Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 ગાયો માટે રાત્રે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા:સપનું આવ્યું ને અમદાવાદનો યુવાન ધણ લઇ 380 કિમી ચાલી દ્વારકા પહોંચ્યો, ભગવાનના સન્મુખ દર્શન કરાવ્યા

    18 hours ago

    ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે ગાયોના રખેવાળ ગોવાળિયા.... શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથના દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી 25 ગાયોના ધણ સાથે દ્વારકાધીશના દર્શને પગપાળા નીકળી પડ્યો. સવારે અને સાંજે ગાયોનું ધણ અને આ યુવાનો 10-10 કિલોમીટર એમ કુલ 20 કિલોમીટરનું અંતર કાપતાં હતા. બપોરે અને રાત્રે રસ્તામાં જે પણ ગામ હોય ત્યાં વિસામો કરતાં હતા. અંદાજે 380 કિલોમીટરનું લાંબું અંતર કાપીને 19 દિવસે તે ગાયો સાથે દ્વારકાધીશની સન્મુખ પહોંચ્યો હતો. મંદિરના નિયત સમય બાદ પણ ખાસ કિસ્સામાં ગૌ માતા માટે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા હતા. 21 ગાયો સાથે પગપાળા દ્વારકા જવાનું સપનું આવ્યું અમદાવાદના સરખેજમાં ઉજાલા બ્રિજ પાસે રહેતાં સંદીપ ખંભાળિયા ઇલેક્ટ્રિશિયન છે પરંતુ યુવાનો સાથે મળીને તેઓ દર રવિવારે એક સેવાનું કાર્ય કરે છે. તેમના ગ્રુપનું નામ નિરાધારનો આધાર છે. જેમાં 400 લોકો જોડાયેલા છે. છેલ્લા 6-7 મહિનાથી આ ગ્રુપે ભૂખ્યાંને ભોજન આપવાની સેવા ચાલુ કરી છે. આવા જ એક રવિવારે ભૂખ્યા લોકોને જમાડીને તે રાત્રે ઘરે સૂતા હતા ત્યારે તેમને એક સપનું આવ્યું. તેમનો દાવો છે કે સપનામાં તેમને પગપાળા દ્વારકા જવાનો આદેશ મળ્યો હતો. તેમાં પણ 21 ગાયોને સાથે લઇને જવાનું કહ્યું હતું. તેમણે સપનાંમાં જ કહ્યું કે હું પટેલનો દીકરો છું. મને કોણ ગાયો આપે? ત્યારે તેને જવાબ મળ્યો કે તારા ગામના મિત્રો મહેશ આહીર અને ભરત ભરવાડને કહેજે એટલે વ્યવસ્થા થઇ જશે. મિત્રોને મનાવવામાં 15 દિવસ લાગ્યા સવાર પડતાં જ સપનું યાદ આવ્યું એટલે તેણે લાઠીદડ ખાતે રહેતાં મિત્રોને ફોન કરીને પોતાના સપનાંની વાત જણાવી હતી. શરૂઆતમાં તો મિત્રોએ ગાયોને પગપાળા આટલે દૂર લઇ જવા માટે આનાકાની કરી હતી પરંતુ સંદીપે સતત 15 થી 20 દિવસ સુધી ગામડે જઇને મિત્રો તથા ગામનાં લોકોને ભેગાં કરીને વાત સમજાવી ત્યારે તે તૈયાર થયા હતા. આ યાત્રા કોઇ માણસને લઇ જવાની ન હતી એટલે કપરી જરૂર હતી. કોઇ પ્લાનિંગ વગર યાત્રા શરૂ કરી યાત્રાની વાત કરતા સંદીપે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 16મી જૂને સાંજે ગાયોને લઇને નીકળવાનું નક્કી કર્યું હતું. જેમાં ભરતભાઇએ ગાયોની વ્યવસ્થા કરી દીધી અને મહેશભાઇનું કામ પદયાત્રાનું મેનેજમેન્ટ કરવાનું હતું પરંતુ ક્યાં જઇશું, કેવી રીતે જઇશું તેનું કોઇ પ્લાનિંગ કર્યું નહોતું. મેં ગોવાળોને કીધું હતું કે આપણે 21 ગાયોને લઇને જવાનું છે. બીજા દિવસે ફોન આવ્યો કે એક નંદી મહારાજ લઇ લઇએ? એટલે મેં કહ્યું કંઇ વાંધો નહીં. 4 ગાય દોડીને આવી અને યાત્રામાં જોડાઇ ગઇ લાઠીદડ ગામના છેડે આવેલાં હનુમાનજીના મંદિરે ગાયો અને તેના 3 ગોવાળો ભેગાં થયા હતા. જ્યાં ગાયોની પૂજા કરીને ગોવાળોને ચાંદલા કરીને વિદાય આપી હતી. તેમણે કહ્યું કે, અમે 16 તારીખે લાઠીદડથી નીકળ્યાં ત્યારે રસ્તામાં એક હનુમાનજીનું મંદિર આવ્યું હતું. જ્યાં અમારું સામૈયું હતું ત્યારે મને ગોવાળે કહ્યું કે બીજી 4 ગાયો દોડીને જોડે આવી છે એટલે મેં કહ્યું કંઇ વાંધો નહીં. તેમને પણ દર્શન કરવા હશે, સાથે લઇ લો. 19 દિવસે દ્વારકા પહોંચ્યા યાત્રાએ પહેલો વિસામો બોટાદમાં લીધો હતો. જ્યાંથી એક સાધુ પણ તેમની સાથે જોડાયા હતા. યાત્રાની વાત કરતાં તેઓ કહે છે કે, ગાયને ચલાવવી મારૂં કામ નથી. તેના માટે તો ગોવાળ જ જોઇએ. લાઠીદડથી દ્વારકાનું કેટલું અંતર હતું તેની પણ મને પણ ખબર નહોતી. અમે નીકળ્યાં પછી 4 જુલાઇએ દર્શન થયા હતા. આમ કુલ 19 દિવસ લાગ્યા હતા. દસેક કિલોમીટર પદયાત્રા કરીને રસ્તામાં જે પણ ગામ આવતું હતું ત્યાં વિસામો લેતાં હતા. વિંછિયા, પાળિયાદ પછી જેમ-જેમ વાત ફેલાતી ગઇ તેમ તેમ લોકો ગાય માટે ઘાસ લઇને આવી જતાં હતા.અમને ક્યાંય પણ ગાયના ઘાસચારાની તકલીફ પડી નથી. રસ્તામાં 2 ગાય મોતને ભેટી તેમને થયેલાં અનેક અનુભવોમાંથી એક કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે કે, રસ્તામાં નવા ગામ-ભાડોઇ ગામ પાસે 2 ગાયોના મોત થયા. તેમને ત્યાં સમાધિ આપી છે. એક નાનું મંદિર બનાવવાનો પણ વિચાર છે. રિબડામાં મેહુલભાઇ માલધારીને ત્યાં પહોંચ્યા ત્યારે 2 ગાયની તબિયત સારી નહોતી એટલે તેને ત્યાં જ રહેવા દીધી હતી પછી મેહુલભાઇએ તે બન્ને ગાયોને લાઠીદડ પહોંચાડી દીધી હતી. અન્ય એક કિસ્સાનું વર્ણન કરતાં સંદીપ ખંભાળિયાએ કહ્યું કે, દ્વારકા મંદિરમાં પરમિશન વગર એન્ટ્રી ના મળે. અમારું કોઇ પ્લાનિંગ નહોતું કે અમે ત્યાં કોઇને ફોન કરીને જાણ પણ નહોતી કરી કે અમે આ રીતે ગાયોને લઇને આવીએ છીએ પણ દ્વારકાના રોનક ઠક્કરે અમારો વીડિયો જોયો હશે અને તેમને ભાવ જાગ્યો. અમે જ્યારે દ્વારકાથી અમૂક કિલોમીટર દૂર હતા ત્યારે તેઓ સામેથી અમને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું તમે લોકો ફક્ત દ્વારકા પહોંચો બાકી બધું મારા પર છોડી દો. આ નાની વાત નહોતી. રાત્રે 10 વાગ્યે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા તેમણે આગળ કહ્યું કે, અમે દ્વારકાધીશના મંદિરે 5થી 5:30 વાગ્યે પહોંચ્યા હોઇશું ત્યાં રોનકભાઇ સાથે 4 ભૂદેવો હતા. તેમણે સામૈયું કર્યું અને વિધિ કરી. ગૌ માતાનું સન્માન કર્યું. મંદિરની પાછળ રોનકભાઇની ધર્મશાળામાં ઉતારો આપ્યો હતો. રાત્રે 10 વાગ્યા પછી અમારે મંદિરમાં દર્શન કરવા જવાનું હતું. મંદિરમાં રાત્રે ગાયોને લઇ જવાની સહિતની તમામ વ્યવસ્થા તેમણે કરી હતી. શ્રદ્ધાળુઓ માટે મંદિરનો દરવાજો બંધ થયો તે પહેલાં સંદીપ ખંભાળિયાએ પોતાના લોહીથી લખેલો એક પત્ર ભગવાન દ્વારકાધીશ સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. પત્રમાં તેમણે પોતાની વેદની રજૂ કરી હતી. રસ્તામાં કોઇ વાહન કે વ્યક્તિને તકલીફ ન પડી આટલી ગાયો એક સાથે રસ્તા પર ચાલતી હોય તો સ્વભાવિક છે કે વાહનોને પસાર થવામાં તકલીફ પડે પરંતુ આ યાત્રામાં આવું કશું નથી થયું. સંદીપ ખંભાળિયા કહે છે કે, અમે દ્વારકા પહોંચ્યા ત્યાં સુધી એકપણ એવો દાખલો નથી કે ગાયના કારણે કોઇ વાહનને તકલીફ પડી હોય કે માણસને તકલીફ પડી હોય. અમને પણ કોઇ તકલીફ પડી નથી. ગાયો છેક સુધી અમારી પાછળ ચાલતી આવી છે. વચ્ચે ડૉક્ટર ટીમનો પણ સારો સપોર્ટ મળ્યો હતો. ગાયોની સેવા કરવાનો સંદેશ પદયાત્રા પાછળના હેતુની વાત કરતાં તેમણે કહ્યું કે, યુવા જાગૃતિ, માનવ સેવા અને ગૌ સેવાનો મેસેજ હતો. મુખ્ય હેતુ યુવાનોને વધુમાં વધુ જોડવાનો હતો. ગાયોની સેવા કરવી તે આપણો ધર્મ છે, એ ભૂલી જઇશું તો બધું પતી જશે. સમાજને હું એટલું જ કહેવા માગું છું કે જે માણસ સેવા કરે છે તેને સહકાર આપો. સારું બોલો, પૈસાની જરૂર નથી. આ રીતે ગાયોને પાછી લવાઇ ગાયોને પાછી કેવી રીતે લવાઇ તેની વાત કરતાં તેઓ કહે છે કે, અમે 2 આઇસરમાં ગાયોને પાછી લાવ્યા હતા. દર્શન કરીને બીજા દિવસે બપોરે નીકળ્યાં હતા. ત્રીજા દિવસે સવારે 8 વાગ્યા આસપાસ લાઠીદડ પહોંચ્યા હતા. આ ઐતિહાસિક ઘટનાઃ વહીવટદાર દ્વારકા મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મંદિરનો સમય રાત્રે 9:40 વાગ્યા સુધીનો છે. ખાસ કિસ્સામાં 5-10 મિનિટ વધુ ચાલુ રાખીએ છીએ. ભીડ વધુ હોય અને દર્શનાર્થી લાઇનમાં આવી ગયા હોય તો તેને દર્શન કરાવવા જ પડે. ઇતિહાસમાં પહેલી વખત જ આ ઘટના બની છે. મને ખૂબ સારું લાગ્યું. અમારા માટે એકદમ હિસ્ટોરિકલ મોમેન્ટ હતી. યાત્રાના ઉદ્દેશને ધ્યાને લઇ વ્યવસ્થા કરી તેમણે વધુમાં કહ્યું કે, આ યાત્રાનો ઉદ્દેશ હતો કે ગૌમાતાને દ્રારકાધીશના દર્શન થાય. પૌરાણિક મહત્વ છે કે 33 કરોડ દેવી દેવતાઓનો ગાયમાં વાસ છે. અત્યારે કળિયુગમાં તેનું મહાત્મ્ય રહે, લોકોમાં જાગૃતિ આવે, ગાયોના બેઝિક પ્રશ્નો અંગે લોકોનું ધ્યાન આકર્ષાય અને તેનું સુખદ પરિણામ આવે એટલા માટે અમે અહીંયા દર્શન કરાવવા માટેની બધી વ્યવસ્થા કરી હતી. આ યાત્રા માત્ર એક માનતા નહોતી પરંતુ ગાયોના પ્રશ્નો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ પણ હતી.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં અંગ્રેજી ભવનના હેડ VS કોંગ્રેસ પ્રવક્તા:ડૉ.મહેતાએ લેક્ચરરથી લઈ પ્રિન્સિપાલ સુધીની નિમણૂક ખોટી ગણાવતા ડૉ. નિદત બારોટે 50 લાખનો બદનક્ષીનો દાવો કર્યો
    Next Article
    વોટ્સએપ પર મદદના મેસેજના બહાને ઠગાઈ:શાયના NCનું વોટ્સએપ હેક કરી પરિચિતો પાસેથી લાખ્ખો પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment