Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના વિકાસ કાર્યો,આરોગ્ય સુવિધા,ગટર પ્રોજેક્ટ અને સ્વચ્છતા અભિયાન:​જૂનાગઢમાં રૂા.17.28 કરોડના ખર્ચે શાપુર વિસ્તારમાં અદ્યતન ગટર લાઇન અને ખામધ્રોલ ખાતે નવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાયું, જન કલ્યાણ શિબિરો, મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ

    1 day ago

    ​જૂનાગઢ શહેરના નાગરિકોની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને સ્થાનિક પરિવારોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે માટે ખામધ્રોલ વિસ્તારમાં નવું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રની જોગવાઈ અનુસાર લેવાયેલા આ નિર્ણયથી શહેરમાં અત્યાર સુધી કાર્યરત 7 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા વધીને હવે કુલ 8 થશે. આ નવા કેન્દ્રના સુચારુ સંચાલન માટે મેડિકલ ઓફિસર સહિત વિવિધ સંવર્ગની કુલ 14 નવી જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. આ સરકારી નિર્ણયના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓની પ્રાથમિક સારવાર, સગર્ભા બહેનો અને બાળકોનું રસીકરણ, હડકવા વિરોધી રસી, આયુષ્માન કાર્ડ તેમજ બીપી, ડાયાબિટીસ અને ટીબી જેવા રોગોનું નિદાન અને લેબોરેટરી તપાસ સહિતની તમામ સેવાઓ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે. ​મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ખામધ્રોલ એ નવો ડેવલોપિંગ વિસ્તાર છે અને ત્યાંના શહેરીજનોને પ્રાથમિક સારવારની તમામ ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. નવી મંજૂર થયેલી આ હોસ્પિટલને ટૂંક સમયમાં જ ટેમ્પરરી ધોરણે ભાડાના મકાનમાં સ્ટાફની નિમણૂક કરીને કાર્યરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં શહેરને એક સરસ મજાનું અદ્યતન આરોગ્ય કેન્દ્રનું નવું મકાન મળશે. આ કેન્દ્ર ખાતે એમબીબીએસ ડોક્ટર, લેબ ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર અને મેલ હેલ્થ વર્કર સહિતનો પૂરતો સ્ટાફ હાજર રહેશે જે સ્થાનિક રહીશોને ઘરઆંગણે જ ઉત્તમ સેવાઓ આપશે. ​બીજા એક મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢના શાપુર નગર રચના યોજના નંબર 10 એટલે કે ટીપી-10 વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 17 કરોડ 28 લાખના ખર્ચે નવી ગટર લાઇન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ‘સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં પ્રોજેક્ટ માટે રૂપિયા 17.28 કરોડ ની માતબર રકમ મંજૂર કરાઈ છે. આ પ્રોજેક્ટનું સંપૂર્ણ અમલીકરણ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક રહેશે, જેમાં જુડા પાસે ઉપલબ્ધ ગ્રાન્ટ મહાનગરપાલિકાને તબદીલ કરાશે અને ખૂટતી વધારાની રકમ ગુજરાત શહેરી વિકાસ મિશન કચેરી દ્વારા ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ શાપુર વિસ્તારમાં સુદ્રઢ સિવરેજ નેટવર્ક, ઘર વપરાશના કનેક્શન, સિવરેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ મેઈન પાઈપ લાઈન વગેરે જેવા તમામ સિવિલ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કામો હાથ ધરવામાં આવશે. ​ શાપુર વિસ્તારના રહીશો માટે ગટર વ્યવસ્થા એ એક ખૂબ જ મોટી અને લાંબા સમયની સમસ્યા હતી, જેમાંથી હવે કાયમી મુક્તિ મળશે. આ સમગ્ર પ્રોજેક્ટને સમયમર્યાદામાં અને સંપૂર્ણ પ્રવેશ્યતા સાથે પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા સક્ષમ કક્ષાએથી જરૂરી તાંત્રિક અને વહીવટી મંજૂરીઓ મેળવીને નિયમોનુસાર ટેન્ડર પ્રક્રિયા ખૂબ જ તાકીદે હાથ ધરવામાં આવશે. આ સાથે જ કામગીરીની ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા ફરજિયાતપણે થર્ડ PARTY ઇન્સ્પેક્શન પણ કરાવવામાં આવશે જેથી ભવિષ્યમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે. ​શહેરીજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ભવ્ય જન કલ્યાણ શિબિરોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કમિશનરે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ જન કલ્યાણ શિબિર આગામી 13 તારીખે તોરણીયા વાડી ખાતે યોજાશે, જ્યારે બીજો શિબિર 16 તારીખે ડોક્ટર આંબેડકર ભવન ખાતે અને ત્રીજો શિબિર 19 જૂનના રોજ જોશીપરા વિસ્તારમાં આવેલી કીયાળા વાડી પટેલ સમાજ ખાતે યોજવામાં આવશે. આ તમામ સંમેલનો સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી સતત કાર્યરત રહેશે, જેમાં અલગ-અલગ કુલ સાતેક જેટલા સરકારી ડિપાર્ટમેન્ટની સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ​કમિશનર પ્રભવ જોશીએ તમામ જૂનાગઢવાસીઓને આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ખાસ જાહેર આમંત્રણ આપ્યું છે. આ શિબિર દરમિયાન નાગરિકો માટે આધાર કાર્ડ કઢાવવા કે સુધારવા, આયુષ્માન ભારત કાર્ડ, વય વંદના યોજના, પીએમ સ્વનિધિ યોજના તેમજ સખી મંડળના લાભો મેળવવાની ઉત્તમ તક મળશે. આ ઉપરાંત નાગરિકોને જરૂરી એવા આવકના દાખલા અને જાતિના દાખલા પણ સ્થળ પર જ કાઢી આપવામાં આવશે, જેથી સામાન્ય લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનશે. ​વડાપ્રધાનના "સ્વચ્છ ભારત - વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત 8 જૂન 2026 થી 14 જૂન 2026 દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે સઘન મેગા સફાઈ અભિયાન હાથ ધરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા આ અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશંસનીય કામગીરી કરીને શહેરી વિસ્તારોમાંથી કુલ 368.8 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરાનો સફળતાપૂર્વક વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક ઝુંબેશ ચલાવીને 237.6 કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ તથા નાગરિકો પાસેથી કુલ રૂપિયા 81,600 નો મસમોટો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ​આ મહા અભિયાન અંગે કમિશનરે તમામ નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા કચરાના યોગ્ય વર્ગીકરણ માટે ચાર બિન એટલે કે અલગ-અલગ ડસ્ટબીનની જે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે તેનું સૌ નાગરિકો ચુસ્તપણે પાલન કરે. જૂનાગઢ શહેર અને પોતાના વિસ્તારને એકદમ સ્વચ્છ અને સુંદર રાખવા માટે દરેક નાગરિક જન ભાગીદારી નોંધાવે તે અત્યંત જરૂરી છે. પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ હંમેશા નિયત કરેલી ડસ્ટબીનમાં અને નક્કી થયેલી પદ્ધતિ મુજબ જ કરવો જોઈએ જેથી પર્યાવરણને બચાવી શકાય. મહાનગરપાલિકાની આ સંયુક્ત કડક કાર્યવાહી અને જન જાગૃતિના પ્રયાસો થકી જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુકે વિઝાના 27 લાખના સોદામાં ડખ્ખો પડ્યો:ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્ટના ઘરે મધરાતે ઘૂસી બે શખ્સોનો આતંક, આખા પરિવારને પતાવી દેવાની ધમકીઓ આપી
    Next Article
    બુટલેગરોનો નવો કીમિયો પણ પોલીસે કર્યો ફેલ:સુરતમાં મમરાના કોથળાની આડમાં દારૂ લાવતી લક્ઝરી બસ ઝડપાઈ, ડ્રાઈવર અને કન્ડક્ટર જેલભેગા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment