Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રોલ્સ રોય'માં ફરતા બિલ્ડરનું મોત કુદરતી નહીં, આપઘાત કર્યાનો ધડાકો:જામનગરના મેરામણ પરમારના પરિવારની 11 વ્યાજખોર સામે 153 કરોડની મિલકત પચાવી પાડ્યાની ગાંધીનગરમાં ફરિયાદ

    5 days ago

    જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો ખુલાસો થયો છે. મૃતક બિલ્ડર પાસેથી જામનગરના પ્રખ્યાત વાઢેર પરિવાર અને દોમડીયા પરિવારે 153 કરોડથી વધુની 28 પ્રોપર્ટી પચાવી પાડી છે. બિલ્ડરના પુત્ર દેવ પરમાર (રહે. બોડકદેવ, અમદાવાદ)એ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 11 આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર રચવા તથા આપઘાતની દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, મેરામણ પરમારે 2016માં સૌરાષ્ટ્રની પહેલી 6.5 કરોડની રોલ્ય રોય્સ કાર ખરીદી હતી. ડ્રાઈવરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી જામનગરના મૂળ વતની બિલ્ડર મેરામણભાઈ પરમાર ડ્રાઈવર સાથે ગત તા.10 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે અડાલજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અડાલજ ગામની સીમમાં ગાડી ઊભી રાખી ડ્રાઈવરને પાન લેવા મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી અને તબિયત લથડી હતી. જેના પગલે તેઓને તાત્કાલિક ગોતા-વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાતે તેનું મોત થયું હતું. એ વખતે પ્રથમ દ્રષ્ટિએ કુદરતી કે શંકાસ્પદ મૃત્યુ જણાતા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અંતિમ ક્રિયા કરી દીધી હતી. બિલ્ડરે લખેલી 2 સુસાઈડ નોટ પત્નીને મળી જોકે મેરામણભાઈના અવસાનના આશરે 10 દિવસ બાદ તા.21 જાન્યુઆરી 2025ના રોજ તેમના પત્ની કિર્તીબેનને ઘરમાંથી એક બંધ કવર મળી આવ્યું હતું, જેના પર મૃતકના હસ્તાક્ષરમાં આ કવર મારા પરિવારના રૂબરૂમાં ખોલશો તેમ લખી તા. 7 જાન્યુઆરી 2025ની તારીખ અને સહી કરેલ હતી. પરિવારે આ કવર ખોલતા તેમાંથી મેરામણભાઈ પરમારના સ્વ-હસ્તાક્ષરમાં લખાયેલી બે અલગ-અલગ સુસાઈડ નોટો મળી આવી હતી. પ્રથમ ચાર પાનાની સુસાઈડ નોટ (29 ડિસેમ્બર 2024)માં સ્પષ્ટ આક્ષેપ કરાયો હતો કે, જામનગરના વ્યાજખોરો ભીખુભા હરીસિંહ વાઢેર અને તેના પુત્રો ધવલસિંહ, વિરેન્દ્રસિંહ અને શૈલેન્દ્રસિંહે મુદ્દલ અને વ્યાજની તમામ રકમ 3% લેખે ચૂકવી આપી હોવા છતાં સેફ્ટી માટે પોતાના નામે કરાવેલી મિલકતો પરત આપતા નથી અને ઉપરથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલી અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. આ જ રીતે બીજી સુસાઈડ નોટ (તારીખ 2 જાન્યુઆરી, 2025)માં પ્રવિણ લક્ષ્મણભાઈ દોમડીયા અને તેના પરિવારે ઢીચડાની નંદ વિદ્યા નિકેતન સ્કૂલની 50% મિલકતનો દસ્તાવેજ સેફ્ટી પેટે કરાવી લીધા બાદ રૂ. 3.50 કરોડની વધુ માગણી કરી અસહ્ય માનસિક ત્રાસ આપ્યાનો ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્ટેટમેન્ટ, દસ્તાવેજો ચકાસતા 28 પ્રોપર્ટી પચાવી પાડ્યાનો ખુલાસો આ સુસાઈડ નોટ મળ્યા બાદ ફરિયાદી દેવ પરમાર અને તેના ભાગીદાર હરીશ ઓડેદરાએ બેંક સ્ટેટમેન્ટો અને સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો ચકાસતા વ્યાજખોરોના કાળા કારનામાનો પર્દાફાશ થયો હતો. વ્યાજ પેટે લીધેલા નાણાંની સિક્યુરિટી અને જામીનગીરી પેટે વાઢેર પરિવારે જામનગર શહેર, નાઘેડી, લાખાબાવળ, મસિતીયા, ઢીચડા, નગરસીમ અને રાવલસર ગામની સીમમાં આવેલી આશરે 28 જેટલી કિંમતી જમીનો તથા પ્લોટોના વેચાણ દસ્તાવેજો પોતાના તથા પોતાના પરિવારની મહિલાઓના નામે કરાવી લીધા હતા. વેચાણ કિંમતની રકમ માત્ર કાગળ પર દર્શાવી ઉપરાંત દસ્તાવેજોમાં દર્શાવવામાં આવેલ અવેજ પેટેની વેચાણ કિંમતની રકમ માત્ર કાગળ પર દર્શાવવા પૂરતી જ એચડીએફસી બેંકના ચેકો દ્વારા મેરામણભાઈ અથવા તેની પેઢી શિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ લેન્ડ ડેવલપર્સ તથા પ્રમુખદેવ પેટ્રોલિયમના ખાતામાં જમા કરવામાં આવતી હતી. ત્યારબાદ તે જ દિવસે અથવા બીજા જ દિવસે આ તમામ રકમ RTGS અથવા ચેક મારફતે વાઢેર પરિવારની વિવિધ પેઢીઓ જેવી કે શ્રી સ્વામીનારાયણ અર્થ મુવર્સ, જય શ્રીનાથ કન્સ્ટ્રક્શન અથવા તેઓના સગા સંબંધીઓના ખાતામાં પરત ટ્રાન્સફર કરાવી લેવામાં આવતી હતી. આ રીતે કરોડો રૂપિયાની જમીનો એક પણ રૂપિયાના સાચા ચુકવણા વગર છેતરપિંડીથી પચાવી પાડવામાં આવી હતી. દોમડીયા પરિવારે સ્કૂલનો કબજો પુત્રના નામે કરાવી લીધો તે જ રીતે જામનગરના ઢીચડા ગામની સીમમાં આવેલી 17,027 ચો.મી. જમીન પરની 'નંદ વિદ્યા નિકેતન સ્કૂલ' પૈકી 7,021 ચો.મી. મિલકતનો 50% હિસ્સો પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ દોમડીયાએ નાણાકીય રોકાણ સામે સિક્યુરિટી પેટે પોતાના તથા પત્ની કાંતાબેનના નામે રજિસ્ટર કરાવી લીધો હતો. આ અવેજ પેટે 5 વર્ષ સુધી વાર્ષિક 2% લેખે કરોડોનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં દોમડીયા પરિવારે સ્કૂલનો 100% કબ્જા વગરનો કરાર પોતાના પુત્ર વિશાલ દોમડીયાના નામે કરાવી લીધો હતો. 3.50 કરોડની માગણી કરીને ત્રાસ આપ્યો બાદમાં જમીન ક્લિયર થઈ જતાં હિસાબ ચૂકતે થવા છતાં સ્કૂલના દસ્તાવેજો પરત કરવા માટે વધારાના રૂ. 3.50 કરોડની માગણી કરી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. વાઢેર અને દોમડીયા પરિવારના 11 સામે ફરિયાદ નોંધાઈ અડાલજ પોલીસ ચોપડે 11 સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર અને પ્રવિણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર (તમામ રહે. શ્રીહરી નિવાસ, ખોડીયાર મંદિર પાસે, આદર્શ સોસાયટી, એરોડ્રામા રોડ, જામનગર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દોમડીયા પરિવારના પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ દોમડીયા, કાંતાબેન પ્રવિણભાઇ દોમડીયા અને વિશાલ પ્રવિણભાઇ દોમડીયા (તમામ રહે. બ્લોક નં. 69, વિશાલ જનતા સોસાયટી, જનતા રેલ્વે ક્રોસીંગ પાસે, જામનગર)ને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ચકચારી કેસમાં અડાલજ પોલીસના આ આકરા પગલાંથી જામનગર અને અમદાવાદના ભૂમાફિયાઓ અને વ્યાજખોરોમાં ભારે ફાળ પડી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના પૂજારી ગોમતીબાપુ ગુમ:અયોધ્યાથી નેપાળ જવા નીકળ્યા બાદ 10 દિવસથી કોઈ પત્તો નહી
    Next Article
    નવસારી સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી:કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો ઉમટી, લાગણીસભર દ્રશ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment