Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માસિક 2 ટકા વળતરની લાલચ આપી ₹20 કરોડનું કથિત કૌભાંડ:ઉનાના દેલવાડાની નિધી ક્રેડિટ સોસાયટીની મહિલા ચેરમેન સહિત બે સામે ફરિયાદ, રાજલ બારોટની પીડિતો સાથે પોલીસને રજૂઆત

    10 hours ago

    ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલી નિધી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા ઊંચા વળતરની લાલચ આપીને લોકો ફસાયા છે. રોકાણકારો સાથે આચરવામાં આવેલા કથિત ₹20 કરોડના નાણાકીય કૌભાંડથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકા વળતરની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કર્યા બાદ સંચાલકો નાણાં પરત ન આપી ફરાર થઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ગઈકાલે રાત્રે ઉના મામલતદાર અને પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કર્યું હતું. ત્યારબાદ પોલીસે નિધી ક્રેડિટ સોસાયટીની મહિલા ચેરમેન સહિત બે સામે ફરિયાદ નોંધાઈ છે. બેંક કરતાં વધુ વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી દેલવાડા ખાતે આવેલી નિધી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીનું સંચાલન મનીષા ચંદ્રકાંત પંડ્યા અને મેનેજર તરીકે દિનેશભાઈ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવતું હતું. આ બંને સંચાલકોએ બેંક કરતા પણ વધુ વળતર આપવાની ખાતરી આપીને સામાન્ય જાગૃત લોકોને રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. નવાબંદરની વૈશાલીબેન વિજયભાઈ ફુલબારૈયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2020થી 2024 દરમિયાન તેમણે અને તેમના પરિવારે કુલ ₹70.50 લાખનું રોકાણ કર્યું હતું. જેમાં વૈશાલીબેનના ₹45 લાખ, તેમના સસરાના ₹10.50 લાખ અને પરિવારના અન્ય સભ્યના ₹15 લાખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 17 રોકાણકારોની ₹80,13,404ની રકમ પણ આ મંડળીમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. આમ, પ્રાથમિક તબક્કે કુલ ₹1,50,63,404ની ઠગાઈ થયાનો આક્ષેપ કરાયો છે. સ્ટેમ્પ પેપર પર લખાણ આપવા છતાં નાણાં પરત ન મળ્યા રોકાણકારોએ જ્યારે પોતાની મહેનતની કમાણી પરત માંગી, ત્યારે સંચાલકોએ સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને એક વર્ષની અંદર રકમ પરત આપવાની ખાતરી આપી હતી. ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં નાણાં ચૂકવી દેવા અંગેના લખાણો પણ કરવામાં આવ્યા હતા. જોકે, સમયમર્યાદા પૂરી થવા છતાં નાણાં પરત મળ્યાં નહોતા અને અચાનક મંડળી બંધ થઈ જતાં સંચાલકોનો સંપર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. અનેક રોકાણકારોને તો નાણાં જમા કરાવ્યાની પહોંચ કે આધારભૂત દસ્તાવેજો પણ આપવામાં આવ્યા ન હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. રોકાણકારોમાં રોષ અને જનપ્રતિનિધિઓની આગેવાનીમાં રજૂઆત સંચાલકો દ્વારા નાણાં પરત ન આપવામાં આવતા અને મંડળી બંધ થઈ જતાં રોકાણકારોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મુશ્કેલ સમયમાં લોકગાયિકા અને ઉના નગરપાલિકાનાં કાઉન્સિલર રાજલ બારોટ તેમજ પૂર્વ કાઉન્સિલર અલ્પેશ બાંભણિયા રોકાણકારોની વહારે આવ્યા હતા. તે બંનેની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રોકાણકારો એકત્ર થઈને ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાઓ સહિતના રોકાણકારો ઉના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરી તેમની રોકાયેલી રકમ પરત અપાવવાની ઉગ્ર માગણી કરી હતી. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ ઉના પોલીસે આ મામલે કડક રૂખ અપનાવીને મનીષા પંડ્યા અને દિનેશ રાઠોડ તેમજ તપાસ દરમિયાન સામે આવનારા અન્ય સંડોવાયેલા શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 316(5), 318(4), 61(1), 54 તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ-2003 (GPID)ની કલમ 3 હેઠળ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ દ્વારા 100થી વધુ રોકાણકારોનાં નિવેદનો, બેંક ખાતાં, ચેક, સ્ટેમ્પ પેપર અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કૌભાંડની કુલ રકમ ખરેખર ₹20 કરોડ સુધી પહોંચે છે કે કેમ અને આ કૌભાંડ પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ. હાલ તો આ ઘટનાને કારણે અનેક પરિવારોની જીવનભરની બચત જોખમાઈ જતાં સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની એટ્રોસિટી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:જાળીલાના પૂર્વ ઉપસરપંચ હત્યા કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ; 2019માં પૂર્વઆયોજિત કાવતરું રચી હત્યા કરાઈ હતી
    Next Article
    અમરેલીની મુખ્ય બજારોમાં સિટી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:દિવાળીમાં ટ્રાફિક ન સર્જાય તે માટે ટાવર રોડ, હરિ રોડ અને લાઇબ્રેરી રોડ પર નિરીક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment