Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળના ગાઢ જંગલમાં સુરત સાયબર સેલનું દિલધડક ઓપરેશન:સ્થાનિક પોલીસ હાથમાં રાઇફલ લઈ સાથે રહી, લાકડાના બ્રિજ વટાવી મહિલા આરોપીને દબોચી; ટ્રેડિંગના નામે 13.10 લાખની છેતરપિંડી

    10 hours ago

    સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા શેરબજારમાં રોકાણના બહાને સામાન્ય નાગરિકોને છેતરતી ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના એક ફરિયાદીને શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાથી રોજના પાંચ ટકાથી વધુ ઊંચો નફો મળશે તેવી લાલચ આપીને ઠગોએ સંપર્ક કર્યો હતો. સાયબર ગઠિયાઓએ સૌપ્રથમ ફરિયાદીને ચેટિંગ એપ્લિકેશનના ગ્રૂપમાં એડ કર્યા હતા અને પોતાની કંપની મારફતે વધુ કમાણી કરાવવાના સપના બતાવ્યા હતા. ત્યારબાદ બનાવટી વેબસાઇટની લિંક મોકલી ફરિયાદીનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઠગ ટોળકીએ સેબીના બોગસ લેટરપેડ અને મેસેજનો ઉપયોગ કરી ફરિયાદી પાસેથી 13.10 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીએ જ્યારે નફાના નાણાં વિડ્રો કરવાની રિક્વેસ્ટ નાખી ત્યારે રૂપિયા અટકાવી દઈ ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવ્યો હતો. કેરળના ગાઢ જંગલમાં રાઇફલધારી પોલીસ જવાનો સાથે ઓપરેશન આ ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે બેંક એકાઉન્ટના તાર છેક દક્ષિણ ભારતના કેરળ સુધી પહોંચ્યા હતા. સુરત સાયબર સેલની ટીમ આરોપીને પકડવા માટે કેરળના મલ્લાપુરમ જિલ્લાના નિલંબુર સબ ડિસ્ટ્રિક્ટ હેઠળ આવતા ચોક્કડ ગામ પહોંચી હતી. આરોપી મહિલા જંગલની વચ્ચે આવેલા અંતરિયાળ વીટ્ટીક્કડાવુ વિસ્તારમાં રહેતી હતી. આ જંગલ વિસ્તાર અત્યંત જોખમી અને દુર્ગમ હતો, જ્યાં પાકો રસ્તો પણ નહોતો. જંગલમાં પોલીસ ટીમ પર કોઈ હુમલો ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે સ્થાનિક કેરળ પોલીસના બે જવાન હાથમાં રાઇફલ સાથે સુરતની ટીમની સુરક્ષામાં જોડાયા હતા. બંને ટીમો પગપાળા ચાલીને અને લાકડાના સાંકડા પુલ પરથી જીવના જોખમે પસાર થઈને મહિલાના ઘર સુધી પહોંચી હતી. 46 વર્ષીય સલીના ટી નામની મહિલા આરોપીની જંગલમાંથી ધરપકડ આ સંયુક્ત ઓપરેશન દરમિયાન રાઇફલધારી જવાનો સાથે પહોંચેલી ટીમે ચારેય બાજુથી ઘેરાબંધી કરીને 46 વર્ષીય સલીના ટી પત્ની ઉમ્મર થડીયનને તેના ઘરમાંથી જ ઝડપી પાડી હતી. સલીના મલ્લાપુરમના ગાઢ જંગલ વિસ્તારમાં રહીને સાયબર માફિયાઓ સાથે સતત સંપર્કમાં રહેતી હતી. આટલા દુર્ગમ વિસ્તારમાં રહીને પણ તે આખા દેશમાં ચાલતા સાયબર ક્રાઇમ નેટવર્ક સાથે સીધી જોડાયેલી હતી. સુરત સાયબર ક્રાઇમની ટીમે સ્થાનિક પોલીસની મદદ મેળવી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મહિલા આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેને સુરત લાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. પુત્ર સાથે ફર્મ બનાવી 3 ટકા કમિશન પર બેંક ખાતું ભાડે આપ્યું પોલીસ પૂછપરછમાં મહિલા આરોપી અને તેના પરિવારનો મોટો ગુનાહિત રોલ સામે આવ્યો છે. સલીનાએ પોતાના દીકરા સાથે મળીને એક બોગસ ફર્મ બનાવી હતી અને તેના નામે ફેડરલ બેંકમાં જોઈન્ટ કરંટ એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. આ કરંટ એકાઉન્ટ સાયબર માફિયાઓને ફ્રોડના રૂપિયા જમા કરાવવા માટે સોંપી દેવામાં આવ્યું હતું. આરોપી મહિલા અને તેનો પુત્ર દરેક ગેરકાયદેસર વ્યવહાર પર 3 ટકા કમિશન મેળવતા હતા. આ કમિશન મેળવવાની લાલચમાં તેઓ નાસતા ફરતા સાયબર ગઠિયાઓને દેશભરમાંથી આવતા છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે પોતાનું ખાતું વાપરવા આપતા હતા. ખાતામાંથી 39.70 લાખની હેરાફેરી અને દેશભરમાં 12 ફરિયાદો નોંધાઈ સુરત સાયબર સેલ દ્વારા બેંક ખાતાની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા મોટા આંકડા બહાર આવ્યા હતા. મહિલા આરોપીના ફેડરલ બેંકના ખાતામાં 9 જાન્યુઆરી 2026 થી 29 જુલાઈ 2026 દરમિયાન કુલ 39,70,824 રૂપિયાના મોટા વ્યવહારો થયા હતા. જેમાંથી 33,40,000 રૂપિયા સાયબર ફ્રોડના હોવાનું સ્પષ્ટ થયું છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આ જ ખાતા સામે દેશભરમાંથી 12 જેટલી ફરિયાદો નોંધાયેલી જોવા મળી હતી. જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા ખાતે નોંધાયેલી 4 પાકી એફઆઇઆરનો પણ સમાવેશ થાય છે. મુખ્ય સાયબર માફિયાઓ અને ફરાર પુત્રની શોધખોળ તેજ આ આંતરરાજ્ય કૌભાંડમાં સામેલ મહિલાના પુત્ર અને મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા સુરત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોગસ સેબી લેટરપેડ બનાવી સોશિયલ મીડિયા પર શેર ટ્રેડિંગના નામે લોકોને છેતરતી આખી ગેંગ સુધી પહોંચવા મહિલાની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સુરત સાયબર સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શેરબજારમાં વધારે કમાણીની લાલચ આપતા અજાણ્યા લોકોની વાતમાં આવીને ક્યારેય નાણાં ટ્રાન્સફર ન કરવા તેમજ કમિશનની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ કોઈને વાપરવા ન આપવું.
    Click here to Read More
    Previous Article
    રોડ કિનારે લસ્સી પીતા બે શ્રમિકોને કારે હવામાં ઉડાડ્યા:કડીના મેડાઆદરજ પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત, રુંવાડા ઊભા કરી દેતા CCTV સામે આવ્યા
    Next Article
    રતાડિયા ગામની બાળાઓએ નવરાત્રિની જૂની પરંપરા જીવંત રાખી:માથે ગરબો રાખી ઘરે-ઘરે ફરી લોકગીતો ગાયા, ગ્રામ્ય સંસ્કૃતિનું સુંદર ચિત્ર રજૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment