Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 ઓક્ટોબરે જનરલ બોર્ડની બેઠક:ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારને જેલમાં ધકેલવા ભલામણ કરાશે, ઘનકચરાનાં નિકાલનાં નવા મોડેલ બાય-લોઝ લાગૂ કરવા નિર્ણય લેવાશે

    17 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભા તા.17ના શનિવારે સવારે 11 વાગ્યે મેયર ડો. નેહલ શુકલના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના ભેળસેળિયા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટેનો એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. ઉપરાંત ઘનકચરા નિકાલના નવા મોડેલ બાય-લોઝ લાગુ કરવા માટેની દરખાસ્તનો નિર્ણય પણ કરવામાં આવશે. આગામી જનરલ બોર્ડ માટે અત્યાર સુધીમાં 5 નગરસેવકોનાં પ્રશ્નો આવ્યા છે. જેમાં રોડ-રસ્તા, પાણી તેમજ ડ્રેનેજ સહિતનાં પ્રજાલક્ષી પ્રશ્ને કોર્પોરેટરો દ્વારા અધિકારીઓનો કલાસ લેવાશે. ભેળસેળ કરનારા સામે સીધી ફરિયાદ વર્તમાન સમયમાં જાહેર આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોના વેચાણ સામે તંત્ર દ્વારા માત્ર માલનો નાશ કરવા, દંડ ફટકારવા કે નોટિસ આપવા જેવી હળવી કાર્યવાહી કરવામાં આવે છે. આ પગલાં બિનઅસરકારક સાબિત થતાં હોવાથી અને શહેરમાં બેફામ ભેળસેળ ચાલુ રહેતાં હવે ‘ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ’ હેઠળની જોગવાઈઓ કડક બનાવી ભેળસેળ કરનારા સામે સીધી ફોજદારી ફરિયાદ નોંધવાથી માંડીને આકરી સજા અને ભારે દંડની જોગવાઈઓ લાગુ કરવા માટે કાયદો અને નિયમન સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે. 100 ટનથી વધુ કચરો કરતી સંસ્થાઓએ મનપાને કચરાના નિકાલ માટે વધારાનો ખર્ચ ચૂકવવો પડશે આ ઉપરાંત, રાજકોટ શહેરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સેનિટેશન કમિટી દ્વારા ઘનકચરા નિકાલ અંગેની નવી નીતિ રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તા.27-1-2026 ના રોજ જાહેર કરાયેલા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ બાય-લોઝનું મહાનગરપાલિકામાં અમલીકરણ કરવાની દરખાસ્ત મુકાઈ છે. આ નવી વ્યવસ્થા હેઠળ શહેરીજનો માટે કચરાનું ફરજિયાત વર્ગીકરણ કરવાનું રહેશે. આ સાથે જ દરરોજ 100 ટનથી વધુ કચરો ઉત્પન્ન કરતી સોસાયટીઓ અને વ્યાપારી સંસ્થાઓએ કચરાના નિકાલની વ્યવસ્થા માટે મહાનગરપાલિકાને નિર્ધારિત ખર્ચ ચૂકવવાનો રહેશે. નિયમોનું અનાદર કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈઓ પણ અમલી બનાવવામાં આવશે. આગામી બોર્ડ મીટીંગના એજન્ડામાં ફૂડ સેફ્ટી અને શહેરની સ્વચ્છતા ઉપરાંત અન્ય 6 મળીને એકંદર 8 મહત્વપૂર્ણ દરખાસ્તો અંગે નિર્ણયો લેવામાં આવશે. તેમજ જનરલ બોર્ડની આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓ અને વિકાસકામો અંગે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા તંત્ર સામે પ્રજાલક્ષી પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ફરીથી રોડ-રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતોને લગતા પ્રશ્નો અત્યાર સુધી આવ્યા છે. આ પ્રશ્નોનો જવાબ આપવામાં અધિકારીઓને પરસેવો છૂટી જશે. ‘મેયર એવોર્ડ’નું નામ બદલીને ‘રાજકોટ ગૌરવ એવોર્ડ’ અન્ય દરખાસ્તોમાં મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે સર્ટિફાઇડ ખેડૂતોને જગ્યા ફાળવવી, મ્યુનિસિપલ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટની જરૂરિયાત અને ખર્ચ ધ્યાને લઈ તેને બંધ કરવી, વોર્ડ નં. 12માં લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપ શોપિંગ સેન્ટરની દુકાનો જાહેર હરાજીથી વેચીને તેનો દસ્તાવેજ કરી આપવા, મોરારીબાપુની રામકથાના આયોજન માટે રેસકોર્સ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા ઓપન એર થિયેટર વિનામૂલ્યે ફાળવવા અને શહેરમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને અપાતા ‘મેયર એવોર્ડ’નું નામ બદલીને ‘રાજકોટ ગૌરવ એવોર્ડ’ કરવાનો સમાવેશ થાય છે. આ તમામ દરખાસ્તો અંગે જનરલ બોર્ડમાં નિર્ણય કરવામાં આવશે. જનરલ બોર્ડમાં અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો 1) રક્ષિત વસંતભાઈ કલોલા (ચેરમેન, બાગબગીચા અને ઝૂ સમિતિ, કોર્પોરેટર વોર્ડ નં. 11) રોડ-રસ્તા અને પાણીની પાઈપલાઈન કામગીરીના માન્ય કોન્ટ્રાક્ટરો, મુદત પૂરી થયેલા કોન્ટ્રાક્ટરો અને કાર્યકાળ દરમિયાન નોટિસ કે કાર્યવાહીનો સામનો કરનાર કોન્ટ્રાક્ટરોની વિગતો માંગી છે. 2) રાજુભાઈ અઘેરા (કોર્પોરેટર, વોર્ડ નં. 9) રાજકોટના પ્રવેશદ્વારોના વિકાસ, અડધી બનેલી કે પડતર આવાસ યોજનાઓની સ્થિતિ અને મનપાની માલિકીની કોમર્શિયલ મિલકતોની ભાડાની આવક અંગે પ્રશ્નો પૂછ્યા છે. 3) સુધાબા રામદેવસિંહ વાઘેલા (કોર્પોરેટર વોર્ડ નં. 15, કોંગ્રેસ) સાંસ્કૃતિક વિભાગ દ્વારા 2 વર્ષમાં કરાયેલા ખર્ચ, સ્ટેન્ડિંગ કમિટી કે સામાન્ય સભાની મંજૂરી વગર થયેલા ખર્ચની વિગતો માંગી છે. 4) કૌશિકભાઈ રમણીકલાલ ટાંક (સભ્ય - સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેટર વોર્ડ નં. 17) નવરાત્રી ગ્રાઉન્ડના ભાડા અને સલામતીનાં નિયમો, આંગણવાડીના ભોજનની તપાસ, વેચાતી મીઠાઈમાં એક્સપાયરી ડેટ અને ધારાસભ્ય/સાંસદ ગ્રાન્ટના સંકલન અંગે પ્રશ્નો કર્યા છે. 5) મહેશભાઈ લવજીભાઈ પિપરીયા (કોર્પોરેટર, વોર્ડ નં. 11) સ્ટ્રીટ લાઈટ પોલ માટે બજેટ જોગવાઈ, ખુલ્લા વોકળામાં વહેતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ અને નવા ભળેલા વિસ્તારોમાં રોડ, પાણી, ગટર, ડ્રેનેજ જેવી સુવિધાઓની સમયમર્યાદા અંગે વિગતો માંગી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના 25 ગામના ખેડૂતો બાયપાસના વિરોધમાં એકઠા થયા:જમીન કપાતમાં જવાનો ડર; કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા માગણી; ન રોકાય તો ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચેતવણી
    Next Article
    તહેવારો પહેલા માર્ગ સલામતી માટે નિર્દેશ અપાયા:નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટાના અધ્યક્ષ સ્થાને બેઠક; ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment