Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ:બાવળાના ધિંગડામાં NDRF દ્વારા લોકોનું રેસ્ક્યૂ, ધોલેરાનું વણી તળાવ ગામ સંપર્ક વિહોણું

    23 hours ago

    રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જે કુલ મોસમનો 54.28% થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં સરેરાશ 5.50 મિમી વરસાદ પડ્યો છે. મુખ્યત્વે છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, વાવ-થરાદના રાહમાં 2.40 ઇંચ અને મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. વિભાગ વાઈઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.92%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.58%, સૌરાષ્ટ્રમાં 43.75%, ઉત્તર ગુજરાતમાં 41.25% અને કચ્છમાં 19.05% વરસાદ થયો છે. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વધુ બનાસકાંઠાના અમીરગઢમાં પોણા બે ઇંચ ખાબક્યો છે. અમદાવાદમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ધંધુકા પંથકમાં એક ઇંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સવારના સ્કૂલે-નોકરીએ જતાં લોકો માટે વરસાદ બાધારૂપ બન્યો હતો. આજે (27 જુલાઈ) વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો… હકાભા ગઢવીની કાર ધ્રાંગધ્રામાં નદીમાં ખાબકી, છાતીસમા પાણીમાંથી માંડ-માંડ જીવ બચ્યો, VIDEO અમદાવાદમાં જળબંબાકાર, ધરાશાયી મકાન અને ધોલેરામાં NDRFનું રેસ્ક્યૂ અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એસ.જી. હાઇવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાથી કમર સુધી પાણી ભરાતાં વાહનચાલકો તથા રહીશો ભારે હાલાકીમાં મુકાયા છે, જ્યારે અનેક ટુ-વ્હીલર બંધ પડી ગયાં હતાં. આ સિવાય, પકવાન પાસે વૃક્ષ ધરાશાયી થવાની તેમજ આસ્ટોડિયાની ઢાળની પોળમાં જર્જરીત મકાન પડવાની ઘટના બની છે, જ્યાં એસ્ટેટ વિભાગે સ્થળ પર પહોંચી ભયજનક ભાગ હટાવવાની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ ધંધુકા અને ધોલેરા પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધંધુકા અને ધોલેરામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અતિશય વરસાદ અને પાણીની આવકને કારણે ધોલેરા તાલુકાનું વણી તળાવ ગામ ચારેય તરફથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. સ્થિતિની ગંભીરતા જોતાં તંત્ર દ્વારા NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે, જે બોટની મદદથી ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ડેમ અને જળાશયોની સ્થિતિ રાજ્યના સરદાર સરોવર (નર્મદા ડેમ)માં તેની કુલ ક્ષમતાના 69.25% (2,31,342 mcft) પાણીનો સંગ્રહ થયો છે. આ સિવાયના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45.41% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 13 ડેમ 100% ભરાયેલા છે, 26 ડેમ 70%થી 100% અને 28 ડેમ 50%થી 70% સુધી ભરાયા છે. સુરક્ષાની દ્રષ્ટિએ હાલ 21 ડેમ હાઈ એલર્ટ પર, 05 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે. રોડ-રસ્તા અને વાહનવ્યવહારની સ્થિતિ ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 208 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં 137 પંચાયત હસ્તકના રસ્તા, 23 અન્ય માર્ગો, 12 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. રસ્તા બંધ થવાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અમદાવાદ (42 રસ્તા), વલસાડ (40 રસ્તા), સુરેન્દ્રનગર (23 રસ્તા) અને નવસારી (18 રસ્તા) છે. આ સિવાય GSRTC ની એસ.ટી. બસ સેવાને પણ અસર પહોંચી છે, જેના લીધે 164 રૂટ પરની 616 ટ્રીપો હાલ બંધ રાખવામાં આવી છે. NDRFની 17 અને SDRFની 33 પ્લાટુન તૈનાત ખરાબ હવામાનને કારણે IMD દ્વારા 27 જુલાઈના રોજ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53,117 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 8,080 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો અને SDRFની 33 પ્લાટુન તૈનાત રાખવામાં આવી છે. 30 જુલાઈથી નવી સિસ્ટમ સર્જાશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં 'વેલમાર્ક્ડ લો પ્રેશર' બનવાની સંભાવના છે, જેની અસર 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે. આ નવી સિસ્ટમના લીધે 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    'આપણા સમાજમાં આને સારું માનવામાં આવતું નથી':આમિરના ત્રીજા લગ્ન પર હિનાનો બેફામ જવાબ, પતિ રૉકીએ કહ્યું- 'બીજા 2 કરી લે, મારા બાપનું શું'
    Next Article
    પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદમાં નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ:આબુ-અમદાવાદ જતાં વાહનચાલકોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment