Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસ્થાના 22,700 ડગલાં ને નર્મદા મૈયાની પરિક્રમા:મણિનાગેશ્વર મંદિર આસપાસનો રોમાંચ, બોટિંગ ને 21 કિમીની અદભુત સફર, જાણો કેવી છે સુવિધાઓ

    5 days ago

    પતિત પાવની પાવન સલિલા માઁ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ માહત્મ્ય છે. આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જે આગામી 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કેવી આસ્થા છે અને કેવી વ્યવસ્થા છે? તે અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો. આખા મહિના દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંદાજે 22,700 ડગલાંની 21 કિમીની નર્મદા પરિક્રમા કરે છે. નર્મદા જિલ્લાના રામપુરાથી પરિક્રમાનો આરંભ થાય છે. આ વર્ષે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું પવિત્ર યાત્રાધામ દ્વારા આ વર્ષે પરિક્રમાવાસીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી જ પરિક્રમાવાસીઓને આગળ જવા દેવામાં આવે છે. રાજપીપળાથી રામપુરાના માર્ગ ઉપર જઈએ તો ત્યાં જ પોલીસ રોકશે અને ત્યાં રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. બાદમાં જ પરિક્રમા માટે રામપુરા પહોંચી શકાય છે. ઉત્તરવાહીની પરિક્રમાનું માહાત્મ્ય નર્મદા નદી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ નર્મદાના સમગ્ર પટમાં અમુક જ સ્થાનો એવા છે જ્યાં નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. નર્મદાના આ સ્વરૂપને ઉત્તરવાહિની નર્મદા કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના તિલકવાડા અને રાજપીપળા નજીક રામપુરા પાસે નર્મદા નદી ઉત્તર તરફ વળતી હોવાથી આ 21 કિલોમીટરના પટમાં પરિક્રમા કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં આ પરિક્રમાનું મહત્વ અનેકગણું વધી જાય છે, કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. ત્યાંથી માંગરોળ, તપોવન આશ્રમ અને ગોપાલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ પરિક્રમા આગળ ધપે છે. ગોપાલેશ્વર મંદિરથી સીતારામ મંદિર અને ત્યારબાદ નર્મદા નદીના પટમાં ચાલવાનું હોય છે. નર્મદા નદીને પાર કરી તિલકવાડા ખાતે પહોંચી શકાય છે. પરિક્રમા સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નર્મદા પરિક્રમાના માર્ગ ઉપર સ્વચ્છતાને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દર 50 મીટરના અંતરે કચરા પેટીઓ મૂકવામાં આવી છે. નદીમાં પ્લાસ્ટિક કચરો ન નાખવો તે અંગેના બોર્ડ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. માર્ગ ઉપર મુકાયેલી કચરાપેટીઓ પરિક્રમાવાસીઓને જ્યાં ને ત્યાં કચરો ન નાખવા માટે પ્રેરે છે. સ્થાનિક સખી મંડળોને રોજગારી નર્મદા પરિક્રમાના મધ્ય પડાવ સમાન સીતારામ બાદ જ્યાંથી નર્મદા નદી પગદંડી મારફતે પાર કરવાની છે, ત્યાં સ્થાનિક સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા છે. અહીં આ બહેનો દ્વારા ચા- નાસ્તાના સ્ટોલ કરવામાં આવ્યા છે. લોકોને વ્યાજબી ભાવે અહીંથી ચીજવસ્તુઓ મળે છે. સખી મંડળના સંગીતા બહેને જણાવ્યું હતું કે, અહીં સરકારે અમને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપ્યા છે. અમે અહીં સખી મંડળની બહેનો રોજી-રોટી કમાઈએ છે. અમે નજીવી કિંમતે ચીજ-વસ્તુઓનું વેચાણ કરીએ છે. પગદંડી વાળા માર્ગે સુરક્ષા વ્યવસ્થા જ્યાંથી પગદંડી મારફતે નર્મદા નદી પાર કરવાની હોય છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પગદંડી ઉપર બંને તરફ નેટ લગાવવામાં આવી છે. પરિક્રમા કરતા લોકો તેના ઉપરથી સહેલાઈથી પસાર થઈ શકે તેવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માર્ગ ઉપર સેવાની ધૂણી પરિક્રમાના માર્ગ ઉપર આસપાસના ગામના લોકો દ્વારા સેવાની ધૂણી ધખાવવામાં આવી રહી છે. આખી રાત લોકો દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓની ખૂબ સેવા કરે છે. કેટલાક સ્થળોએ નાસ્તો તો કેટલાક સ્થળોએ સંપૂર્ણ ભોજનની પણ વ્યવસ્થા છે. ગ્રામજનો દ્વારા કોઈ પણ અપેક્ષા વગર સેવાની ધૂણી ધખાવવામાં આવી છે. મણિનાગેશ્વર મંદિર સુધી અને બાદનો માર્ગ પરિક્રમામાં રોમાંચ પૂરે છે તિલકવાડા નજીક પહોંચ્યા બાદ મણિનાગેશ્વર મંદિર આવે છે, જ્યાં દર્શન કર્યા બાદ આસપાસ ખેતરોની વચ્ચેથી પગદંડી પરિક્રમા માર્ગમાં રોમાંચ પૂરે છે. પરિક્રમા કરનારા લોકો માટે આ માર્ગ ઉપર અદ્ભુત અનુભૂતિ કરે છે. અહીં પરિક્રમાવાસીઓ માટે લાઇટિંગની પણ સારી સુવિધા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને અહીં અગવડતા નથી પડતી. શ્રદ્ધાળુઓ માટે આરામ માટેની પણ વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં બેસવા તેમજ સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાટલા અને તેના ઉપર ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં આરામ કરી શકે છે. અહીં માત્ર ગુજરાત જ નહી, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ અહીંની વ્યવસ્થાની સરાહના કરી રહ્યા છે. પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુએ અહીંની વ્યવસ્થા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન લોકોએ ગરબાની મજા લીધી પરિક્રમાના માર્ગ ઉપર સાઉન્ડ સિસ્ટમ ઉપર સતત નર્મદાષ્ટકમ અને ધાર્મિક ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આ સિસ્ટમ ઉપર ગરબા વગાડતા સાથે જ શ્રદ્ધાળુએ ત્યાં જ ગરબાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતીઓની ઓળખ એવા ગરબા પરિક્રમામાં પણ જોવા મળ્યા હતા. પરિક્રમા પૂર્ણ કરતા પાંચથી સાત કલાકનો સમય લાગે નર્મદા પરિક્રમા પૂર્ણ કરતા અંદાજે પાંચથી સાત કલાકનો સમય લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિ આ પરિક્રમા 5 કલાકમાં પૂર્ણ કરી શકે છે અને વૃદ્ધ વ્યક્તિને પરિક્રમા પૂર્ણ કરતા સાત કલાક જેટલો સમય લાગે છે. સામાન્ય દિવસોમાં બોટમાં ભીડ નથી હોતી, પરંતુ રજાના દિવસોમાં બોટમાં બેસવા કતારમાં રહેવું પડે છે. બોટમાં લાઇફ જેકેટની વ્યવસ્થા આ વખતે નર્મદા પરિક્રમા માટે નદી પાર કરી રામપુરા પરત પહોંચવા માટે વિશેષ બોટ મંગાવવામાં આવી છે. આ બોટમાં તમામ લોકો માટે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 50 રૂપિયા ખર્ચીને બોટમાં બેસવું પડે છે અને લાઇફ જેકેટ વગર બોટમાં બેસવા દેવામાં આવતા નથી. રામપુરા ખાતે આ પરિક્રમા પૂર્ણ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગાંજો ઝડપાયો:કાઠડા ત્રણ રસ્તા પાસેથી 66 હજારના ગાંજા સાથે 1 પકડાયો
    Next Article
    3 ટેસ્લા, 2 રોલ્સ રોયસ ને 1 ફેરારી છોડાવી:અમદાવાદીઓએ એક વર્ષમાં 484 તો મર્સિડીઝ ખરીદી; ‘લોકો શોખ પૂરા કરવા પૈસા વાપરી રહ્યા છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment