Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છું':જૂનાગઢમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન બાદ વૃદ્ધા કાયમી પથારીવશ થયા, વ્યાજે લઈ 11 લાખ ખર્ચ્યા; પરિવારનો આક્ષેપ​

    1 day ago

    જૂનાગઢ માણાવદર તાલુકાના લીંબુડા ગામના એક વૃદ્ધા ભગંદરનું સાધારણ ઓપરેશન કરાવવા માટે પગે ચાલીને હોસ્પિટલ ગયા અને કાયમી માટે પથારીવશ થઈને બહાર આવ્યા છે. પ્રભાબેન યુનિક હોસ્પિટલમાં ડો.દિવ્યાંગ પટેલ પાસે ભગંદરની સારવાર માટે ગયા હતા. ઓપરેશન પહેલાં કરાવવામાં આવેલા તમામ પ્રાથમિક મેડિકલ રિપોર્ટ સંપૂર્ણપણે નોર્મલ આવ્યા હતાં. ત્યારબાદ દર્દીને ઓપરેશનમાં લઈ જઈને કમરમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે, ઇન્જેક્શન આપતી વખતે દર્દી ચીસો પાડી ઉઠ્યા અને થોડી જ વારમાં છાતીથી નીચેનો આખો ભાગ નિષ્ક્રિય થઈ ગયો હતો. પ્રભાબેને કહ્યું કે, હું અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છું. સ્થિતિ વધુ વણસતાં વૃદ્ધાને જૂનાગઢની ત્રિમૂર્તિ ICU અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં ખસેડાયા હતા. વ્યાજે પૈસા લઈને રૂ. 11 લાખનો મોટો ખર્ચ કરવા છતાં દર્દીની હાલતમાં કોઈ સુધારો થયો નથી. પરિવારનો એવો દાવો છે કે, હોસ્પિટલ તંત્રને ભૂલ સમજાતાં ઓપરેશનની ફી લીધી નહોતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે, ડોક્ટરની બેદરકારીના કારણે છાતીથી નીચેનો ભાગ કાયમી માટે પેરાલાઇઝ્ડ થયો છે. જવાબદાર ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પુત્રએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જુનાગઢ જિલ્લા અને મનપા આરોગ્ય વિભાગ અને ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. 'મારો છાતીથી નીચેનો ભાગ સાવ ખોટો પડી ગયો' વૃદ્ધા પ્રભાબેન મોરીએ કહ્યું કે, અમે યુનિક હોસ્પિટલમાં ડો. દિવ્યાંગ પટેલ પાસે ગયા હતા, જ્યાં તપાસ બાદ 15 દિવસની દવા આપી હતી. ત્યારપછી પરિવાર સાથે પુનઃ હોસ્પિટલ જતાં તમામ રિપોર્ટ નોર્મલ આવતાં દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું. ઓપરેશન થિયેટરમાં કમરમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું, ત્યારે મેં ઘણી ચીસો પાડી અને ત્યારબાદ બેભાન થઈ હતી. ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ મારો છાતીથી નીચેનો ભાગ સાવ ખોટો પડી ગયો છે, બીજા કોઈ ખવડાવે તો જ ખાઈ શકું છું અને નવડાવે તો જ નાહી શકું છે. 'કમરમાંથી લિક્વિડ સેમ્પલ લીધા બાદ સ્થિતિ ગંભીર થઈ' વૃદ્ધાના પતિ ભૂપતભાઈ મોરીએ જણાવ્યું કે, મારી પત્નીનું ઓપરેશન પૂરું થયા બાદ તબીબોએ બધું બરાબર હોવાનું કહ્યું હતું. પરંતુ કલાકો વિત્યા બાદ મારી પત્ની ભાનમાં આવી ત્યારે તેમણે છાતીથી નીચેનો ભાગ કામ ન કરતો હોવાની વાત કરી હતી. શરૂઆતમાં ઇન્જેક્શનની અસર ઉતર્યા પછી બધું સારું થઈ જશે તેવી આશા હતી, પરંતુ અસર દૂર થવાને બદલે ઊંધી અસર થઈ ગઈ હતી. કમરમાંથી લિક્વિડ સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલ્યા બાદમાં સ્થિતિ ગંભીર જણાતાં અન્ય તબીબોને બોલાવાયા હતા. 'તબીબોએ ભૂલ સ્વીકારી, ઓપરેશનનો કોઈ ચાર્જ ના લીધો' વધુમાં કહ્યું કે, અગાઉ આયુષ્યમાન કાર્ડ પર સારવારની ના પાડનાર જૂનાગઢના તબીબોએ ભૂલ સ્વીકારીને રાજકોટની હોસ્પિટલમાં પણ આવ્યા હતા અને તેને જુનાગઢમાં કરેલા ઓપરેશનનો કોઈ ચાર્જ પણ વસૂલ્યો નહોતો. વૃદ્ધાના ભાણેજ પરસોતમભાઈ સુરેશભાઈ સુરેજાએ કહ્યું કે, મારા મામી એકદમ સાજા-નરવા અને પોતાના પગે ચાલીને ઓપરેશન કરાવા ગયા હતા, પરંતુ તબીબોએ મરણતોલ સ્થિતિમાં મૂકી દીધા છે. એક મહિનો અને દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેમની હાલતમાં કોઈ સુધારો થયો નથી. રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે વ્યાજે પૈસા લઈને 11 લાખનો મોટો ખર્ચ કર્યો છે. સરકાર અને પોલીસ પાસે માગ છે કે બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો દર્દીને કંઈ પણ થશે તો તેની પૂરેપૂરી જવાબદારી ડોક્ટરોની રહેશે. 'દર્દીને આંચકી આવતાં ICUમાં શિફ્ટ કરાયા હતા' યુનિક હોસ્પિટલના ડો. દિવ્યાંગ પટેલે જણાવ્યું કે, દર્દી પ્રભાબેન મોરી ભગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા માટે આવ્યા હતા. કોઈપણ શસ્ત્રક્રિયા માટે એનેસ્થેસિયા આપવું અનિવાર્ય હોવાથી તમામ પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યા હતા. ક્વોલિફાઇડ એનેસ્થેટિસ્ટ ડોક્ટરે સ્પાઇનલ એનેસ્થેસિયાની પદ્ધતિ મુજબ કમરમાં ઇન્જેક્શન આપીને ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. જોકે, રિકવરી રૂમમાં શિફ્ટ કર્યા બાદ ધાર્યા મુજબ એનેસ્થેસિયાની અસર ઓછી થઈ રહી નહોતી. આથી ન્યુરો ફિઝિશિયન ડોક્ટર જાદવની સલાહ લઈ MRI કરાવાનો નિર્ણય લેવાયો હતો. 'મેડિકલ સાયન્સમાં આ ખૂબ જ દુર્લભ' એનેસ્થેસિયા આપનાર ડોક્ટર દેવેન ગોહિલે જણાવ્યું હતું કે તેઓ હંમેશા દર્દીનું હિત જ ઈચ્છતા હોય છે. મેડિકલ સાયન્સમાં આ ખૂબ જ દુર્લભ અને જૂજ કિસ્સાઓમાં બનતી ઘટના છે. આક્ષેપ પ્રતિ-આક્ષેપ કોઈપણ કરી શકે છે, પરંતુ તબીબો તરીકે દર્દી વહેલી તકે સ્વસ્થ થાય તે માટે તેમણે રાજકોટ સુધી જઈને પણ જરૂરી તમામ તબીબી સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો બિસ્માર રસ્તો બન્યો મુશ્કેલીનું કારણ:ઈન્દ્રેશ્વરનો રસ્તો બિસ્માર હોતા મહંતે નારાજગી વ્યક્ત કરી, જ્યારે શાસક પક્ષના નેતાએ કહ્યું પર્યાવરણીય મંજૂરી બાદ રિસરફેસિંગ કરાશે
    Next Article
    ડ્રગ્સ વેચાણના એડ્રેસ આપનારી તમન્ના સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ:કાફે સંચાલકને કહ્યું- '2 લાખ નહીં આપે તો તારો વીડિયો વાઈરલ કરીશ', ઈન્સ્ટા-ફેસબુક એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment