Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળો-2026નો ભવ્ય પ્રારંભ:રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન, 72 મનોરંજનના અને 103 ફૂડ સ્ટોલ બનશે આકર્ષણ

    2 days ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પ્રભાસ તીર્થ ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો-2026નો શુક્રવારે ભવ્ય પ્રારંભ થયો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેળાનું ઉદ્ઘાટન જુનાગઢ રેન્જના IG રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેળાના વિશેષ આકર્ષણરૂપ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ પ્રદર્શની પણ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. વર્ષ 1955થી યોજાતો આ મેળો આ વર્ષે 71મા વર્ષમાં પ્રવેશ્યો છે. 20થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારા મેળામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યાત્રિકો અને સહેલાણીઓ ઉમટી પડવાની અપેક્ષા છે. આ મેળાથી અંદાજે રૂ.10 કરોડથી વધુનો આર્થિક પ્રવાહ સર્જાવાની પણ સંભાવના છે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ પ્રદર્શનીમાં મંદિરના ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી મેળામાં ખુલ્લી મુકાયેલી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ પ્રદર્શની મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. આ પ્રદર્શનીમાં સોમનાથ મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ, અનેક આક્રમણો અને વિધ્વંસ બાદ પણ અડગ રહેલી સનાતન આસ્થા તથા મંદિરના પુનઃનિર્માણની યાત્રા રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનીના માધ્યમથી મુલાકાતીઓને ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને સોમનાથના સ્વાભિમાનની ગાથા જાણવાની તક મળશે. સુરક્ષા માટે 45 CCTV કેમેરા અને 7 પોલીસ વોચ ટાવર મેળામાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મેળા વિસ્તારમાં 7 પોલીસ વોચ ટાવર, 45 CCTV કેમેરા અને સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. પ્રવેશ અને નિકાસ માટે કુલ 14 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યારે કટોકટીની સ્થિતિમાં ઉપયોગી બને તે માટે 5 ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરાઈ છે. ઇમરજન્સી સેવાઓ માટે 20 ફૂટ પહોળો માર્ગ મેળા દરમિયાન કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતનાં ઇમરજન્સી વાહનો સરળતાથી પહોંચી શકે તે માટે મેળાની બાઉન્ડ્રી પર 20 ફૂટ પહોળો ઇમરજન્સી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળી રહે તે માટે સમગ્ર મેળા વિસ્તારમાં 45 લાઇટ ટાવર પણ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત સહેલાણીઓનાં વાહનો માટે 36,500 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 72 મનોરંજનના અને 103 ફૂડ સ્ટોલ સાથે રાઇડ્સનું આકર્ષણ કાર્તિકી પૂર્ણિમા મેળામાં લોકસંસ્કૃતિ અને મનોરંજનની રોનક વધારવા માટે 72 મનોરંજનના સ્ટોલ અને 103 ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની રાઇડ્સથી સજ્જ વિશાળ રાઇડ ઝોન તૈયાર કરાયો છે, જે બાળકો અને યુવાનો સહિત તમામ વયજૂથના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળામાં લોકડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે મેળાની રંગત વધારશે. સ્વચ્છતા અને પીવાના પાણી સહિતની સુવિધાઓ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીવાના પાણીનાં પોઇન્ટ, ટોયલેટ બ્લોક અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. સફાઈ માટે 55 કર્મચારીઓ, 13 મોટા ડસ્ટબિન અને 2 ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી છે. કચરાનું વર્ગીકરણ કરીને યોગ્ય નિકાલ થાય તે માટે પણ વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર આયોજનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક નગરપાલિકાનો સહયોગ મળ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત મેળાના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ ડોડમિયા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા સહિત રાજકીય, સામાજિક અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 24 નવેમ્બર સુધી ચાલનારો કાર્તિકી પૂર્ણિમા મેળો ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ, પરંપરા અને મનોરંજનના સંગમ સાથે પ્રભાસ તીર્થમાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી:વાહનોમાં જાતિ-ધર્મનું લખાણ નહીં લખી શકાય, બે અકસ્માતમાં 7નાં મોત, ગિરનારની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુ ઉમટ્યાં
    Next Article
    રાજકોટની ઇવેન્ટ ફ્લેક્સ પ્રાઇવેટ થિયેટરમાં દારૂ પાર્ટી:વિડીયો વાયરલ થતા યુનિવર્સીટી પોલીસે બે શખશો સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment