Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલારામ મહાદેવ મંદિર નજીક 10 હેક્ટરમાં બનશે ‘મહા વન કવચ’:ત્રિશૂળ અને બિલીપત્ર થીમ પર નિર્માણ; 74થી વધુ મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરાશે

    9 hours ago

    બાલારામ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, બાલારામ મહાદેવ મંદિર નજીક આશરે 10 હેક્ટર વિસ્તારમાં વિશિષ્ટ ‘મહા વન કવચ’ વિકસાવવાની જાહેરાત કરાઈ હતી. આ ‘મહા વન કવચ’ પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણીય પુનઃસ્થાપન, જૈવવિવિધતાના સંવર્ધન અને વન્યજીવો માટે અનુકૂળ કુદરતી રહેઠાણના વિકાસના ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વિકસાવવામાં આવશે. તેનું નિર્માણ ત્રિશૂળ અને બિલીપત્રની થીમ પર થશે. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ સંરક્ષણને લોકભાગીદારી સાથે જોડવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલ અંતર્ગત સામાન્ય ‘વન કવચ’ની તુલનામાં 10થી 50 હેક્ટર સુધીના વિશાળ વિસ્તારમાં સ્થાનિક વૃક્ષો અને વનસ્પતિનું વાવેતર કરી જંગલનું નિર્માણ કરાશે. બાવળથી આચ્છાદિત વિસ્તારોને હરિયાળા અને જૈવવિવિધતાસભર બનાવવાની સાથે પક્ષીઓ, નાના પ્રાણીઓ તથા અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી આવાસ ઊભો કરવાનો ઉદ્દેશ છે. નાગરિકોને પોતાના જન્મદિવસ અને પરિવારના વિશેષ પ્રસંગોએ અહીં આવી વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. વૃક્ષો વન વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે વાવેતર નાગરિકો દ્વારા અને જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવશે. ‘મહાવન કવચ’માં 74થી વધુ સ્થાનિક અને પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરી QR કોડ મારફતે વૃક્ષોની ઓળખ, ગુણધર્મો તથા પર્યાવરણીય અને ઔષધીય મહત્વની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બનાસકાંઠામાં પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધન જેવા પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને વિકાસની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ટુરિઝમ સર્કિટ વિકસાવવાની દિશામાં બાલારામ વિસ્તારને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. બાલારામ મહાદેવ મંદિર, ઉઝાણી સહિતના ધાર્મિક અને કુદરતી સ્થળોને જોડીને આ વિસ્તારને પ્રવાસનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. બાલારામ ખાતે આશરે રૂ. 25 કરોડના ખર્ચે પ્રવાસન વિકાસના કામો ઉપરાંત વન્યજીવોના સંવર્ધન માટે બ્રિડિંગ સેન્ટર તથા આગામી સમયમાં વિવિધ જીવસૃષ્ટિના ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. રસ્ટી સ્પોટેડ કેટ સહિતની સ્થાનિક વન્યજીવ પ્રજાતિઓ અને દુર્લભ પક્ષીઓની જૈવવિવિધતાને જાળવવા માટે સંવર્ધનના પ્રયાસો કરવામાં આવશે. નડાબેટ, ઝૂ અને નાઈટ સફારી સહિતના પ્રવાસન સ્થળો સાથે બાલારામને જોડીને ભવિષ્યમાં બનાસકાંઠામાં સફારી અને વન્યજીવ પ્રવાસનને વધુ વેગ આપવાની દિશામાં પણ આયોજન થઈ રહ્યું છે. ‘મહાવન કવચ’ને માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓ માટે કુદરતી શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિનું કેન્દ્ર બનાવવાનો પણ ઉદ્દેશ છે. લીમડો, શીશમ, ખેર સહિતની વિવિધ સ્થાનિક પ્રજાતિઓને નજીકથી ઓળખવા અને તેમના પર્યાવરણીય તથા ઔષધીય મહત્વને સમજવાનો અવસર મુલાકાતીઓને મળશે. બાલારામની ટેકરીને પણ પ્રવાસન માટે વિકસાવવાની દિશામાં કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. પર્યાવરણ સંરક્ષણમાં જનભાગીદારી વધારવા માટે CREDAI બનાસકાંઠા, લાયન્સ સહિતની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને મોટા પાયે વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ કરાઈ છે. CREDAI બનાસકાંઠા દ્વારા 100થી 200 હેક્ટર જેટલી જમીન ઉપલબ્ધ થાય તો વ્યાપક વૃક્ષારોપણ કરવાની તૈયારી વ્યક્ત કરાઈ છે. ભારત સરકારના ‘ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ’ સાથે પણ વધુમાં વધુ સંસ્થાઓ અને નાગરિકોને જોડીને બનાસકાંઠામાં હરિયાળી, જૈવવિવિધતા, પર્યાવરણ સંરક્ષણ અને પર્યટનનો સમન્વય સાધી આવનારી પેઢીઓ માટે વધુ સમૃદ્ધ અને કુદરતપ્રેમી બનાસકાંઠાનું નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંત્રી પ્રવીણ માળીએ બાલારામ મહાદેવના દર્શન કરી પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ પ્રેરક સંબોધન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ખરાબ હવામાનના લીધે ત્રીજા દિવસે વહેલા સ્ટમ્પ્સ જાહેર થયા:ભારતને 178 રનની લીડ મળી, શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ; રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી
    Next Article
    પંચાયત વિભાગમાં 4 TDOને પ્રમોશન, અશોકકુમારને બેચરાજી મંદિર ટ્રસ્ટની જવાબદારી:ભાવેશ વસાવા, મલય ભુવા અને કૃષ્ણપાલને DyDDOની પોસ્ટ, વર્ગ-1ના જુનિયર સ્કેલમાં નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment