Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુલ નહીં બને તો 2027 માં વિસાવદર વાળી થશે..:વંથલીન નાવડામાં પુલ ધોવાતાં 58 ખેડૂતોની વાવણી અટકી; ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી કહ્યું 2027 અરવિંદ ભાઈ ક્યાંય ગોત્યા નહી જડે

    2 days ago

    ​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલા નાવડા ગામના ખેડૂતો અને સ્થાનિક રહીશો હાલ ચોમાસાની ઋતુમાં એક ગંભીર અને વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાંથી પસાર થતો અને વાડી વિસ્તાર તરફ જતો મુખ્ય રસ્તો તેમજ ત્યાં આવેલો પુલ ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે તદ્દન તૂટી ગયો છે. આ ખારા વિસ્તારમાં આજુબાજુના ગરવાઈ, માણાવદર અને મોડકા જેવા વિસ્તારોમાંથી પાણીનો મોટો પ્રવાહ વહી આવે છે, જેના કારણે પુલ અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા આઠ-દસ દિવસથી આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિક લોકોનો સંપર્ક તૂટી ગયો છે અને તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલ ચોમાસાની વાવણીનો ખૂબ જ કિંમતી સમય ચાલી રહ્યો છે અને વરસાદી વિરામ છે, છતાં રસ્તો બિસ્માર હોવાથી ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી. ખેતરોમાં વાવણી માટે જરૂરી બિયારણ, ખાતર, હળ-સાંતી કે બળદગાડું લઈ જવું અત્યારે બિલકુલ અશક્ય બની ગયું છે. ​આ અંગે નાવડા ગામના રહીશ અર્જુનભાઈ ભારાઈ એ જણાવ્યું હતું કે અમને ખૂબ મુશ્કેલી પડે છે આ પુલ તૂટી ગયું છે અને અમારે ક્યાંથી જવાય એમ છે નહીં. આ આઠ-દસ દિવસ થયા આ વરસાદ આવ્યો એમાં પુલ તૂટી ગયું છે. અહીંયા ગરવાઈ, માણાવદર, મોડકા એ બધુંય પાણી અહીંયા લાગુ પડે આ ખારામાં અને એને હિસાબે આ બધું આખું પુલ તૂટી ગયું છે. મુશ્કેલીમાં અત્યારે બિયારણ કે કંઈ જાય એમ નથી અને સાંતી-હળ પણ ઊતરે એમ નથી. અમારી માંગણી એ છે કે આ પુલ વહેલી તકે બને, કારણ કે આ બાબતે અગાઉ રજૂઆત કરી હોવા છતાં અહીંયા કોઈ અધિકારી જોવા આવ્યું નથી. ​બીજા સ્થાનિક રહીશ હરસુખભાઈ ચૌહાણે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે ભારે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અહીંયા અમારે જે રસ્તો છે એ 58 ખેડૂત ખાતેદારનો રસ્તો છે. અત્યારે વાવણીનો સમય છે અને વરાપ પણ છે, અમારે વાવવું છે પણ કઈ પહોંચી શકીએ એમ નથી તો વાવવું કઈ રીતના? ધારાસભ્યને અમે રજૂઆત કરેલી, ટીડીઓને કરેલ, કલેક્ટરને કરેલ, બધાને રજૂઆત કરેલ છે, છતાંય કોઈ ધ્યાન દેતું નથી. તેમણે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી વિશે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે અરવિંદભાઈને તો મૌખિક પણ કીધેલું છે અને રૂબરૂમાં પણ કીધેલું છે, પણ કોઈ ધ્યાન દેતું છે નહીં. એટલે આ વખતે આ વહેલી તકે આનું નિરાકરણ લે, નકર 2027 માં હિસાબ-કિતાબ વાળી થાહે ને અરવિંદભાઈ તો ક્યાંય ગોત્યાય નહીં જડે. નેતાઓ ક્યારેય કોઈ મુલાકાતે આવતા જ નથી અને આવે છે તો અહીંયા જોવા નથી આવતા, ચૂંટણીમાં આવ્યા ઈ આવ્યા તે પછી અહીંયા કોઈ દી જોવા આવ્યાય નથી. ​ગામના અન્ય એક રહીશ માધાભાઈ વાણવીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે નાવડાથી સાતલપુરને જોડતો એક રસ્તો આવેલો છે, જ્યાં આશરે 58 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે. આ રસ્તા પર આવેલો પુલ ગયા વર્ષે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો અને તૂટી ગયો છે, પરંતુ હજી સુધી કોઈએ તેના પર ધ્યાન આપ્યું નથી. આ બાબતે અમે તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ પણ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરેલી છે, પરંતુ આટલી રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી તંત્ર તરફથી કોઈ અહીંયા આવ્યું નથી કે કોઈ પણ પ્રકારની તપાસ કે કામગીરી કરવામાં આવી નથી. પુલ તૂટી જવાને કારણે અત્યારે અમારે અમારા ખેતરે કેવી રીતે જવું એ મોટો પ્રશ્ન છે અને રસ્તાની આવી ખરાબ પરિસ્થિતિના કારણે ખેતરમાં જવાય તેમ ન હોવાથી આ વર્ષે વાવણી પણ અટકી પડી છે. જો આગામી સમયમાં આ પુલ અને રસ્તાનું કોઈ કામ કરવામાં નહીં આવે, તો અમારા તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ​જયસુખભાઈએ જણાવ્યું હતું કે અમારે આ વાડી વિસ્તારના રસ્તાની મોટી મુશ્કેલી છે, પંચાયતથી માંડીને તાલુકા લગીન રજૂઆત કરવા છતાં કોઈ અમને સહકાર કે મદદ કરતા નથી. વાડી વિસ્તારમાં જવું, અમારે નીણ-પૂરા અથવા ક્યાંય જવું, બિયારણ અત્યારે અમારા બગડે છે, તો અમારે હાલીને કેમ જવું કારણ કે અહીંયા બહુ મોટું પૂર આવે છે. દર વર્ષે અમારે આ મુશ્કેલી રહે છે અને પાણીનું પૂર વધારે આવવાના કારણે અમારા લોકો બહુ ત્રાસ પામી ગયા છે, તેમજ બાયુ, છોકરા કે કોઈ પણ વાડીએ જઈ શકતા નથી. જો સરકાર આમાં કોઈ મદદ ન કરતી હોય તો સરકાર અને પંચાયત ગઈ ક્યાં તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. ​બીજી તરફ, આ સમગ્ર વહીવટી પ્રક્રિયા અંગે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી વિવેક પંડ્યાએ જણાવ્યું હતું કે મોટા કાજલીયાળા થી લુસાડા તરફનો જે રસ્તો છે, તે વાસ્તવમાં આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણીના નિકાલ માટેની મૂળભૂત વહેણ એટલે કે ગાડી છે, જેની સરેરાશ પહોળાઈ ૫ મીટરથી લઈને ૭ મીટર સુધીની છે. વર્ષ 2022 માં આ રસ્તાને કાચામાંથી પાકો બનાવવા માટે નોન-પ્લાન સ્કીમ હેઠળ 4 કરોડ 24 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર થયું હતું અને માર્ચ 2024 માં એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં બોક્સ કલ્વર્ટ, પાઇપ કલ્વર્ટ અને માટીકામ પૂરું કરવામાં આવ્યું હતું. ​જો કે, વર્ષ 2024 ની ચોમાસાની ઋતુ દરમિયાન માટીકામ થવાને કારણે પાણીની ગાડી સાંકડી થઈ ગઈ હતી અને પાણીનો વહેણ સમાયો નહીં, જેના લીધે રસ્તાને નુકસાન થયું અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આથી સ્થાનિકો દ્વારા કામગીરી અટકાવવામાં આવી હતી અને ડામર રસ્તાને બદલે પ્રોટેક્શન વોલ સાથે સીસી રસ્તો બનાવવાની રજૂઆત થઈ હતી. આ સીસી રોડની કામગીરી અગાઉના ટેન્ડરમાં ન હોવાથી એજન્સીને તારીખ 16/05/2026 ના રોજ સરકાર તરફથી મૂળ ટેન્ડરમાંથી સત્તાવાર રીતે મુક્ત કરવામાં આવી છે. હવે જો નવેસરથી સીસી રસ્તાની કામગીરી કરવાની થાય, તો આસપાસના ખેડૂતો પૂરતી પહોળાઈની ગટર બનાવવા માટે લેખિત સંમતિ આપે તે જરૂરી છે, જે માટે ગ્રામ પંચાયતને પત્ર પણ લખવામાં આવ્યો છે અને સંમતિ મળ્યેથી સરકારમાં નવેસરથી દરખાસ્ત મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ:48 સભ્યોની સર્વાનુમતે રચનાને મંજૂરી, આવતીકાલે સમિતિઓ બનશે
    Next Article
    પાટણના ઝાપટપરાનું નામ ઈસ્લામપુરા કરાતાં વિવાદ:વસતીના સમીકરણો બદલાયા, સરકારી રેકોર્ડમાંથી જૂનું નામ હટાવી નવું નામ ચડાવાયું, SDM અને મામલતદારને ખરાઈનો આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment