Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:રેસકોર્સમાં મેયરની હાજરીમાં 1000 કરતા વધુએ યોગ કર્યા, ફૂટબોલ ગ્રાઉન્ડમાં મંત્રી બાવળીયા અને રેસકોર્સ સ્વિમિંગ પુલમાં 157 મહિલા-બાળકોએ પાણીમાં યોગ કર્યા

    1 day ago

    દેશભરમાં આજે 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મનપા દ્વારા માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર ડો. નેહલ શુક્લ અને રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયા તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળાની હાજરીમાં 1000 કરતા વધારે લોકોએ યોગા કર્યા હતા. તો જિલ્લા કક્ષાની ઉજવણી ફૂટબોલ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કલેક્ટરની હાજરીમાં 800 કરતા વધારે લોકોએ યોગાસન કર્યા હતા. જ્યારે રેસકોર્સનાં સ્વિમિંગ પુલમાં 157 જેટલી મહિલાઓ અને બાળકો દ્વારા ખાસ એકવાયોગ (પાણીમાં યોગ) કરવામાં આવ્યા હતા. જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકો 365 દિવસ યોગ કરી શકે તે માટે 400 કરતા વધુ સેન્ટર શરૂ કરવામાં આવશે. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ 2014માં પદ સંભાળતાની સાથે જ વૈશ્વિક સ્તરે ભારતની પ્રાચીન યોગ પદ્ધતિની નોંધ લેવાય તે દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમના આ પ્રશંસનીય પ્રયાસોના પરિણામે સમગ્ર વિશ્વમાં 21 જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આજે વિશ્વના 97% દેશો ભારતની આ પ્રાચીનતમ યોગ પદ્ધતિથી વાકેફ થયા છે. તેમજ તેને પોતાની જીવનશૈલીના એક ભાગ તરીકે અપનાવી ચૂક્યા છે. 21 જૂનનો દિવસ ભૌગોલિક રીતે વિશ્વના ઘણા ભાગોમાં સૌથી લાંબો દિવસ હોય છે, જેથી આ ખાસ દિવસની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સહયોગથી 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' સાથે મળીને રાજકોટ શહેરમાં 426 જેટલા લોકેશન આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. આ તમામ સેન્ટરો પર આગામી આખા વર્ષ દરમિયાન સવારે 7:00 થી 8:00 વાગ્યા સુધી નાગરિકોને યોગની ટ્રેનિંગ અને કોચિંગ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવશે. આ વખતે 'હેલ્ધી એજિંગ'ના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને મેયર ડો. નેહલ શુક્લએ રાજકોટના સર્વે શહેરીજનોને પોતાના નજીકના યોગ સેન્ટરની મુલાકાત લઈ, યોગને દૈનિક જીવનશૈલીમાં વણીને નિરોગી રહેવા માટે ખાસ અપીલ કરી છે. યોગ સેન્ટરો માટે થનારા ખર્ચ અંગે સ્પષ્ટતા કરતા મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, આ સેન્ટરો શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનો આર્થિક ખર્ચ ભોગવવામાં આવનાર નથી. મહાનગરપાલિકાએ માત્ર પોતાના હસ્તકની જગ્યાઓ જ ઉપલબ્ધ કરાવી છે. ગુજરાત સરકારના સહયોગથી ચાલતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સેન્ટરો પર પ્રોફેશનલ યોગ કોચ અને શિક્ષકોની વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવશે. જેથી રાજકોટનાં લોકો માત્ર 21 જૂને નહીં 365 દિવસ 'યોગ'નો લાભ લઇ શકશે. બીજીતરફ રાજકોટનાં ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી કુંવરજી બાવળીયા અને જિલ્લા કલેક્ટર સહિત 800 કરતા વધુ લોકોએ યોગાસન કર્યા હતા. જેમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ માત્ર ભારત જ નહીં વિશ્વના 190 દેશોએ યોગનું મહત્વ સ્વીકાર્યું છે. અને 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય - સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવાનું એક મહત્ત્વનું માધ્યમ છે. યોગ માત્ર શારીરિક કસરત જ નહીં પરંતુ માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. રાજકોટનાં રેસકોર્સ સ્વિમિંગ પુલ ખાતે એકવાયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ આયોજનમાં 107 જેટલી મહિલાઓ સહિત કુલ 157 જેટલા લોકોએ પાણીની અંદર અલગ-અલગ યોગાનાંસનો કર્યા હતા. આજરોજ મ્યુઝિકલ ડે પણ હોવાથી સમગ્ર યોગ સત્ર મ્યુઝિકલ થીમ ઉપર આધારિત રાખવામાં આવ્યું હતું. એક્વા યોગ કરનાર મહિલાઓના જણાવ્યા અનુસાર, પાણીમાં યોગ કરવાના અગણિત ફાયદા છે. જે શારીરિક મુવમેન્ટ સામાન્ય રીતે જમીન ઉપર કરવામાં તકલીફ પડતી હોય, તે પાણીના પ્રવાહ અને સપોર્ટને કારણે ખૂબ સરળતાથી અને આસાનીથી કરી શકાય છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજકોટની એક પરંપરા રહી છે કે મુખ્ય યોગ દિવસની ઉજવણી સાથે ‘એક્વા યોગ’ને પણ જોડવામાં આવે છે. આ વર્ષે પણ અમારા સ્વિમિંગ પૂલ ખાતે મોટી સંખ્યામાં સ્વિમર્સ આ આયોજનમાં જોડાયા હતા. અમારી ટીમ દ્વારા સ્વિમિંગ સાથે યોગને જોડીને આખી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. સ્વિમિંગ સાથે યોગ કરવાથી તે શારીરિક તંદુરસ્તી માટે ટ્રેનિંગના એક અલગ સ્તર તરીકે કામ કરે છે અને તેનાથી શરીરને ખૂબ જ સારો ફાયદો થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા 365 દિવસ યોગાનાં આહ્વાનને વેગ આપવા માટે રાજકોટને ‘15 Minutes Yoga City Rajkot’ પણ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને યોગમય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે આગામી સમયમાં પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. આજે યોગ દિવસની આ તમામ પ્રવૃત્તિઓમાં રાજકોટના નાગરિકોએ ખૂબ જ ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં ભાગ લીધો છે. વહીવટી તંત્રની અપેક્ષા કરતાં પણ ઘણો સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો છે, જે ખૂબ જ આનંદની વાત છે. ઉલ્લેખનીય છે કે, આજના કાર્યક્રમમાં દરેક ઉંમરના લોકો, બાળકો, યુવાનો, વડીલો ઉત્સાહભેર જોડાયા હતા, જે દર્શાવે છે કે યોગ કોઈ ચોક્કસ વય જૂથ પૂરતો સીમિત નથી. યોગ દરેક વ્યક્તિ માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેનો એક શક્તિશાળી માર્ગ છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોને આ યોગ શિબિરનો લાભ લેવા માટે કરવામાં આવેલો અનુરોધ સંપૂર્ણપણે સાર્થક થયો હતો, કારણ કે કાર્યક્રમ સ્થળ પર અભૂતપૂર્વ જનમેદની જોવા મળી હતી. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધે છે અને લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવા માટે પ્રેરિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:વીર સાવરકર હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમ, અનેક લોકો જોડાયા
    Next Article
    12 આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી:મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોગ કર્યાં, 6000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment