Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેટ દ્વારકાના મંદિરની 200 કરોડની ઝવેરાતમાં અયોધ્યાવાળી થઈ?:40 વર્ષ પહેલાં ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલ્યો; પૂર્વ મહેતાજી પાસે હિસાબ નથી; ટ્રસ્ટીઓના ગોળગોળ જવાબ

    14 hours ago

    થોડા સમય પહેલાં જ અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીની ઘટનાએ દેશભરના ભક્તોને સ્તબ્ધ કરી દીધા હતા. આ જ સમયગાળા દરમિયાન દિવ્ય ભાસ્કરને જાણકારી મળી કે બેટ દ્વારકાના રાણીવાસમાં આવેલા ઐતિહાસિક મંદિરના લગભગ 200 કરોડના સોના અને ઝવેરાતનો કોઇ હિસાબ મળતો નથી. આ ઝવેરાત અંદાજે ચાળીસેક વર્ષ પહેલાં જ ટ્રસ્ટીઓ બેટ દ્વારકાથી લઇ ગયા હતા, પછી પાછી લાવ્યા નથી. એટલે દિવ્ય ભાસ્કરે મંદિર ટ્રસ્ટ તેમજ બેટ દ્વારકાના પ્રાચીન મંદિરો સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી અને પાવન યાત્રાધામમાં પણ ક્યાંક અયોધ્યાવાળી તો નહીં થઇ ને! એનું સત્ય શોધવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલાં જાણી લો રાણીવાસના મંદિરોનું મહત્વ… આ મંદિર એટલે કૃષ્ણ ભગવાનનું ઘર, જ્યારે દ્વારકાનું મંદિર એટલે તેમની કચેરી. અહીંનાં મંદિરો 500 વર્ષથી પણ જૂના છે. કહેવાય છે કે વિભા જામ એટલે કે જામ વિભાજીએ આ મંદિરો બંધાવ્યા હતા. અહીંના મંદિરોને શિખર નથી, ઘર જેવો દેખાવ છે. એટલે જ ભગવાનનો રાણીવાસ કહેવાય. જુઓ ભારતના સૌથી અનોખા મંદિરની એક ઝલક… સત્યભામા, જાંબવતી, લક્ષ્મણા અને રાધિકા એમ ચાર પટરાણીઓના નિવાસ વચ્ચે કૃષ્ણ ભગવાનનો શયનગૃહ છે. મંદિરોનું આ સ્વરૂપ સાડા પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે, જો કે તેમાં સમયાંતરે સમારકામ થતું રહ્યું છે. પણ મૂળ સ્થિતિ બદલાઈ નથી. માન્યતા છે કે દ્વારકામાં કાળીયા ઠાકરને દર્શને આવતા લાખો ભક્તોમાંથી ઘણા બધા બેટ દ્વારકામાં આ મંદિરના ન જાય તો દર્શન અધૂરા ગણાય. બેટ દ્વારકાના રાણીવાસના મંદિરોનો વહીવટ બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે ટ્રસ્ટના સભ્યો માત્ર બેટ દ્વારકા કે દ્વારકાના નથી, પરંતુ અમદાવાદ અને મુંબઈમાં રહેતા હોય એવા લોકો પણ સામેલ છે. ટ્રસ્ટમાં ચોપડે કુલ 14 લોકોના નામ નોંધાયેલા છે જેમાંથી 6 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. હાલમાં 8 સભ્યોના ખભે મંદિરોના વહીવટની જવાબદારી છે. વળી આ ટ્રસ્ટના પ્રમુખ એટલે પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલ. હવે 200 કરોડ રૂપિયાની ઝવેરાતના મૂળમાં શું વિવાદ છે? ભગવતપ્રસાદ પાઢ બેેટદ્વારકા પંડાસભાના પ્રમુખ અને ત્યાં આવેલા મંદિરોના પુરોહિત છે. તેમણે આ ટ્રસ્ટ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. દિવ્ય ભાસ્કરને આ બાબતે તેમણે કહ્યું, PTR એટલે કે સરકારના ચેરિટી કમિશનર અથવા ટ્રસ્ટ રજિસ્ટ્રાર દ્વારા રાખવામાં આવતો એક રેકોર્ડ, જેને ટ્રસ્ટનું હાર્દ કહેવાય. આ કેસમાં ત્યાંથી જ ગેરરીતિ શરૂ થઇ છે. ઘણી મિલકત આ ટ્રસ્ટના PTRમાં લખેલી નથી. જેમ કે સોના-ચાંદીનો હિસાબ મળતો નથી. આ મિલકતની ખરાઇ કરીને તપાસ થવી જોઇએ. જ્યારે સુવિખ્યાત ઝવેરી પણ રત્નોની કિંમત આંકી ન શક્યા… બેટ દ્વારકાથી ખજાનો અમદાવાદ લાવવાનો નિર્ણય થયો બેટ દ્વારકામાં આવેલી 62મી મહાપ્રભુજીની બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટે ન માત્ર ભગવતપ્રસાદની વાતમાં સૂર પુરાવ્યો, પરંતુ તેમણે પણ કરોડો રૂપિયાના ઝવેરાત અંગે દાવો કર્યો કે જ્યારે અમદાવાદના ઝવેરીથી આ દાગીનાની વેલ્યુ નક્કી ન થઈ શકી પછી ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો. મંદિરના ટ્રસ્ટે આ દાગીના વર્ષ 1984માં બેટ દ્વારકાથી અમદાવાદ મોકલી દીધા. જો કે અતુલ ભટ્ટ શંકા વ્યક્ત કરતા એવો પણ દાવો કરે છે કે હાલમાં દાગીના કઇ સ્થિતિમાં છે એની કોઈ માહિતી નથી. તેમણે આગળ ઉમેર્યું, આ મંદિરો સાથે મારો વિશેષ નાતો હોવાનું કારણ છે કે અમારા વલ્લભાચાર્ચએ આ સ્વરૂપને લાડવા ગામથી બેટમાં સ્થાપિત કર્યા હતા. મારી નૈતિક ફરજ બને છે કે અહીં ગેરવહીવટ ન થાય અને સુચારુ રીતે ચાલે. રાણીવાસના મંદિરોનું સંચાલન કરનાર બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટમાં દિનેશભાઈ અગ્રાવત એ સમયે મહેતાજી હતા. એટલે કે હિસાબ તેમની પાસે રહેતો. જ્યારે આ દાગીના અમદાવાદ લઇ જવામાં આવ્યા ત્યારે તેઓ હાજર હોવાનો તેમનો દાવો છે. અતુલભાઈએ જણાવ્યું, દિનેશભાઈએ આ તમામ દાગીનાનું રજિસ્ટરમાં વર્ણન કર્યું હતું. જેમાં તેમણે જે તે દાગીનામાં કેટલા મોતી છે? કેટલી પાંખડીઓ છે? એવી નાનામાં નાની વિગતો લખી હતી. હિસાબ રાખનાર દિનેશભાઈએ ખજાનો ખસેડવાનો ઘટનાક્રમ જણાવ્યો દિવ્ય ભાસ્કરે વયોવૃદ્ધ દિનેશભાઈ અગ્રાવત સાથે પણ મુલાકાત કરી. તેમણે 80ના દાયકામાં બનેલી ઘટનાને યાદ કરતા કહ્યું, 1984 કે 1986નું વર્ષ હતું. ત્યારે ઉપયોગમાં ન લેવાતા હોય એવા દાગીના વેચીને જે રૂપિયા આવે તેને ફિક્સ ડિપોઝિટમાં રાખવા અથવા તો મંદિરના વિકાસ કાર્યમાં વાપરવાનો નિર્ણય થયો. એ વખતે અમદાવાદના ચતુરદાસ ચીમનલાલ ઉપપ્રમુખ હતા. ત્યારે હું, વ્યવસ્થાપક ભોગીલાલ ભટ્ટ, દુર્લભભાઈ ઠાકર તેમજ નારુભાઈ પરમાર પટાવાળા તરીકે હાજર હતા. દિનેશભાઈએ વિગતે જણાવ્યું, અમદાવાદથી સિક્યોરિટીવાળા આવ્યા હતા અને બધુ સાથે લઇ ગયા હતા. લગભગ પોણો ટ્રક ભરાઇ જાય એટલો સામાન હતો, સોનાના ઘરેણા-ઝવેરાત હતી. એ બધું લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં રાખ્યું હતું. શ્રીમહાપ્રભુજીની બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટે મંદિરના ત્રણ ટ્રસ્ટીઓની ઓળખ આપી અને તેમના પર અન્ય ગંભીર ગેરરીતિના પણ આરોપ લગાવ્યા છે. પહેલું સૌથી મોટું નામ છે સમીર પટેલનું. સમીરભાઇ ઉદ્યોગપતિ છે અને અત્યારે ટ્રસ્ટી પણ છે. સમીર પટેલ વિશે આંચકો લાગે એવી વાત જાણવા મળી. સમીરભાઇના અમદાવાદમાં આવેલા એક ગોડાઉનમાંથી કેમિકલ બહાર ગયું હતું અને તેનો ઉપયોગ બોટાદમાં લઠ્ઠો બનાવવામાં થયો. ચાર્જશીટમાં આરોપી તરીકે સમીર પટેલનું નામ છે અને તેમણે મૃત્યુ પામેલા 47 લોકોના સ્વજનોને 3-3 લાખ રૂપિયા ચૂકવ્યા પણ છે. સમીરભાઇને પૂછ્યું તો તેમણે આ વાત સ્વીકારી પણ ખરી. સમીર પટેલ અત્યારે તો ટ્રસ્ટમાં છે, પરંતુ કેવા લોકો ટ્રસ્ટી ન રહી શકે એ બાબતે ટ્રસ્ટના જ બંધારણમાં 8 બાબતોનો ઉલ્લેખ છે. જેમાં છેલ્લું કારણ લખ્યું છે કે, “નૈતિક અધ:પતન દર્શાવતા ફોજદારી ગુના બદલ સજા પામે તો તેવા સભ્યો ગેરલાયક થવાને પાત્ર થશે. તેમની જગ્યાએ નવા સભ્યોની નિમણૂક કરવાની રહેશે.” જો કે ચુકાદો ન આવે ત્યાં સુધી સમીરભાઇ હજી આરોપી જ છે. એટલે આરોપી તરીકે પોલીસ ચોપડે ચડેલા સમીર પટેલ પર ટ્રસ્ટી પદ જવાની તલવાર લટકી રહી છે. નિયમ મુજબ આવી સંસ્થાની મિલકત, આવક તેમજ ખર્ચ બાબતની તમામ વિગતો ચેરિટી કમિશનરની ઓફિસને આપવી પડે. પરંતુ અતુલભાઈના દાવા પ્રમાણે અડધું બેટ મંદિરનું છે, છતાં ઘણી બધી મિલકતો ચેરિટી કમિશનરમાં નોંધાયેલી નથી. રિલાયન્સ પરિવારે ચાંદીના દરવાજા બનાવવા 78 લાખ આપ્યા, એમાં ગોલમાલનો આરોપ મંદિરમાં મોટી ગેરરીતિનો આરોપ લગાવતા શ્રીમહાપ્રભુજીની બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટ કહે છે, "ભૂકંપ પછી મંદિરોનું નવનિર્માણ થયું ત્યારે રિલાયન્સ પરિવાર તરફથી 78 લાખ રૂપિયાનો ચેક પાંચ મંદિરના ચાંદીના દરવાજા બનાવવા માટે આપ્યો હતો. પછી સમીરભાઈ પટેલે ખરીદી કરી હતી. ટ્રસ્ટના નિયમ મુજબ 1 લાખ રૂપિયાથી વધુની ખરીદી કરવી હોય તો ટેન્ડર બહાર પાડવા પડે. ટ્રસ્ટમાં આ બાબતનો ઠરાવ પણ કરવાનો હોય. જો કે આવો કોઈ ઠરાવ ટ્રસ્ટે કર્યો નથી. હાલમાં ચાંદીના દરવાજા સાવ કાળા પડી ગયા છે. એટલે ચાંદીમાં ભેળસેળ હોય એમ લાગે છે." અતુલ ભટ્ટે પુરાવા રૂપે કાળા પડી ગયેલા ચાંદીના દરવાજાની તસવીરો પણ દિવ્ય ભાસ્કરને આપી. પંચાયતને એક ઠરાવને આધાર બનાવી ટ્રસ્ટીને ગુજરાત સરકારે દરિયાકાંઠે 200 એકર જમીન આપી દીધી બીજા ટ્રસ્ટી હેમંતસિંહ ઉર્ફે હેમભા વાઢેર, તે બેટ દ્વારકાના જ વતની છે. તેઓ પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટ પણ ચલાવે છે. એમની વગ તો દાખલો અપાય એવી ગણાય. અતુલભાઈએ આરોપ લગાવ્યા કે હેમંતસિંહે બેટ દ્વારકામાં સરવે નંબર 61ની 100 એકર ગૌચરની જમીન પર મરીન નેચર કેમ્પ બાંધ્યો છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પર્યાવરણની જાળવણી માટે જગ્યા મળી હતી. પણ આ હેતુ પ્રમાણે ત્યાં કોઈ કામ થયું નથી. પોતે પોતાના ધંધા માટે નેચર કેમ્પ બનાવ્યા નાખ્યા. દરિયાકાંઠની આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવે છે. એટલે અહીંયાં બાંધકામ કરવું પણ ગેરકાયદેસર ગણાય. દિવ્ય ભાસ્કરે જ્યારે આ સ્થળની મુલાકાત કરી તો દરિયાકાંઠાને એકદમ અડીને આવેલી આ જમીન પર પર્યટન સ્થળ માટે કાચુંપાકું બાંધકામ થયેલું પણ જોવા મળ્યું. પતરાના શેડ બાંધીને કેમ્પ સાઇટ બનાવવામાં આવી છે, જેથી પર્યટકો આવીને રાત્રિ રોકાણ પણ કરી શકે. સેટેલાઇટ તસવીરો મારફતે પણ જોઈ શકાય છે કે સમયાંતરે આ કેમ્પ સાઇટ પર બાંધકામ કેવી રીતે વધતું ગયું. મોજ મજાની જાહેરાત આપતા એક પોસ્ટરે ઘણુ બધુ છતુ કરી દીધું પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટને મળેલી આ જમીન પર જ કેમ્પ સાઇટ બનાવી હોવાનો વધુ એક પુરાવો હાથ લાગ્યો અને એ હતો નંદનવન મરીન નેચર કેમ્પની જાહેરાતનું એક પોસ્ટર. એટલે કે આ ટ્રસ્ટને આધિન રહીને નંદનવન મરીન કેમ્પનું સંચાલન થાય છે. જેના આયોજક તરીકે રવિ વાઢેર અને હેમભા વાઢેરનું નામ અને મોબાઇલ નંબર લખેલા જોવા મળ્યા. આ ઉપરાંત નંદનવન મરીન કેમ્પની વેબસાઇટ પણ છે. ત્યાં પણ હેમભા વાઢેરનું નામ અને કોન્ટેક્ટ નંબર જોવા મળ્યા. એક ટ્રસ્ટીએ રમતગમતના સરકારી મેદાન પર બંગલો બાંધી દીધો ત્રીજા ટ્રસ્ટી પ્રમોદરાય ભટ્ટ પણ બેટ દ્વારકાના જ વતની છે. અતુલભાઈનો આરોપ છે કે તેમણે જે જગ્યાએ બે માળનો ભવ્ય બંગલો બનાવી દીધો છે, એ જગ્યા સરકારી રેકોર્ડ પ્રમાણે રમતગમતનું મેદાન બોલે છે. આ જગ્યા એટલે બેટ દ્વારકાનો સરવે નંબર 21. દિવ્ય ભાસ્કર ત્યાં પણ પહોંચ્યું. હાથ લાગેલા પુરાવા, અત્યારના ફોટોગ્રાફ્સ અને સેટેલાઇટ તસવીરો પરથી ટ્રસ્ટી પ્રમોદરાય પર લાગેલા આરોપોની ગંભીરતા સમજી શકાય છે. જમીન બાબતની આવી ફરિયાદ અતુલભાઈએ હાઇકોર્ટમાં કરી એટલે કોર્ટે કહ્યું કે ફરિયાદનો નિર્ણય કલેક્ટર કરશે. અત્યાર સુધીમાં તેમણે કલેક્ટર ઓફિસને ત્રણ રિમાઇન્ડર મોકલ્યા છે. હાઇકોર્ટ તરફથી પણ 28 જૂન, 2026ના રોજ કલેક્ટરને કાગળ મળી ગયા છે. આ તો થઇ જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણ અને કબજાની વાત. પરંતુ દાનની મૂળ વાત પર પાછા ફરીએ તો, સ્થાનિક લોકો પણ ચોંકાવનારા દાવા કરી રહ્યા છે. ભક્તો થકી રાણીવાસના મંદિરોમાં આવતા દાનમાં પણ મોટી નાણાકીય ગેરરીતિ થતી હોવાનો આરોપ લગાવતા અતુલ ભટ્ટે જણાવ્યું, મંદિરમાં સેવા કરતા લોકોને સાતથી આઠ હજાર રૂપિયા પગાર મળે છે, જ્યારે એ જ મંદિરના સિક્યોરિટીને ટ્રસ્ટ 25 હજાર રૂપિયા પગાર આપે છે. સેવા કરતા લોકો સાડા અગિયારથી માંડીને સાડા બાર વાગ્યા સુધી બપોરે રૂપિયાની ચોરી કરે છે. આવી જ રીતે સાંજે સાડા ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી મંદિરમાં ચોરી થાય છે. એક સરખામણી કરતા તેમણે કહ્યું, નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં દર બે વર્ષે બધું અપડેટ થાય છે. એટલે કે જેની પાસે જવાબદારી હોય એની બે વર્ષે તપાસ થાય. જ્યારે બેટ દ્વારકામાં આ લોકોએ મિલકતની કોઈ જ વિગતો અપડેટ કરી જ નથી. “આ લોકોએ તો જૂતા ઘર અને મોબાઇલ ઘરના નામે સરકારી જમીન પર દબાણ કર્યા છે. પરંતુ 20 વર્ષ પહેલાં મારા પિતા દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી હતા. તેમણે મંદિરની આવક કેવી રીતે વધે એ દિશામાં કામ કર્યું. દાનપેટીમાં ચોરી બંધ થાય એટલા માટે તેઓ હંમેશા ત્યાં જ ઉભા રહેતા. એ વખતે વાર્ષિક 10 લાખ રૂપિયા આવક વધી હતી તે પુરાવો છે. જો રામ મંદિરમાં આટલું થયું તો અહીંયાં પણ સરકારે તપાસ કરાવવી જોઇએ. અહીંયાં ઘણું બધું થતું હોવાની અમને શંકાઓ છે. અયોધ્યાની જેમ SITની રચના થાય અને સોના-ચાંદીની તપાસ થવી જોઇએ.” બેટ દ્વારકાના રાણીવાસના મંદિરોમાં કથિત ગેરવહીવટ બાબતે આરોપ લગાવનારા લોકો કહે છે કે અમે મામલતદારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી અરજીઓ લખીને કાર્યવાહીની માગ કરી છે. પરંતુ ખજાના બાબતે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તે ઘણી શંકાઓ ઉપજાવે છે. આરોપ ગંભીર હતા એટલે દિવ્ય ભાસ્કરે બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. ટ્રસ્ટની કામગીરી વિશે ઘણુ બધુ જાણતા એક ટ્રસ્ટીએ નામજોગ બોલવાની ના પાડી દીધી અમદાવાદમાં રહેતા એક ટ્રસ્ટીએ આ બાબતે નામજોગ કાંઈપણ બોલવાનો ઇન્કાર કરી દીધો. જો કે તેમણે સ્વીકાર્યું કે, એ સાચી વાત છે કે ટ્રસ્ટના લોકોએ બેટ દ્વારકાથી ઝવેરાત લાવીને અમદાવાદની બેંકના લોકરમાં મૂકી હતી. એ લોકર ત્યાર પછી ખોલવામાં જ નથી આવ્યા, મારી પાસે બેંકનું સર્ટિફિકેટ છે. પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કરે બેંકના સર્ટિફિકેટની કોપી માગી તેમજ ઓન-કેમેરા જવાબ આપવા કહ્યું તો તેમણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. તેમણે ત્યાં સુધી કહી દીધું કે અમારી પાસે બધુ કાયદેસર છે, આવા આરોપો લગાવનારને અમે ગંભીરતાથી નથી લેતા. વાતચીત દરમિયાન આ ટ્રસ્ટીએ ખુલાસો આપતા કબૂલ્યું કે રિલાયન્સ પરિવારે 78 લાખોનો ચેક નહીં પણ ચાંદી આપી હતી અને ટેન્ડર તો મંજુરી માટે બહાર પાડવાનું હોય, ચાંદી માટે નહીં. ચાંદી કાળી પડી ગઇ હોવાનો આરોપ પણ ખોટો છે. દ્વારકાધીશ, લક્ષ્મી, માધવ રાય, કલ્યાણ રાય, પુરુષોત્તમ રાય એમ કુલ છ દરવાજા ચાંદીના બનાવ્યા હતા. જેનું સર્ટિફિકેટ પણ છે એટલે ભેળસેળનો સવાલ જ નથી પેદા થતો. આમ, અમદાવાદમાં રહેતા ટ્રસ્ટી પાસેથી સત્તાવાર જવાબ ન મળતા અમે બેટ દ્વારકામાં રહેતા અન્ય એક ટ્રસ્ટી હેમંતસિંહ વાઢેરનો સંપર્ક કર્યો. તેમણે તો સાવ નવી જ વાત કરી. ખજાનો ખસેડવા પાછળ પાકિસ્તાન કનેક્શન હેમંતસિંહની ચિંતા વ્યાજબી પણ છે. કારણ કે ભારતના મંદિરો લૂંટવાનો ઇતિહાસ પણ રહ્યો છે. વળી, બેટ દ્વારકાથી સમુદ્ર માર્ગે પાકિસ્તાનનું કેટી બંદર માંડ 250 કિલોમીટર જ્યારે કરાચી અંદાજે 300 કિલોમીટરની આસપાસ થાય છે. એટલે જે તે સમયની પરિસ્થિતિ અને ચિંતાને ગંભીરતાથી લઈને ખજાનો ખસેડવાનો નિર્ણય લીધો હોઇ શકે. ટ્રસ્ટીનો દાવો- ખજાનો પાછો લાવીશું પરંતુ હવે સમયનો પ્રવાહ બદલાતા આ કિસ્સામાં એક નવી જાણકારી પણ સામે આવી છે. હેમંતસિંહ વાઢેરે ખજાના બાબતે માહિતી આપતા કહ્યું, હવે બેંક કહે છે કે અમે 5 લાખ રૂપિયાથી વધુનું જોખમ ન રાખીએ. એટલે અમે 6 મહિના પહેલાં એક ઠરાવ કર્યો, જે મુજબ તમામ દાગીના પાછા બેટ દ્વારકા લઇ આવીશું. આ દાગીના કરોડો નહીં પણ અબજોની કિંમતના છે. મારા અંદાજ પ્રમાણે 200 કરોડના હશે. અમે ટાટા કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને મોટું લોકર બનાવડાવ્યું છે. જેમાં એવી સલામતી છે કે બોમ્બ બ્લાસ્ટ થાય તોય કાંકરી પણ અંદર ન જાય, આગની પણ અસર ન થાય. જો કે આ સોનુ કે ઝવેરાતની તસવીર, વાસ્તવિક સત્તાવાર આંકડો અને તેના રેકોર્ડ બાબતે હેમંતસિંહ પાસેથી પણ સ્પષ્ટ જવાબ ન મળ્યો. હેમંતસિંહ ઉર્ફે હેમભા વાઢેરની ઓળખ માત્ર મંદિરના ટ્રસ્ટી તરીકે નથી. પરંતુ એક કિસ્સો એવો બન્યો, જેના કારણે તેમનું નામ જમીન પચાવી પાડવા મુદ્દે પણ ઉછળ્યું છે. વાત આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા એ સમયની છે. જ્યારે પંચાયતે એક ઠરાવ કર્યો અને તેના આધારે વાઢેરને દરિયાકાંઠે સરકારી જમીન મળી ગઇ. આ બાબતે સવાલ પૂછતા તેમણે ખુલાસો આપતા કહ્યું, 200 એકર જમીનમાં દરિયાનું ખારું પાણી આવી જતું હતું. ત્યાં ગાંડા બાવળ પણ હતા. એટલે જમીન સરખી કરવી અને રણપ્રદેશની વનસ્પતિ લાવીને વૃક્ષારોપણ કરવા માટે સરકારે જમીન આપી છે. આ માટે સરકાર સાથે અમે MoU થયા છે. “આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે આ જમીન મને આપવાની થઇ, ત્યારે નક્કી થયું કે ગ્રામ પંચાયતનો ઠરાવ લઇ આવો. પંચાયતે ઠરાવ કર્યો કે જો પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટને વગર વળતરે આ જમીન આપવામાં આવે તો પંચાયતને કોઈ વાંધો નથી. ગૌચરની મૂળ માલિકી ગ્રામ પંચાયતની કહેવાય. તેમણે જે ઠરાવ કર્યો એ મેં મામલતદારને આપ્યો. ત્યાંથી ડેપ્યુટી કલેક્ટરે રાજ્ય સરકાર સુધી ઠરાવ મોકલ્યો. ત્યાર બાદ રાજ્ય સરકારે કલેક્ટરને પત્ર લખીને આ જમીન બાબતે MoU કરવા કહ્યું. આમ, મારી સંસ્થાને આ જમીન મળી.” આમ, હેમંતસિંહ સ્વીકારે છે કે માત્ર ગ્રામ પંચાયતના એક ઠરાવને આધાર બનાવીને જ રાજ્ય સરકારે તેમના પંચજન્ય પર્યાવરણ ટ્રસ્ટને દરિયાકાંઠાની 200 એકર જમીન આપી દીધી છે, પરંતુ મરીન કેમ્પ સાઇટ બનાવવા બાબતે તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો. જો કે થોડા દિવસ પહેલાં જ કલેક્ટરે મરીન કેમ્પ સાઇટ બંધ કરાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાર જવાબની હજુ રાહ દિવ્ય ભાસ્કરે મંદિરના વહીવટ અને ઝવેરાત બાબતે સત્તાવાર જવાબ મેળવવા બેટ દેવસ્થાન સમિતિ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય પ્રમોદરાય ભટ્ટ અને ટ્રસ્ટના પ્રમુખ સૌરભ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના તરફથી આવા ગંભીર મુદ્દે કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    પ્રગતિશીલ ખેડૂત:ગીર સોમનાથનાં ખેડૂતે સ્લરીનો ઉપયોગ કરી નાળિયેરનું બમણું ઉત્પાદન મેળવ્યું
    Next Article
    તાલુકા કક્ષાએ બહિષ્કાર અમલમાં મૂકવા આદેશ,ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી:પગાર બિલ સમયસર નહીં બનતા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા PRAISA સોફ્ટવેરના બહિષ્કાર, SASથી કામ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment