Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધડાધડ 19ને ગોળી ધરબી દીધી:ભાગ્યો એ મર્યો, ગુજરાતમાં નવું કલ્ચર, શું લોકોને ખુશ કરવા પોલીસ એન્કાઉન્ટર કરવા લાગી; યોગી જેવાં મોડલથી ફફડાટ

    1 day ago

    અમદાવાદના આનંદનગરમાં પીજીમાં રહેતી યુવતી પર સિક્યોરિટી ગાર્ડે બળાત્કાર કર્યો. પોલીસે દબોચી લીધો. તે પોલીસ પર હુમલો કરીને ભાગવા ગયો તો પોલીસે પગમાં ગોળી મારી દીધી. આને હાફ-એન્કાઉન્ટર કહેવાય. ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં એન્કાઉન્ટરના બે અને હાફ-એન્કાઉન્ટરના 17 બનાવ બન્યા. શું ગુજરાતમાં એન્કાઉન્ટરનું નવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1: કઈ-કઈ ઘટનાઓમાં 2 એન્કાઉન્ટર અને 17 હાફ-એન્કાઉન્ટર થયા? જવાબ : મે-2025થી ઓગસ્ટ-2026 સુધીના 16 મહિનાની વાત કરીએ. આ 16 મહિનામાં 19 આરોપીઓને પોલીસે ગોળી ધરબી દીધી. તેમાંથી 17 ઘાયલ થયા ને 2નાં મોત થયાં. પહેલાં એ બે કિસ્સા વાંચો જેમાં આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત થયાં છે. કિસ્સો-1 : અડાલજની કેનાલ પાસે પોલીસે ઢીમ ઢાળી દીધું 20 સપ્ટેમ્બર, 2025ની રાતનો સમય. અડાલજ પાસેની નર્મદા કેનાલની સાઈડનો સુમસામ રસ્તો. રાત્રે સવા વાગી રહ્યો હતો. અમદાવાદના હાંસોલમાં રહેતો વૈભવ મનવાણી અને તેની મિત્ર બર્થ ડે સેલિબ્રેશન કરવા કારમાં બેઠાં હતાં. કારનો દરવાજો અંદરથી લોક નહોતો. અચાનક દાઢીવાળા માણસે કારનો દરવાજો ખોલ્યો ને ચાકુ બતાવ્યું. વૈભવ અને એ માણસ વચ્ચે ઝપાઝપી થઈ. પેલા માણસે વૈભવને આડેધડ ચાકુના ઘા માર્યા. તેની મિત્ર વચ્ચે પડી તો તેની ઉપર પણ હુમલો કર્યો. એ દાઢીવાળા હુમલાખોરનું નામ વિપુલ પરમાર. ઘટનામાં યુવકનું મોત થયું ને યુવતી હોસ્પિટલમાં દાખલ થઈ. વિપુલ પરમાર ભાગી ગયો. પોલીસને ખબર પડી કે તે તેની બહેનના ઘરે રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં છુપાયો છે. પોલીસે એ વિસ્તારમાંથી તેને દબોચી લીધો. 24 સપ્ટેમ્બરની મોડી સાંજનો સમય. પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે નર્મદા કેનાલ પાસે લઈ ગઈ. આ દરમિયાન હાથકડી પહેરેલા વિપુલે એલસીબી PSI પાટડિયાની રિવોલ્વર ઝૂંટવી ફાયરિંગ કર્યું. જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ડાબા હાથમાં ગોળી વાગી. બે ગોળી જીપમાં વાગી. તેણે ભાગતાં ભાગતાં ફાયરિંગ કર્યું ને અંતે જવાબી કાર્યવાહીમાં એલસીબી પીઆઈ દીવાનસિંહ વાળા અને પીઆઇ એચ.પી.પરમારે પણ પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું. વિપુલને સાથળ અને પીઠમાં ગોળી વાગતાં જ ત્યાં ઢીમ ઢળી ગયું. આ હતું ગાંધીનગરના ઈતિહાસનું પહેલું એન્કાઉન્ટર. કિસ્સો-2 : આણંદ નજીક નરાધમને બે ગોળી ધરબી દીધી 18 જુલાઈ 2026નો દિવસ. ખેડા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડાંમાં રહેતા ગરીબ પરિવારો રેલવે પ્લેટફોર્મ પર આવીને રહેવા લાગ્યા. એમાંનો એક પરિવાર વાસદ રેલવે સ્ટેશનના આશરો આપતા રૂમમાં રહેવા લાગ્યો. આણંદથી વાસદ 21 કિલોમીટર દૂર થાય. રાતનો સમય હતો. આ પરિવારની બે બાળકી સૂતી હતી. માતા-પિતા કોઈ ચીજ લેવા માટે આઘાપાછા થયાં ને રૂમમાં એન્ટ્રી થઈ એક નરાધમની. નામ સુરેશ પરમાર. સુરેશે ચાર વર્ષની એક બાળકીને ઉપાડી લીધી ને ફટાફટ લઈને ત્યાંથી નીકળી ગયો. દૂર અંધકારમાં બાળકી પર રેપ કર્યો ને હદ તો એ થઈ કે સુરેશે રેપ કર્યા પછી બાળકીને તરફડતી અવસ્થામાં રેલવે ટ્રેક પર ફેંકી દીધી. ધસમસતી ટ્રેન બાળકી પર ફરી વળી. વાસદ રેલવે પ્લેટફોર્મથી 800 મીટર દૂર વિકૃત હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો. પોલીસને બાળકીના મૃતદેહ પાસેથી પુરૂષના બુટ મળ્યા એટલે શંકા ગઈ કે કોઈએ બાળકીની હત્યા કરી છે. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જોતાં મરૂન રંગનું શર્ટ અને બ્લૂ જીન્સ પહેરેલો સુરેશ પરમાર બાળકીને રાત્રે 9:15 વાગ્યે ખભે ઊંચકીને લઈ જતો દેખાયો. આ નરાધમ રાત્રે પોણા અગિયાર વાગ્યાની આસપાસ વાસદ રેલવે ફાટક પાસે પીધેલી હાલતમાં લથડિયા ખાતો પણ જોવા મળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ LCB, SOGની 7થી 8 ટીમો કામે લાગી ને ગણતરીની કલાકોમાં સુરેશને ઝડપી લીધો. બીજા દિવસે મધરાત્રે પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે વાસદ તરફ લઈ ગઈ. ચાલાક સુરેશે ઊલટી કરવાનું બહાનું કરીને વાહન રોકાવ્યું. આ જગ્યા હતી વાસદથી 17 કિલોમીટર પહેલાં, કંથારિયા ગામ પાસે. વાહનમાંથી નીચે ઉતરેલા સુરેશે છુપાવેલું ચાકુ કાઢ્યું ને બે પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો. LCBના PSI રાણાએ ચેતવણી આપી પણ તે ભાગવા લાગ્યો એટલે બે ગોળી ધરબી દીધી. તેને સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઈ ગયા જ્યાં મોત થયું. હવે એ 17 ઘટનાને ગ્રાફિકમાં સમજો જેમાં પોલીસે હાફ-એન્કાઉન્ટર કર્યા… સવાલ-2 : શું લોકોને ખુશ કરવા માટે ગુજરાતમાં એન્કાઉન્ટર કલ્ચર શરૂ થયું? જવાબ : એન્કાઉન્ટર કલ્ચર આમ તો ઉત્તરપ્રદેશનું મોડેલ છે. હવે ગુજરાતમાં હાફ-એન્કાઉન્ટર મોડેલ અમલમાં આવ્યું હોય તેવો માહોલ ઊભો થયો છે. આરોપીઓને પગમાં ગોળી મારી દેવી તે જાણે સામાન્ય બની ગયું છે. હર્ષ સંઘવીના નિવેદન પરથી તો એવું લાગે છે કે સરકાર લોકોને ખુશ કરવા જ આ એન્કાઉન્ટર કરે છે. હર્ષ સંઘવીએ 20 જુલાઈએ વડોદરામાં એક કાર્યક્રમાં હાજરી આપી હતી. ત્યારે એક પત્રકારે સવાલ કર્યો કે, આણંદમાં બાળકી પર બળાત્કાર કરનારાનું એન્કાઉન્ટર કર્યું, તેનાથી ઘણા લોકો ખુશ છે. તેના જવાબમાં હર્ષ સંઘવી બોલ્યા, ખુશ છે ને... મારે તો લોકો ખુશ એટલે અમે ખુશ હોઈએ. બાકી કાંઈ ના હોય... બીજા દિવસે 21 જુલાઈએ આણંદમાં પત્રકાર પરિષદમાં ફરી કોઈએ આણંદના એન્કાઉન્ટરનો સવાલ પૂછ્યો. તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું, સાડા ચાર વર્ષની બાળકી. તેની હત્યા. દુષ્કર્મ કર્યું. જેનો ભૂતકાળ પણ આવા જ ગુના સાથે જોડાયેલો હોય. તે નરાધમ પોલીસને ચાકુ મારવાની કોશિશ કરે. એવા નરાધમ સામે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે. આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા રાજ્ય પોલીસનું કામ છે. શું સરકાર લોકોને ખુશ કરવા આવું કરે છે? જવાબ આપતાં વરિષ્ઠ પત્રકાર મહેશ શાહ કહે છે, એવું તો નહીં કહી શકાય. મોટાભાગના એન્કાઉન્ટરમાં કોમન થિયરી જોવા મળી છે. આરોપી પોલીસ પર હુમલો કરે ને ભાગવાની કોશિશ કરે એટલે પોલીસ તેને રોકવા માટે ફાયરિંગ કરે. એ વખતે સ્ક્રીપ્ટેડ નથી હોતું કે ડાબા હાથમાં ગોળી મારવી કે જમણા પગમાં ગોળી મારવી... પણ ભાગી ન જાય એટલે મોટાભાગે પગમાં ગોળી મારે છે. બીજી સંભાવના એ પણ છે કે દરેક નહીં પણ અમુક કેસમાં શંકા એવી પણ જાય કે આટલા બધા પોલીસ કર્મચારીઓ હોય છતાં આરોપી હથિયાર ઝૂંટવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કેવી રીતે કરી શકે? સંભાવના બંને છે. પણ આવા કિસ્સાઓમાં એક ક્ષણ જ મહત્વની બની જાય છે. મહેશ શાહ એમ પણ કહે છે કે, ‘’પગમાં ગોળી મારી દેવી તે વાતને હું પોઝિટિવ જોઉં છું. પોલીસ દરેક આરોપીને મારી નથી નાખતી. તેને જીવતો રાખે છે. આનાથી એવું બને કે આરોપીને ગોળીના કારણે પગમાં ખોટ રહી જાય, તે વિકલાંગ બની જાય પણ તેને જીવનભર અફસોસ રહ્યા કરે કે મેં ખોટું કામ કર્યું. એન્કાઉન્ટર કે હાફ-એન્કાઉન્ટરના બનાવો સતત બનતા રહે તો બીજા આરોપીઓમાં થોડો ડર રહે. એ એવું વિચારતા થઈ જાય કે આપણે કોઈ ગુનો કરીશું તો પોલીસ ગોળી મારી દેશે.'' ગુજરાતમાં સતત વધતા એન્કાઉન્ટરના બનાવો વચ્ચે ઉત્તરપ્રદેશનું યોગી મોડેલ યાદ આવી જાય. કારણ કે યોગીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી યુપીમાં એન્કાઉન્ટરનો સીલસીલો શરૂ થયો હતો. સવાલ-3 : શું ગુજરાતમાં યુપી જેવું યોગીનું એન્કાઉન્ટર મોડેલ બની રહ્યું છે? જવાબ : યોગી આદિત્યાનાથ માર્ચ 2019માં પહેલીવાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. ત્યારથી અત્યાર સુધી,ઓગસ્ટ-2026 સુધીમાં 17,043 એન્કાઉન્ટર થયા છે. તેમાંથી 289 આરોપીનાં મોત થયાં છે. બાકીના ઘાયલ થયા છે. ગુજરાતમાં ઉત્તર પ્રદેશ જેટલું એન્કાઉન્ટરનું પ્રમાણ નથી પણ છેલ્લા દોઢ વર્ષથી આ સીલસીલો ચાલુ થયો છે. તો શું આપણે એવું કહી શકાશે કે ગુજરાતમાં એન્કાઉન્ટરમાં યોગી મોડેલ આકાર લઈ રહ્યું છે? આનો જવાબ આપતાં ઉત્તર પ્રદેશના પૂર્વ DGP ઓ.પી.સિંહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, આ યોગી મોડેલ નથી. પગમાં ગોળી મારી દેવી તે યુપીમાં પહેલેથી જ ચાલ્યું આવે છે. મને યાદ છે કે પહેલાના જમાનામાં હું નવો નવો નોકરીએ લાગ્યો ત્યારે પણ આવું થતું હતું. હવે આવી ઘટનાઓની ફ્રિકવન્સી વધી ગઈ છે. જે આરોપીઓ શાતીર નથી તે એવું વિચારતા હોય છે કે અમે પોલીસ પર ફાયરિંગ કરીને ભાગી જશું. પણ એવું તે કરવા જાય ત્યારે પોલીસ મિનિમમ ફોર્સનો ઉપયોગ કરીને તેના પર પ્રહાર કરે છે. આ યુપી માટે નવું નથી. બની શકે કે ગુજરાતમાં આ શરૂ થયું હોય. પણ આ યોગી મોડેલ નથી. આ મોડેલ જૂનું છે. સવાલ-4 : આનાથી મુસ્લિમ વોટ બેન્કને કોઈ મેસેજ અપાઈ રહ્યો છે? જવાબ : ગુજરાતમાં 2002થી 2006 સુધીમાં 23 જેટલાં એન્કાઉન્ટર થયાં હતાં. ગુજરાત પોલીસ આને વાસ્તવિક એન્કાઉન્ટર ગણાવતી હતી પણ કોર્ટે નીમેલી તપાસ કમિટિના રિપોર્ટમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેમાંથી 6 એન્કાઉન્ટર નકલી હતાં. તેમાંથી 3 એન્કાઉન્ટરના કેસમાં CBIએ આરોપનામાં દાખલ કર્યા હતા : જસ્ટિસ હરજિત સિંહ બેદીએ સુપ્રીમ કોર્ટને 18 ફેબ્રુઆરી, 2019ના રોજ સોંપેલા રિપોર્ટમાં અન્ય ત્રણને પણ નકલી એન્કાઉન્ટર ગણાવાયાં હતાં. સુપ્રીમ કોર્ટે એ તારણો સ્વિકાર્યા નહોતાં. આ એન્કાઉન્ટર્સ પછી ગુજરાતમાં સવાલ ચર્ચાતો થઈ ગયો હતો કે, શું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે ગુજરાતમાં થયેલાં એન્કાઉન્ટરનો ઉપયોગ પોતાની 'હિન્દુ નેતા તરીકેની ઈમેજ ઊભી કરવા અને ગુજરાત સંકટમાં છે ' તેવી છાપ ઊભી કરવા માટે કર્યો હતો? ગુજરાતમાં મોદી સત્તામાં આવ્યા તે પહેલાં પણ શંકરસિંહ વાઘેલાના શાસનમાં ડોન અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર થયું હતું. ત્યારથી સોહરાબુદ્દીન સુધીના એન્કાઉન્ટર્સ કરીને 'મુસ્લિમો આતંકવાદી છે અને હિન્દુઓ તેમના આતંકનો ભોગ બન્યા છે' તેવી છાપ ઊભી કરવામાં આવી. ગુજરાતમાં થયેલાં 22 એન્કાઉન્ટર પૈકી 6 એન્કાઉન્ટરમાં મુસ્લિમ ટાર્ગેટ હતા. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને આ એન્કાઉન્ટરને લઈને એકબીજા ઉપર દોષારોપણ કરતા રહે છે. 17 એપ્રિલ, 2019એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાની તેમની ચૂંટણીસભામાં કોંગ્રેસના નેતૃત્વની UPA સરકાર પર આરોપ મૂક્યો હતો કે આ એન્કાઉન્ટર્સના નામે તેણે ગુજરાતના નેતાઓ અને પોલીસને નિશાન બનાવ્યા હતા. CBIએ કરેલી ચાર્જશીટ મુજબ સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસર બીની બનાવટી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી, જેમાં ગુજરાત પોલીસના અધિકારીઓ અને દિગ્ગજ નેતાએ જેલમાં જવું પડ્યું હતું. જોકે આ ચાર્જશીટમાં લખેલા તમામ આરોપો ગુજરાત સરકાર અને ભાજપે ફગાવી દીધા હતા. પણ એક વાત તો નક્કી છે કે એ સમયના એન્કાઉન્ટર્સે નરેન્દ્ર મોદીની હિન્દુ નેતાની ઈમેજ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર ગુજરાત સરકાર એન્કાઉન્ટર કરવા લાગી છે. દોઢ વર્ષમાં 19 એન્કાઉન્ટરનો હિસાબ જુઓ તો આ 19માંથી 3 જ મુસ્લિમ છે. આવતા વર્ષે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ પ્રકારના એન્કાઉન્ટર કરીને મુસ્લિમ વોટ બેન્કને આડકતરી રીતે મેસેજ અપાઈ રહ્યો છે કે, એન્કાઉન્ટર માત્ર મુસ્લિમોના જ નથી થતા. સવાલ- 5: કાયદાની દ્રષ્ટિએ આવા એન્કાઉન્ટર યોગ્ય છે અયોગ્ય? જવાબ : આરોપીઓને ગોળી વાગે ને મરી જાય કે ઘાયલ થાય એટલે પ્રજા ખુશ થાય છે. પણ શું પોલીસ આ રીતે ગોળીઓ મારી રહી છે તે યોગ્ય ગણાય? આ સવાલનો જવાબ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જયદેવ ધાધલ આપે છે. તે કહે છે, ગોળીથી આરોપીઓને મારી નાખીને એન્કાઉન્ટર કરવું એ ખૂન જ છે. પોલીસ કહેતી હોય કે સ્વબચાવમાં આવું કર્યું તો પોલીસે સ્વબચાવનો પુરાવો આપવો પડે. આવા બનાવમાં કોર્ટ કોગ્નીઝલ લઈને પોલીસ સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરી શકે. શસ્ત્રથી મનુષ્ય વધ થાય તો FIR થાય જ. પણ આરોપીઓની FIR કોઈ લેતું નથી. આવા કેસમાં આરોપી કે તેના સંબંધી ફરિયાદ કરી શકે. નિવૃત જજ જયદેવ ધાધલ કહે છે, એન્કાઉન્ટર કાયદાથી માન્ય કરેલી વસ્તુ જ નથી. પબ્લિકને ગમે છે એટલે પોલીસ એન્કાઉન્ટર કરે છે. આરોપીને ગોળી માર્યા પછી તેનું મોત થાય કે તે ઘાયલ થાય. પણ આવા બનાવમાં હાઈકોર્ટે સુઓમોટો લઈને એક્શન લેવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ઈરાનથી ડરીને જ મારે પ્લેન બદલવું પડ્યું હતું:ટ્રમ્પે જ સ્વીકાર્યું, કહ્યું- એ પ્લેનને જ ટાર્ગેટ કરીને જ મારી ઉપર હુમલો કરાયો હોત, મને સતત ધમકીઓ મળતી રહે છે
    Next Article
    લાઠીદડમાં મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળે સ્કાય સ્પિનટેક્ષમાં આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment