Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રગલના દિવસોમાં 12 લોકો રૂમમેટ હતા:પહેલી ફી માત્ર ₹70 હજાર હતી, ‘ધમાકા’ના 10 દિવસના શૂટ માટે કાર્તિક આર્યનને મળ્યા ₹20 કરોડ

    6 hours ago

    ગ્વાલિયરનો એક છોકરો, જેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડૉક્ટર અથવા એન્જિનિયર બને, પરંતુ તેનું સપનું ફિલ્મોમાં કામ કરવાનું હતું. પછી તે એન્જિનિયરિંગના અભ્યાસના બહાને મુંબઈ આવ્યો. મુંબઈમાં ન તો કોઈ ઓળખાણ હતી કે ન તો કામ અપાવનાર કોઈ ગૉડફાધર. ઑડિશન આપવા માટે તે સોશિયલ મીડિયા પર કાસ્ટિંગની માહિતી શોધતો હતો. ઘણી વખત ઑડિશન આપ્યા વિના જ પાછા ફરવું પડતું હતું. સંઘર્ષના દિવસોમાં પરિસ્થિતિ એવી બની કે તેને 12 છોકરાઓ સાથે એક ફ્લૅટ શેર કરવો પડ્યો. પહેલી ફિલ્મ મળી ત્યારે માત્ર 70 હજાર રૂપિયા મળ્યા, પરંતુ તેણે હાર માની નહીં. બાદમાં તેણે કરોડો રૂપિયાની ફી લીધી. તેની ફિલ્મોએ 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું અને શાનદાર અભિનય માટે તેને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કાર્તિક આર્યનની. આજે તેમના 36મા જન્મદિવસે જાણીએ તેમની સંઘર્ષ, રિજેક્ટશન અને આર્થિક મુશ્કેલીઓની કહાની. ડૉક્ટર માતા-પિતા ઇચ્છતા હતા કે દીકરો એન્જિનિયર બને કાર્તિકનો જન્મ 22 નવેમ્બર 1990ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા મનીષ તિવારી અને માતા માલા તિવારી બંને ડૉક્ટર છે. તેમની એક નાની બહેન કૃતિકા પણ છે. પરિવારમાં અભ્યાસને ઘણું મહત્વ આપવામાં આવતું હતું. માતા-પિતા ઇચ્છતા હતા કે કાર્તિક પણ ડૉક્ટર અથવા એન્જિનિયર બને, પરંતુ કાર્તિકનું મન ફિલ્મોમાં લાગતું હતું. નવમા ધોરણમાં જ તેમણે અભિનેતા બનવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું હતું. કાર્તિકે ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમનો પરિવાર આર્થિક રીતે ખૂબ મજબૂત નહોતો. માતા-પિતા પોતાનું ક્લિનિક શરૂ કરવા માટે લોન પણ લઈ રહ્યા હતા. ગ્વાલિયરમાં ડૉક્ટર હોવા છતાં તેમની આવક એટલી નહોતી કે પરિવાર સરળતાથી મોટા ખર્ચાઓ ઉઠાવી શકે. કાર્તિક જાણતા હતા કે માતા-પિતા પર પહેલેથી જ જવાબદારીઓ હતી. તેથી તેમણે પોતાના અભિનયના સપના વિશે ખુલ્લેઆમ વાત કરી નહોતી. એન્જિનિયરિંગના અભ્યાસના બહાને મુંબઈ પહોંચ્યા કાર્તિકે મુંબઈની ડી.વાય. પાટીલ કૉલેજમાં બાયોટેકનોલોજી એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. તેમનો હેતુ અભ્યાસની સાથે-સાથે ફિલ્મોના ઑડિશન આપવાનો પણ હતો. તેમણે ફિલ્મફેરને જણાવ્યું હતું કે માતા-પિતાને લાગતું હતું કે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે મુંબઈ ગયા છે, પરંતુ હકીકતમાં તેઓ ત્યાં અભિનયની તકો શોધી રહ્યા હતા. વર્ષ 2008માં 18 વર્ષની ઉંમરે તેઓ ગ્વાલિયરથી મુંબઈ પહોંચ્યા. શરૂઆતમાં નવી મુંબઈના નેરુલમાં છ લોકો સાથે રહેતા હતા. બાદમાં આર્થિક સ્થિતિને કારણે 12 છોકરાઓ સાથે એક ફ્લેટ શેર કરવો પડ્યો. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તેમની સાથે રહેતા છોકરાઓને પણ ખબર નહોતી કે કાર્તિક અભિનેતા બનવા માગે છે. તેમણે પોતાના મિત્રોને કહ્યું હતું કે તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં બાયોટેક્નોલોજીની ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. ફેસબુક પર ઓડિશન શોધતા, નકાર મળ્યા પછી પણ હાર ન માની કાર્તિક માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવું સરળ નહોતું. તેમની પાસે કોઈ મોટા પ્રોડક્શન હાઉસનો નંબર નહોતો. ન તો કોઈ એવી વ્યક્તિ હતી, જે તેમને સીધી ફિલ્મ અપાવી શકે. તેઓ ફેસબુક પર કાસ્ટિંગ અને ઑડિશન સાથે જોડાયેલી પોસ્ટ્સ શોધતા હતા. આ દરમિયાન તેમને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'ના ઑડિશન વિશે જાણકારી મળી. કાર્તિકે પોતાની તસવીરો મોકલી. રસપ્રદ વાત એ છે કે તેમની પાસે પ્રોફેશનલ પોર્ટફોલિયો બનાવડાવવાના પૈસા પણ નહોતા. તેથી તેઓ ગ્રુપ ફોટામાંથી પોતાનો ચહેરો કાપીને કાસ્ટિંગ એજન્ટ્સને મોકલતા હતા. ઘણી વાર તેમને ઑડિશન આપવાની તક પણ મળતી નહોતી. કેટલાક લોકો કહેતા હતા કે તેઓ પાત્ર પ્રમાણે યોગ્ય નથી. કાર્તિકે જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયામાં ઘણી વાર ઑડિશન આપવા જતા હતા. આવવા-જવામાં લગભગ છ કલાક સુધીનો સમય લાગી જતો હતો. વર્ષ 2011માં કાર્તિકને લવ રંજનની ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તેમની સાથે દિવ્યેન્દુ શર્મા, નુસરત ભરુચા અને સોનાલી સહગલ પણ જોવા મળ્યાં હતાં. ફિલ્મમાં કાર્તિકે રજત નામનું પાત્ર ભજવ્યું હતું. તેમનો લગભગ પાંચ મિનિટનો મોનોલોગ ખૂબ ચર્ચામાં રહ્યો. જોકે, શરૂઆતના ઑડિશનમાં રિજેક્ટ થયા પછી પણ કાર્તિકની તસવીરો મંગાવવામાં આવી અને તેમને ફરીથી બોલાવવામાં આવ્યા. લગભગ છ મહિનાની ઑડિશન પ્રક્રિયા અને શરૂઆતના રિજેકશન બાદ અંતે તેમને ફિલ્મમાં ‘રજ્જુ’નું પાત્ર મળ્યું. પહેલી ફિલ્મ માટે મળ્યા હતા 70 હજાર રૂપિયા જૂન 2024માં રાજ શમાનીના પોડકાસ્ટમાં કાર્તિકે પોતાની પહેલી ફિલ્મની ફી વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ‘પ્યાર કા પંચનામા’ માટે તેમને 70 હજાર રૂપિયા મળ્યા હતા. ટેક્સ કપાયા બાદ તેમના હાથમાં માત્ર 63 હજાર રૂપિયા આવ્યા હતા. કાર્તિકે એ પણ જણાવ્યું કે તેમના પહેલા જાહેરાત માટે તેમને માત્ર 1,500 રૂપિયા મળ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું હતું કે ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ માટે પણ તેમને એક કરોડ રૂપિયા મળ્યા નહોતા. તેમના મુજબ, આ ફિલ્મ બાદ તેમની સાચી કમાણી શરૂ થઈ. પહેલી ફિલ્મ માટે પસંદગી થયા બાદ રસ્તામાં અકસ્માત થયો કાર્તિકના સંઘર્ષમાં એક એવો વળાંક પણ આવ્યો, જ્યારે તેમને લાગ્યું કે તેમનું સપનું ફરી અધૂરું રહી જશે. 'પ્યાર કા પંચનામા'ના ઓડિશનમાં પસંદગી થયા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ જે ઑટો રિક્ષામાં બેઠા હતા, તેનો અકસ્માત થયો. આ અકસ્માતમાં તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો. કાર્તિકને ડર હતો કે શૂટિંગ પહેલાં ઈજા થવાને કારણે તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવશે. તેમણે પ્રોડક્શન ટીમને શૂટિંગ થોડા દિવસો આગળ ધપાવવાની વિનંતી કરી. ટીમે તેમની વાત માની લીધી અને તેમને ફિલ્મમાં કામ કરવાની તક મળી. બે ફિલ્મો કર્યા પછી પણ પરિસ્થિતિમાં થયો નહીં ફેરફાર 'પ્યાર કા પંચનામા' બાદ કાર્તિકે 'આકાશવાણી'માં કામ કર્યું. ત્યારબાદ 2015માં 'પ્યાર કા પંચનામા 2' રિલીઝ થઈ. આ ફિલ્મોથી તેમને ઓળખ મળવા લાગી હતી, પરંતુ આર્થિક સ્થિતિમાં તરત મોટો ફેરફાર આવ્યો નહોતો. કાર્તિકે જણાવ્યું હતું કે 'પ્યાર કા પંચનામા' બાદ પણ તેમને વધારે કામ મળી રહ્યું નહોતું. તેઓ પોતાની ત્રીજી ફિલ્મ 'કાંચી: ધ અનબ્રેકેબલ' રિલીઝ થાય ત્યાં સુધી 12 છોકરાઓ સાથે એ જ ફ્લેટમાં રહેતા રહ્યા. 2018માં બદલાયું નસીબ, ફિલ્મ 100 કરોડ ક્લબમાં પહોંચી કાર્તિકની કારકિર્દીમાં 2018નું વર્ષ ઘણું મહત્વપૂર્ણ સાબિત થયું. આ જ વર્ષે તેમની ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' રિલીઝ થઈ. લવ રંજનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાર્તિક સાથે નુસરત ભરુચા અને સની સિંહ જોવા મળ્યા. ફિલ્મની વાર્તા મિત્રતા, પ્રેમ અને લગ્ન વચ્ચે ફસાયેલા સંબંધ પર આધારિત હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું. ત્યાર બાદ કાર્તિકની ઓળખ માત્ર એક ઊભરતા અભિનેતા પૂરતી સીમિત રહી નહીં. તેમને મોટા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા. ત્યાર બાદ 'લુકા છુપી', 'પતિ પત્ની ઔર વો' અને 'ધમાકા' જેવી ફિલ્મોમાં તેમણે અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવ્યા. વળી, તેમની કારકિર્દીનો એક વધુ મોટો વળાંક 2022માં આવ્યો. તેમની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' રિલીઝ થઈ. તેમાં તેમની સાથે કિયારા અડવાણી અને તબુ જોવા મળ્યાં. લગભગ 65 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 260 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. 'ધમાકા'ના 10 દિવસના શૂટિંગ માટે મળ્યા 20 કરોડ રૂપિયા કાર્તિકની પહેલી ફિલ્મની ફી 70 હજાર રૂપિયા હતી. પરંતુ થોડાં વર્ષો બાદ તેમની કમાણીમાં મોટો ફેરફાર આવ્યો. વર્ષ 2021માં રામ માધવાનીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધમાકા' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી. તેમાં કાર્તિકે પત્રકાર અર્જુન પાઠકનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ માત્ર 10 દિવસમાં પૂર્ણ થયું હતું. જાન્યુઆરી 2021માં મનીકન્ટ્રોલના અહેવાલમાં ટ્રેડ સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે કાર્તિકને આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા મળ્યા હતા. બાદમાં જાન્યુઆરી 2023માં 'આપ કી અદાલત' કાર્યક્રમમાં કાર્તિકે આ ફી અંગે વાત કરી હતી. કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને કોરોના સમયગાળા દરમિયાન 10 દિવસના શૂટિંગ માટે 20 કરોડ રૂપિયા મળ્યા હતા? કાર્તિકે જવાબ આપ્યો હતો કે હા, આ ફિલ્મ 'ધમાકા' જ હતી અને આટલા દિવસોના શૂટિંગ માટે તેમને આ રકમ મળી હતી. તેમણે પોતાની કમાણીનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓ પોતાના નિર્માતાઓને તેમની લાગત કરતાં વધુ કમાણી કરાવવાનો પ્રયાસ કરે છે. જોકે, કાર્તિકની કહાની માત્ર પૈસા અને લક્ઝરી સુધી મર્યાદિત નથી. તેમણે પોતાની કારકિર્દીમાં અલગ-અલગ પ્રકારના પાત્રો પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે. 'ચંદુ ચેમ્પિયન'માં તેમણે પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માટે તેમણે પોતાની ફિટનેસ પર ઘણું કામ કર્યું. કબીર ખાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં તેમનું ટ્રાન્સફોર્મેશન પણ ચર્ચામાં રહ્યું. ફિલ્મમાં પોતાના અભિનય માટે કાર્તિકને 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો. તેમણે આ પુરસ્કાર મમૂટી સાથે શેર કર્યો. ક્યારેક થર્ડ હેન્ડ કારમાં ફરતા હતા, આજે અનેક લક્ઝરી કાર કાર્તિક પાસે હાલમાં મિની કૂપર અને લેમ્બોર્ગિની સહિત અનેક ગાડીઓ છે. જોકે, સંઘર્ષના દિવસોમાં તેઓ એક થર્ડ હેન્ડ કારમાં ફરતા હતા. દિવ્ય ભાસ્કરને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘મેં એક થર્ડ હેન્ડ કાર ખરીદી હતી. એ એવી કાર હતી, જેને કોઈ મફતમાં પણ ન ખરીદે. ઘણા વર્ષો સુધી તેનો ઉપયોગ કર્યો હતો. ખેર, મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. સારી ગાડી ખરીદી શકું એટલા પૈસા પણ નહોતા. બસ કામ ચલાવવા માટે લીધી હતી.’ ક્યારેક શાહરુખના ઘરની બહાર ઊભા રહીને મન્નતને જોતા હતા કાર્તિક શાહરુખ ખાનના મોટા પ્રશંસક રહ્યા છે. વર્ષ 2008માં જ્યારે તેઓ પહેલી વાર ગ્વાલિયરથી મુંબઈ પહોંચ્યા હતા, ત્યારે પોતાના મનપસંદ એક્ટરની એક ઝલક મેળવવા માટે બાંદ્રા સ્થિત 'મન્નત'ની બહાર પણ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તે સમયે તેમની ઉંમર 18 વર્ષની હતી. તેમને આશા હતી કે કદાચ શાહરુખ બાલ્કનીમાં આવે અને તેઓ તેમને જોઈ શકે. આજે કાર્તિક પોતે એ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. બાદમાં શાહરુખે 'ભૂલ ભુલૈયા 2' જોયા પછી તેમની મુલાકાત લીધી હતી અને ફિલ્મની પ્રશંસા પણ કરી હતી. કાર્તિકે એમ પણ કહ્યું કે તે શાહરુખ અને અમિતાભ બચ્ચન જેવા કલાકારોને હંમેશાંથી પસંદ કરતો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોંઘેરા મહેમાનોને મોંઘી રિટર્ન ગિફટ!:કાવ્યા-અનિરુદ્ધના લગ્નમાં કર્મચારીઓને મળી વીંટી; પ્રિયંકા-નિકે ચાંદીના સિક્કા તો દીપિકા-રણવીરે આપી સિલ્વર પ્લેટેડ ફ્રેમ
    Next Article
    ઇઝરાયલમાં નવી સરકારનો તખ્તો તૈયાર?:આઇઝનકોટનું નેતન્યાહૂની પાર્ટીને તેડું, PM પદ માટે રાખી શરત; સાત દિવસ પહેલાં કહ્યું હતું- હું નેતન્યાહૂની જાળમાં નહીં ફસાઉં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment