Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી સર્વેને લઈ કમિશનરની અધિકારીઓને કડક સૂચના:વરસાદી પાણી ઝડપથી તાપીમાં પહોંચે તે માટે નવા ડ્રેનેજ રૂટ અને રિટેન્શન પ્લાન પર ભાર, 188 કિમીમાંથી માત્ર 35 કિમી સર્વે પૂર્ણ

    15 hours ago

    સુરત શહેરમાં ચોમાસું શરૂ થતાં જ દર વર્ષની જેમ ખાડીપૂર અને જળબંબાકારની વિકટ સમસ્યાએ નાગરિકોની શાંતિ હરામ કરી દીધી છે, ત્યારે તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલના નામે ચલાવવામાં આવતી કામગીરીની ધીમી ગતિને કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેરની 188 કિલોમીટર લાંબી ખાડીઓના ડ્રોન અને DGPS સર્વે આધારિત ડિજિટલ માસ્ટર પ્લાન બનાવવાની મોટી-મોટી વાતો કરવામાં આવી હોવા છતાં, વાસ્તવમાં હજુ સુધી માત્ર 35 કિલોમીટરનો સર્વે અને 23 કિલોમીટર જેટલી ખાડીનો ડેટા જ પ્રોસેસ થઈ શક્યો છે. ખાડીના બાકી સર્વન તાત્કાલીક પૂર્ણ કરવા આદેશ સમગ્ર સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારમાંથી પસાર થતી વિવિધ ખાડીઓના લીડાર (LiDAR) સર્વે, DGPS સર્વે તથા ડ્રોન સર્વેક્ષણ સહિતની તમામ આધુનિક કામગીરી અંગે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા બેઠકમાં વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો અનુસાર, સમગ્ર શહેરમાં ખાડીપુર નિવારણ માટે કુલ 188 કિલોમીટર લંબાઈ ધરાવતી ખાડીઓનો સર્વે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કુલ લંબાઈ પૈકી અત્યાર સુધીમાં 35.00 કિલોમીટર જેટલી ખાડી ક્ષેત્રમાં DGPS અને ડ્રોન સર્વેની ક્ષેત્રીય કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં, પૂર્ણ થયેલા આ સર્વેમાંથી અંદાજે 23 કિલોમીટર જેટલી ખાડીના ગ્રાઉન્ડ સર્વે ડેટાને સફળતાપૂર્વક પ્રોસેસ પણ કરી દેવામાં આવ્યો છે. કમિશનરે બાકી રહેતી ખાડીઓની ડ્રોન અને DGPS સર્વેની કામગીરી તેમજ ડેટા પ્રોસેસિંગની પ્રક્રિયા પણ તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપ્યા છે, જેથી સમગ્ર ખાડી નેટવર્કનો સચોટ ડિજિટલ ડેટાબેઝ સમયસર તૈયાર થઈ શકે. ડિજિટલ માસ્ટર પ્લાન અને સચોટ હાઇડ્રોલોજી મોડેલ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા માગવામાં આવેલા મહત્વપૂર્ણ ડેટા પૈકીનો મોટાભાગનો વિશિષ્ટ ડેટા મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત સરકારી વિભાગો દ્વારા કન્સલ્ટન્ટને પૂરો પાડી દેવામાં આવ્યો હોવાનું બેઠકમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પૂરા પાડવામાં આવેલા ડેટામાં સુરત શહેરના ઐતિહાસિક અને તાજેતરના વરસાદના આંકડા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) હેઠળ નોંધાયેલી ઇન્ડસ્ટ્રીઝમાંથી ખાડીઓમાં ડિસ્ચાર્જ થતા કેમિકલ યુક્ત અને ઔદ્યોગિક એફલ્યુઅન્ટના ડેટા, તેમજ વર્ષ 2026 દરમિયાન તાજેતરમાં જ આવેલ વિવિધ ખાડીપુર વખતે નોંધાયેલા હાઇ ફ્લડ લેવલ (HFL)ના આંકડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરિયાઈ ભરતીના કારણે ખાડીઓમાં પાણી બેક મારવાની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે વર્ષ 2020 થી લઈને 2026 સુધીના દરિયાઈ ભરતી-ઓટના ડેટા, ખાડીઓના ક્રોસ સેક્શન ડેટા, ટોપોગ્રાફિક ડેટા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ આઉટલેટના ડેટા, વર્ષ 2025માં હાથ ધરવામાં આવેલ ડ્રોન વિઝ્યુઅલ સર્વેની વિગતો, અગાઉના સમયમાં નિષ્ણાતો દ્વારા કરાયેલા ફ્લડ સ્ટડી રિપોર્ટ્સ, પ્રપોઝ્ડ આઉટર રિંગ રોડ અલાઇનમેન્ટના ડેટા, સિંચાઈ વિભાગ હસ્તકની કેનાલ એસ્કેપ અને સાયફનના ડેટા તેમજ સરકારી, ખાનગી અને પડતર જમીન તથા સ્થાનિક તળાવો અને જળસંચય સ્થાનો અંગેની તમામ વિગતો કન્સલ્ટન્ટને સુપ્રત કરી દેવામાં આવી છે. આંતર-વિભાગીય સંકલન વધારે મજબૂત બનાવવા પર ભાર બેઠકમાં કમિશનરે આંતર-વિભાગીય સંકલન વધારે મજબૂત બનાવવા પર ભાર મૂકીને સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો કે બાકી રહેતા મહત્વના વિશિષ્ટ ડેટા આગામી બે જ દિવસમાં કન્સલ્ટન્ટને પૂરા પાડવામાં આવે. આ બાકી રહેતા ડેટામાં નેશનલ હાઇવે નજીક આવેલા ડ્રેનેજ અને વરસાદી આઉટલેટના ડેટા, સુરત શહેરની વિવિધ ખાડીઓ પરથી પસાર થતાં તમામ નાના-મોટા બ્રિજના ટેકનિકલ ડેટા, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન (DFCC)ના સ્ટ્રક્ચરલ ડિટેઇલ્સ, સુરત-મુંબઈ એક્સપ્રેસવેની સિવિલ સ્ટ્રક્ચરલ વિગતો તેમજ ખાડી કિનારે આવેલી સરકારી જમીનોના પ્રોપર્ટી રેકોર્ડ સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે. આ તમામ ડેટા એકત્રિત થવાથી શહેરના સમગ્ર વોટરશેડ અને ટ્રાન્સપોર્ટ કોરિડોરના પરસ્પર જોડાણનો સર્વગ્રાહી અભ્યાસ શક્ય બનશે. સુરત શહેર માટે સતત ચિંતાનું કારણ બનતી મીઠીખાડી અંગે ચર્ચા કરતા કમિશનરે ખાસ નિર્દેશ આપ્યા હતા કે, હાલ તુરંત જ મીઠીખાડીના ડેન્જર લેવલ અંગે વૈજ્ઞાનિક સર્વે હાથ ધરીને રિવાઇઝ્ડ ડેન્જર લેવલ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત મીઠીખાડીમાં કયા ચોક્કસ સ્થળો અને લોકેશન પરથી મોટા પ્રમાણમાં સિલ્ટિંગ અને ડ્રેજિંગ (કાંપ અને કચરો દૂર કરવાની પ્રક્રિયા) કરવામાં આવે તો વરસાદી પાણીનો પ્રવાહ અવરોધ વિના ઝડપથી આગળ વધી શકે તેની સ્થળ તપાસ કરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ચોકપોઇન્ટ્સ દૂર કરીને ખાડીની વહન ક્ષમતા વધારવા માટે કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપી બનાવવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન સર્વે કરાશ એરપોર્ટ આસપાસના વિસ્તારમાં સર્વેક્ષણ કામગીરી અંગે કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટીના સક્ષમ અધિકારીશ્રી સાથે ઉચ્ચ સ્તરીય સંકલન કરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના પ્રતિબંધિત અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન સર્વે કરવા માટે સત્તાવાર મંજૂરી મેળવી લેવામાં આવી છે. આ મંજૂરી મળી જતાં કન્સલ્ટન્ટને આવતીકાલથી જ એરપોર્ટ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન સર્વેક્ષણની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. શહેરના નીચાણવાળા અને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કાયમી ધોરણે અટકાવવા માટે રિટેન્શન અને ડાયવર્ઝન પ્લાન પર ખાસ ભાર મુકાયો છે. આ અંતર્ગત શહેરના બમરોલી વિસ્તારમાં ખાડી કિનારે આવેલા વિશાળ બાયોડાયવર્સિટી પાર્કની જગ્યાનો ઉપયોગ ખાડીપૂરના વધારાના પાણીને રિટેઇન એટલે કે સંગ્રહિત કરવા અને ડાયવર્ટ કરવા માટે કરવા એક નક્કર આયોજન તૈયાર કરવા કમિશનરે સૂચના આપી છે. તેવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં વરાછા ખાડીના પાણી કોયલી ખાડીમાં જઈને પુરની સ્થિતિ સર્જે છે તેના બદલે તે પાણીને ચીકુવાડી કલાકુંજ રિવર બ્રિજ નીચે આવેલા ફ્લડ ગેટ મારફતે સીધા તાપી નદીમાં ડાયવર્ટ કરવા માટેનું ટેકનિકલ આયોજન ચકાસીને રજૂ કરવા કન્સલ્ટન્ટને જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    દેવ કુટીર સોસાયટીમાં અષાઢ વદ પાંચમે ગોગા મહારાજનો હવન યોજાયો:શાસ્ત્રોક્ત વિધિથી હવનનો પ્રારંભ અને સાંજે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ
    Next Article
    8 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું સત્ર:રાજ્યપાલે જાહેરનામું બહાર પાડ્યું, બપોરે 12 વાગ્યે મળશે ગૃહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment