Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરના સિંહોએ યુવાનોનો શિકાર કરી માથું કેમ છોડી દીધું?:128 વર્ષ પહેલાં 9 મહિના સુધી કેન્યામાં આતંક મચાવ્યો હતો, એક્સપર્ટે કહ્યું- જંગલ મોટા ઝૂમાં બદલાયું

    2 days ago

    સિંહે માણસ પર હુમલો કર્યો.... આવા સમાચાર તો તમને છાશવારે મળતાં જ હશે પણ હમણાં થોડા દિવસો પહેલાં ગુજરાતમાં સિંહના હુમલાની 2 અસામાન્ય ઘટનાઓ ઘટી ગઇ. અમરેલીના રાજુલાના કોવાયા ગામમાં અને ભાવનગરના મહુવા તાલુકામાં સિંહે યુવાન પર હુમલો કરીને માત્ર તેમનું માથું જ રહેવા દીધું જ્યારે બાકીનું આખું શરીર ઝાપટી ગયા. જે સાવજોની મનુષ્યો સાથેની મિત્રતાની ગાથા ઇતિહાસના પન્નામાં લખાયેલી છે તે ગીર અને તેની આસપાસના વિસ્તારમાં રહેતાં સિંહોને અચાનક એવું તો શું થયું કે તેઓ હવે મનુષ્યનું લોહી ચાખવા લાગ્યાં છે? શું આ ગીરના સિંહોના વર્તનમાં કોઇ નવો બદલાવ છે? શું સિંહોના માનવભક્ષી બનવા પાછળ કોઇ ચોક્કસ કારણ જવાબદાર છે? સિંહે કેમ બન્ને કિસ્સામાં ખાલી માથું જ છોડ્યું? જો કોઇ સિંહ માનવભક્ષી બને તો એ પછી તેનું શું થાય છે? આવા અનેક સવાલ તમારા મનમાં પણ થતાં જ હશે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં આ સવાલોના જવાબ આપ્યા છે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ્ના પૂર્વ સભ્ય અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા અને જીવવિજ્ઞાનના નિવૃત્ત શિક્ષક વિનોદ પંડ્યાએ. શરૂઆત 128 વર્ષ પહેલાં સિંહે મચાવેલા આંતકના કિસ્સાથી કરીએ. વાત છે 1898માં કેન્યાના ત્સાવોના માનવભક્ષી સિંહોની. આ ઘટના ઇતિહાસની સૌથી ભયાનક અને પ્રખ્યાત ઘટનાઓમાંની એક છે. સિંહોએ એટલો આતંક મચાવ્યો હતો કે બ્રિટિશ સરકારે રેલવે લાઇનનું કામ બંધ કરવું પડ્યું હતું. 2 નર સિંહે મજૂરોના કેમ્પ પર હુમલો કર્યો બ્રિટિશ સરકાર ત્સાવો નદી પર એક રેલવે બ્રિજ બનાવી રહી હતી. આ માટે હજારો ભારતીય અને સ્થાનિક મજૂરોને ત્યાં લાવવામાં આવ્યાં હતા. એ સમયે પ્રોજેક્ટના ઇન્ચાર્જ તરીકે બ્રિટિશ આર્મીના એન્જિનિયર લેફ્ટનન્ટ કર્નલ જોન હેનરી પિટરસન હતા. તેમની આગેવાનીમાં કામ શરૂ થયાના થોડા જ સમયમાં બે આફ્રિકન નર સિંહોએ મજૂરોના કેમ્પ પર હુમલો કર્યો. આ સિંહો એટલા ચાલાક હતા કે મધરાતે જ શ્રમિકોના ટેન્ટમાં ઘૂસીને સૂતેલા મજૂરોને ઢસડી જઇને ખાઇ જતાં હતા. સિંહ વાડ કૂદીને મજૂરોનો શિકાર કરતા આ સમયે મજૂરોને બચાવવા માટે કેમ્પની આસપાસ કાંટાવાળા થોરની વાડ બનાવાઇ હતી ને મોટી અગ્નિ પ્રગટાવાતી સાથે જ ચાંપતો પહેરો પણ ગોઠવાયો હતો. જો કે તેમ છતાં સિંહોનો આતંક ઓછો થયો નહોતો. આ સિંહો વાડ કૂદીને પણ મજૂરોને પોતાનો શિકાર બનાવતાં હતા. 9 મહિના સુધી આતંક મચાવ્યો સિંહોના હુમલાથી મજૂરોમાં એવો ડર પેઠો કે તેઓ સિંહને શેતાન માનવા લાગ્યા ને કામ છોડીને ભાગી ગયા. જેના કારણે રેલવેનું સમગ્ર કામ ઠપ્પ થઇ ગયું હતું. જેના કારણે ભારે ઉહાપોહ મચ્યા બાદ બન્ને સિંહોને એક પછી એક ગોળી મારીને ઠાર કરાયા હતા. 9 મહિના સુધી ચાલેલા સિંહોના આતંકમાં સત્તાવાર રીતે 28 થી 35 માણસોનો શિકાર થયો હતો પણ બિનસત્તાવાર આંકડો 135 સુધી પહોંચ્યો હોવાનું મનાય છે. આમ તો સિંહ માણસ પર હુમલો કરીને ઘાયલ કરે પણ હમણાં થોડા દિવસોના ગાળામાં જ ગુજરાતમાં પણ સિંહે માણસના કરેલા શિકારની ઘટનાએ સિંહ પ્રેમીઓને પણ આંચકો આપ્યો છે. ભલે સ્થળ અલગ હોય, શિકાર કરનારા સિંહ અલગ હોય, શિકાર બનનારા પણ અલગ હોય પરંતુ સામ્યતા એક વાતની હતી કે સિંહ તેમને મારી નાખીને શરીર ખાઇ ગયા. 'સિંહ કારણ વગર હુમલો ન કરે' 33 વર્ષ સુધી જીવવિજ્ઞાનના શિક્ષક તરીકે સેવા આપનારા અને હાલમાં નિવૃત શિક્ષક વિનોદ પંડ્યાએ આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરને કહ્યું, થોડા દિવસો પહેલાં જે રીતે બે વ્યક્તિઓને મારીને સિંહે તેનું માંસ ખાધું છે તે ઘટના અત્યંત દુઃખદ છે. આવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી અથવા તો આવું બનવું પણ ન જોઇએ આવું મારું માનવું છે. એશિયાટિક સિંહ રોયલ એનિમલ છે તે માનવી પર ક્યારેય અકારણ હુમલો કરતો નથી. 'ગુજરાતાં આવા કિસ્સા બહુ ઓછા બને છે' સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ આ હુમલો કરનારા સિંહોને માનવભક્ષી નથી માનતા. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, કોઇપણ વ્યક્તિનું આ રીતે મૃત્યુ કે ઇજા થાય એ તો દુઃખદ કહેવાય. જે પરિવારના વ્યક્તિ સાથે આવું બને તેની આપણે કોઇ રીતે ભરપાઇ ન કરી શકીએ. 'હાલમાં જે ઘટના બની છે તેમાં એ બન્ને સિંહોને હું માનવભક્ષી સિંહ નથી માનતો. માનવભક્ષી તો તેને કહેવાય કે જેને વારંવાર માનવ પર હુમલો કરી અને તેને માનવ ખાવાની ટેવ પડી ગઇ હોય. આપણે ત્યાં આવા રેર કિસ્સા બનતાં હોય છે પણ આફ્રિકામાં આવું વધારે બને છે. આફ્રિકામાં તો સિંહોને મારી નાંખવામાં આવે છે.' સિંહને માણસ અને પ્રાણીનો ભેદની ખબર નથી પડતી ભૂષણ પંડ્યાએ આ બન્ને ઘટનાઓ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, હાલમાં જે 2 ઘટના સામે આવી છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી મોડી રાત અને વહેલી સવારના સમયની છે. આ સમય મોટા ભાગે સિંહોના શિકાર કરવાનો હોય છે. એવામાં એકલ દોકલ કોઇ વ્યક્તિ જતી હોય તો સિંહને એમ ન ખબર પડે તે આ કોઇ મનુષ્ય છે. સિંહ તો તેનો કોઇ શિકાર છે એમ સમજીને જ તેની પાછળ જાય છે અને તેના પર હુમલો કરે છે. 'નાના બાળકો પણ દોડા દોડ કરતાં હોય છે તો સિંહોને એમ લાગે કે આ કોઇ નાનું પ્રાણી છે એટલે તે પ્રાણી સમજીને નાના બાળકો પર હુમલો કરે છે. જ્યારે પાકની સિઝન આવે ત્યારે પરપ્રાંતિયો ખેતી કરવા માટે આવે છે. જે રાતે ખુલ્લામાં સૂવે છે. આ ખૂબ જ જોખમી છે કેમ કે સિંહ નહીં આવે તો દીપડો આવીને શિકાર કરશે.' કેવા સંજોગોમાં સિંહ હુમલો કરે? સિંહે કરેલા હુમલા પાછળનું કારણ જણાવતાં વિનોદ પંડ્યાએ કહ્યું કે, સિંહ તેની ટેરેટરીમાં જ હોય છે. જો આપણે તેમાં પ્રવેશ કરીએ છતાં પણ તે હુમલો કરતો નથી. તે ઘૂર્રાટી કરીને ચેતવણી આપે છે. હાલમાં સિંહ ગીર વિસ્તારની બહાર રેવન્યુ વિસ્તારમાં જોવા મળે છે. આવા સંજોગોમાં એવું બની શકે કે સિંહ હાઇવેના કાંઠા પર બેઠો હોય તો લોકો પોતાના વ્હીકલ ઊભા રાખીને તેને જુએ છે. એ સમયે ધીમે ધીમે લોકોનો જમાવડો થતો જાય છે. આવામાં કોઇ વ્યક્તિ સિંહને છંછેડે છતાં પણ તે મોટા ભાગના કિસ્સાઓમાં હુમલો કરતો નથી પણ સિંહને છંછેડ્યા બાદ ત્યાંથી ફરી કોઇ વ્યક્તિ પસાર થાય તેવા સંજોગોમાં સિંહ તેના પર હુમલો કરે છે. ખોપડીના હાડકાં મજબૂત હોય એટલે સિંહ નથી ખાતા બન્ને કિસ્સામાં સિંહ કેમ જે-તે વ્યક્તિનું માથું છોડીને આખું શરીર ખાઇ ગયા એ અંગે પૂછતાં ભૂષણ પંડ્યાએ કહ્યું, આવા કિસ્સાઓમાં જો સિંહ નાના બાળકો પર હુમલો કરીને તેને ખાઇ જાય તો તેમાં તે તેનું માથું છોડતો નથી કેમ કે તેના હાડકાં કુમળાં હોય છે પણ મોટી વ્યક્તિના ખોપરીના હાડકાં ખૂબ જ મજબૂત હોય છે એટલે તેને ખાવાનું ટાળતાં હોય છે. સિંહો માલઢોરના મોઢાંને અને માથાને પણ ખાવાનું છોડી દે છે. જો સિંહને પૂરતો ખોરાક ન મળે અને કોઇ માણસ તેને છંછેડે તો તે હુમલો કરે છે. આ અંગે વિનોદ પંડ્યાનું માનવું છે કે, જ્યારે સિંહ વૃદ્ધ થાય અને પોતે શિકાર કરવા માટે સમર્થ ન હોય ત્યારે તે સરળ શિકારને શોધે છે. હરણ અને નીલગાય તો દોડીને જતાં રહે છે તેથી તે માલધારીઓના પશુધન પર હુમલો કરે છે. જો પશુધન પણ તેને પૂરતા પ્રમાણમાં ન મળે અને આવા સંજોગોમાં જો કોઇ માનવી તેને છંછેડે તો તે માનવી પર હુમલો કરે છે. હુમલો કરનારા સિંહની ગતિવિધિ ટ્રેપ કરવી જોઇએ 'હાલના કિસ્સામાં પણ જે સિંહોએ મનુષ્યનું માંસ ચાખ્યું છે તેને પકડીને મેડિકલ ચેકઅપ કરવું જોઇએ કે તેના દાંતમાં પ્રોબ્લેમ છે કે નહીં. એક બાબત એવી પણ છે કે જો તેના પગમાં કોઇ કાંટો વાગ્યો હોય કે કોઇ ઇજા થાય અને સેપ્ટિક થાય તેવા સંજોગોમાં તે દોડી શકતો નથી. પરિણામે તે માનવી પર હુમલો કરે છે પણ હું તો એટલું જ કહું છું કે જે પણ સિંહે હુમલો કર્યો છે તેની સંપૂર્ણ ગતિવિધિને ટ્રેપ કરવી જોઇએ.' તેઓ આગળ કહે છે કે, કેન્યામાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે, સિંહને દાંતમાં જો કોઇ પ્રોબ્લેમ હોય અને તે ખોરાકને બરાબર ચાવી કે પચાવી શકતો ન હોય ત્યારે પણ તે માનવી પર હુમલો કરવા પ્રેરાય છે. જ્યારે ભેંસને મારીને ખાવાની તેના દાંતમાં ક્ષમતા નથી હોતી ત્યારે તે મનુષ્યનો પર હુમલો કરીને તેને ભોગ બનાવે છે. સિંહને જંગલમાં છોડાય ત્યારે માઇક્રોચીપ લગાવી દેવાય છે જો સિંહમાં માનવભક્ષી લક્ષણ દેખાય તો શું થાય તેના વિશે વાત કરતા ભૂષણ પંડ્યા કહે છે કે, જ્યારે પણ કોઇ સિંહમાં માનવભક્ષીના લક્ષણ દેખાય છે એટલે તરત જ તેને પકડવામાં આવે છે. જેના પછી તેનું ઓબ્ઝર્વેશન થાય છે. એ પછી બધું બરાબર હોય તો રેસ્ક્યૂ કરેલા સિંહને કે દીપડાને પાછા વન વિસ્તારમાં છોડવામાં આવે છે. ત્યારે તેનામાં એક માઇક્રોચીપ ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે. 'જો એ જ સિંહ કે દીપડો ફરીથી પકડાય તો માઇક્રો ચીપ રીડરથી તેનો નંબર વાંચીને તેને પહેલાં ક્યાંથી પકડ્યો હતો અને ક્યાં છોડવામાં આવ્યો હતો તેની માહિતી મેળવાય છે. જો એવું લાગે કે તે વારંવાર રહેણાંક વિસ્તારમાં જ આવી જાય છે તો પછી તેને ખૂબ દૂરના વિસ્તારમાં વનમાં છોડવામાં આવે છે.' વિનોદ પંડ્યાએ સિંહના મેડિકલ ચેકઅપની વાત કરતાં આગળ કહ્યું કે, જ્યારે સિંહનું મેડિકલ ચેક અપ થાય છે ત્યારે તેના આખા શરીરનું મેઝરમેન્ટ કાઢવામાં આવે છે એટલું જ નહીં તેના ફૂડનું પણ એનાલિસિસ કરવામાં આવે છે. દાંત અને પંજાની ચકાસણી કરીને તેની ક્ષમતાને પણ ચેક કરવામાં આવે છે. જો સિંહ ઈજાગ્રસ્ત જણાય તો તેને એન્ટિબાયોટિક આપવામાં આવે છે. એ પછી એક મોટી અને ખુલ્લી જગ્યામાં છોડીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે બધા જ પેરામિટર ઓકે આવે ત્યારે તેને પાછો તેની ટેરેટરીમાં છોડવામાં આવે છે. આ સામાન્ય નિયમો છે. માનવભક્ષી સિંહને ક્યારેય જંગલમાં નથી છોડાતો તેઓ વધુમાં કહે છે કે, જો કોઇ સિંહ માનવભક્ષી બને કે મનુષ્ય પર હુમલો કરે તેવા કિસ્સામાં તેને ટ્રેપ કરીને એનિમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવે છે. તેને ક્યારેય ખુલ્લા જંગલમાં ફરી છોડવામાં આવતો નથી. આ સિંહોની આખી હિસ્ટ્રી મેઇન્ટેન કરવામાં આવે છે. આમાં વન વિભાગ કોઇપણ પ્રકારની પાછી પાની નથી કરતો. ‘અત્યાર સુધીમાં માનવભક્ષી સિંહોનું કોઇ ચોક્કસ વૈજ્ઞાનિક રીતે રિસર્ચ નથી થયું પણ ઓબ્ઝર્વેશન ઘણાં બધા છે. જેના ડેટા પણ ગીરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે છે પણ તે માનવભક્ષી કયા સંજોગોમાં બન્યાં છે તેનો કોઇ અભ્યાસ થયો નથી.’ ગીરના જંગલમાં રહેતા માલધારીઓ સિંહને પોતાનો મિત્ર માને છે પણ સિંહ જ્યારે જંગલ બહાર જાય છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. લોકોને જાગૃત કરવા જરૂરીઃ વિનોદ પંડ્યા વિનોદ પંડ્યા કહે છે કે, હાલમાં રેવન્યુ એરિયામાં રહેતા સિંહ પોતાની સાથે લોકો રહે તે માટે ટેવાયેલા નથી. ગીરમાં માલધારીઓ તો સિંહોને ભગવાન માને છે પછી ભલે તે તેમના માલઢોરનો શિકાર કેમ ન કરે. રેવન્યુ એરિયાના લોકોએ પણ હવે ટ્રેઇન થવાની જરૂર છે. આ વિસ્તારના લોકોને પણ જાગૃત કરવા જરૂરી છે. માલધારી જાણે છે કે સિંહ સાથે કેવી રીતે રહેવુંઃ ભૂષણ પંડ્યા આ અંગે ભૂષણ પંડ્યાએ કહ્યું કે, માલધારીઓ વર્ષોથી જંગલમાં સિંહો સાથે રહે છે પણ ક્યારેય આપણે એવું નથી સાંભળ્યું કે સિંહે કોઇ માલધારી પર હુમલો કર્યો હોય કે તેને મારીને ખાઇ ગયો હોય. ભાગ્યે જ એવું બન્યું હોય કે માલધારી પોતાના માલઢોર છોડાવવા ગયો હોય ને તેના પર સિંહે હુમલો કર્યો હોય. માલધારીઓ સારી રીતે જાણે છે કે સિંહો સાથે કેવી રીતે રહેવું. 'નિયમો પ્રમાણે ટુરિઝમ નથી થતું' ગીરમાં વધતું જતું ટુરિઝમ પણ સિંહને ખલેલ પહોંચાડે છે. વિનોદ પંડ્યાએ કહ્યું, હાલમાં આપણો ઇકો ટુરિઝમનો કન્સેપ્ટ છે પણ તેના નિયમો પ્રમાણે ટુરિઝમ થતું નથી. જે જગ્યાએ સિંહ લોકેટ થયા હોય ત્યાં તેને જોવા માટે જથ્થાબંધ લોકો જાય છે. વિદેશમાં આ પ્રકારના સફારીમાં નક્કી કરાયેલી રાઇડ હોય છે, આપણે ત્યાં લિમીટેશન નથી. આવામાં સતત માનવીય ધસારાના કારણે સિંહોની લાઇફ સ્ટાઇલને પણ અસર થાય છે. જંગલ મોટા ઝૂમાં ફેરવાયુંઃ ભૂષણ પંડ્યા ભૂષણ પંડ્યાના મતે, અત્યાર સુધી ગીરમાં સિંહો માટે ખૂબ મોટો વિસ્તાર જંગલનો હતો પણ હવે ટૂરિઝમ વધતાં ત્યાં ફાઇવસ્ટાર હોટલો શરૂ થઇ ગઇ છે. આમાં જે કાયદેસર રીતે ચાલે છે તેનાથી કોઇને વાંધો નથી પણ ઘણી ગેરકાયદે ઊભી થઇ ગઇ છે. જેના કારણે સિંહોની મૂવમેન્ટનો એરિયા બ્લોક થઇ ગયો છે. પરિસ્થિતિ એવી થઇ છે કે હવે જંગલ એક મોટા ઝૂમાં ફેરવાતું જઇ રહ્યું છે. 'હાલમાં ગીરનું ટૂરિઝમ ઓપરેટ થાય છે તે મર્યાદિત જગ્યામાં થાય છે. આવનારા સમયમાં પણ આમાં વધારો ન થાય તો સારું. આખા દિવસ દરમિયાન અહીં 180 ગાડીઓને મંજૂરી અપાય છે. એક સમયે આ મંજૂરી 90 ગાડીઓની હતી. વર્ષમાં 8 મહિના અહીં ટૂરિઝમ થાય છે એટલે સિંહોને પણ રિકવર થવાનો સમય મળી રહે છે. સાસણમાં 3 થી 4 હજાર લોકોની વસ્તી છે પણ ત્યાં જો વર્ષમાં 9 લાખ લોકો આવીને જાય તો શું પરિસ્થિતિ થાય?' ગુજરાતમાં બનેલી સિંહોના હુમલાની આ અસામાન્ય ઘટનાઓ ચોક્કસપણે આંખ ઉઘાડનારી અને ચિંતાજનક છે પરંતુ વાઇલ્ડલાઇફ એક્સપર્ટસના મતે ગીરના સિંહો માનવભક્ષી બની ગયા છે તેવું માની લેવું થોડું ઉતાવળભર્યું ગણાશે. સિંહ અને મનુષ્ય વચ્ચેની સદીઓ જૂની મિત્રતા પર સવાલ ઉઠાવવાને બદલે આ કિસ્સાઓ વન્યજીવો પ્રત્યેના આપણા અભિગમ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે. આ પણ વાંચો સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV જાહેરમાં લઘુશંકા કરી, સિક્યુરિટીએ રાતે ન જવા કહ્યું પણ યુવક ન માન્યો, ખભે બેગ રાખી વતન જવા નીકળ્યો ને મોતને ભેટ્યો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં મૃત્યુ પામેલા યુવક પ્રકાશચંદ્રના ઘટના પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પ્રકાશચંદ્રને ખાનગી કંપનીની કોલોનીમાંથી રાત્રે લગભગ 1 વાગ્યે વતન ઉત્તરાખંડ જવા નીકળતા જોઈ શકાય છે. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને રાત્રે એકલા ન જવા વિનંતી કરી હતી, પરંતુ તે માન્યો ન હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત:શુભમન ગિલ કેપ્ટન, વિરાટ અને બુમરાહે ટીમમાં કમબેક કર્યું, હાર્દિક ઈજાના કારણે બહાર; શ્રેયસ વાઇસ કેપ્ટન
    Next Article
    સુરેન્દ્રનગરમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો:સાંસદ ચંદુભાઈ શિહોરાની ઉપસ્થિતિમાં જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment