Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કામદારોનું શોષણ કરવાનો આરોપ:રાજકોટનાં વોર્ડ નં 18નાં સફાઈ કર્મચારીઓની હડતાળ, આંદોલનની ચીમકી અપાઈ

    8 hours ago

    રાજકોટ મનપાનાં સ્વચ્છતા અભિયાન વચ્ચે આજે વોર્ડ નંબર 18નાં સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નં 18 માં બે એજન્સીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ચલાવવામાં આવે છે, જેમાં મોટાભાગના કામદારોના પીએફ, પીએસઆઈ, બોનસ અને લઘુતમ વેતનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. નિયમ મુજબ 152 માણસોના કોન્ટ્રાક્ટ સામે માત્ર 100 થી 120 માણસો પાસે જ કામ કરાવીને 152 માણસોના નામે પૂરા હપ્તા અને વેતન ઉઘરાવવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગરીબ કામદારોને સમયસર પગાર સ્લિપ કે પૂરા નાણાં આપવામાં આવતા નથી. એજન્સીઓ દ્વારા ટેન્ડરની એકપણ શરતોનું પાલન કરવામાં આવતું નથી અને સફાઈ કામદારો પાસે નિયત મર્યાદા કરતાં વધુ વિસ્તારમાં સફાઈ કરાવી તેમનું શોષણ થાય છે. આ ગંભીર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને જવાબદાર અધિકારીઓ સહીત તમામને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે જો આગામી દિવસોમાં આ કોન્ટ્રાક્ટપ્રથાનું કૌભાંડ બંધ નહીં થાય અને દોષિતો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે, તો રાજકોટ શહેરની તમામ સફાઈ કામગીરી સદંતર બંધ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. બોક્સ કલવર્ટની કામગીરી માટે જ્યુબિલી ચોકથી લઈ ચૌધરી હાઈસ્કૂલનો રસ્તો એકાદ વર્ષ માટે બંધ કરાયો રાજકોટમાં સર્વેશ્વર ચોકથી ભૂગર્ભ વોંકળા નવા બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત મનપા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હરીહર ચોક પાસેનું કામ પૂર્ણ થયા બાદ, હવે મનપા દ્વારા જયુબીલી રોડ તરફ જતા માર્ગે નવો વોંકળો બનાવવા માટે ચૌધરી હાઇસ્કુલથી જયુબીલી ચોક તરફનો રોડ આજથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ કામગીરી લાંબી ચાલવાની શક્યતા હોવાથી આગામી સમયમાં આ માર્ગ પરનો ટ્રાફિક હોસ્પિટલ ચોકથી ચૌધરી હાઇસ્કુલ તરફ અથવા ગાંધીજીની પ્રતિમા તરફના રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાના કારણે આજે બપોરે ઉમેશ કોમ્પ્લેક્ષ વાળા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ડિસ્ટ્રીકટ બેંક તરફથી આવતા વાહનોને પરત ફરવું પડ્યું હતું. અગાઉ યાજ્ઞિક રોડ અને હરીહર ચોક ખાતે પણ લાંબા સમય સુધી રસ્તાઓ બંધ રહેવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે નવરાત્રીની શરુઆતમાં આ મુખ્ય માર્ગ બંધ થવાથી નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. નવરાત્રીમાં જ સર્વરમાં ખામીને લીધે રાશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ ખોરવાયું રાજકોટમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં જ રાશન કાર્ડ ધારકોને અનાજના વિતરણમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા 700 જેટલા સસ્તા અનાજ દુકાન ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આજે 12 ઓક્ટોબરના પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સર્વર ચાલતું ન હોવાના કારણે કાર્ડ ધારકોને અનાજનો જથ્થો પૂરતો મળતો નથી.અનાજનો જથ્થો પૂરતો ન મળતો હોવાના કારણે રાશન લેવા આવતા લોકો સાથે ઘર્ષણ થાય છે. જેથી સસ્તા અનાજના દુકાનદારોએ માંગણી કરી છે કે અગાઉ ફિંગર પ્રિન્ટના આધારે રાશન આપવામાં આવતું હતું તે શરૂ કરવામાં આવે. જ્યાં સુધી ટેકનિકલ ખામી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સર્વર મારફત અનાજ વિતરણની કામગીરી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ડાયરેક્ટર ડી.કે. સિંઘે ચાર્જ સંભાળ્યો રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હીરાસરમાં ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિરેકટર દિગંત બોરાહની પ્રમોશન સાથે ભુવનેશ્વર ખાતે બદલી થતા તેમને વિદાયમાન અપાયું હતું. આ સાથે જ જામનગરની ડી.કે. સિંઘે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. રાજકોટના જુના અને નવા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 5 વર્ષ 11 માસ સુધી ફરજ બજાવનાર એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહની પ્રમોશન સાથે ગત તા.22 સપ્ટેમ્બરના દિલ્હી ખાતે બદલી થતા તેઓએ બદલી સામે અરજી કરતા તેમને દિલ્હીને બદલે ભુવનેશ્વર એરપોર્ટ ડિરેકટર તરીકે મુકાતા તેઓને આજે વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજકોટમાં નવરાત્રી ટાણે રોગચાળો બેકાબૂ, મેલેરિયા અને ડેંગ્યુના કેસ વધ્યા રાજકોટમાં નવરાત્રીના તહેવારની શરૂઆતે રોગચાળાએ ચિંતા વધારી છે. તા. 5-10 થી 11-10 દરમિયાન કુલ 2,074 કેસ નોંધાયા છે, જેમાં શરદી-ઉધરસના 972, સામાન્ય તાવના 915 અને ઝાડા-ઉલ્ટીના 184 કેસ સામે આવ્યા છે. આ સાથે લાંબા સમય બાદ મેલેરિયાનો 1 અને ડેંગ્યુના 2 નવા કેસ પણ સામે આવ્યા છે. નવરાત્રીમાં મોડી રાત સુધી લોકો બહાર રહેવાના હોવાથી રોગચાળો વકરે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રિત કરવા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા સપ્તાહમાં 78,258 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 819 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધવા માટે રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં તપાસ હાથ ધરીને મચ્છર ઉત્પન્ન થવા બદલ કુલ 320 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા હવાની ગુણવત્તા સુધારવા દોઢ કરોડના ખર્ચે મીસ્ટ કેનન મશીનની ખરીદી કરાઈ રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને હવાની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્યથી આધુનિક ટેકનોલોજીથી સજ્જ 3 મિસ્ટ કેનન મશીનનો ડેમો કોર્પોરેટરો સમક્ષ કરવામાં આવ્યો હતો. આ એક મશીનની કિંમત રૂ. 51 લાખ છે. મહાપાલિકા દ્વારા શહેરમાં ધૂળજન્ય પ્રદૂષણ ઘટાડવા અને હવાની ગુણવત્તામાં સુધારો લાવવાના હેતુથી કુલ 3 મિસ્ટ કેનન મશીનોની ખરીદી કરવામાં આવી છે. આ મશીનો બાંધકામ સ્થળો, રસ્તાઓ અને ખુલ્લા મેદાનો જેવા ધૂળવાળા વિસ્તારોમાં પાણીના અતિસૂક્ષ્મ ફુવારા કરીને હવામાં ફેલાયેલા રજકણો દૂર કરશે. આનાથી ધૂળનું પ્રમાણ ઘટતા નાગરિકો, રાહદારીઓ, વાહનચાલકો અને સફાઈ કર્મચારીઓનું ધૂળના સંપર્કમાં આવવાનું પ્રમાણ ઘટશે, તેમજ આંખ, નાક, ગળાની બળતરા અને શ્વસન સંબંધિત તકલીફોનું જોખમ પણ ઘટશે. મનપાના આ પ્રયાસોથી શહેરની હવાની ગુણવત્તા સુધરશે અને જાહેર સ્થળે સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવામાં મદદ મળશે. રાજમાર્ગોની સફાઈ માટે નવતર પ્રયોગ, મનપાએ રૂ. 8.25 કરોડના ખર્ચે વેક્યુમ સ્વીપર મશીન ખરીદયા રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને આધુનિક અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી 10 મિકેનિકલ રોડ વેક્યુમ સ્વીપર મશીનની ખરીદી કરવામાં આવી છે. આ મશીનો શહેરના મુખ્ય માર્ગો અને અન્ય રસ્તાઓ પરની ધૂળ, રજકણો, રેતી અને સૂકો કચરો વેક્યુમ પદ્ધતિથી એકત્ર કરવાનું કામ કરશે. જેનો ડેમો નગરસેવકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ આધુનિક મશીનો પાછળ કુલ રૂ. 8.25 કરોડનો ખર્ચ થયો છે અને પ્રત્યેક મશીનની કિંમત રૂ. 82.60 લાખ છે. આ વેક્યુમ પદ્ધતિના ઉપયોગથી પરંપરાગત સાવરણાથી સફાઈ કરતી વખતે હવામાં ધૂળ ફેલાવાની સમસ્યા ઘટે છે અને વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં રહે છે. હવામાં ધૂળનું પ્રમાણ ઓછું થવાથી નાગરિકો, રાહદારીઓ, વાહનચાલકો અને સફાઈ કર્મચારીઓમાં આંખ, નાક, ગળાની બળતરા તથા શ્ર્વસન સંબંધી તકલીફોનું જોખમ ઘટે છે. મેન્યુઅલ સફાઈ પરનો ભાર ઘટવાથી સફાઈ કામગીરી વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત બનશે. તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાની શિક્ષણ સમિતિનાં સભ્યની શૈક્ષણિક લાયકાત વિવાદમાં રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા સભ્યોની શૈક્ષણિક લાયકાતને લઈને નવો વિવાદ સર્જાયો છે. પાર્ટીની આંતરિક ગાઈડલાઈન મુજબ સભ્ય સ્નાતક હોવા ફરજિયાત છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બિનહરીફ જાહેર થયેલા 11 સભ્યોમાંથી એક મહિલા સભ્ય કલ્પનાબેન કિયાડા સ્નાતક ન હોવાનું સામે આવ્યું હતું. હવે સરકાર નિયુક્ત સંભવિત બે સભ્યો પૈકી કુમાર શાહ પણ ગ્રેજ્યુએટ ન હોવાનું પાર્ટીના ધ્યાને આવતાં દોડધામ મચી છે. સરકારી નિયમો મુજબ ધોરણ 8કે 10 પાસ વ્યક્તિ પણ સભ્ય બની શકે છે, પરંતુ પક્ષની આંતરિક માર્ગદર્શિકાના કારણે ગેઝેટ બહાર પાડવામાં વિલંબ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કુમારભાઈ શાહના સ્થાને કોઈ અન્ય સિનિયર આગેવાનને તક આપવામાં આવે તેવી સંભાવના છે. ગેઝેટ પ્રસિદ્ધ થયા બાદ ૩ અઠવાડિયામાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી થવાની હોય, જો ગેઝેટ વધુ મોડું થશે તો આ ચૂંટણી દીવાળી પછી યોજાય તેવી પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણની ન્યુ ઇરા હાઇસ્કુલમાં વોટર કુલર અને ફિલ્ટર ભેટ:વિદ્યાર્થીઓને શુદ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે મુકેશ પટેલ પરિવારે આપ્યું દાન
    Next Article
    Narmada News | રાજપીપલા શહેરમાં SOG અને ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર પર ચેકિંગ | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment