મેજર બોબ ખાટિંગે તવાંગમાં શાંતિપૂર્ણ રીતે લહેરાવેલા તિરંગાનો વારસો વધુ મજબૂત કર્યો છે. પણ, રીયલ લડાઈ તો હજુ જમીન પર છે. ચીન માત્ર નકશાઓ નથી દોરી રહ્યું, તે હિમાલયની છાતી પર સિમેન્ટ અને કોંક્રિટના જંગલો ઊભા કરી રહ્યું છે. 2017થી અત્યાર સુધીમાં ચીને તિબેટ અને અરુણાચલ સરહદે 620 થી વધુ ઝિયાઓકાંગ એટલે કે હાઈટેક ગામડાઓ વસાવી દીધા છે. આ કોઈ સામાન્ય ગામ નથી. ત્યાં માત્ર નાગરિકો નથી રહેતા, પણ 5G નેટવર્ક, મિલિટરી રડાર અને સૈન્ય બેરેક ગોઠવાયેલા છે. પણ આ વખતે ન્યૂ ઇન્ડિયા ચૂપચાપ તમાશો નથી જોઈ રહ્યું. ભારત સરકારે પણ ચીનની ભાષામાં, પણ પોતાના અંદાજમાં વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. અરુણાચલની સરહદે ₹42,000 કરોડના તોતિંગ ખર્ચે 1,748 કિલોમીટર લાંબો ફ્રન્ટિયર હાઈવે બની રહ્યો છે. વિચારો, અમુક જગ્યાએ તો આ રસ્તો ભારત-ચીનની LAC બોર્ડરથી ખાલી 20 કિલોમીટર દૂર હશે! સાથે જ સેલા ટનલ અને 11,000 મેગાવોટનો અપર સિયાંગ ડેમ એ ચીનની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલિંગનો સીધો તોડ છે. પણ હવે સૌથી મોટો સવાલ. આ બધું તો બોર્ડર પર થાય છે, તેમાં મારે શું? ગુજરાતના કોઈ વેપારી કે અમદાવાદના કોઈ નોકરિયાતને શું ફેર પડે? અહીં આવે છે સૌથી મોટો આર્થિક વિરોધાભાસ. એક બાજુ આપણે સરહદ પર ચીન સામે આંખમાં આંખ નાખીને લડી રહ્યા છીએ અને બીજી બાજુ, આપણા જ ખિસ્સામાંથી ચીનની આ દાદાગીરી માટે ફંડિંગ થઈ રહ્યું છે. કઈ રીતે? જેની સાથે ડખો તેના મોમાં મીશરી તો સાંભળો! 2025-26ના લેટેસ્ટ ડેટા મુજબ, ચીન ફરીથી ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બની ગયું છે. બંને દેશો વચ્ચેનો કુલ વેપાર 151.1 અબજ ડોલરને પાર કરી ગયો છે. પણ કડવી વાસ્તવિકતા એ છે કે આમાં ભારતની વેપાર ખાધ 112.16 અબજ ડોલર છે! એટલે કે આપણે તેમની પાસેથી અઢળક સામાન ખરીદીએ છીએ, અને ચીનીઓ આપણી પાસેથી માંડ 19 અબજ ડોલરનો સામાન લે છે. જ્યારે તમે બીમાર પિતા માટે દવા લો છો કે નવો સ્માર્ટફોન ખરીદો છો, ત્યારે જાણ્યે અજાણ્યે તમારો રૂપિયો બેઇજિંગ પહોંચી રહ્યો છે. ડ્રેગનનો આર્થિક ભરડો: આપણી ખતરનાક નિર્ભરતા રાજદ્વારી સ્તરે જોઈએ તો ઓગસ્ટ 2026માં દિલ્હીમાં યોજાયેલી WMCCની 36મી બેઠકમાં ભારતે ચીનને રોકડો જવાબ આપી દીધો છે કે જ્યાં સુધી સરહદ પર શાંતિ નહીં, ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં. અમેરિકાની સેનેટે પણ મેકમોહન લાઇનને આંતરરાષ્ટ્રીય સરહદ માનીને ભારતનું પલડું ભારે કરી દીધું છે. ન્યૂ ઈન્ડિયાનો ચીનને તેની ભાષામાં જવાબ તો આ આખી વાતનો સાર શું છે? અરુણાચલનો વિવાદ હવે ખાલી સૈનિકોની બંદૂકો પર નિર્ભર નથી. તે નકશા, નેરેટિવ અને અર્થતંત્રના મેદાનમાં લડાઈ રહ્યો છે. 7 ઓગસ્ટ 2026ના રોજ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલો નકશો એ ન્યૂ ઇન્ડિયાની ગર્જના છે કે અમે તમારી નેરેટિવ વૉરફેર તમારી જ ભાષામાં તોડીશું. સરહદ પર જવાનો તો પોતાનું કામ કરી જ રહ્યા છે, પણ ખરી લડાઈ દેશની અંદર છે. શું તમને નથી લાગતું કે ચીનને માત્ર લદ્દાખ કે અરુણાચલની બોર્ડર પર જ નહીં, પણ આપણા બજારોમાં અને ઓનલાઈન શોપિંગ કાર્ટમાં પણ હરાવવાનો સમય આવી ગયો છે? જ્યાં સુધી આપણે આર્થિક આત્મનિર્ભરતા નહીં મેળવીએ, ત્યાં સુધી શું આપણે ખરા અર્થમાં આ કાર્ટોગ્રાફિક એટલે કે નકશા યુદ્ધ જીતી શકીશું? આ જવાબ સરકારે દેશને અને આપણે પોતાની જાતને આપવાનો રહેશે. અને છેલ્લે… આ નકશા યુદ્ધના એક મહિના પછી એટલે કે 12-13 સપ્ટેમ્બરે બ્રિક્સ સમિટ થશે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વખતે બ્રિક્સ સમિટ ભારતમાં થવાની છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 388 અંક ઘટીને 78,154 પર બંધ થયો:નિફ્ટી પણ 112 અંક તૂટ્યો, મેટલ અને FMCG શેર્સમાં વધુ વેચવાલી રહી
    Next Article
    રાજકોટમાં રાશનિંગના 5 દુકાનદારોને રૂ.8 લાખનો દંડ:સસ્તા અનાજની દુકાનોમાં જથ્થામાં વધઘટની ક્ષતિ સામે આવી, સૌથી વધુ અઢી લાખનો દંડ મહિલા પરવાનેદારને થયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment