Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 2223 પેજનો ચુકાદો:હાઇકોર્ટે કહ્યું- આતંક ફેલાવવા માટે એક અત્યંત ક્રૂર અને પૂર્વ આયોજિત આંતરરાજ્ય કાવતરું

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ દ્વારા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 7 જુલાઈ, 2026ના રોજ ઐતિહાસિક મૌખિક ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો હતો. આ કેસનો લેખિત ચુકાદો હાઇકોર્ટે જાહેર કરી દીધો છે, આ ચુકાદો કુલ 2223 પેજનો છે. આ કેસ 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સુરત શહેરમાંથી મળી આવેલા જીવતા બોમ્બના ગુનાહિત કાવતરા સાથે સંબંધિત છે. આ ડેથ કન્ફર્મેશન કેસ સ્પેશ્યલ ડેઝિગ્નેટેડ કોર્ટના 18 ફેબ્રુઆરી, 2022ના ચુકાદા સામેની અપીલો અને ફાંસીની સજાની પુષ્ટિ માટેનો હતો. આ કેસમાં અમદાવાદની 20 અને સુરતની 15 FIR સહિત કુલ 35 FIR સહિત 547 સેશન્સ કેસોને એકસાથે જોડીને ટ્રાયલ ચલાવવામાં આવી હતી. આ ટ્રાયલમાં કુલ 78 આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા, જ્યારે 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે દોષિતોમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ગોધરા કાંડ રમખાણો-બાબરી ધ્વંસ જેવી ઘટનાઓનો બદલો લેવા ષડયંત્ર રચ્યું હતું આરોપીઓ પ્રતિબંધિત સંગઠન SIMIના નેજા હેઠળ એકઠા થયા હતા. ગોધરા ટ્રેન હત્યાકાંડ પછીના ગુજરાતના રમખાણો અને બાબરી મસ્જિદના ધ્વંસ જેવી ઘટનાઓનો બદલો લેવા અને ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપવાના હેતુથી હિન્દુ સમુદાયને નિશાન બનાવી સામૂહિક હત્યાકાંડનું ષડયંત્ર રચાયું હતું.આ માટે ડિસેમ્બર,2007માં કેરળના વાગામોન ખાતે અને જાન્યુઆરી 2008માં ગુજરાતના પાવાગઢ હાલોલના જંગલોમાં શારીરિક, હથિયાર અને બોમ્બ બનાવવાની તાલીમ આપતી શિબિરો યોજવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા અને સુરતને બ્લાસ્ટ માટે પસંદ કર્યા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના આરોપીઓએ સાથે મળીને અમદાવાદ, વડોદરા અને સુરતને બ્લાસ્ટ માટે પસંદ કર્યા હતા. અલગ-અલગ આરોપીઓને ભાડે મકાન રાખવા, સાયકલ અને ગાડીઓ ચોરવા, ટાઈમર ઘડિયાળ, સર્કિટ, લોખંડના છરા, નટ-બોલ્ટ, એમોનિયમ નાઈટ્રેટ એન્ડ ફ્યુઅલ ઓઈલ વિસ્ફોટકો એકઠા કરવાનું કામ સોંપાયું હતું. અમદાવાદમાં સાંજે 6:15થી 7:45 વચ્ચે સિરિયલ બ્લાસ્ટ કરાયા હતા અમદાવાદમાં સાયકલો અને વાહનોમાં બોમ્બ ગોઠવીને સાંજે 6:15 કલાકથી 7:45 કલાક વચ્ચે સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 56 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને 240 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટર પાસે સૌથી ઘાતક હુમલો કરાયો હતો. મુંબઈથી ચોરાયેલી વેગનઆર કારમાં LPG સિલિન્ડર અને હાઈ એક્સપ્લોઝિવ ગોઠવી ટ્રોમા સેન્ટર પાસે પાર્ક કરાઈ હતી. અન્ય વિસ્તારોના ઇજાગ્રસ્તો જ્યારે હોસ્પિટલ આવી રહ્યા હતા, બરાબર તે જ સમયે બ્લાસ્ટ કરાયો. જેથી સારવાર પ્રક્રિયા ખોરવાય અને વધુમાં વધુ જાનહાનિ થાય. ત્યાં સ્થળ પર જ 6 લોકોના મોત થયા હતા. સાયકલ પર બોમ્બ મૂકી બ્લાસ્ટ કરાયા હતા એલજી હોસ્પિટલ, મણિનગરના ગેટ નંબર 2 પાસે પાર્ક કરેલી કારમાં રાત્રે 7:45 કલાકે બ્લાસ્ટ થયો હતો, જેમાં મ્યુનિસિપલ સ્ટાફ અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ઉપરાંત ખાડિયા, રાયપુર ચકલા અને સાળંગપુર ખાતે પણ બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા. સાયકલ પર મૂકેલા બોમ્બ દ્વારા ઉપરાઉપરી બ્લાસ્ટ કરી ભારે આતંક મચાવવામાં આવ્યો હતો, જેમાં 11 વર્ષના બાળક સહિત અનેક નાગરિકો ઘાયલ થયા હતા અને 5 લોકોના મોત નીપજ્યા હતા. કાલુપુર, સાળંગપુર, ઈસનપુર સહિતના વિસ્તારોમાં બ્લાસ્ટ કરાયા હતા કાલુપુરમાં સાળંગપુર દરવાજા બહાર, નારોલ સર્કલમાં હનુમાન મંદિર પાસે, ઈસનપુરમાં ગોવિંદવાડી શાકભાજી માર્કેટ, મણિનગરમાં AMTS બસ સ્ટેન્ડ અને જવાહર ચોક, બાપુનગરમાં હીરા બજાર અને નિકોલ ચોકી, અમરાઈવાડી અને રામોલમાં હાટકેશ્વર સર્કલ તથા ઓઢવ રાજેન્દ્રપાર્ક કેનાલ અને ખોડિયારનગર ખાતે સાયકલો પર બોમ્બ મૂકી વિસ્ફોટો કરાયા હતા. કલોલમાં AMTSમાંથી ફેંકાયેલો જીવતો બોમ્બ ડિફ્યુઝ કરાયો હતો ઓઢવ-સરખેજ રૂટની AMTS બસ GJ-1-VV-8390માં મુસાફરના સ્વાંગમાં બોમ્બ ભરેલી બેગ છોડી દેવાઈ હતી, જે સરખેજ પાસે બ્લાસ્ટ થતા બસના ફુરચા ઊડી ગયા હતા અને મુસાફરો લોહીલુહાણ થયા હતા. કલોલમાં અરવિંદ મિલ્સના ગેટ પાસે AMTS બસમાંથી ફેંકાયેલો જીવતો બોમ્બ બોક્સમાંથી મળી આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સમયસર ડિફ્યુઝ કર્યો હતો. સુરતમાં બોમ્બ વિસ્ફોટ થયા નહોતા સુરત શહેરમાં પણ મોટો વિનાશ વેરવાનું કાવતરું હતું, પરંતુ ખામીયુક્ત મિકેનિઝમના કારણે બેટરીનો કરંટ ડેટોનેટર સુધી પહોંચ્યો ન હતો અને બોમ્બ વિસ્ફોટ થયા વિના રહી ગયા હતા. 27 જુલાઈ, 2008થી 9 ઓગસ્ટ 2008 દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાંથી બોમ્બ મળી આવ્યા હતા. લાકડાના બોક્સમાં ફિટ કરેલો જીવતો ANFO બોમ્બ મળ્યો સુરતના ઉમરા સિટી લાઈટ રોડ ખાતે નૂપુર હોસ્પિટલ સામેના રોડ ડિવાઈડરના ઘાસમાંથી અર્ધચંદ્રાકાર લાકડાના બોક્સમાં ફિટ કરેલો જીવતો ANFO બોમ્બ મળ્યો હતો. કાપોદ્રામાં સીતાનગર ચાર રસ્તા પાસે પુના જનરલ હોસ્પિટલ સામે પાર્ક કરેલી કાળા રંગની વેગન-આર કાર GJ-6-CD-3569માંથી મોટી માત્રામાં બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર ઘડિયાળો, ડેટોનેટર્સ, 26 કિલોથી વધુ નટ-બોલ્ટ, છરા અને વિસ્ફોટક પેસ્ટ મળી આવી હતી. વેગન-આર કારમાંથી 4 જીવતા બોમ્બ મળ્યા હતા વરાછા રોડ ખાતે સોનલ ભેલ હાઉસ પાસે પાર્ક કરેલી અન્ય એક વેગન-આર કાર GJ-6-CD-2908માંથી 4 જીવતા બોમ્બ મળી આવ્યા હતા. આ કારમાંથી 22.5 કિલો એમોનિયમ નાઈટ્રેટ પેસ્ટ, 15 કિલો લોખંડના છરા, 15 લીટર પેટ્રોલ અને ભરૂચની હોટેલનું ટિન બોક્સ જપ્ત કરાયું હતું. વરાછામાં ઓલ્ડ શક્તિ વિજય સોસાયટી પાસે પાવરના ટ્રાન્સફોર્મર નીચેથી લીલી પ્લાસ્ટિક બેગમાં સંતાડેલો હેન્ડ-મેડ બોમ્બ મળી આવ્યો હતો, જેને ડિફ્યુઝ કરાયો હતો. દેશની આંતરિક સુરક્ષાને ધ્વસ્ત કરવા પૂર્વ-આયોજિત આંતરરાજ્ય કાવતરું હતું ભારતીય કાયદા CrPCની કલમો 28, 366થી 371 મુજબ સેસન્સ કોર્ટે આપેલી ફાંસીની સજા હાઈકોર્ટની બહાલી વિના અમલમાં મૂકી શકાતી નથી. હાઈકોર્ટે તમામ પુરાવાઓનું પુનઃ મૂલ્યાંકન કરીને આ સજાને ન્યાયી ઠેરવી છે. કોર્ટ દ્વારા FSL અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, વૈજ્ઞાનિક અધિકારીઓ, તબીબો, ઈજાગ્રસ્તો અને ભોગ બનનારના સંબંધીઓ સહિત સેંકડો સાક્ષીઓની જુબાનીઓ અને પંચનામાને ચકાસવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે દેશની આંતરિક સુરક્ષાને ધ્વસ્ત કરવા અને આતંક ફેલાવવા માટે રચાયેલું એક અત્યંત ક્રૂર અને પૂર્વ-આયોજિત આંતરરાજ્ય કાવતરું હતું. રેરેસ્ટ ઓફ ધી રેરનો સિદ્ધાંત અમલી દોષિતો દ્વારા આચરવામાં આવેલો ગુનો અસામાન્ય છે, સમાજનો ધિક્કાર, ભારે રોષ અને સમાજ માટે સતત એક મોટાં જોખમ સમાન છે. તેથી રેરેસ્ટ ઓફ ધી રેરના સિદ્ધાંત અહીં અમલી બને છે. નિર્દોષ નાગરિકોની સામૂહિક હત્યા કરવાના ઉદ્દેશ્ય સાથે જેહાદી ભાષણો આપીને મુખ્ય સૂત્રધારોએ અન્ય આરોપીઓને ઉશ્કેર્યા હતા. વિવિધ બેઠકો દરમિયાન બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જેહાદ અંગેના વીડિયો બતાવવામાં આવ્યા હતા. બોમ્બ બનાવવાની કામગીરી માટે, આરોપીઓએ સુરત અને અમદાવાદમાં બે અલગ-અલગ મકાનો ભાડે રાખ્યા હતા જેથી તેઓ તેમની વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપી શકે. આતંક ફેલાવવાનું માનવતા વિરૂદ્ધનું કૃત્ય વધુમાં એમ પણ નોંધ્યું હતું કે ઉક્ત તમામ પરિસ્થિતિઓ દર્શાવે છે કે આ માત્ર હત્યાનો એક સાધારણ કેસ નથી, પરંતુ આતંક ફેલાવવાનું માનવતા વિરૂદ્ધનું કૃત્ય છે. જેના પરિણામે 56 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા અને 256 વ્યક્તિઓને વિવિધ પ્રકારની ઈજાઓ થઈ. એટલું જ નહીં આતંકવાદી હુમલો કરવો એ અત્યંત ક્રૂર અને ગંભીર ગુનાહિત કેસ છે. દોષિતો ખૂબ માથાભારે વ્યક્તિઓ છે. જેલમાં 213 ફૂટ લાંબી સુરંગ ખોદીને ભાગવાનો કાવતરાખોરોનો પ્લાન તે એ હકીકત પરથી પણ જાણી શકાય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડી દરમિયાન, ટ્રાયલ કોર્ટ પાસેથી મેળવેલા પુસ્તકો અને અન્ય વસ્તુઓ તેમજ તેમની પાસે ઉપલબ્ધ અન્ય સાધનોનો ઉપયોગ કરીને દોષિતોએ અંદાજે 213 ફૂટ લાંબી સુરંગ ખોદી હતી. જો સુરંગ ખોદવાનું આ કૃત્ય સમયસર પકડાયું ન હોત તો સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોટી સંખ્યામાં કેદીઓ ભાગી છૂટ્યા હોત. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ આ દોષિતોની અમાનવીય અને સુધારણા ન થઈ શકે તેવી માનસિકતાનો ઉલ્લેખ હાઈકોર્ટે કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે સમાજમાં આતંક ફેલાવવા માગતા એક પણ આરોપીને પોતાના કૃત્ય બદલ પસ્તાવો નથી. જેલવાસ દરમિયાન પણ આ આતંકીઓએ સુધરવાના બદલે જેલ તોડવાનું કાવતરું ઘડીને 213 ફૂટ લાંબી સુરંગ ખોદી નાખી હતી. જેલમાં પણ તેમની સામે અનેકવાર શિસ્તભંગના પગલાં લેવાયા હોવાથી કોર્ટે સજામાં કોઈ ઉદારતા દાખવવાનો સાફ ઈનકાર કર્યો હતો. આ પણ વાંચો: ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતું હાઇકોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવી હતી વર્ષ 2008 અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. સિરિયલ બ્લાસ્ટમાં 56ના મોત અને 200થી વધુ ઘાયલ થયા હતા અમદાવાદમાં 20 જેટલી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આરોપીઓ અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, કેરાલા, કર્ણાટક, સુરત, ભુજ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના રહેવાસી હતા. જેમની ઉપર IPCની હત્યા અને ગેરકાનૂની પ્રવૃતિઓ સહિતની કલમો, એક્સપ્લોઝીવ સબસ્ટેન્સ એક્ટની કલમો, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમો IT એક્ટની કલમો અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત કેસ નોંધાયો હતો. આ કેસમાં 35 FIR નોંધવામાં આવી હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ 6 હજાર પુરાવા, 1163 સાક્ષીઓ તપાસીને 7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની પેપર બુક કુલ 7.88 લાખ પેજની છે. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો ઉપર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આરોપીઓએ હાલોલ અને કેરળમાં તાલીમ લીધી હતી હાલોલ કેમ્પમાં 20થી વધુ આરોપીઓએ ભાગ લીધો હતો. અહીં આરોપીઓ એક દરગાહ ખાતે ગયા હતા અને ત્યાંના મુસાફર ખાનામાં રોકાયા હતા. આરોપીઓ ગાડી અને બાઈકો લઈને ત્યાં પહોંચ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ અહીં ટ્રેકિંગ માટે આવ્યા છે. તેઓ વહેલી સવારે જંગલમાં નીકળી જતા હતા અને રાત્રે પરત આવતા હતા. આ ટ્રેનિંગની જગ્યાએ એક પછી એક આરોપીને લઈ જવાયા હતા. આરોપીઓ જાન્યુઆરી, 2008માં હાલોલ કેમ્પમાં ગયા હતા. કયામુદ્દીન કેરાલા ખાતે યોજાયેલ આતંકી કેમ્પમાં પણ ગયો હતો. તેને ખબર હતી કે તેના પિતા તેને ગુજરાત નહીં જવા દે એટલે તેને પોતાના મોટા ભાઈને રફિયુદિનને આગળ ધરીને તેને સાથે લઈને ગુજરાત આવ્યો હતો. કેમ્પમાં પહોંચ્યા બાદ રફીઉદિનને ખબર પડી હતી કે આ SIMIના કાર્યકરોનો કેમ્પ છે ,જે સંગઠનને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું છે. તેને એમ કે અહીં ધાર્મિક કાર્યક્રમ હશે. જેથી તે આ કેમ્પમાંથી નીકળી ગયો હતો. બકરી ઈદના દિવસે ગુજરાતમાં આગામી સમયમાં SIMIનો કેમ્પ યોજાશે તેવું નક્કી થયું હતું. જેમાં SIMI સાથે સંકળાયેલ સફદર નાગોરી ગુજરાત આવ્યો હતો. તેને હાલોલની જગ્યા બતાવતા તેને તે પસંદ આવી હતી. હાલોલ કેમ્પમાં આરોપીઓ અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતાં. જેમાં કયામુદ્દીને પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની રીત શીખવી હતી. આ કેમ્પમાં જેહાદી ભાષણ અને જન્નતની વાતો કરવામાં આવી હતી. આરોપીઓએ ભીડ વાળી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનું આયોજન કર્યું હતું. 82 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી. પોલીસે તબક્કાવાર ચાર્જશીટ દાખલ કરી હતી 26 જુલાઇ 2008 શનિવારે સાંજે 6.15થી 7.45 સુધીના 90 મિનિટના સમયગાળામાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં પ્લાન્ટ કરાયેલા બોંબબ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. એમાં સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં ત્રાસવાદીઓએ પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં બોંબબ્લાસ્ટ કર્યા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસને ઉકેલી તબક્કાવાર આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ફૂલપાડા અને અમરોલીના કિનારે 4થી 5 મગરોનું સામ્રાજ્ય:માછીમારી કરતી નાની બોટ પર મગર ચડી ગયો, તાપી કિનારે વસતા લોકો સાવચેત રહે
    Next Article
    અમદાવાદમાં હવે બે DEO કચેરીથી શાળાઓનો વહીવટ ચાલશે:સાબરમતી નદીને આધારે શાળાઓનું વિભાજન, પૂર્વમાં 1,484 અને પશ્ચિમમાં 831 સ્કૂલ; AMC હદ બહારની સ્કૂલો ગ્રામ્ય DEOમાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment