Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસે 145મો ગ્રીન કોરિડોર બનાવી માનવતા મહેકાવી:MLA મુકેશ પટેલની પહેલથી બ્રેઇનડેડ મામીના અંગદાનથી 5 જિંદગીઓ બચી, ગ્રામ્ય વિસ્તારમાં માન્યતા તોડી રચ્યો નવો ઇતિહાસ

    16 hours ago

    ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેર હવે 'ઓર્ગન ડોનર શહેર' (Organ Donor City) તરીકે સમગ્ર દેશમાં પોતાની નવી અને ગૌરવશાળી ઓળખ ઊભી કરી રહ્યું છે. સુરતની અગ્રણી સેવાભાવી સંસ્થા 'ડોનેટ લાઈફ'ના માધ્યમથી તાજેતરમાં વધુ એક અંગદાન સફળતાપૂર્વક પાર પડ્યું છે. બ્રેઇનડેડ જાહેર થયેલા 56 વર્ષીય મંજુલાબેન પટેલના પરિવારે દુઃખની ઘડીમાં પણ અદભુત ઉદારતા દાખવી તેમની બંને કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ અર્પણ કરી છે. અકસ્માતમાં ગંભીર ઈજા અને બ્રેઇનડેડની સ્થિતિ પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના નઘોઈ ગામના મંદિર ફળિયામાં રહેતા 56 વર્ષીય ગૃહિણી મંજુલાબેન કાંતિભાઈ પટેલ ગત 1 ઓક્ટોબરના રોજ બપોરે તેમના પતિ કાંતિભાઈ સાથે ટુ-વ્હીલર પર કવાસથી પરત ફરી રહ્યા હતા. ભેસાણ ચોકડી પાસે એક અજાણ્યા વાહને તેમને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે લાઇફલાઇન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ જણાતાં ન્યુરોસર્જન ડૉ. હરીન મોદીએ તાત્કાલિક સર્જરી કરી હતી, પરંતુ તમામ તબીબી પ્રયાસો છતાં મંજુલાબેનની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં 3 ઓક્ટોબરના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ધારાસભ્ય મુકેશભાઈ પટેલની પ્રેરણાદાયક પહેલ મંજુલાબેન ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલના પાડોશી તેમજ સગાં મામી થતા હતા. તેમનો પુત્ર જેનીશ પટેલ પણ ધારાસભ્યના કાર્યાલયમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. સ્વજનને બ્રેઇનડેડ જાહેર કરાતાં જ ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં અંગદાન પ્રત્યે રહેલી ગેરસમજો દૂર થાય તે હેતુથી તેમણે તાત્કાલિક 'ડોનેટ લાઈફ' સંસ્થાના નીરવ માંડલેવાલા અને નિલેશભાઈ માંડલેવાલાનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના સભ્યો અને તબીબોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે પણ અત્યંત હકારાત્મક અભિગમ દર્શાવતા કહ્યું હતું કે, "અંગો તો રાખ થઈ જવાના છે, ત્યારે તેનાથી અન્ય દર્દીઓને નવજીવન મળતું હોય તો આગળ વધો." ગ્રીન કોરિડોર મારફતે અંગોનું સફળ ટ્રાન્સફર લાઇફલાઇન હોસ્પિટલ OTRH તરીકે નોંધાયેલી ન હોવાથી SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ની ખાસ વન-ટાઇમ પરવાનગી મેળવીને અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દાનમાં મળેલી બંને કિડની અને લિવરને અમદાવાદની IKDRC હોસ્પિટલ ખાતે મોકલવા માટે સુરત પોલીસ દ્વારા વિશેષ 'ગ્રીન કોરિડોર' તૈયાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સુરત પોલીસ દ્વારા અંગોના ઝડપી પરિવહન માટે બનાવવામાં આવેલો આ 145મો ગ્રીન કોરિડોર હતો. મંજુલાબેનના ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં 'ડોનેટ લાઈફ' સંસ્થાની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1409 અંગો અને ટિશ્યુનું દાન કરાવીને દેશ-વિદેશના 1300 જેટલા લોકોને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરત માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક અને માનવીય મૂલ્યોમાં પણ મોખરે છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી સીઝનમાં સુરતના કાપડ વેપારીઓ સાવધાન:FOSTTAએ જારી કરી એડવાઈઝરી, નવા એજન્ટ-વેપારી સાથે વ્યવહાર પહેલાં ફિઝિકલ વેરિફિકેશન અનિવાર્ય
    Next Article
    સોમનાથ-રાજકોટ હાઇ-વે પર ટ્રાવેલ્સ બસમાં આગ:પ્રાચી તીર્થમાં હવન કરી પરત ફરી રહેલા કેશોદના પરિવારના 25 લોકોનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment