Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાનું મકાન ન હોવાથી 114 બાળકો એક ઓરડામાં:2021-22 દરમિયાન અહીંનું જૂનું શાળા મકાન તોડી પાડવામાં આવ્યું, હવે નવું બનાવાતું નથી

    17 hours ago

    નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના સાબુટી ગામમાં છેલ્લા 5 વર્ષથી કાયમી શાળા મકાનની રાહ જોઈ રહેલા બાલવાટિકાથી લઈને ધોરણ 8ના આશરે 114 બાળકોનું ભવિષ્ય હાલ એક જ ઓરડામાં સમાઈ ગયું છે. સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવાના મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ સાબુટી ગામના બાળકો માટે આ દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. વર્ષ 2021-22 દરમિયાન અહીંનું જૂનું શાળા મકાન તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી નવું મકાન બની શક્યું નથી. હાલ શાળા પરિસરમાં માત્ર 2 ઓરડા છે. જેમાંથી એકનો ઉપયોગ ઓફિસ અને સામાન માટે થાય છે. તેથી 114 બાળકો માટે વાસ્તવમાં માત્ર 1 જ ઓરડો ઉપલબ્ધ છે. આવી મર્યાદિત જગ્યામાં એકસાથે આટલા બધા ધોરણના બાળકોને અભ્યાસ કરાવવો કઈ રીતે શક્ય બને તે એક મોટો સવાલ છે. જગ્યાના અભાવે કેટલાક બાળકોને ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં બેસાડીને ભણાવવા પડે છે. સ્થિતિ અત્યંત કફોડી બની છે. પૂરતી જગ્યા, વર્ગખંડ, અને જરૂરી ભૌતિક સુવિધાઓ વિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળશે તે અંગે વાલીઓ ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી હોવાના ગોળગોળ જવાબો જ આપવામાં આવે છે. જો ખરેખર ટેન્ડરિંગ ચાલુ છે તો 5 વર્ષમાં તે પૂર્ણ કેમ ન થયું તેવો સવાલ ઉભો થયો છે. ગ્રાન્ટ કેટલી મંજૂર થઈ છે, અને વર્ક ઓર્ડર ક્યારે અપાશે તેવા વેધક સવાલો ગ્રામજનો પૂછી રહ્યા છે. આટલા વર્ષોથી અધિકારીઓએ ક્યારેય યોગ્ય સ્થળ તપાસ કરીને વાસ્તવિક ગંભીરતા સમજવાનો પ્રયાસ કર્યો નથી. આખરે ધીરજ ખૂટી પડતા આજે ગ્રામજનોએ એકઠા થઈને તંત્રને 7 દિવસનું આખરી અલ્ટિમેટમ આપ્યું છે. જો 7 દિવસમાં શાળા મકાન અંગે નક્કર કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી બહિષ્કારની ચીમકી છતાં માત્ર આશ્વાસન જ મળ્યું‎ સાબુટી ગામના શાળા મકાનનો આ ગંભીર પ્રશ્ન છેક 2024ની લોકસભા ચૂંટણી સુધી પણ પહોંચ્યો હતો. તે સમયે રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનના બહિષ્કારની ચીમકી આપી હતી. આક્રોશ પારખી ગયેલા રાજકીય આગેવાનો અને વહીવટી તંત્ર દોડી આવ્યું હતું. ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ તુરંત જ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી. જોકે, ચૂંટણી પૂરી થયા બાદ ફરીથી નેતાઓ અને અધિકારીઓ ગામ તરફ ફરક્યા નથી. વચનો હવામાં ઓગળી ગયા છે. મધ્યાહન ભોજનનું જર્જરિત મકાન બાળકો માટે જોખમી‎ નવા શાળા મકાનનો અભાવ તો છે જ. પરંતુ જે મકાનમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા ચાલી રહી છે તે પણ અત્યંત જર્જરિત અને ખખડધજ હાલતમાં છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ ઈમારત બાળકોની સલામતી અને આરોગ્ય માટે મોટો ખતરો બની જાય છે. ભોજન લેતી વખતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ ઉઠાવીને વાલીઓએ સત્વરે આ ભયજનક માળખા અંગે પણ તપાસ કરવા પગલાં ભરવાની માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાણીની આવક ઘટીને 45 હજાર કયુસેક થઇ‎:નર્મદા ડેમ 138.11 મીટર, પૂર્ણ ભરાવાથી હજી 57 સેમી દૂર રહ્યો
    Next Article
    તંત્રની કામગીરી પર સવાલ:પવનચક્કીની વીજલાઈને લીધો રાષ્ટ્રીય પક્ષીનો ભોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment