Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં વૃક્ષારોપણના નામે પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો:​ટીંબાવાડી ગાર્ડનમાં 1000 થી વધુ રોપાઓ સુકાઈને મૃતપ્રાય: શાસકોના 'ફોટો સેશન' સામે વિપક્ષના આકરા પ્રહારો, સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યો સરકારી જવાબ

    19 hours ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકામાં પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના મોટા મોટા દાવાઓ વચ્ચે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 'એક પેડ મા કે નામ' અને 'મિયાવાકી ફોરેસ્ટ' જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પર્યાવરણલક્ષી યોજનાઓ માત્ર કાગળ પર અને નેતાઓના ફોટો સેશન પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. જૂનાગઢના ટીંબાવાડી ગાર્ડન સહિત વિવિધ સ્થળોએ ફોરેસ્ટ વિભાગ પાસેથી અત્યંત જતનથી ઉછેરીને લાવવામાં આવેલા અંદાજે 1000 જેટલા કિંમતી અને નાજુક રોપાઓ યોગ્ય સંભાળ અને સમયસર વાવેતરના અભાવે બિનવારસી હાલતમાં સુકાઈને નાશ પામ્યા છે. વહીવટી તંત્ર અને શાસક પક્ષ દ્વારા મંત્રીઓની હાજરીમાં માત્ર પ્રચાર અને વાહવાહ લૂંટવા પૂરતા તાઈફાઓ કરીને પ્રજાના ટેક્સના નાણાં, ટ્રેક્ટરનો ખર્ચ અને મેનપાવરનો ધોળા દિવસે બગાડ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ​મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આકરા પ્રહારો કરતા શાસક પક્ષને આડે હાથ લીધો છે. લલિત પરસાણાએ જણાવ્યું છે કે પર્યાવરણ દિવસથી માંડીને અત્યાર સુધી મહાનગરપાલિકા દર વર્ષે વૃક્ષો અને રોપાઓનું વિતરણ કરે છે. ફોરેસ્ટ વિભાગ પાસેથી દર વર્ષે મોટા પાયે રોપાઓ લાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અત્યંત ગંભીર છે. ટીમબાવડી ગાર્ડન સહિત ઘણી જગ્યાએ રોપાઓ લાવીને માત્ર રખડતા મૂકી દેવાયા છે. શાસક પક્ષ અવારનવાર માત્ર રોપાઓ આવે ત્યારે નાટકો કરે છે અને બહારથી મંત્રીઓ આવે ત્યારે તેમની સાથે ઊભા રહીને ફોટા પડાવી ફોટો સેશન કરે છે. ફોરેસ્ટ વિભાગ આટલા જતનથી રોપાઓ આપે છે, ત્યારે શાસકો ખોટો જશ લેવા 'એક પેડ મા કે નામ' જેવા તાઈફાઓ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે નાના છોડવાઓ ગાર્ડનમાં એમનેમ સુકાઈ રહ્યા છે અને બાળ સ્વરૂપમાં જ તેમનો વિનાશ થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે ટ્રેક્ટર મોકલવા અને મેનપાવર બગાડવાનો જે સરકારી ખર્ચ થાય છે તે પ્રજાના પૈસાનું પાણી કરવા સમાન છે. આ રોપાઓનું તાત્કાલિક અને યોગ્ય જગ્યાએ વિતરણ થવું જોઈએ જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે. ​ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું છે કે તેમના ધ્યાન પર પણ આ બાબત આવી છે કે ટીંબાવાડી ગાર્ડનમાં રોપાઓ રાખવામાં આવ્યા છે. ત્યાં અંદાજે હજારેક જેટલા રોપાઓ પડ્યા છે, કારણ કે ત્યાં મિયાવાકી ફોરેસ્ટ એટલે કે એક પ્રકારનો ઓક્સિજન પાર્ક ઊભો કરવાનો આયોજન છે. આ મિયાવાકી ફોરેસ્ટમાં જ આ તમામ રોપાઓનું પ્લાન્ટેશન કરવાનું હોવાથી તેને ત્યાં રાખવામાં આવ્યા હતા. ​વધુમાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે ખુલાસો કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'એક પેડ મા કે નામ' ઝુંબેશને આગળ વધારી રહી છે. ગાર્ડનમાં જે રોપાઓ સુકાઈ ગયા છે તેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે અને બાકીના જે હયાત રોપાઓ છે તેને સુકાતાં બચાવીને તેનું તાત્કાલિક વાવેતર થાય તે માટે ગાર્ડન શાખાના અધિકારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે. આમ, એક તરફ વિપક્ષ તંત્ર પર પ્રજાના પૈસાના બગાડ અને દેખાડાનો આરોપ લગાવી રહ્યો છે, તો બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને મિયાવાકી ફોરેસ્ટના આયોજનનું બહાનુ ધરીને બાકીના છોડ વાવવાની ખાતરી આપી છે. સ્થાનિક નાગરિકોમાં હવે એવી માંગ ઉઠી રહી છે કે તંત્ર માત્ર કાગળ પરની યોજનાઓ અને દેખાડો બંધ કરી રોપાઓનું સાચે જ જતન કરે.
    Click here to Read More
    Previous Article
    તમારા આધાર પર બીજું કોઈ સિમ તો નથી ચલાવી રહ્યું:આ રીતે તપાસો; એક ID પર 9 કનેક્શનની છૂટ, ખોટા ઉપયોગ પર રિપોર્ટ કરી શકો છો
    Next Article
    સૂર્યા ચોક પાસે જૂની અદાવતમાં યુવક પર ચાર શખસનો હુમલો:રસ્તામાં બહેનની નજર સામે માથામાં ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment