Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરનો આતંક:20 લાખની સામે વેપારી પાસેથી 2.66 કરોડ પડાવ્યા, ઘરે જઈ વૃદ્ધ માતા-પિતાને આપી જાનથી મારવાની ધમકી

    13 hours ago

    રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોના ત્રાસ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાના દાવા વચ્ચે પણ વ્યાજ માફિયાઓ બેફામ બન્યા છે. ગાંધીનગરના ખોરજ ગામમાં રહેતા અને ઓઇલ ટ્રેડિંગ તેમજ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા એક વેપારી પાસે વગર લાયસન્સે ઊંચા વ્યાજે નાણાં ધીરી, પઠાણી ઉઘરાણી કરીને બે વ્યાજખોરોએ કુલ 2 કરોડ 66 લાખ 80 હજાર બળજબરીપૂર્વક પડાવી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ધંધા માટે 10 ટકાના ઊંચા વ્યાજે પૈસા લીધા હતા મળતી વિગતો અનુસાર, ખોરજ ગામે વૈષ્ણોદેવી મંદિર પાસે આવેલા દીવાલી બ્લેસિંગ્સમાં પરિવાર સાથે રહેતા ૩૫ વર્ષીય વેપારી રોહિતભાઈ રાજેશભાઈ ત્રિવેદીને બે વર્ષ પહેલાં (વર્ષ 2024ના માર્ચ-એપ્રિલ મહિનામાં) પોતાના ઓઇલ ટ્રેડિંગ અને કન્સ્ટ્રક્શનના ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે ખોરજ ગામના વતની અને પરિચિત ભરત ઉર્ફે વાઘુ શંકરભાઈ રબારીનો સંપર્ક કર્યો હતો. ભરતે રોહિતભાઈને દર મહિને 10 ટકાના ઊંચા વ્યાજે 20 લાખ રોકડા આપ્યા હતા. રોહિતભાઈએ ટુકડે-ટુકડે વ્યાજ પેટે 3.50 લાખ રોકડા ભરતને ચૂકવ્યા હતા, જ્યારે અન્ય 3 લાખ ઓનલાઇન જમા કરાવ્યા હતા. ત્યારબાદ સગવડ થતાં રોહિતભાઈએ વૈષ્ણોદેવી મંદિર નજીક ભરતને રૂબરૂ મળીને 10 લાખ રોકડા મૂડી પેટે પરત આપી દીધા હતા અને માત્ર 10 લાખ ચૂકવવાના બાકી હતા. વ્યાજખોરોની એન્ટ્રી અને બદનામ કરવાની ધમકી થોડા મહિનાઓ પછી અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા જિજ્ઞેશભાઈ બળદેવભાઈ દેસાઈએ રોહિતભાઈને વૈષ્ણોદેવી મંદિર પાસે બોલાવ્યા હતા, જ્યાં ભરત રબારી પણ હાજર હતો. જિજ્ઞેશએ રોહિતભાઈને ધમકાવતા કહ્યું કે, "ભરતે જે 20 લાખ આપ્યા હતા તે મારા છે અને મને હજુ પરત મળ્યા નથી." રોહિતભાઈએ ભરતને ચૂકવેલા વ્યાજની પહોંચો બતાવી છતાં જિજ્ઞેશએ કહ્યું કે, "તારે મને હજુ બાકી નીકળતા 10 લાખનું પણ 10 ટકા લેખે વ્યાજ આપવું પડશે. જો પૈસા નહીં આપે તો તારા ઘર અને ધંધાની જગ્યાએ રોજ આવીને ઉઘરાણી કરીશ અને બદનામ કરી નાખીશ." ભીંસમાં આવેલા વેપારીએ વધુ પૈસા લીધા સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડરથી રોહિતભાઈએ જિજ્ઞેશ દેસાઈને વ્યાજ ચૂકવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ફરી નાણાંની ભીંસ પડતાં તેમણે ટુકડે-ટુકડે જિજ્ઞેશ પાસેથી વધુ 88 લાખ વ્યાજે લીધા હતા. આ નાણાંના વ્યાજ પેટે રોહિતભાઈએ પોતે તેમજ તેમના ત્યાં કામ કરતા માણસ મારફતે જિજ્ઞેશના ઘરે અને અલગ-અલગ જગ્યાએ કુલ 1,95,30,000 રોકડા ચૂકવ્યા હતા. આ ઉપરાંત બેંક ખાતા અને મની ટ્રાન્સફર મારફતે જિજ્ઞેશના ખાતામાં ઓનલાઇન 65 લાખ વ્યાજ પેટે જમા કરાવ્યા હતા. 2.66 કરોડ ચૂકવ્યા છતાં ઘરમાં ઘૂસી ધમકી આપી આમ, મૂળ રકમ સામે તેમણે બંને વ્યાજખોરોને કુલ 2,66,80,000 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ ન હતી અને તેઓ અવારનવાર ફોન કરીને વધુ વ્યાજની માંગણી કરતા હતા. ગઈ તા. 11 જૂનના રોજ સવારના સમયે જિજ્ઞેશ દેસાઈ ખોરજ ગામે રોહિતભાઈના ઘરે ધસી ગયો હતો અને તેમના વૃદ્ધ માતા-પિતાને ધમકાવતા કહ્યું હતું કે, "તારા દીકરાને કહેજે વ્યાજના પૈસા ચૂકવી દે નહીં તો જીવતો રાખીશ નહીં." આ પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને અંતે વેપારી રોહિતભાઈ ત્રિવેદીએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘોઘાના કંટાળા ગામે રસ્તા બાબતે દંપતી સહિત 5 શખ્સોનો હુમલો:વાડીએથી પરત ફરતા યુવક અને વૃદ્ધ દાદાને ધોકા-પાઈપ વડે માર માર્યો
    Next Article
    સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું:વડોદરામાં જમણવાર દરમિયાન થયેલી બોલાચાલી બાદ યુવકે ચપ્પુથી હુમલો કર્યો, સામે પક્ષે બેટથી હુમલો કર્યો, સામસામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment