Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલ્ટાના વડાપ્રધાનના પત્ની ગુજરાતી યુવાનને ભેટી પડ્યા:ચાલીને 20 દેશમાં ફરી 12 હજાર કિલોમીટર કાપશે, ઇટલીમાં ડ્રગ્સ એડિક્ટ પાછળ પડ્યાં ત્યારે શું થયું?

    12 hours ago

    ભાવનગરનો એક ખેડૂત પુત્ર જે ક્યારેક CA બનવાના સપના જોતો હતો પણ હવે માલ્ટા નામના દેશથી ચાલીને નીકળ્યો છે અને દિલ્હી સુધી 12 હજાર કિલોમીટરનો રસ્તો કાપીને ઇતિહાસ રચશે. સાથે બેબી વોકર છે, ખભા પર 15 કિલો કચરો એકઠો કરી શકાય તેવી બેગ છે, મનમાં ક્લાયમેટ ચેન્જ સામે લડવાનો મક્કમ નિર્ધાર છે. આ યુવાન એટલે જયદીપ લાખણકિયા. કરિયર બનાવવા ગયેલા જયદીપ સાથે માલ્ટામાં એવું તો શું બન્યું જેના કારણે તેણે આ મિશન શરૂ કર્યું? ચાલીને દિલ્હી સુધી સફર કરવા પાછળનો તેનો ઉદ્દેશ શું છે? આખા દિવસનું શિડ્યુલ શું છે? કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? જ્યારે ઇટલીની પોલીસે રોક્યો ત્યારે શું બન્યું હતું? આવા અનેક સવાલો અંગે તેણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જયદીપ જ્યારે માલ્ટા ગયો ત્યારે ગ્રીસમાં યોજાયેલી 26 દિવસીય કોન્ફરન્સમાં ગેસ્ટ અને પાર્ટિસિપન્ટ તરીકે જવાનો મોકો મળ્યો હતો. કોન્ફરન્સમાં ક્લાયમેટ ચેન્જ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ ચર્ચાએ જ જયદીપના મનમાં ક્લાયમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માલ્ટાથી ચાલીને ભારત આવવાના મિશનનો પાયો નાખ્યો હતો. હવે તે 18 મહિનામાં 20 દેશોની મુલાકાત લઇ 12 હજાર કિલોમીટરની સફર ખેડીને ભારતમાં તેની યાત્રા પૂર્ણ કરશે. 21મી ફેબ્રુઆરીએ મિશનની શરૂઆત માલ્ટાના વડાપ્રધાન રોબર્ટ અબેલાના પત્ની લીડિયાએ 21મી ફેબ્રુઆરીએ જયદીપના મિશનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન ભારતીય કોમ્યુનિટી અને ત્યાંના મોટા મોટા એથ્લિટ્સ પણ જોડાયા હતા. જે દિવસે જયદીપના મિશનની શરૂઆત થવાની હતી એ દિવસે સવારે વડાપ્રધાનના પત્નીએ જયદીપને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમે તમારા ફ્લેગઓફમાં જોડાઇશું પણ બહું નહીં રોકાઇએ. જ્યારે તેઓ આવ્યા ત્યારે 45 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્લાયમેટ ચેન્જ માટે આ પ્રકારની ઝુંબેશ પહેલીવાર થઇ રહી છે. આ માટે અમે ગર્વ અનુભવીએ છીએ કે તમે માલ્ટાને પસંદ કર્યું. જ્યારે પણ ઇતિહાસમાં નામ લેવાશે ત્યારે માલ્ટાને પણ લોકો યાદ કરશે. આટલું કહીને વડાપ્રધાનના પત્ની જયદીપને ભેટી પડ્યા હતા. બિલાડી સાથે ક્રૂરતા જોઇ આંસુ આવી ગયા જયદીપ જ્યારે ઇટલીના વીબો મરિના નામના શહેરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક જગ્યાએ જાળીમાં બિલાડીને ફસાયેલી જોઇ હતી. જયદીપ જ્યારે તેને બચાવવા માટે ગયો ત્યારે તેને આંચકો લાગ્યો કેમ કે બિલાડી જાળીમાં ફસાઇ નહોતી પણ કોઇએ જાણી જોઇને ક્રૂરતાપૂર્વક તેને બાંધી દીધી હતી. જયદીપે બિલાડીને ત્યાંથી કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહ્યાં. જયદીપે સ્થાનિકોની મદદ લેવાની પણ કોશિષ કરી પણ ભાષાની સમસ્યા નડી. એક ટ્રક ડ્રાઇવર તેની મદદે આવ્યો અને તેની પાસે રહેલા પક્કડથી બિલાડીને છોડાવી તો લીધી પણ થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામી. આ ઘટનાથી જયદીપ રડી પડ્યો. જયદીપ ત્યાં 5 કલાક સુધી રોકાયો હતો અંતે તેણે મૃત બિલાડીને 17 કિલોમીટર દૂર લઇ જઇને સુરક્ષિત સ્થળે દફનાવી દીધી હતી. તેણે પોતાની 2 દિવંગત બહેનાના નામ પરથી આ બિલાડીનું નામ ક્રિતા પાડ્યું હતું. યાત્રા દરમિયાન જયદીપે તસવીરો કેટલીક તસવીરો પાડીને ભાસ્કરને મોકલી હતી. કેવી રીતે સફરની શરૂઆત થઇ? જયદીપે હાલમાં 42 દિવસથી વધુની સફર પૂરી કરી છે. તેણે પોતાના મિશન વિશે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લાયમેટ ચેન્જ મોટો વિષય છે. મેં આ બાબતે ભણવાનું અને રિસર્ચ કરવાનું અને મોટા સાયન્ટિસ્ટને સાંભળવાનું શરૂ કર્યું. દરમિયાન એક શબ્દ મારી સામે આવ્યો ક્લાયમેટ ઇનજસ્ટિસ. એ પણ ધ્યાને આવ્યું કે ક્લાયમેટ ચેન્જમાં ભારતનો કોઇ ફાળો નથી છતાં ભારતીયોઓ જ વધુ ભોગવવાનું છે એટલે મેં નક્કી કર્યું કે માલ્ટામાં મારું કરિયર અને બધું છોડીને ભારત પાછો આવીશ. આ રીતે સફરની શરૂઆત કરી. યાત્રા પહેલાં અનેક ગડમથલ ચાલતી હતી યાત્રા શરૂ કરતાં પહેલાં જયદીપના મનમાં અનેક ગડમથલ ચાલતી હતી. તેણે જણાવ્યું કે, ભલે મને માલ્ટામાં સ્કોલરશિપ મળી હોય છતાં પાંચેક લાખ જેટલો ખર્ચો થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતો હોવાના કારણે સૌથી પહેલાં તો એ જ નક્કી કર્યું કે આ પાંચ લાખ રૂપિયા રિકવર કરવા પડશે કેમ કે હું મારા માતા-પિતાને પ્રેશર નહોતો આપવા માંગતો. 'બીજી સૌથી વધારે મથામણ જર્નીનો રૂટ નક્કી કરવાની હતી. આપણો દેશ સારો છે પણ આપણો પાસપોર્ટ એટલો સ્ટ્રોન્ગ નથી એટલે આટલા બધા દેશમાંથી વિઝા કેવી રીતે મેળવીશ તેની ચિંતા હતી.' 'માલ્ટાથી ભારતની આ સફરમાં એવી કોઇ કંપની પાસેથી હેલ્પ લેવા નહોતો માંગતો જે ક્લાયમેટને નુકસાન કરતી હોય એટલે પૈસા ક્યાંથી લાવવા એ પણ ચિંતા હતી. રૂટ ફાઇનલ થઇ ગયો પણ એ પછી પાછો એક પ્રશ્ન આવ્યો કે હવે સાયકલ સફર કરૂં કે ચાલતાં ચાલતાં કરું પણ પછી મેં ચાલતાં ચાલતાં જ સફર પૂર્ણ કરવાનું નક્કી કર્યું.' પદયાત્રાની અસર થશે જયદીપે ચાલીને જ યાત્રા કરવા પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે, ગાંધીજીએ પણ ક્રાંતિ લાવવા માટે પદયાત્રા કરી હતી. ઘણાં એવા સત્યાગ્રહો પદયાત્રા થકી થયાં હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા એ પછી તેની ઇમ્પેક્ટ પણ આવી હતી. જેથી મેં નક્કી કર્યું કે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ હવે આ યાત્રા ચાલીને જ પૂરી કરવી છે. રસ્તામાંથી કચરો એકઠો કરી જાગૃતિ લાવે માલ્ટાથી નીકળતી વખતે જીબેલ નામની એક NGOએ જયદીપને બેગ આપી હતી. જેમાં અંદાજે 15 કિલો સુધી કચરો એકઠો થઇ શકે છે. જયદીપ જ્યાંથી પસાર થાય ત્યાંથી કચરો ઉપાડે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરે છે. 'મેં મારી સાથે ઓછા કપડાં અને ખાસ ટેન્ટ અને સ્લીપિંગ બેગ લીધી છે. થોડી ઘણી ખાવાની વસ્તુઓ લીધી છે. બાકી તો જે ખાવા મળે એ ખાઇ લેવાનું. બાકી ફ્રૂટ્સ તો મળી જાય છે.હું પાણી પીવા પર ખૂબ ભાર આપું છું, બાકી કોઇ ફિક્સ શિડ્યુલ નથી કેમ કે અહીંયા વાતાવરણ ખૂબ જ ખરાબ છે. એટલું તો નક્કી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય મારે રોજનું એવરેજ 30 કિલોમીટર તો ચાલવાનું છે તેવો મેં ટાર્ગેટ બનાવ્યો છે.' ઇરાન-પાકિસ્તાન થઇને ભારત આવશે આ રૂટ અને દેશોની પસંદગી કેવી રીતે કરી એ અંગે પૂછતાં તેણે કહ્યું, મેં જ્યારે આ રૂટ પસંદ કર્યો ત્યારે ઇરાનમાં યુદ્ધ નહોતું ચાલતું. એટલે મેં ઇરાનનો રૂટમાં સમાવેશ કર્યો હતો. આ રૂટ પરથી જઉં તો મારે બહું ફરવા નહોતું જવું પડતું. રૂટમાં મેં પાકિસ્તાનની પણ પસંદગી કરી છે પણ હાલમાં એ અંગે કંઇ વિચાર નથી કર્યો. પાકિસ્તાની એમ્બેસી સાથે વાત થઇ હતી. જેમાં તેમણે મને કહ્યું હતું કે જો તમે 18 દેશ સફળ પૂર્ણ કરશો તો પછી અમારી ઉપર પણ પ્રેશર બનશે અને અમારે તમને વિઝા આપવા પડશે. અમે 99.9% તો વિઝા આપીશું જ. આટલો લાંબો રસ્તો પાર કરવાનો છે ત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ ન પણ હોય. આવા સમયે રસ્તો ભટકી ન જવાય તે માટે જયદીપે પ્લાન B પણ તૈયાર રાખ્યો છે. તેણે કહ્યું કે, મેં માલ્ટાથી ભારત સુધીના બધા જ રૂટની PDF બનાવીને રાખી છે એટલે જે જગ્યાએ ઇન્ટરનેટ નહીં હોય ત્યાં પણ હું સરળતાથી મારા રૂટ પર ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીશ. ઇટલીમાં પોલીસે રોકીને ફોટો પડાવ્યો અત્યાર સુધીની યાત્રામાં જયદીપને સારા અને નરસા એમ બન્ને પ્રકારના અનુભવો થયા છે. આ અનુભવો તેણે શેર કર્યા. તેણે કહ્યું, ઇટલીમાં જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે મને ત્યાંની પોલીસે રોક્યો હતો. એ પછી મારી પાસે રહેલું એક બેનર પોલીસે જોયું તો તરત જ તેમણે મને કંઇપણ પૂછપરછ કર્યા વગર મારી સાથે ફોટો પડાવ્યો અને મારી પહેલને બિરદાવી હતી. આવું લગભગ પાંચેક વાર મારી સાથે બન્યું હતું. આજ સુધી ક્યારેય કોઇપણ પોલીસે મારો પાસપોર્ટ કે બીજા કોઇ ડોક્યુમેન્ટ ચેક નથી કર્યા. 'થોડા દિવસો પહેલાં વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. રેડ એલર્ટ જાહેર કરાયું હતું એટલે કોઇ સુરક્ષિત જગ્યા નહોતી મળી. હું જે એરિયામાં હતો તે અવાવરું હતો. કેટલાક લોકો ત્યાં નશાની હાલતમાં પડ્યાં હતા તો કેટલાક ડ્રગ્સ એડિક્ટ હતા. અંધારું થવા લાગ્યું એટલે એ લોકોએ મારો પીછો કરવાનું શરૂ કર્યો. મને થોડો ડર લાગ્યો એટલે મેં ચાલવાની સ્પીડ વધારી. થોડા સમય પછી લાઇટવાળો વિસ્તાર આવ્યો એટલે થોડી હાશ થઇ. રહેવા માટે કંઇ નહોતું. મારી નજર એક ખંડેર ઘર પર પડી ત્યાં જઇને મારે રોકાણ કરવું પડ્યું કેમ કે ખૂબ પવન સાથે વરસાદ પડતો હતો.' માતાને ખબર પડી તો ભાવુક થઇ ગયા જ્યારે મારી માતાને ખબર પડી કે મારે આવી સ્થિતિમાં રોકાવું પડ્યું છે ત્યારે તેનો મને કોલ આવ્યો હતો. તે ખૂબ જ ઇમોશનલ થઇ ગયા કે તારે આવું બધું કરવાની ક્યાં જરૂર છે? પાછો આવી જા પણ ત્યારે મેં મારા સંકલ્પ વિશે વાત કરી અને કહ્યું કે હજુ આનાથી ખરાબ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. જયદીપ પોતાની સાથે એક બેબી વોકર લઇને નીકળ્યો છે. જેનો પણ રસપ્રદ કિસ્સો છે. તેણે કહ્યું કે, હું જ્યારે આ બેબી વોકર લેવા ગયો ત્યારે ત્યાંના વેપારીએ મને પૂછ્યું કે તમે આ શેના માટે લઇ જાઓ છો. મેં તેને મારો ઉદ્દેશ્ય જણાવ્યો તો તેમણે મને એ વોકર ડોનેશનમાં આપી દીધું. અત્યાર સુધીમાં વોકરમાં 5 થી 6 વાર પંચર પડ્યું હતું. સદભાગ્યે દરેક વખતે ગેરેજ મળી જતું હતું પણ થોડા દિવસ પહેલાં જ્યારે પંચર પડ્યું ત્યારે મને ગેરેજ ન મળ્યું. મારે હજુ 15 કિલોમીટર ચાલવાનું હતું. આવા સમયે મારો પહાડી અનુભવ કામ લાગ્યો. મેં ટાયર ખોલીને તેમાં કચરો ભર્યો અને પાછું ફિટ કરી દીધું. એક યાત્રાએ દ્રષ્ટિકોણ બદલી નાખ્યો સ્કૂલથી માંડીને કોલેજના અભ્યાસ દરમિયાન જયદીપ ટોપર રહ્યો હતો. તેણે કોમર્સનો અભ્યાસ કરીને CAમાં જવાની તૈયારી કરી હતી પણ પછી તેણે તેને લાગ્યું કે મને CAમાં રસ નથી. આના પછી તેણે ટૂર એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેણે કહ્યું કે, મારે રિયલ અને રૂરલ ઇન્ડિયા જોવું હતું. એ સમયે મારી ઉંમર 21 વર્ષની હતી. હું કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલતો પહોંચ્યો હતો. આ દરમિયાન હું નાના ગામડાંઓમાં જઇ નાના-નાના લોકોને મળીને ત્યાંની પરિસ્થિતિ જાણતો હતો. આ યાત્રાએ મારો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. ‘જ્યારે કોઇ યુવાન કોલેજમાં આવે ત્યારે તેના સપનાં મોટા હોય છે કે એક સારું ઘર ખરીદવું છે, મોંઘી ગાડીમાં ફરવું છે, દુનિયા જોવી છે. આ ટ્રિપ પછી મને સમજાયું કે જિંદગી જીવવા માટે આટલી બધી જરૂરિયાત નથી. સાદી જિંદગી જ આપણાં માટે સારી છે એટલે મારા સપનાં પણ બદલાઇ ગયા હતા.’ અભ્યાસ માટે માલ્ટા ગયો જયદીપને ધીરે ધીરે સ્પોર્ટસ અને એડવેન્ચરમાં રસ વધતો ગયો. તેણે કહ્યું કે, મેં અમદાવાદની ઇન્વિન્સીબલ NGO જોઇન કરીને ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે અંદાજે પાંચેક વર્ષ કામ કર્યું હતું. હું લોકોને એડવેન્ચર અને ટ્રેકિંગ કરાવતો હતો. એક સમય આવ્યો કે જ્યારે મને સામેથી માલ્ટા જવાની તક મળી અને એ પણ માત્ર પાંચેક લાખ રૂપિયા, એટલે હું ભણવા માટે માલ્ટા આવ્યો હતો. અંતે પરિવારને મનાવી જ લીધો પરિવારને આ મિશન માટે કેવી રીતે મનાવ્યો તેની વાત કરતા તે કહે છે કે, મેં પરિવારના સભ્યોને આ માટે સમજાવ્યાં કેમ કે દીકરો આવું કંઇ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને તેની ચિંતા થાય જ. માલ્ટામાં હું ખૂબ સારી રીતે રહે હતો જ્યારે આ સફરમાં ક્યાં રહીશ, ભોજનમાં શું મળશે તેનું કંઇ નક્કી નથી હોતું પણ અંતે મેં પરિવારને મનાવી લીધો અને તેમણે મને સંમતિ આપી. ક્લીન ભારતનું સપનું મિશન પૂર્ણ કર્યા બાદ આગળ શું કરવું છે તે અંગે તેણે કહ્યું કે, આ મિશન પૂર્ણ થશે એ પછી હું મારા ગામડેથી ક્લાયમેટ ચેન્જ બાબતે એક ઝુંબેશ શરૂ કરવા માંગુ છું. હું આ અંગે બધાને જાગૃત કરવા માંગુ છું. હું લોકોને સમજાવીશ કે આપણે કચરો કેમ ન કરવો જોઇએ. મારે વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચવું છે કેમ કે તેમને સમજાવવા ખૂબ સરળ છે. જો એક વાર તે સમજી જશે તો એદાક દાયકા પછી ક્લીન ભારત જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    પૂજામાં પરિક્રમા કરવાનું મહત્ત્વ:જાણો પ્રદક્ષિણા પાછળનો ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પરિક્રમા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો
    Next Article
    તો હવે રાજુ બન ગયા જેન્ટલમેન?:ખેડૂત નેતાએ BJPનો ખેસ પહેરતા જ જુની સ્પીચ વાઇરલ; સરકારી ઓફિસમાં લાઈટ ગઈ, સાહેબોના પરસેવા છૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment