Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજા પાણીમાં ડૂબી અને નેતાઓએ કાજુ કતરીથી મોં મીઠા કર્યા:સુરતમાં અનરાધાર વરસાદથી પ્રજા ત્રાહિમામ, 12 સમિતિના ચેરમેનોએ ઢોકળા, ખમણ અને ઈડલી-સાંભરની જયાફત માણી

    12 hours ago

    સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં અંદાજે 11 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. આ આકાશી આફત વચ્ચે આખું સુરત પાણીમાં ડૂબી ગયું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. આવી ગંભીર કટોકટીમાં જેમની ફરજ લોકોની વહારે જવાની હતી, તે સુરત મહાનગરપાલિકાના નગરસેવકો અને નેતાઓ જનતાની પીડા ભૂલીને કચેરીમાં નવી ગાડીઓ, આલીશાન ઓફિસો મેળવવાની અને સમિતિઓના ચેરમેન પદનો ચાર્જ સંભાળવાની ખુશીમાં રાચતા નજરે પડ્યા હતા. સુરતીઓ વરસાદી પાણી સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે આ શાસકો મનપસંદ પદો ગ્રહણ કરીને મોંઘા નાસ્તા ઝાપટવામાં અને શુભેચ્છાઓ સ્વીકારવામાં વ્યસ્ત હતા. સુરતમાં રેડ એલર્ટથી બજારો અને સ્કૂલો બંધ, લોકો ઘરોમાં નજરકેદ હવામાન વિભાગ દ્વારા સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે શાળા-કોલેજો, મુખ્ય બજારો, દુકાનો અને તમામ વેપાર-ધંધા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી તો ક્યાંક ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને સામાન્ય નાગરિકો પોતાના જ ઘરોમાં નજરકેદ થવા માટે મજબૂર બન્યા છે. ચારેય તરફ જાણે બેટ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, છતાં જે નગરસેવકોને જનતાએ વોટ આપીને વિજેતા બનાવ્યા છે તે જનતાની સેવા કરવાને બદલે પાલિકાના એસી રૂમોમાં પદગ્રહણના જલસા કરી રહ્યા હતા. આફત વચ્ચે ભાજપ પ્રમુખ આ કાર્યક્રમ મોકૂફ રાખી શક્યા હોત આ કાળઝાળ સ્થિતિ વચ્ચે પણ મુગલીસરા ખાતે આવેલા તાપી ભવનમાં આજે સુરત મહાનગરપાલિકાની 12 વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૂરની સ્થિતિમાં અટવાયેલા શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આજે આ પદગ્રહણ કરવું એટલું જ જરૂરી હતું? જે ચેરમેનો પોતાની નવી સરકારી ગાડી અને વૈભવી ઓફિસો મેળવવાની લ્હાયમાં વ્યસ્ત દેખાયા, તેમના આ કાર્યક્રમને સુરત ભાજપ પ્રમુખ ધારે તો પ્રજાની હાલાકી જોઈને મોકૂફ રાખી શક્યા હોત. પરંતુ, સત્તાના નશામાં પ્રજાના હિત કરતાં હોદ્દાની ઉજવણીને વધુ મહત્વ આપવામાં આવ્યું. ખાડીઓ ઓવરફ્લો અને ઘરો ડૂબ્યા છતાં પાલિકામાં શુભેચ્છાઓનો દોર શહેરની મુખ્ય 2 ખાડીઓ ઓવરફ્લો થઈ જવાને કારણે સેંકડો લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજારો લોકો ભૂખ્યા-તરસ્યા મદદની રાહ જોઈ રહ્યા છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ પાલિકાની મુખ્ય કચેરીમાં કોઈ જ અફસોસ વિના 12 સમિતિના ચેરમેનો પદ ગ્રહણ કરી રહ્યા હતા. ત્યાં હાજર નેતાઓ અને નગરસેવકો એકબીજાને બધાઈ આપવામાં એટલા મશગૂલ હતા કે તેમને બહારની સ્થિતિની કોઈ પરવા નહોતી. ભાજપના વોર્ડ પ્રમુખો, હોદ્દેદારો, સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ પૂરપીડિત પ્રજાને ભગવાન ભરોસે છોડીને કચેરીમાં સેલ્ફી સેશન અને ફોટોગ્રાફી કરાવવામાં વ્યસ્ત હતા. ઢોકળા, ખમણ અને ઈડલી-સંભારની જયાફત માણી દિવ્ય ભાસ્કરના રિપોર્ટિંગ દરમિયાન પાલિકાની અંદર ચાલી રહેલી આ ભવ્ય મેજબાનીની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલો આ કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. જ્યારે આખું શહેર પાણીના નિકાલ માટે વલખાં મારી રહ્યું હતું, ત્યારે પાલિકા કચેરીમાં પદગ્રહણ નિમિત્તે નેતાઓ માટે ગરમાગરમ ઢોકળા, ખમણ અને ઈડલી-સંભાર જેવા સ્વાદિષ્ટ નાસ્તા પીરસવામાં આવી રહ્યા હતા. આપત્તિના સમયે પણ જનપ્રતિનિધિઓ આ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી રહ્યા હતા અને કચેરીનું વાતાવરણ પૂરના સંકટથી તદ્દન વિપરીત કોઈ લગ્નપ્રસંગ જેવું ભાસી રહ્યું હતું. કાજુ કતરીના પેકેટો વહેંચાયા, નેતાઓના કેબિનોમાં મોં મીઠા કરાયા નાસ્તા ઉપરાંત, ખુશીની ઉજવણી કરવા માટે તમામ ચેરમેનોની કેબિનોમાં મીઠાઈઓનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. કચેરીના સૂત્રો અને તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, પદગ્રહણ કરનારા નેતાઓને મળવા આવતા કાર્યકર્તાઓ અને પ્રશંસકો માટે કાજુ કતરીના મોટા-મોટા 2-2 પેકેટો રાખવામાં આવ્યા હતા. આ દરેક પેકેટો 1-1 કિલોગ્રામના હતા, જેનો ઉપયોગ એકબીજાના મોં મીઠા કરાવવા માટે થઈ રહ્યો હતો. પૂર પીડિતો માટે સરકારી ફૂડ પેકેટોની કોઈ વ્યવસ્થા હજુ સુધી દેખાતી નથી, પણ નેતાઓ માટે કિલો-કિલો કાજુ કતરીની વ્યવસ્થા મિનિટોમાં થઈ ગઈ હતી. જનતામાં ભારે આક્રોશ, 'કેવા લોકોને અમે મત આપી દીધા?' મુગલીસરા કચેરીની અંદર ચાલી રહેલી આ ઉજવણી, નાસ્તાની પ્લેટો અને પ્રશંસકો દ્વારા લેવાતી તસવીરોની વિગતો બહાર આવતા જ સુરતના સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર અને પૂરના પાણીમાં ફસાયેલા લોકો હવે આકરા સવાલો પૂછી રહ્યા છે. મુગલીસરા તાપી ભવનની આ સંવેદનહીનતા જોઈને સુરતના નાગરિકો લાચારીપૂર્વક વિચારી રહ્યા છે કે, "કટોકટીના સમયે પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે જલસા કરતા આવા નેતાઓને શું અમે આ દિવસ જોવા માટે મત આપ્યા હતા?" જનપ્રતિનિધિઓની આ ગંભીર બેદરકારી લાંબા સમય સુધી સુરતીઓના મનમાં ખટકતી રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:પીઝા બેઇઝથી લઈને ફ્રોઝન સમોસા અને વાસી મીઠાઈ સહિત 11 પેઢીમાંથી 122 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો, રૂ. 13,000નાં દંડની વસુલાત કરાઈ
    Next Article
    વીજવાયર તૂટીને મહિલા પર પડ્યો, CCTV:બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી, UGVCLની ઘોર બેદરકારીથી પરિવાર-ગ્રામજનોમાં રોષ; દહેગામના હાલીસા ગામનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment