Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ સુરતની 16 ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ પાવર નિહાળ્યો:પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયો, GJEPC આયોજિત સ્પેશિયલ બાયર-સેલર મીટ

    6 days ago

    હીરા અને જ્વેલરી ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર એવા સુરતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ગત 13-14 એપ્રિલ, 2026 દરમિયાન વિશેષ 'સ્ટડેડ ડાયમંડ જ્વેલરી બાયર-સેલર મીટ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 12 એપ્રિલે પ્રિવ્યૂ અને ઉદ્ઘાટન સત્ર સાથે થઈ હતી. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં રશિયા, અમેરિકા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કોલંબિયા અને પોલેન્ડ જેવા શક્તિશાળી દેશોમાંથી કુલ 17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મંચ પરથી સુરતના વેપારીઓને વૈશ્વિક બજાર સાથે સીધા જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેચરલ અને લેબગ્રોન ડાયમંડ પર વિશેષ ધ્યાન GJEPC સુરતના પ્રાદેશિક અધ્યક્ષ જયંતી સાવલીયાએ જણાવ્યું હતું કે, આ આયોજન પોતાની રીતે એક અનોખી પહેલ હતી. તે ખાસ કરીને સ્ટડેડ ડાયમંડ જ્વેલરી પર કેન્દ્રિત હતું, જેમાં નેચરલ (પ્રાકૃતિક) ડાયમંડની સાથે સાથે ઉભરતા લેબ-ગ્રોન ડાયમંડ સેગમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરતના 16 અગ્રણી પ્રદર્શકોએ પોતાની અદભૂત ડિઝાઇન્સ અને કારીગરી આ વિદેશી ડેલિગેશન સમક્ષ રજૂ કરી હતી. લેબ-ગ્રોન હીરાના વધતા વ્યાપ વચ્ચે સુરત કઈ રીતે વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે છે, તેનું જીવંત ઉદાહરણ આ મિટિંગમાં જોવા મળ્યું હતું. પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયો આ આયોજનની એક ખાસ વિશેષતા ‘પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે’ રહી હતી, જેનું આયોજન હોટેલ હિલ્ટન ઇન ખાતેના સોલિટેર બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું. પ્રિવ્યૂ ડે દરમિયાન પ્રત્યેક પ્રદર્શકને સમર્પિત શોકેસ બૂથ ફાળવવામાં આવ્યા હતાં. આ વ્યવસ્થાને કારણે ખરીદદારો અને વેપારીઓ વચ્ચે આયોજનબદ્ધ સંવાદ થઈ શક્યો. આ કોન્સેપ્ટ પ્રથમ વખત અમલમાં મુકવામાં આવ્યો હતો, જેનાથી વિદેશી ડેલિગેટ્સને સુરતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને પ્રોડક્ટ રેન્જની ઝલક એક જ છત નીચે મળી રહી હતી. DIC સુરતના જનરલ મેનેજર જે.બી. દવેએ આ પ્રસંગે ઉપસ્થિત રહી એક્ઝિબિટર કેટલોગનું અનાવરણ કર્યું હતું. હીરા જડવાની પ્રક્રિયા,અત્યાધુનિક ટેકનોલોજીને વિદેશીઓને નજીકથી નિહાળી માત્ર હોલ પૂરતી મર્યાદિત ન રહેતા, આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ફેક્ટરી વિઝિટ રહી હતી. 13 અને 14 એપ્રિલના રોજ આયોજિત આ વિઝિટમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોને સુરતની આધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લઈ જવામાં આવ્યા હતાં. દરેક વાહનમાં બે આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓને રાખવામાં આવ્યા હતા, જેમણે દિવસ દરમિયાન 8 જેટલી ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી. આ પદ્ધતિથી બે દિવસમાં કુલ 16 ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અહીં વિદેશી મહેમાનોએ હીરા જડવાની પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ અને સુરતમાં વપરાતી અત્યાધુનિક ટેકનોલોજીને નજીકથી નિહાળી હતી. 'રશિયા-બ્રાઝિલના પ્રતિનિધિઓએ વેપારીઓ માટે નવા દ્વાર ખોલ્યા' GJEPCના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વીનર વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં ભારતના કુલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં જ્વેલરીનો હિસ્સો સતત વધી રહ્યો છે. આવી બાયર-સેલર મીટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને છે. ખાસ કરીને રશિયાના 6 અને બ્રાઝિલના 3 પ્રતિનિધિઓની સક્રિયતાએ સુરતના વેપારીઓ માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ પ્રકારના સીધા સંવાદથી વચેટિયાઓ દૂર થાય છે અને મેન્યુફેક્ચરર્સને તેમની મહેનતનું પૂરતું વળતર અને મોટા ઓર્ડર મળવાની શક્યતા વધી જાય છે. સફળ લોજિસ્ટિક્સ અને સુઆયોજિત વ્યવસ્થા ઈવેન્ટના સફળ સંચાલન માટે GJEPC દ્વારા જબરદસ્ત લોજિસ્ટિક્સ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીઓના રૂટ ભૌગોલિક અંતરના આધારે નક્કી કરવામાં આવ્યા હતા જેથી સમયનો બચાવ થાય. દરેક ગ્રુપ સાથે એક ડેડિકેટેડ કોઓર્ડિનેટર ફાળવવામાં આવ્યો હતો, જેઓ હેડ ઓફિસ અને ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે સતત સંપર્કમાં હતા. આ વ્યવસ્થાને કારણે 17 માંથી મોટાભાગની કંપનીઓએ તમામ 16 ફેક્ટરીઓની સફળતાપૂર્વક મુલાકાત પૂર્ણ કરી હતી. સુરતની મહેમાનગતિ અને વ્યાવસાયિક અભિગમથી વિદેશી ખરીદદારો અત્યંત પ્રભાવિત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં ABVPનો વિરોધ:G-CAS પોર્ટલ પર એડમિશન ફી રદ કરવા માંગ, કલેક્ટરને રજૂઆત કરી; સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન
    Next Article
    24 વર્ષથી જૂનાગઢ મનપામાં વિજિલન્સ બ્રાન્ચ મુદ્દે વિવાદ:'પહેલા બ્રાન્ચ હતી' એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરના દાવાને કમિશનરે નકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment