Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા:દુનિયાના 12 દેશોમાં જેન-ઝી વિદ્રોહ, શિક્ષણ અને ઘરનાં ભાડાં જેવા મુદ્દે સરકારોને હચમચાવી, ભારત જેવી ખતરનાક પેટર્ન

    14 hours ago

    તમે સારા ટકા લાવો, મોંઘી એવી ડિગ્રી મેળવો, રાત-દિવસ મહેનત કરો અને છતાં આખી જિંદગી પોતાનું એક ઘર કે કાયમી નોકરી ન મળે તો? ગુસ્સો આવે ને? આજે દુનિયાભરના રસ્તાઓ પર આવા જ કારણોને લઈને યુવા જેનઝી પેઢીની આગ દેખાઈ રહી છે. આ કોઈ રાજકીય પાર્ટીના નથી, કોઈ એક વિચારધારાના નથી, તેમની પાસે છે તો તૂટેલા સપના છે. જેનો આક્રોશ આજે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને તેના કારણે ભલભલા દેશોના સત્તાના સિંહાસનો ડોલવા લાગ્યા છે. યુરોપના ફ્રાન્સથી લઈને કાઠમંડુની ગલીઓ સુધી અને મેડ્રિડના ચોકથી લઈને દિલ્હીના જંતર મંતર સુધી કેવી રીતે આ યુવા આક્રોશ ફેલાયો છે? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર... પાછલા એક મહિનામાં જે ઘટનાઓ ઘટી કે સમાચારો આવ્યા તે બધા જુઓ અને દુનિયાના નકશા પર એક નજર ફેરવો. તમને જોવા મળશે કે ફ્રાન્સ, બેલ્જિયમ અને ઈટાલી જેવા પૈસાવાળા અને બૌદ્ધિક યુરોપિયન દેશોમાં વિદ્યાર્થીઓએ શાળાઓને તાળા મારી દીધા છે. બીજી બાજુ સ્પેનના 50 શહેરોમાં હજારો યુવાનો રસ્તા પર તંબુ તાણીને બેઠા છે, તો ચીલી અને મોરક્કોમાં યુવાનો પોલીસની લાઠીઓ અને વોટર કેનન સામે છાતી કાઢીને ઊભા છે. આવા જ દ્રશ્યો આપણે દિલ્લીમાં પણ જોવા મળી રહ્યા છે, જ્યાં જંતર મંતર પર પેપર લીક અને ચૂંટણી પ્રોસેસની જવાબદારી મામલે હજારો યુવાનોએ પ્રચંડ મોરચો માંડ્યો છે. હાલ એવા થઈ ગયા છે કે દાયકાઓથી લોકશાહી વિરોધનું સિમ્બોલ ગણાતા જંતર મંતર ગ્રાઉન્ડને જ વિરોધ સ્થળમાંથી ડિનોટીફાય એટલે કે રદ કરી દેવું પડ્યું છે. પણ તમે એક વસ્તુ નોટ કરી? આપણે ઉપર જેટલા પણ દેશોની વાત કરી એમાં જેનઝી સિવાય કોઈ સિમિલારિટી નથી, છતાં પણ આખી દુનિયામાં અલગ-અલગ મામલે વિરોધો થઈ રહ્યા છે. ફ્રાન્સની વાત કરીએ તો એ દુનિયાના સૌથી અમીર અને વિકસિત દેશ છે, સામેની બાજુ નેપાળ એકદમ ગરીબ અને ઉભરતો દેશ છે. સ્પેનમાં ડાબેરી સરકાર છે તો ચીલીમાં જમણેરી વિચારધારાની સરકાર સામે પોલિટિકલ પ્રેશર અને બજેટ કાપની નીતિ છે. ભારતની વાત કરીએ તો આપણે સૌથી મોટી ડેમોક્રેસી છીએ, તો મોરક્કો રાજાશાહીથી ચાલે છે. ટૂંકમાં કોઈ સમાનતા નથી દેખાતી. સરકાર ડાબેરી-જમણેરી, તિજોરી ભરેલી-ખાલી કોઈ ફરક નથી પડતો તો આનો મતલબ શું થાય? કોઈ પણ દેશ ચલાવવાની સિસ્ટમ ભલે ગમે તે હોય, સરકારની વિચારધારા ભલે ગમે તે હોય કે પછી સરકારની તિજોરી ભલે ભરેલી હોય કે ખાલી હોય, કોઈ ફેર નથી પડતો. બધી જ જગ્યા પર 1997થી 2012 વચ્ચે જન્મેલી જેનઝી પેઢીનો ગુસ્સો બધી જ જગ્યાએ જ્વાળામુખી બનીને ફાટી રહ્યો છે. જો કોઈ સરકાર જેનઝીના વિરોધને ખાલી કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો માનતી હોય તો એ તેમની સૌથી મોટી ભૂલ કહેવાશે. કારણ કે આ યુવાનો ખાલી હાથમાં પોસ્ટર પકડીને વિરોધ કે દેખાવો નથી કરતા. આ એ જ યુવાનોનું વાવાઝોડું છે જેણે બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને મેડાગાસ્કરમાં જામેલી સરકારોના મૂળિયા જડથી ઉખાળી ફેંકેલા છે. નેપાળમાં 48 કલાકમાં સરકારને ઉખેડી ફેંકી નેપાળમાં તો યુવાનોના ગુસ્સા સામે આખું સરકારી માળખું 48 કલાકમાં ભાંગી પડ્યું, સંસદ ભવન સળગ્યું અને પ્રધાનમંત્રીએ ખુરશી ખાલી કરવી પડી. તો મેડાગાસ્કરમાં યુવાનોના બળવા પછી રાષ્ટ્રપતિએ ફ્રેન્ચ નેવીના વિમાનમાં બેસીને દેશ છોડવો પડ્યો. સ્પેનમાં પણ યુવાનોના પ્રેશર સામે સંસદમાં હાઉસિંગ બિલ પડી ભાંગદા વડાપ્રધાનને વહેલી ચૂંટણી કરવાની ફરજ પડી છે. ટૂંકમાં ભાષા એક નથી, જીઓગ્રાફિકલ લોકેશન એક નથી છતાં આ યુવાનોની પીડા એક જ છે. આ વૈશ્વિક ગુસ્સા કે અશાંતિનું મૂળ કોઈ પોલિટિકલ પાર્ટી નહીં પણ રાજ્ય કે સત્તા અને લોકો વચ્ચે તૂટેલા સામાજિક કરારો છે. બીજા વર્લ્ડ વોર પછીના દાયકાઓમાં આખી દુનિયામાં એક અલિખિત નિયમ ચાલતો હતો. શરત એકદમ સિમ્પલ હતી, જો યુવાન પેઢી નિષ્ઠાથી ભણશે, મોટી ડિગ્રી લેશે, કાયદાનું પાલન કરશે અને સખત મહેનત કરશે તો બદલામાં દેશની ઈકોનોમી તેમને સન્માનજનક નોકરી, પોતાનું ઘર અને તેમના માતા-પિતા કરતાં વધુ સિક્યોર લાઈફસ્ટાઈલ આપશે. વર્લ્ડ વોર 2 પછી લોકોની માનસિકતા બદલાઈ આપણા ગુજરાત અને ભારતના મિડલ ક્લાસ પરિવારો પણ વર્ષોથી પોતાના સંતાનોને આ જ સપનું બતાવીને ભણાવે છે. મા-બાપ પોતાની જિંદગીની મૂડી ખર્ચીને સંતાનને ગ્રેજ્યુએટ કે પ્રોફેશનલ બનેવા છે, એ આશાએ કે તેમના દીકરા કે દીકરીનું ફ્યૂચર સેટ થઈ જશે. પણ આજે 2026ના ઈકોનોમિક માળખામાં આ વચન કાચના ગ્લાસની જેમ તૂટી રહ્યું છે. આજે પેરિસથી લઈને દિલ્લી અને મેડ્રિડથી લઈને કાઠમાંડુ સુધીના યુવાનોના મનમાં સૌથી ભયાનક ડર એક જ છે. ભણો, કામ કરો, સેવિંગ કરો અને છતાં જિંદગી સ્ટેબિલિટી સુધી નથી પહોંચતી. પણ ઈતિહાસની આ સૌથી વધુ શિક્ષિત પેઢી અચાનક કેમ આટલી બધી લાચાર બની ગઈ? અને અમીર દેશોની તિજોરીઓ કે ચમકતા સ્ટેડિયમ્સ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ યુવાનોના રોષને ઠારી નથી શકતા? તો ચાલો હવે તેની વાત પણ કરી લઈએ. દુનિયાના અર્થતંત્ર પાસે યુવાનોને આપવા નોકરી નથી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ILOના સપ્ટેમ્બર 2026ના ડેટા કહે છે કે દુનિયામાં આજે યુવાનોની વસ્તી 1.3 અબજને પાર કરી ગઈ છે પણ ઈકોનોમી પાસે તેમને આપવા માટે કોઈ સન્માનજનક કામ નનથી. સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે દુનિયાના 20 ટકા યુવાનો એટલે કે 25.7 કરોડથી વધુ યુવક-યુવતીઓ આજે NEET કેટેગરીમાં ધકેલાઈ ગયા છે. નીટ એટલે મેડિકલ પરીક્ષા નહીં પણ એવા યુવાનો જે ન તો કોઈ નોકરીમાં છે, ન તો એજ્યુકેશનમાં કે ન તો કોઈ તાલીમમાં જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે Not in Employment, Education, or Training. દુનિયાના 11માંથી 8 પ્રદેશોમાં આ હાલ પહેલા કરતાં પણ વધુ બગડી ગયા છે. ઈકોનોમીસ્ટ આને ઓવર એજ્યુકેશન પેરાડોક્સ કહે છે, એટલે કે અતિ શિક્ષણનો વિરોધાભાસ. ઈતિહાસમાં પહેલીવાર આજની પેઢી સૌથી વધુ ભણેલી છે, છતાં તેમનામાં બેરોજગારીનો દર મોટી ઉંમરના લોકો કરતાં ત્રણ ગણો ઊંચો છે. મોંઘી ડિગ્રી લીધા પછી પણ હાથમાં આવે છે ગિગ વર્કર કે ડિલિવરી બોય જેવી નોકરીઓ અને અધૂરામાં પૂરું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે યુવાનોની 6.1 ટકા નોકરીઓ પર સીધું જોખમ તોળાઈ રહ્યું છે. ચાલો હવે અમીર કહેવાતા યુરોપની હાલત જોઈએ..... ફ્રાન્સના પિરેસ પાસેની ક્રેટેઈલની એક સ્કૂલમાં 17 સપ્ટેમ્બર 2026ના વેકેશન પછી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા, પણ શિક્ષકો જ નહોતા. સરકારી બજેટ કાપ અને ભાંગેલી-તૂટેલી નિશાળ સામે શરૂ થયેલો આ ગુસ્સો જોતજોતામાં 1 હજારથી વધુ શાળાઓના ઘેરાવા સુધી પહોંચી ગયો. ફ્રાન્સ અને સ્પેનમાં સરકાર ફફડી પડી ફ્રાન્સમાં 2 લાખ 66 હજારથી વધુ લોકો આ મામલે વિરોધમાં ઊતર્યા અને પોલીસે સાડા છ હજારથી વધુની ધરપકડ કરી. જેના પ્રેશરમાં સરકારે તાત્કાલિક 3 હજાર નવા ટીચર્સની ભરતી કરવાની જાહેરાત બહાર પાડવી પડી. આ આગ સરહદ વટાવીને બેલિજ્યમ, ઈટાલી અને ગ્રીસની નિશાલો સુધી પણ પહોંચી છે. તો ચીલીમાં એજ્યુકેશન બજેટ બચાવવા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સંસદ પહેલા જ રસ્તા રોકી લીધા છે. શિક્ષણની વાત પછી સૌથી મોટા વધુ એક ઘાની પણ વાત કરીએ, જે છે પોતાના સપનાનું ઘર. સ્પેનમાં છેલ્લા 10 વર્ષમાં ઘરના ભાડામાં લગભગ 84 ટકા સુધી અને શહેરોમાં તો 150 ટકા સુધીનો રાક્ષસી વધારો થયો છે. ત્યાં એવરેજ મહિનાનો પગાર 2 હજાર 469 યુરો છે એટલે કે અંદાજે 2 લાખ 63 હજાર રૂપિયા. પણ મેડ્રિડમાં એક નાના એવા ફ્લેટનું ભાડું જ 1 હજાર 170 યુરો છે એટલે કે પગારનો અડધો ભાગ તો ભાડા ભરવામાં જ જતો રહે છે. કમાણીની અડધી રકમ તો ભાડામાં ભરાય સ્પેનના આ હાલ એટલા માટે થયા છા કારણ કે મોટા ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સે રિયલ એસ્ટેટ પર કબજો કરી લીધો છે. જેના કારણે સ્પેનમાં સાડા સાત લાખ ઘરોની કમી આવી ગઈ છે અને યુરોપિયન યુનિયનના 26.9 ટકા યુવાનો ભરચક ઘરોમાં કે મા-બાપના ઘરે રહેવા મજબૂર બન્યા છે. 23 સપ્ટેમ્બર 2026ના સ્પેનના સમાચાર સાંભળશો તો ધ્રુજી જશો. 87 વર્ષના મારીકાર્મેન નામના દાદીને 70 વર્ષ જૂના ઘરમાંથી સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા. પછી શું? દાદીમાનો સ્વર્ગવાસ થઈ ગયો. આ તો એક સમાચાર છે આવા બનાવો તો સ્પેનના 50 શહેરો બની રહ્યા છે. માટે સરકારે સરકારને 29 નવેમ્બરના રોજ એટલે કે સમયથી વહેલી ચૂંટણી કરવાની ફરજ પડી છે. મોરક્કોના રાજાને યુવાનોએ ખખડાવી નાખ્યા હવે મોરક્કો અને ભારતની વાત કરી લઈએ, અહીં ચમકતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રિયાલિટી કંઈક અલગ જ નજરે પડી રહી છે. મોરક્કોની સરકારે હાઈ સ્પીડ ટ્રેન અને ફૂટબોલ વર્લ્ડ કપ માટે અબજો ડોલરના સ્ટેડિયમ તો બનાવ્યા પણ દેશમાં 15 લાખથી વધુ એટલે કે લગભગ 37 ટકા યુવાનો બેરોજગારીમાં જીવી રહ્યા છે. મોરક્કોમાં 10 હજાર લોકોએ ખાલી 7.8 ડોક્ટર્સ જ એવેલેબલ છે. જ્યારે એક સરકારી હોસ્પિટલની બેદરકારીના કારણે તો 8 પ્રેગ્નેન્ટ મહિલાઓના મોત થઈ ચૂક્યાના પણ સમાચાર છે. આવા બનાવોના કારણે યુવાનો ગુસ્સે ભરાયા અને આંદોલન છેડીને રાજાશાહીને સવાલ કર્યો કે તમારી પાસે સ્ટેડિયમ બનાવવાના પૈસા છે પણ હોસ્પિટલ માટે કેમ રૂપિયા નથી? રાજાને પણ પ્રજા સામે નમવું પડ્યું અને 2026ના બજેટમાં હેલ્થ અને એજ્યુકેશન માટે 16 ટકાના વધારા સાથે 15 અબજ ડોલર ફાળવવા પડ્યા. આપણા ભારતમાં પણ યુવાનોના કંઈક આવા જ હાલ છે. દેશમાં 15થી 29 વર્ષના 25 ટકા યુવાનો કામ કે શિક્ષણ વિનાના છે. સામેની બાજુ કેન્દ્ર સરકારમાં 9.64 લાખ જગ્યાઓ આજની તારીખે પણ ખાલી પડેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 41 પેપર લીક થઈ ચૂક્યા છે જેણે 1.4 કરોડ યુવાનોના સપના પર પાણી ફેરવી દીધું છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા તેની જગ્યા કેટલી હતી ખબર છે? 1.04 લાખ અને ઉમેદવાર? કરોડોમાં. દિલ્લીમાં નીટ અંડર ગ્રેજ્યુએટ 2026માં 22.75 લાખ ઉમેદવારો અને SSCની ખામીઓ સામે લડતા વિદ્યાર્થીઓએ સરકારી સિસ્ટમ સામે બાંગ પોકારી કે તમને અમારી મહેનતની કોઈ કદર જ નથી. જ્યારે દિલ્લીમાં પરીક્ષાની ટ્રાન્સપરન્સી અને SIR મામલે યુવાનોએ ચૂંટણી પંચ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે 12 ઓક્ટોબર 2026ના રોજ જંતર-મંતર ને જ વિરોધનું સ્થળ જ રદ કરી દેવાયું. પણ જેનઝી પેઢીએ આ બધુ કોઈ મોટા ચહેરા, રાજકીય પાર્ટી કે યુનિયન વગર કેમ કર્યું? લાખોની ભીડ કેમ ભેગી થઈ? નેપાળમાં કેમ 48 કલાકમાં જ સરકાર પડી ગઈ? તો આ નેતા વગરની ક્રાંતિ પાછળ શું ગેમ ચાલી રહી છે હવે તેની વાત કરી લઈએ.... કોઈ પણ ચહેરા વગર જેન-ઝીએ કેવી રીતે ભીડ ભેગી કરી? પહેલાના જમાનામાં સરકાર સામે લોકો કે વિદ્યાર્થીઓને વિરોધ કરવો હોય તો કોઈ મોટા રાજકીય પક્ષો, કે નેતા કે યુનિયનની જરૂર પડતી હતી. પણ જેનથીને કોઈ માણસની નહીં પણ સોશિયલ મીડિયાના એલ્ગોરિધમની જરૂર પડે છે. નેપાળનું જ ઉદાહરણ લઈએ... 4 સપ્ટેમ્બર 2025ના નેપાળની કેપી શર્મા ઓલી સરકારે યુવાનોનો અવાજ દબાવવા માટે ફેસબૂક, યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ સહિત 26 જેટલી સોશિયલ મીડિયા એપ્સ પર રાતોરાત બેન મૂકી દીધો. સરકારને લાગ્યું કે આનાથી યુવાનો ઠંડા પડી જશે અને તેમનો અવાજ ગૂંગળાઈ જશે, જેના લીધે આંદોલન વગેરે મોટા નહીં બની શકે. પણ ઈન્ટરનેટ બંધ કરવા છતાં સરકારનો દાવ ઊંધો પડ્યો. જેનઝી એ વીપીએન વાપરીને ડિસ્કોર્ટ એપને જ પોતાનો વોર રૂમ બનાવી દીધો. ક્યૂઆર સ્કેન કરીને હજારો યુવાનો આંદોલનમાં જોડાયા અને કાઠમાંડુને ઘેરી લીધું. પોલીસ ગોળીબારમાં 72 લોકોના મોત થતાં જ રોષ ભભૂકી ઉઠ્યો અને ખાલી 48 કલાકમાં જ સંસદ ભવન અને સિંહ દરબાર ભડકે બળ્યાં. નેપાળના PMએ દેશ છોડીને ભાગવું પડ્યું અધૂરામાં પૂરું નેપાળની જેલો તૂટતા સાડા સાત હજારથી વધુ કેદીઓ ભાગી ગયા અને તેમની સાથે વડાપ્રધાન કેપી શર્મા ઓલીને પણ રાજીનામું આપીને રફુચક્કર થવું પડ્યું. પણ હદ તો ત્યારે થઈ જ્યારે દેશના વચગાળાના પ્રધાનમંત્રી તરીકે પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીની સિલેક્શનની ન્યૂઝ પણ ડિસ્કોર્ડ સર્વર પર જ કરવામાં આવી અને આજે બાલેન શાહ નેપાળના વડાપ્રધાન બનીને બેઠા છે. મેડાગાસ્કરના પણ આવા જ કંઈક હાલ છે. વીજળી અને પાણીની તંગીની સામે યુવાનોએ વન પીસના પાઈરેટ ધ્વજને ક્રાંતિનું પ્રતિક બનાવ્યું અને ખાલી પાંચ જ દિવસમાં 1 લાખ ફોલોઅર્સ ભેગા કરીને રાષ્ટ્રપતિને દેશ છોડવા પર મજબૂર કરી દીધા. આ એ જ ક્રાંતિનું પ્રતિક છે જે દિલ્લીમાં યુવા આંદોલનકારી નેહા બોરાના લાલ ટીશર્ટમાં જોવા મળ્યું હતું. આગળ વધીએ તો ચીલીમાં બજેટ પાસ થાય એ પહેલાનો વિરોધ અને ભારતમાં ચૂંટણી થાય એ પહેલાની SIR યાદી સામેનો મોરચો કહી જાય છે કે યુવા પેઢી હવે નુકસાન થયા પછી રડવાને બદલે પ્રી ઈમ્પિટિવ પોલિટિક્સમાં વધુ માની રહી છે. હવે એક સૌથી અલગ વાત. નેતા હોય ત્યારે પોલીસને આદેશ આપે અને ધરપકડ વગેરે થાય. જ્યારે નેતા જ ન હોય છતાં ભીડ ભેગી થાય અને સરકાર પાડી દેવાના પ્રયાસો થાય, પછી જ્યારે સરકાર પડી જાય પછી શું? અહીં જ નેતા વગરની ક્રાંતિનો મોટો ફાંસો તૈયાર થાય છે. જેના બે જોખમ છે. ક્રાંતિનું હાઈજેકિંગઃ- મેડાગાસ્કરમાં યુવાનોએ લોહી રેડીને રાષ્ટ્રપતિને તો ભગાવી દીધા પણ યુવાનો પાસે સત્તા સંભાળવા માટે કોઈ નેતા કે સંગઠન જ ન હતું. આ ખાલીપાનો સીધો ફાયદો સેનાને CAPSAT નામના મિલિટરી ગ્રુપે ઉઠાવ્યો. 11 ઓક્ટોબરના દીવસે લશ્કરે બળવો કરીને સત્તા કબજે કરી લીધી અને કર્નલ માઈકલ રાન્ડ્રિયાનિરીના દેશના વડા બની ગયા. આજે ત્યાંના યુવાનો હાથ ઘસતા રહી ગયા છે અને લોકશાહીના બદલે લશ્કરશાહી શાસન આવી ગયું છે. આર્થિક લિક્વિડિટી ટ્રેપઃ- જેની કિંમત અત્યારે નેપાળ ચૂકવી રહ્યું છે. સપ્ટેમ્બરના તોફાનોમાં નેપાળમાં 58.2 કરોડ ડોલરની સરકારી અને ખાનગી મિલકતો ક્રાંતિમાં બળીને ખાખ થઈ હતી. હવે જાન્યુઆરી 2026ના નેપાળ રાષ્ટ્ર બેંકના આંકડા એક એવો વિરોધાભાસ બતાવે છે જે દરેક યુવાને સમજવા જેવો છે. ત્યારે નેપાળની બેંક્સમાં પૈસાની રેલમ છેલ હતી, વિદેશી હૂંડિયામણ એટલે કે ફોરેન રિઝર્વ પણ મજબૂત હતું અને મોંઘવારી પણ જાન્યુઆરીમાં 2.42 ટકા આસપાસ હતી. છતાં ખાનગી ઈન્ડસ્ટ્રીને અપાતી લોનમાં 3.6 ટકાનો વધારો થયો. કારણ કે રસ્તા પરની આગ અને તોડફોડ જોયા પછી ઈન્વેસ્ટર્સ અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ એટલા ડરી ગયા કે તે નેપાળમાં કોઈ નવો ધંધો કે ફેક્ટરી નાખવા તૈયાર નથી. આ ઉદાહરણોથી સમજી શકાય છે કે ક્યારેક સિંહાસનો ઉથલાવી દેવાથી રોજગારી નથી મળતી, ઉલ્ટાનું ઈકોનોમી વર્ષો પાછળ ધકેલાઈ જાય છે. યુવાનોને લોકશાહી, રાજાશાહી કે વિકાસથી વાંધો નથી તેમને બહેરી સિસ્ટમથી વાંધો છે. જો દુનિયાની સરકારો યુવાનોના અવાજને ખાલી કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ગણીને દબાવવાની ટ્રાય કરશે અને તૂટેલા સામાજિક કરારો સમયસર નહીં સાંધે, તો આવનાર દિવસોમાં હજુ ઘણા દેશોમાં રાજકીય ભૂકંપ આવી જાય તો નવાઈ નહીં. અને છેલ્લે... રાજનાથ સિંહ રાહુલ ગાંધી પર બરોબરના બગડ્યા. તેમણે કહ્યું કે રાહુલ બાંગ્લાદેશની જેમ સરકાર પાડવા માગે છે, આતંકીઓ પેદા કરવા માગે છે. જેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે અમેં તો એ જ ઈચ્છી રહ્યા છીએ કે રિજિમ ચેન્જ થાય. બંનેના પક્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઘણું કહી જાય છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Rajkot News | રાજકોટમાં ચોમાસાની વિદાય સાથે જ પાણીની કટોકટી | Water Shortage | Gujarati News
    Next Article
    પાટણ નજીક મહેમદપુરમાં પારેવા વીર દાદાની પલ્લી યોજાઈ:આસો સુદ પાંચમે ભક્તો ઉમટ્યા, ઉપવાસીઓએ પારણા કર્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment