Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓ માટે વ્યાજ માફી યોજના 2026:1.50 લાખથી વધુ બાકીદારો પાસેથી મુદ્દલ કરતાં વધુ વ્યાજ નહીં વસૂલાય, નવી હોકર્સ પોલિસીને બોર્ડમાં લીલી ઝંડી

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 1.50 લાખથી વધુ મિલકતવેરો બાકી ધરાવતા કરદાતાઓ માટે અત્યંત રાહતરૂપ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર ડૉ. નેહલ શુક્લની અધ્યક્ષતામાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં સર્વાનુમતે મંજૂરી અપાઈ છે કે હવેથી કોઈપણ મિલકતધારક પાસેથી મૂળ મુદ્દલ કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં. અનેક કિસ્સાઓમાં મૂળ વેરા કરતાં વ્યાજની રકમ વધી જતાં લોકો વેરો ભરવાનું ટાળતા હતા, જેને ધ્યાને રાખી આ મોટી રાહત જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી બાકીદારોને મોટો આર્થિક લાભ મળશે અને મનપાની તિજોરીમાં બાકી વેરાની આવક વધશે. મુદ્દલ જેટલું જ વ્યાજ લેવાશે, વધારાના વ્યાજમાંથી મુક્તિ અગાઉ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મિલકતવેરા અને પાણી વેરાના વ્યાજમાં રૂ. 5,000 સુધીની રાહત અપાઈ હતી, પરંતુ હવે નવી જોગવાઈ અનુસાર મુદ્દલ રકમથી વધુ વ્યાજ કોઈપણ સંજોગોમાં લેવાશે નહીં. જો કોઈ કરદાતાનો રૂ. 1 લાખનો મૂળ વેરો બાકી હોય અને તેના પર રૂ. 1.50 લાખ વ્યાજ ચડ્યું હોય, તો તેની પાસેથી માત્ર મુદ્દલ જેટલું એટલે કે રૂ. 1 લાખ વ્યાજ લેવાશે અને બાકીના રૂ. 50,000 ની સીધી માફી મળશે. જે કરદાતાઓએ 01/04/2026 થી 31/07/2026 દરમિયાન વ્યાજ સહિત પૂરી રકમ ભરી દીધી છે, તેમને વધારાની રકમ આગામી નાણાકીય વર્ષ 2027-28માં મજરે જમા આપવામાં આવશે. શહેરમાં તમામ મિલકતોને બિલ બજવણીની કામગીરી 30/09/2026 સુધીમાં પૂર્ણ કરવા આદેશ કરાયા છે. બાકીદારો માટે વ્યાજ માફી યોજના 2026 જાહેર મિલકતવેરા અને વોટર ચાર્જીસના બાકી લેણાંની ઝડપી વસૂલાત માટે મનપા દ્વારા 01/08/2026 થી 30/09/2026 સુધી વ્યાજ માફી યોજના 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ રહેણાંક, બિન-રહેણાંક અને સંપ કનેક્શન ધરાવતા કરદાતાઓ સંપૂર્ણ વેરો ભરપાઈ કરે તો મિલકતવેરાના ચડત વ્યાજમાં રૂ. 5,000 અને વોટર ચાર્જીસના વ્યાજમાં રૂ. 5,000 સુધીની માફી મેળવી શકશે. શહેરમાં ટ્રાફિક નિવારણ માટે નવી હોકર્સ ઝોન પોલિસી મંજૂર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે તૈયાર કરાયેલી સર્વગ્રાહી હોકર્સ ઝોન પોલિસીના ડ્રાફ્ટને જનરલ બોર્ડમાં પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાગરિકો અને હિતધારકો પાસેથી સૂચનો મંગાવી જરૂરી સુધારા સાથે તેને આખરી મંજૂરી અર્થે રજૂ કરાશે. નવી નીતિ હેઠળ શહેરના ત્રણેય ઝોનમાં રાઇડ્સ ધારકો માટે 2 વર્ષ માટે એક-એક ઝોન બનશે, જેમાં રેસકોર્સના રાઇડ્સ ધારકોને અગ્રતા મળશે. એક પરિવારમાંથી એક જ સભ્યને જગ્યા ફાળવાશે. પ્લોટ સાઇઝ મુજબ રૂ. 500 થી રૂ. 3000 માસિક ભાડું, રૂ. 500 સફાઈ ચાર્જ અને રૂ. 5000 ડિપોઝિટ લેવાશે તેમજ રાઇડ સેફ્ટી કમિટીનું લાયસન્સ ફરજિયાત રહેશે. 24 મુખ્ય માર્ગો 'હોકર્સ ફ્રી' જાહેર, QR કોડ ઓળખકાર્ડ અપાશે શહેરમાં અઠવાડિક બજારોને નિયંત્રિત કરવા સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં ચોક્કસ 4 પ્લોટ નિયત કરાયા છે, જ્યાં ફેરિયાઓએ દર મહિનાની 1 થી 5 તારીખ દરમિયાન રૂ. 200 વહીવટી ચાર્જ ભરવાનો રહેશે. યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ડૉ. યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગુંદાવાડી અને કુવાડવા રોડ સહિતના 24 ધમધમતા માર્ગોને 'હોકર્સ ફ્રી' જાહેર કરાયા છે. હોકર્સ ઝોનમાં 80% જગ્યા શાકભાજી, ફ્રૂટ અને કટલેરી માટે તથા 20% જગ્યા અન્ય ફેરિયાઓ માટે અનામત રહેશે. અધિકૃત ફેરિયાઓને QR કોડ વાળા ઓળખકાર્ડ અપાશે જે રેંકડી પર લગાવવા ફરજિયાત રહેશે. જનરલ બોર્ડમાં કામગીરી અને સમયમર્યાદા અંગે મેયરની કડક સૂચના જનરલ બોર્ડમાં મેયર ડૉ. નેહલ શુક્લએ અધિકારીઓને તાકીદ કરી હતી કે કોર્પોરેટરોને કોઈપણ કામ પૂરું થવાના સમય અંગે ખોટો કે અવાસ્તવિક વાયદો ન આપવો, પરંતુ કામમાં જેટલો સમય લાગે તેનાથી એક દિવસ વધુ જ જણાવવો જેથી વહીવટમાં પારદર્શિતા જળવાય. ઉપરાંત વોર્ડ નંબર 13ના કોર્પોરેટર મોહિતસિંહ જાડેજા દ્વારા માસ-મટન વેચાણની પરવાનગી સહિતના પૂછાયેલા પ્રશ્નોના જવાબો લાંબા સમયથી ન મળ્યા હોવાની રજૂઆત પર મેયરે અધિકારીઓને નિયત સમયમાં જવાબો આપવા આદેશ આપ્યો હતો. પાણી વિતરણ, સફાઈ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ મુદ્દે ચર્ચા બોર્ડ બેઠકમાં પાણી વિતરણમાં ગેરરીતિ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખી બહેસ થઈ હતી, જેમાં વોર્ડ નંબર 16ના કોર્પોરેટર દ્વારા વાલ્વમેન એકસાથે 5 વાલ્વ ખોલી દેતો હોવાનો આક્ષેપ કરાયો હતો જેને સિટી એન્જિનિયરે નકારી કાઢ્યો હતો. આજીનદી અને રામનાથ મહાદેવ મંદિર પાસે સફાઈ અને દુર્ગંધ દૂર કરવા નવા પ્રયોગ હાથ ધરાયા હોવાનું મેયરે જણાવ્યું હતું. જંગલેશ્વર ડિમોલિશનનો કાટમાળ 10 જૂન 2026 સુધીમાં હરસિધ્ધિ કન્સ્ટ્રક્શન દ્વારા ઉપાડી લેવાયો હોવાની સિટી ઈજનેર પરેશ અઢીયાએ સ્પષ્ટતા કરી હતી. જ્યારે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ધૈર્ય પારેખે મનપાના ખાલી પ્લોટમાં દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો મુદ્દો ઉઠાવતાં મેયરે તાત્કાલિક કડક પગલાં ભરવા આદેશ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગર સ્થાપના દિવસે યોજાયો પ્રશ્નોતરી કાર્યક્રમ:મહાનગરપાલિકાએ 'ઓપન જામનગર ક્વિઝ'નું આયોજન કર્યું
    Next Article
    ભુજમાં ઘરફોડ ચોર, LCBએ ત્રણ આરોપીઓને ઝડપ્યા:₹1.99 લાખનો સોના-ચાંદી સહિતનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment