Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ‘નક્ષત્ર સેફ વોલ્ટ’ ચોરીકાંડની ઇન્સાઇડ સ્ટોરી:ચાવી બનાવનારને એક લોકર તોડવાના રૂ. 1,200 આપતા, CCTV ડિલીટ કરવા ગૂગલ જેમિનીનો ઉપયોગ; ચોરીનો આંક 3.50 કરોડે પહોંચ્યો

    8 hours ago

    સુરતના 'નક્ષત્ર સેફ વોલ્ટ'માં લોકોએ રાખેલા કિંમતી દાગીનાની વોલ્ટના માલિકો દ્વારા જ કરવામાં આવેલી ચોરીના કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ચોરી થયાની જાણ થયા બાદ દરરોજ નવા લોકરધારકો તપાસ માટે આવતા ચોરીનો આંકડો પણ વધવા લાગ્યો છે. અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી થયાનું સામે આવી ચૂક્યું છે. સેફ વોલ્ટના માલિકો ચાવી બનાવનાર વ્યકિતને એક લોકર તોડવાના રૂ. 1200ની ચૂકવણી કરતા હતા. CCTV કઈ રીતે ડિલિટ કરવા તેની માહિતી મેળવવા માટે આરોપીઓએ ગુગલ જેમિનીની મદદ લીધી હોવાનો પણ ખુલાસો થયો છે. લોકરધારકો દ્વારા વધુ લોકોરની તપાસ કરાયા બાદ ચોરીનો આંક હજી પણ વધી શકે છે. શેરબજારના ટ્રેડિંગમાં રૂ. 3 કરોડનું જંગી નુકસાન થતાં તેની ભરપાઈ કરવા માટે વોલ્ટના માલિક અને તેના બે સગા પુત્રોએ મળીને પોતાના જ ગ્રાહકોના લોકરો તોડીને સોનાની ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપીઓએ સિંગણપોર બ્રાન્ચને જ કેમ ટાર્ગેટ કરી? સુરતમાં નક્ષત્ર સેફ વોલ્ટની સુરત શહેરમાં મુખ્યત્વે ચાર બ્રાન્ચો આવેલી છે. વરાછા બ્રાન્ચમાં 700થી વધુ લોકર, મહિધરપુરા બ્રાન્ચ (1) 700થી વધુ લોકર, મહિધરપુરા બ્રાન્ચ (2) 700થી વધુ લોકર અને સિંગણપોર કોઝવે રોડ બ્રાન્ચમાં 600થી વધુ લોકર છે. આ ચાર બ્રાન્ચો પૈકી વરાછા અને મહિધરપુરાની બંને બ્રાન્ચો સુરતના પ્રખ્યાત હીરા બજારની એકદમ નજીક આવેલી છે. આ ત્રણ બ્રાન્ચોમાં મળીને 2,000 થી પણ વધુ લોકરો આવેલા છે. પરંતુ આ લોકરોનો ઉપયોગ મુખ્યત્વે હીરાના મોટા વેપારીઓ, દલાલો અને રત્નકલાકારો દરરોજ અથવા દિવસમાં બે-બે વાર કરતા હોય છે. હીરાની આપ-લે માટે દરરોજ લોકર ખુલતા હોવાને કારણે ત્યાંથી કોઈપણ વસ્તુ ગાયબ કરવી કે લોકર તોડવું એકદમ અશક્ય હતું. જો ત્યાં એક પણ દિવસ લોકર તોડવામાં આવે તો તે જ દિવસે પકડાઈ જવાનો પૂરેપૂરો ડર હતો. આ જ કારણે નક્ષત્ર સેફના મુખ્ય સંચાલક મહેશ દિયોરા અને તેના બે પુત્રો હર્ષ તથા હરિકૃષ્ણ એ ચાલાકી વાપરીને સિંગણપોર બ્રાન્ચને ટાર્ગેટ કરવાનો માસ્ટરપ્લાન બનાવ્યો હતો.સિંગણપોર બ્રાન્ચ સંપૂર્ણપણે પોશ અને રહેણાંક વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તારમાં મુખ્યત્વે શહેરના નામાંકિત બિલ્ડરો, સમૃદ્ધ હીરા વેપારીઓ અને ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારો રહે છે. આ પરિવારો બેંક કે પ્રાઇવેટ સેફ લોકરમાં પોતાના ઘરમાં રહેલા કિંમતી સોના-ચાંદીના દાગીના સાચવવા માટે મૂકી રાખે છે. સામાન્ય રીતે રહેણાંક વિસ્તારના લોકો લોકરનો ઉપયોગ દરરોજ કરતા નથી. તેઓ માત્ર ઘરના લગ્નપ્રસંગો, તહેવારો કે કોઈ વિશેષ પૂજા-અર્ચના વખતે જ દાગીના લેવા માટે આવે છે. એટલે કે અહીંના લોકરો છ મહિને કે વર્ષમાં એકાદ વાર જ ખુલતા હોય છે. દિયોરા પિતા-પુત્રોએ ગણતરી કરી કે જો સિંગણપોર બ્રાન્ચના લોકર તોડીને ચોરી કરવામાં આવે, તો ગ્રાહકને મહિનાઓ સુધી પોતાના દાગીના ચોરાયા હોવાની ખબર જ નહીં પડે! આ જ સમયગાળા દરમિયાન તેઓ સોનું વેચીને રોકડા કરી લેશે અને શેરબજારનું દેવું પણ ચૂકવી દેશે. લાંબા સમયથી ઓપરેટ ન થયા હોય તેવા લોકરનું લિસ્ટ બનાવ્યું કોઈપણ સેફ વોલ્ટ કે બેંકના નિયમ મુજબ જો ગ્રાહક પોતાના લોકરની ચાવી ભૂલી જાય અથવા લોકરનો લોક બગડી જાય, તો ગ્રાહકની રૂબરૂ હાજરીમાં, લેખિત સંમતિ અને ગ્રાહકના આઈડી પ્રૂફ લીધા બાદ જ ડુપ્લિકેટ ચાવી બનાવનાર ટેકનિશિયનને બોલાવવામાં આવે છે. પરંતુ અહીં તો વોલ્ટના માલિકો જ ચોર બન્યા હતા! દિયોરા પિતા-પુત્રો પાસે 600 જેટલા લોકરોની માલિકી અને સંચાલન હતું. તેમણે એવા લોકરોનું લિસ્ટ બનાવ્યું જે ઘણા સમયથી ગ્રાહકો દ્વારા ઓપરેટ કરવામાં આવ્યા ન હોય અને જેમાં મોટા પ્રમાણમાં દાગીના મૂકવામાં આવ્યા હોવાની શક્યતા હોય. લોકર તોડવા માટે મણીલાલને પ્રતિ લોકર રૂ. 1,200 આપતા! લોકર ચોરીના આ ષડયંત્રને અંજામ આપવા માટે દિયોરા પરિવારે સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા અને મૂળ આણંદના સોજીત્રા તાલુકાના વિરોલ ગામના વતની મણીભાઈ રાજાભાઈ ચૌહાણ (ઉં.વ. 59) નો સંપર્ક કર્યો હતો. મણીલાલ ચાવીઓ બનાવવા અને કોઈપણ જટિલ લોક તોડવામાં માહિર હતો. દિયોરા પિતા-પુત્રો મણીલાલને રાત્રિના સમયે અથવા સેફ વોલ્ટ બંધ હોય ત્યારે બોલાવતા હતા. મણીલાલ પોતાની માસ્ટર કી અને લોકર બ્રેકિંગ ટૂલ્સની મદદથી લોકર ખોલી આપતો હતો. એક લોકર તોડવા અને તેની ડુપ્લિકેટ ચાવી બનાવી આપવા બદલ આરોપીઓ મણીલાલને રૂ. 1,200 રોકડા આપતા હતા. લોકર તોડ્યા બાદ તેમાંથી માત્ર સોનાના દાગીના જ કાઢી લેવામાં આવતા હતા અને ત્યારબાદ લોકરને ફરીથી એવી રીતે બંધ કરી દેવાતું હતું જેથી બહારથી જોતા કોઈને પણ શંકા ન જાય! CCTV ગાયબ કરવા AIનો ઉપયોગ, 'ગૂગલ જેમિની' પાસે માર્ગદર્શન લીધું ડિજિટલ યુગમાં ગુનો કર્યા પછી બચવા માટે આરોપીઓએ ટેકનોલોજીનો પણ દુરુપયોગ કર્યો હતો. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન જે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે તે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ. જ્યારે પણ સિંગણપોર બ્રાન્ચના કોઈ ગ્રાહકને પોતાના લોકર બાબતે થોડી પણ શંકા જતી અને તેઓ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની માંગણી કરતા ત્યારે મહેશ દિયોરા અને તેના પુત્રો તેમને વિવિધ બહાના બતાવીને રવાના કરી દેતા હતા. તેઓ ગ્રાહકોને એવું કહેતા કે, અત્યારે CCTV સિસ્ટમની હાર્ડ ડિસ્ક અતિશય ગરમ થઈ ગઈ હોવાથી પ્રોસેસિંગ બંધ છે, તમે કાલે આવજો. અથવા સિસ્ટમ અપડેટમાં છે એટલે ફૂટેજ અત્યારે જોઈ શકાશે નહીં. ચોરી પકડાઈ ન જાય અને પોલીસ કે ગ્રાહકોના હાથમાં કોઈ ડિજિટલ પુરાવા ન લાગે તે માટે હર્ષ અને હરિકૃષ્ણએ પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હતો. તેમણે ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ 'Google Gemini' માં સર્ચ કરીને માર્ગદર્શન મેળવ્યું હતું કે CCTV કેમેરાના રેકોર્ડિંગ અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા કાયમી ધોરણે કેવી રીતે ડિલીટ કરવો? DVRમાંથી ફોરેન્સિક રિકવરી ન થઈ શકે તે રીતે ફાઇલો કેવી રીતે નષ્ટ કરવી? આ રીતે AIની મદદ લઈને તેમણે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી નાખ્યા હતા જેથી તેમની અંદર આવવા-જવાની અને લોકર તોડવાની હિલચાલ કેમેરામાં ન ઝડપાય. ચોરીનો આંકડો રૂ. 3.49 કરોડે પહોંચ્યો: વધુ 116.5 તોલા સોનું ચોરાયાની વિગત બહાર આવી જેમ-જેમ આ ઘટનાના સમાચાર માધ્યમોમાં વહેતા થયા, તેમ-તેમ સિંગણપોર અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકરધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સેંકડો લોકો પોતાના લોકર સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે સિંગણપોર, વરાછા અને મહિધરપુરાની ચારેય બ્રાન્ચ પર દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે કેસ નોંધ્યો ત્યારે રૂ. 2.68 કરોડની કિંમતના 206 તોલા સોનાના દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વધુ 3 ગ્રાહકોના લોકર તૂટ્યા હોવાનું બહાર આવતાં ચોરીનો આંકડો હવે રૂ. 3.49 કરોડ સુધી પહોંચી ગયો છે. નવા ભોગ બનનાર ગ્રાહકોની વિગતો ડાહ્યા દુલા અણઘણ પોતાની પત્ની કાશીબેન સાથે જ્યારે નક્ષત્ર સેફના લોકર પાસે પહોંચ્યા અને લોકર ખોલ્યું ત્યારે અંદરથી તેમના વર્ષો જૂના 29 તોલા સોનાના દાગીના ગાયબ હતા. આ દંપતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તે જ રીતે વિપુલ ચોવટીયાના 27.5 તોલા અને રાજેશ માલવિયાના સૌથી વધુ 60 તોલા સોનાના દાગીના ગાયબ હતા. વધુ 116.5 તોલા દાગીના (કિંમત રૂ. 78 લાખ) ની ચોરી ઉમેરાતાં આંકડો રૂ. 3.49 કરોડ થયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ ઘણા લોકરધારકો બહારગામ છે અથવા તેમને જાણ થઈ નથી, જેથી આ આંકડો આગામી દિવસોમાં રૂ. 5 કરોડને પણ વટાવી જાય તેવી પૂરેપૂરી આશંકા છે. શેરબજારના રૂ. 3 કરોડના ખાડાએ પરિવારને બરબાદ કર્યો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેઈફ વોલ્ટમાં લોકર ધરાવતા અને ડભોલી રોડ પર રહેતા જાણીતા બિલ્ડર રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી પોતાના લોકરમાંથી દાગીના લેવા પહોંચ્યા હતા. રમેશભાઈએ જ્યારે પોતાનું લોકર ખોલ્યું ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. તેમના લોકરમાં મૂકેલા રૂ. 2.68 કરોડની કિંમતના 206 તોલા સોનાના દાગીના ગાયબ હતા! તેમણે તુરંત નક્ષત્ર સેફ વોલ્ટના સંચાલક મહેશ દિયોરા અને તેના પુત્રો પાસે ખુલાસો માંગ્યો, પરંતુ આરોપીઓ ગોળ-ગોળ જવાબો આપવા લાગ્યા હતા. આખરે રમેશભાઈ વાઘાણીએ સિંગણપોર પોલીસ મથકમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસ મથકના પીઆઈ પી. એમ. ચૌધરી અને તેમની ટીમે ફરિયાદ મળતાની સાથે જ વોલ્ટના માલિક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ અને હરિકૃષ્ણની અટકાયત કરી હતી. એક પ્રતિષ્ઠિત લોકર વોલ્ટના માલિકો પોતે જ ચોરીમાં સામેલ છે તે વાત શરૂઆતમાં માનવી મુશ્કેલ હતી, પરંતુ જ્યારે પોલીસે કાયદાનું ભાન કરાવીને કડક પૂછપરછ કરી ત્યારે પિતા-પુત્રો તૂટી પડ્યા હતા. તેમણે જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. માલિક મહેશ દિયોરાના પુત્ર હર્ષને શેરબજારમાં ઓનલાઇન ટ્રેડિંગ અને સ્પેક્યુલેશનમાં રૂ. 3 કરોડનું અતિશય ભારે નુકસાન થયું હતું. શેરબજારના દેવાં અને વ્યાજખોરોની ઉધારી ચૂકવવા માટે હર્ષ પર ભારે દબાણ હતું. પૈસા ચૂકવવાનો કોઈ જ રસ્તો ન દેખાતાં હર્ષે તેના પિતા મહેશ દિયોરા અને ભાઈ હરિકૃષ્ણ સાથે મળીને પોતાના જ વોલ્ટના ગ્રાહકોના સોના પર ડોળો નાખ્યો હતો. લોકરમાંથી ચોરેલું સોનું મૂળ સ્વરૂપે વેચવા જાય તો પકડાઈ જવાય, તેથી તેમણે સોનાના દાગીનાને ભઠ્ઠીમાં ઓગાળીને તેની સોનાની લગડીઓ બનાવી દીધી હતી અને બાદમાં સુરતના સોનીઓને વેચી માર્યા હતા. પોલીસ કાર્યવાહી, ધરપકડ અને જપ્ત કરાયેલો મુદ્દામાલ સિંગણપોર પોલીસે આ કેસમાં ખૂબ જ ઝડપી અને ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ગુનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધારો, ચાવી બનાવનાર અને ચોરીનું સોનું ખરીદનાર સોનીઓ સહિત તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 15 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. હર્ષે ચોરીનું સોનું વેચીને મળેલા નાણાં બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. પોલીસે તે તમામ બેંક સ્લિપો અને પાસબુક કબ્જે કરીને બેંક એકાઉન્ટ્સ સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સોનીઓ પાસેથી ઓગાળેલું સોનું અને સોનાના દાગીના રિકવર કરવાની તજવીજ ચાલુ છે. પોલીસે આરોપી મહેશ દિયોરા, તેના બંને પુત્રો અને મણીલાલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. પીઆઈ પી. એમ. ચૌધરી નાણાકીય વ્યવહારો અને અન્ય સોનીઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે. લોકર ધરાવતા લોકો માટે ચેતવણી અને જાગૃતિ સુરતના નક્ષત્ર સેફ વોલ્ટમાં બનેલી આ આઘાતજનક ઘટનાએ પ્રાઇવેટ લોકર વોલ્ટની સુરક્ષા અને વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી દીધા છે. બેંકોની સરખામણીએ પ્રાઇવેટ સેફ વોલ્ટમાં ઓછો કાગળિયાનો ઝંઝટ અને સરળતાથી લોકર મળી જતું હોવાથી ઘણા લોકો પોતાના કરોડો રૂપિયાના દાગીના પ્રાઇવેટ વોલ્ટમાં મૂકી દેતા હોય છે. પરંતુ આ કેસ સાબિત કરે છે કે જો વોલ્ટના માલિકોની દાનત જ બગડે તો ગ્રાહકનું સોનું ક્યાંય સુરક્ષિત નથી. સિંગણપોર બ્રાન્ચના મોટાભાગના લોકર ખાલી કરાયા જો તમારું કે તમારા સગા-સંબંધિઓનું લોકર 'નક્ષત્ર સેફ વોલ્ટ' ની સિંગણપોર, વરાછા કે મહિધરપુરા બ્રાન્ચમાં હોય, તો વિલંબ કર્યા વિના તુરંત જઈને લોકર ખોલીને તમારો તમામ સામાન ચકાસી લો. હાલ સિંગણપોર બ્રાન્ચના મોટાભાગના લોકરધારકો પોતાના લોકરો ઓપરેટ કરીને સોના-ચાંદીના દાગીના ઘરે પરત લઈ જઈ રહ્યા છે અને લોકરો ખાલી કરી રહ્યા છે. જો તમારા લોકરમાંથી કોઈ પણ નાની કે મોટી ચોરી થઈ હોવાનું માલૂમ પડે, તો તુરંત જ સિંગણપોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવવી. આ ઘટના સુરત શહેર માટે એક મોટો પાઠ છે કે પોતાના કિંમતી સામાન અને આજીવન કમાણીની સુરક્ષા માટે માત્ર ચાર દીવાલો કે મોટા લોક પર આંધળો વિશ્વાસ ન મૂકવો.
    Click here to Read More
    Previous Article
    ગુરુપૂર્ણિમાએ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓની ભીડ:હનુમાનજીને સુવર્ણ વાઘાનો ભવ્ય શણગાર; દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા
    Next Article
    સિહોરના રિક્ષા ચાલકના બે બેંક એકાઉન્ટમાંથી 90 હજાર ઉપડી ગયા:સોશિયલ મીડિયા પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરી હતી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment