Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં દુષ્કાળ 'હાહાકાર' મચાવશે:હાથિયો ય ન વરસ્યો, ઉનાળો આકરો જવાનો; 14 જિલ્લામાં સ્થિતિ વિકરાળ બનશે

    15 hours ago

    ચોમાસુ વિદાય લેવાને ગણતરીના દિવસો બાકી છે. હવે આશા પણ નથી કે સારો વરસાદ આવે. બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં સ્થિતિ ઠીકઠાક છે. ગુજરાતમાં વરસાદની ઘટ 10 ટકા છે. વરસાદ પડ્યો પણ ડેમો ખાલી જેવા છે. 206માંથી 33 ડેમ જ ભરાયા. શું ગુજરાતમાં ખરેખર દુષ્કાળ જેવી સ્થિતિ છે? આવનારા ઉનાળામાં શું થશે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : ગુજરાતમાં વરસાદની કેટલી ઘટ છે? જવાબ : ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે. એ ત્રીસેય વર્ષ વરસાદની દ્રષ્ટિએ સારા ગયા. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાતમાં વરસાદ ઓછો છે. કાં તો ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થાય, કાં છેલ્લે છેલ્લે વરસાદ થાય. આ વખતે શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ થયો પણ બાકીના વિસ્તારની ધરતીને ધરવ થયો નહીં. સૌથી ઓછો વરસાદ વરસ્યો હોય તો તેવા સૌરાષ્ટ્રના બે જિલ્લા છે. દ્વારકા અને પોરબંદર. ગુજરાતમાં ઓછો વરસાદ વરસવાના બે કારણો IMDએ નોંધ્યા છે. 30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ચાર મહિનાના ચોમાસા દરમિયાન 810.32 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદના 89.16% જેટલો છે. 34માંથી 11 જિલ્લાઓમાં વરસાદની અછત 20%થી 59% વચ્ચે રહી, જ્યારે બે જિલ્લાઓમાં આ અછત 60%થી 90% વચ્ચે હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ તાલુકા ભાણવડમાં 24%, દ્વારકામાં 16% અને ખંભાળિયામાં 20% જેટલો જ વરસાદ પડ્યો. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વરસાદ "સામાન્ય" રહ્યો. માત્ર પાંચ જિલ્લાઓ ખેડા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં "વધુ" વરસાદ થયો, જેને સામાન્ય કરતાં 20%થી 59% વધુ માનવામાં આવે છે. હવામાન વિભાગના 30 સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર, વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ 39% નોંધાયો, ત્યારબાદ નવસારી 29%, ખેડા 28% અને સુરત 27% વરસાદ થયો. હવે વિચારો, બાકીના જિલ્લામાં કેવી ખરાબ સ્થિતિ હશે. ઓછા વરસાદના કારણે ખેડૂતોની હાલત તો કફોડી બની જ છે કારણ કે ખેડૂતોને જેના પર આશા હતી તે હાથિયા નક્ષત્રમાં પણ વરસાદ ન થયો... સવાલ-2 : હાથિયો નક્ષત્ર શું છે ને તે કેમ ન વરસ્યો? જવાબ : ચોમાસાના અંતિમ તબકકામાં તોફાની વરસાદ વરસે તો એ હંમેશાં હસ્ત એટલે કે હાથિયા નક્ષત્રમાં વરસે. હાથિયો નક્ષત્ર જો વરસે તો ચોતરફ જળ બંબાકાર કરી નાખે. ન વરસે તો દુકાળની સ્થિતિ ઊભી કરે. આ વખતે હાથિયો પણ વરસ્યો નથી. ચોમાસું નબળું જાય પછી ખેડૂતની છેલ્લી આશા હાથિયો નક્ષત્ર હોય છે પણ આ વખતે આ આશા મોલાતની જેમ મુરઝાઈ ગઈ. આ નક્ષત્રમાં ગાજ-વીજ સાથે એવો વરસાદ પડે જાણે હાથી સૂંઢ પછાડતો હોય. કહેવાય છે કે હાથિયો નક્ષત્રનું વાહન હાથી હોય ને તે સૂંઢ કે પૂંછ બંનેમાંથી કોઈ એક પછાડે તો ય જોરદાર વરસાદ થાય છે. હાથિયો નક્ષત્રનું વાહન મોર હોય તો અતિવૃષ્ટિ થાય. મોટાભાગે આ વરસાદ ખરીફ પાક માટે વેરી બનતું હોય છે. પણ આ વખતે ન વરસીને વેરી બન્યું છે. હાથિયા નક્ષત્રને ઘણા હાથી માને છે પણ એવું નથી. હકીકતે હસ્ત એટલે હાથ. તેના પરથી આ નક્ષત્રનું નામ પડ્યું છે. હસ્ત એ તેરમું નક્ષત્ર છે, અતિ શુભ છે. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલાં તમામ કાર્યો શુભ ફળ આપે છે. હસ્ત નક્ષત્રનો અર્થ હાથ છે અને તે મુજબ હસ્ત નક્ષત્રનું પ્રતીક આપણી હથેળી છે, જે આપણા ભાગ્યને સીધું પ્રતિબિંબિત કરે છે. હસ્ત નક્ષત્ર આપણું ભાગ્ય રોશન કરનારું છે. હસ્ત નક્ષત્ર આપણા જીવનમાં સખત મહેનત કરવાની ક્ષમતા સાથે સંકળાયેલું જોવામાં આવે છે, ખાસ કરીને હાથની કળાથી કરવામાં આવતાં કામ. હાથિયા કે હસ્ત નક્ષત્ર એક એવો સમય છે જ્યારે સારો વરસાદ સતત થાય છે. ખેડૂતો માટે આ નક્ષત્ર વરસાદ સાથે આશા વરસાવનારું છે. ખેડૂતો પાક માટે આ નક્ષત્રની રાહ જુએ છે. હાથિયા નક્ષત્ર એ પાંચ નક્ષત્રોનો સમૂહ છે, જેનો આકાર હાથના પંજા જેવો છે. તેનો શાસક ગ્રહ ચંદ્ર છે. હાથિયા નક્ષત્રમાં વરસાદનો સમયગાળો સ્થળ અને વર્ષના આધારે બદલાઈ શકે છે. કેટલાંક વર્ષોમાં, વરસાદ વધુ તીવ્ર અને લાંબો હોઈ શકે છે, જ્યારે અન્ય વર્ષોમાં તે ઓછો હોઈ શકે છે. ચોમાસાની વિદાય વખતે શરૂ થયેલા વરસાદે કવિ ઘાઘની કહેવત સાચી સાબિત કરી છે. કવિ ઘાઘે એમની રચનામાં લખ્યું છે, ‘हथिया पुरवाई पावै, लौट चौमास लगावै. હાથિયા નક્ષત્રમાં સતત પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો બહુ સારો વરસાદ પડે. પિતૃ પક્ષ ચોમાસાની વિદાયનો સમય છે. કહેવત છે - बोली लुखरी फूला कास, अब छोड़ो वर्षा की आस. આ સમય દરમિયાન, જેમ જેમ સાંજ આવતી જાય તેમ તેમ લુખ્રી એટલે કે શિયાળનો કે કૂતરાના રડવાનો અવાજ આવવા લાગે. એટલે તેને શિયાળાની શરૂઆત મનાય છે. આ વખતે હાથિયો વરસ્યો નથી. 10 ઓક્ટોબર સુધી આ નક્ષત્ર છે પણ આ દરમિયાન વરસાદની સંભાવના નથી. આ વખતે હાથિયો કેમ ન વરસ્યો, તેના માટે લોક સાહિત્યમાં એક દોહો છે. - આદિ ન બરસે આદ્રા, અંત ન બરસે હાથ, તો કહો ગૃહસ્થ કે વસે કે સાથ એટલે કે જો શરૂઆતમાં આદ્રા નક્ષત્ર ન વરસે અને અંતમાં હાથિયો ન વરસે, તો ખેડૂતની આખી મહેનત અને ખેતી પર અસર પડે છે. આ વખતે આદ્રા નક્ષત્રમાં વરસાદ ન થયો એટલે હાથિયામાં પણ ન થયો. ગુજરાતમાં ઓછા વરસાદે ચિંતા વધારી છે કારણ કે ઘણાખરા ડેમોમાં બહુ ઓછું પાણી છે. સવાલ-3 : રાજ્યમાં ડેમની સ્થિતિ શું છે? જવાબ : ગુજરાતમાં 206 ડેમ છે. તેમાંથી 40 પણ પૂરા ભરાયા નથી. એટલે પીવાના પાણીની અને સિંચાઈના પાણીની ભારે તકલીફ થવાની છે. ગુજરાતની જીવાદોરી મનાતા નર્મદા ડેમમાં ભરપૂર પાણી છે એટલે આ વર્ષ તો જેમતેમ નીકળી જશે. ગુજરાતના 206 ડેમમાંથી સૌથી વધારે 141 ડેમ સૌરાષ્ટ્રમાં છે. બાકી, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડેમો છે. આ બધા ડેમોમાં આ વખતે પાણી ઓછું આવ્યું છે. દર વખતે હરિયાળું ને લહેરાતું લીલુંછમ ગુજરાત આ વખતે થોડું સૂકું રહી ગયું. 2025માં 117 ડેમ છલોછલ ભરાયા હતા, આ વખતે 2026માં માત્ર 33 ડેમ જ ભરાયા છે. ગ્રાફિકથી સમજો ગુજરાતમાં ડેમોની સ્થિતિ... વાત નર્મદા ડેમની કરીએ. 2025ની સરખામણીએ ગુજરાતમાં પાણીની 24% અછત છે, પરંતુ તેનો સૌથી મોટો બંધ નર્મદા ભરાયેલો છે. એટલે એ હાશકારો આપતા સમાચાર છે. સરદાર સરોવર ડેમ તેના સંપૂર્ણ જળાશય સ્તર (138.68 મીટર) સુધી પહોંચી ગયો છે. સરદાર સરોવર ડેમના એક અધિકારીએ જણાવ્યું કે 95% સંગ્રહ હોવા છતાં, ગયા વર્ષે 1 જુલાઈએ નર્મદા ડેમમાં 64% પાણી હતું. તેમણે કહ્યું, "આપણે ઉનાળાની ઋતુ પસાર કરી લઈશું." ગુજરાતની જીવનરેખા ગણાતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમનું જળસ્તર 30 સપ્ટેમ્બર, 2026એ બુધવારે સાંજે તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયું. ડેમ છલોછલ ભરાઈ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર- કેવડિયા ખાતે પરંપરાગત આરતી કરી. ઓગસ્ટના મધ્યથી મધ્ય પ્રદેશના કેચમેન્ટ વિસ્તારમાંથી સતત પાણી આવવાના કારણે ડેમનું જળસ્તર છેક ઉપર સુધી પહોંચ્યું. સરદાર સરોવર ડેમ છલોછલ ભરાવાથી રાજ્યમાં પાણીનો સંગ્રહ ઘણો મજબૂત થયો છે, જોકે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની 24.13%ની ઘટ છે. અત્યારે ડેમ 100 ટકા ભરાયો નથી. પણ 99.69% ભરાયો છે. આ આંકડો 30 સપ્ટેમ્બર સુધીનો છે. નર્મદા ડેમના જળસ્તરનું સુપરવિઝન કરતા એક અધિકારીએ કહ્યું કે, ગુજરાતના ડેમોમાં ચોક્કસપણે પાણીની અછત છે. પણ મધ્યપ્રદેશમાં સારો વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવક સારી થઈ છે. આના કારણે ગુજરાતમાં ઉનાળો તો વિના વિઘ્ને નીકળી જશે પણ આવતા વર્ષે ખૂબ સારો વરસાદ નહીં થાય તો હાલત કફોડી થવાની છે. 1 જુલાઈ 2026એ નર્મદા ડેમ 126.9 મીટરની સપાટીએ ભરેલો હતો. પણ ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમોના પાણીમાં વરસાદની ઘટ અને ખેડૂતોની મુરઝાતી મોલાતના કારણે વિપક્ષો સરકાર પાસે દુષ્કાળગ્રસ્ત રાજ્ય જાહેર કરવાની માગ કરે છે. સવાલ-4 : શું ગુજરાતને દુષ્કાળગ્રસ્ત રાજ્ય ગણી શકાય? જવાબ : દુષ્કાળના વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે 2016માં એક મેન્યુઅલ બહાર પાડ્યું હતું. જેમાં કેવા સંજોગોમાં દુષ્કાળ જાહેર કરી શકાય, તેના વિશે માહિતી અપાઈ છે. 2020માં આ નિયમ પુસ્તિકામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને રાજ્ય સરકાર તેને જ અનુસરે છે. આ મેન્યુઅલ મુજબ દુષ્કાળ ચાર પ્રકારના હોય છે. IIT ગાંધીનગરના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડીન વિમલ મિશ્રાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ગુજરાત એ બાબતે નસીબદાર છે. કારણ કે બીજા રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. તમે મહારાષ્ટ્રની સ્થિતિ જોશો તો ખબર પડશે કે ત્યાં હાલત બહુ ખરાબ છે. તેમણે એમ કહ્યું કે, છેલ્લા એક મહિનાની એટલે સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સુધી સ્થિતિ ઘણી ખરાબ છે. આને દુષ્કાળ જેવી સ્થિતિ જ કહી શકાય. સપ્ટેમ્બરમાં ભરપૂર વરસાદ થવો જોઈએ તેવો આ વર્ષે થયો નથી. જોકે કચ્છમાં નોર્મલ કંડીશન છે. વિમલ મિશ્રાએ કહ્યું કે, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ઈસ્ટર્ન વડોદરા, ઈસ્ટર્ન સુરતમાં દુષ્કાળે દસ્તક દીધી છે. અહીં સ્થિતિ વધારે ખરાબ છે. આ સિવાય ઉત્તર તરફના જિલ્લાઓ છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ દુષ્કાળની અસર છે. પણ કચ્છ, મોરબી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લા નોર્મલ કંડીશનમાં જ છે. આ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ ન કહી શકાય. આ 7 પેરામિટર્સના આધારે દુષ્કાળ જાહેર થાય છે આ બે બાબતો મહત્વની છે : સવાલ-5 : આવનારા ઉનાળામાં શું થશે? જવાબ : આવનારા ઉનાળામાં સ્થિતિ ખરાબ થવાની છે એ નક્કી. ગુજરાતીઓએ મનમાંથી એ વાત કાઢવી પડશે કે, આપણે તો નર્મદા છે ને, પછી શું વાંધો? પણ એ ભ્રમમાં રહેવાની જરૂર નથી. નર્મદા છે પણ તેની ય મર્યાદા છે. નર્મદા ડેમ પીવાનું પાણી ને સિંચાઈનું પાણી બંને પૂરાં પાડે છે. ઉનાળામાં ગુજરાતમાં પાણીની તંગી ઊભી થાય છે, ખાસ કરીને ગામડાંઓમાં. જમીનમાં પાણી ડૂકી જાય છે. નદી, તળાવ સુકાઈ જાય છે. ચેકડેમોના સહારે ઉનાળો જેમતેમ નીકળે છે. આવું તો ત્યારે થાય છે જ્યારે વરસાદ હોય છે. આ વખતે વરસાદ જોઈએ તેવો પડ્યો નથી એટલે સ્થિતિ દર ઉનાળા કરતાં ગંભીર બનશે. આપણે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે હોળી-ધૂળેટીમાં પાણીનો બગાડ થાય નહીં. રિસોર્ટમાં ફુવારા નીચે ડીજેના તાલે હોલી સેલિબ્રેશન બંધ કરવા પડશે. સૌથી મહત્વની વાત. જરૂર પડે તો જ વાહન ધોવાનું રાખવું. અમદાવાદમાં કાર વોશ કરનારા ગેરેજની સંખ્યા 400 આસપાસ છે. દરેક ગેરેજમાં રોજની દસ કાર ધોવા આવે છે એટલે 10થી 12 હજાર કાર વોશ થાય છે. સોસાયટીઓમાં ડોલ ભરીભરીને વાપરે છે તે અલગ. હજારો લીટર પાણી આ રીતે વેડફાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોએ પણ ધ્યાન રાખવું પડશે કે કસ્ટમરને પહેલા તો અડધો ગ્લાસ જ પાણી આપવું. જરૂર પડે તો વધારે પાણી આપવું. કારણ કે મોટાભાગના લોકો આખા ગ્લાસમાંથી અડધો ગ્લાસ જ પાણી પીવે છે. બાકીનું છોડી દે છે. આવી હજારો હોટેલ, રેસ્ટોરન્ટ્સ છે. એક રેસ્ટોરન્ટમાં રોજના 100 કસ્ટમર પણ અડધો ગ્લાસ પાણી વેડફે તો પાણીનો કેટલો બગાડ થશે. આવનારા ઉનાળાનો સાર એક જ છે કે તમારે પાણી જોઈતું હશે તો તમારે જ બચાવવું પડશે. આવતા ચોમાસામાં પણ ડેમો નહીં ભરાય તો?
    Click here to Read More
    Previous Article
    CJPના આંદોલનમાં નસીરુદ્દીન શાહ-શબાના આઝમી જોડાયા:પોલીસની મંજૂરી ન મળવા છતાં અભિજીત દીપકેને મળ્યા, મતદાર યાદી વિવાદ અંગે આપ્યા આકરા નિવેદન
    Next Article
    રાજકોટમાં અમૂલ દહીંમાં ફંગસનો વીડિયો વાયરલ:માયાણી ચોક પાસેના પાર્લરમાંથી ગ્રાહકે દહીંની ડબ્બી ખરીદી, આરોગ્ય અધિકારીએ કહ્યું - ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment